Wednesday, June 18, 2014

પાત્ર વિનાનું પીરસો,  ભલે છપ્પન ભોગ ધરાય
છલકે પણ છાજે નહીં,   ભૂખ ભાવઠ ના જાય..

ઊલટો અમૃત કુંભ પણ, ઠીકરે ના ઠેરાય
સિંહણ કેરું દુધ તો,     કંચન પાત્ર ભરાય..

સાજ તુરંગ ને શોભતો,  લગડું ગર્દભ સોય       
કુંજર બેઠો કર ધરે,    માંગણ ટેવ ન ખોય  

Monday, June 16, 2014

સંત સેવક કે ભક્ત જન, ચોથા અન્ન દાતાર
હરિ હૈયે અવિરત વસે, નજર હટે ના લગાર...

અન્નદાની વીરપુર વસે, એ ની ફોરમ જગ ફેલાય
હૈયે હરખની હેલી ચડે, જ્યાં નામ જલા નું લેવાય..

Sunday, June 15, 2014


અધમ તે અધમ નારી ભીલ જાતી, જાણે નહીં કોઈ જોગ દીપ બાતી
એક ભરોંસો રહે વિશ્વાસે,  ગુરુ મુખ વચન હરી દર્શન થાશે..

Monday, June 9, 2014

                                         અકસ્માત

હમણાંજ અકસ્માતમાં શ્રી ગોપીનાથ મુંડેનું મૃત્યુ અકસ્માતમાં થતાં જાણે આખું તંત્ર ખળભળી ઊઠ્યું, અનેક લોકોએ  શ્રધ્ધાંજલિ આપીને દિલસોજી વ્યક્ત કરી, શું આ પહેલોજ અકસ્માત હતો ? આવાતો અનેક અકસ્માતો દર સેકંડે ભારતમાં થતા રહેછે, પણ આપણું તંત્ર ખાસ ધ્યાન આપતું નથી, હા જ્યારે શ્રી મુંડેજી કે એવાજ કોઈ મોટા માનવને અકસ્માત નડેછે ત્યારે જાણે આભ ફાટી પડ્યું હોય તેમ આપણું તંત્ર ખળભળી ઉઠેછે, થોડા દિવસો એજ બાબતની ચર્ચા ચાલ્યા કરેછે અને પછી બધું રાબેતા મુજબ બનીજાયછે.જો કે આ વખતે શ્રી ગડકરીજીએ આ અકસ્માતને નિવારવા માટેના પગલાં કડકાઈ પૂર્વક લેવાનું નક્કી કર્યું છે તે ખૂબજ આવકાર્ય છે.
ફક્ત આપણા ગાંધીધામના ટાગોર રોડનીજ વાત કરો તો ભાગ્યેજ કોઈ દિવસ નાના મોટા અકસ્માત વિનાનો પસાર થાયછે, શું આ રોડ સાંકડોછે? ના, ફક્ત અને ફક્ત આપણી બેદરકારી/ઝડપ અને નિયમોનું ખુલ્લે આમ ઉલ્લંઘન અથવાતો ક્યારેક કાયદાની અજ્ઞાનતા, જેમકે કોઈ પણ સંજોગોમાં આગલાં વાહનની ડાબી બાજુથી આગળ નીકળી શકાય નહીં, આ નિયમતો જાણે પાલન કરાવનારાઓને પણ વિસરાઇ ગયોછે, આ સિવાય ટ્રાફિક સિગ્નલનું મહત્વ ફક્ત અને ફક્ત જ્યારે પોલીસ જવાન હાજર હોય અને તે પણ જો તેના ધ્યાનમાં આવી જવાય તેમ હોય તોજ ગણાયછે જે ભયંકર ગુનોછે, કેમકે જે ચાલક પોતાની લાઈન ખુલ્લિ હોય ત્યારે બીજો કોઈ વિચાર કર્યા વિના આગળ વધતો હોયછે, પણ આ નિયમનું ઉલ્લંઘન કરીને કોઈ આ ચાલકની વચ્ચે આવી જાય ત્યારે અકસ્માત સર્જાયછે, સુંદરપુરી ચાર રસ્તા પર આવા બનાવ ખૂબ બનેછે કારણ કે આ રસ્તા પરની લાઈટોનું જાણે કોઈ મહત્વજ નથી. અમલદારોની અપુરતી સંખ્યા આવા નિયમોનું પાલન કરાવવામાં મહત્વનો ભાગ ભજવેછે. મારા ખ્યાલ પ્રમાણે જો કોઈ સેવાભાવી સંસ્થા કે કોઈ અન્ય યોગ્ય વ્યક્તિ ટ્રાફીક નિયમન કરાવવામાં માનદ સેવા આપવા તૈયાર થાયતો તેમને પોલીસ દ્વારા સન્માન સહિત આવકારવા જોઈએં અને સાથો સાથ તેમને યોગ્ય ઓળખ પત્ર અને સત્તા પણ આપવી જોઈએં જેથી ગુનો કરનાર તેનાથી ગુનો કરવાનો ડર અનુભવે. સી.સી. ટીવી કૅમેરા આ દૂષણને ડામવા માટે ખૂબજ ઉપયોગી થઈ પડશે, કારણકે તેનાથી પકડાઈ જવાનો ભય રહેશે અને કાયદાનું પાલન કરાવનારને પણ સાવધ રહેવા માટે મજબૂર કરશે.
એક મોટી સમસ્યા ગાડીઓની સિગ્નલ લાઈટની છે, તેનો ખરો ઉપયોગજ જાણે ભુલાઈ ગયો છે, આગળ જતું વાહન જમણી બાજુની સિગ્નલ લાઈટ બતાવે ત્યારે તેના બે મતલબ થતા હોયછે, તે કાંતો જમણી બાજુ જવા માગેછે અથવા પાછળ આવતા વાહનને આગળ જવા માટે રસ્તો આપેછે તે સ્પસ્ટ થતું નથી,  આમાં ઘણી વખત ખોટો મતલબ સમજીને અકસ્માત થવાનો ભય રહેછે, ખરેખર આ સિગ્નલ શું સુચવેછે તે બિલકુલ સાફ હોવું જોઈએ, જેથી કોઈ ગેર સમજ ન થાય. અને ઓવરટેક ફક્ત અને ફક્ત રસ્તો સંપૂર્ણ ખૂલ્લો મળે ત્યારેજ કરવો જોઈએ, જો આ બધા નિયમોનું પાલન કરવામાં આવે તો આજે બનેલા પહોળા રસ્તાઓ નો સંપૂર્ણ ફાયદો મળે સાથો સાથ સંપૂર્ણ સલામતી સાથે નિર્ધારિત જગ્યા પર ઝડપથી પહોંચી શકાય.
એક મહત્વની વાત કે અમુક પ્રકારના વાહન ચાલકો પોતાને આ બધા કાયદાથી પર ગણેછે, જાણે તેમને પીળો પરવાનો મળી ગયો હોય અને તેમના માટે જાણે અલગજ નિયમ છે, ગમે ત્યાં વાહન પાર્ક કરવું, ગમે ત્યાં રસ્તાની વચ્ચે ઉભા રહી જવું, ઉદ્ધત વર્તન. અવાજના પ્રદૂષણ માટે કેવા કેવા હંગામા થતા રહેછે, જ્યારે અમુક વાહનોમાં એટલાં જોરથી ગીતો વાગતા હોયછે કેતે વાહનમાં વાગેછે કે કોઈ મોટા સમારંભમાં તે નક્કી કરવું ભારે પડેછે. અવાજ માટે પણ માત્રા નક્કી કરવામાં આવેલછે, મારા ખ્યાલ મુજબ ૫૫, ડેસીબલની માત્રાથી વધારે અવાજ કરવો ગુનો છે, પણ આ વાહનો અનેક પ્રકારના એર હોર્ન વાપરીને કે બિન જરુરી સતત હોર્ન વગાડીને પણ ભયંકર પ્રદૂષણ ફેલાવેછે,  અને તેને કોઈ રોકતું નથી. વિજ્ઞાપનો પણ અકસ્માતમાં મોટો ભાગ ભજવેછે, રીતીક રોશન ને ધૂમ સ્ટાઇલમાં વાહન ચલાવતો જોઈને તેની દેખા દેખી કરતા યુવાનો પોતેતો અકસ્માતના ભોગ બનેછે પણ ક્યારેક કોઈ નિર્દોષને પણ તેનો ભોગ બનવું પડેછે. વધારે પડતી ગતિ કોઈ અણ સંજોગોમાં ચલાવી લેવી ન જોઈએં, પણ રોકે કોણ? રોકનારની સંખ્યાજ એવીછે કે તે રોકવા જાય ત્યાં પેલો ક્યાંયનો ક્યાં પહોંચી જાય, અને આજ નબળાઇનો લાભ લઈને આવા લોકો છટકી જાયછે. ચાલતા વાહને ફોન પર વાત કરવી ગુનોછે, કાનમાં ભુંગળીઓ ભરાવીને સંગીત સાંભળવું તે પણ તેનોજ એક પ્રકારછે. પણ મોટા ભાગે વાત કરનારાતો કરેછે પણ ભુંગળી વાળાની સંખ્યા માપવી અશક્યછે, આમાં સંગીતના સ્તરનીતો વાતજ કરવા જેવી નથી. હેલમેટ સલામતછે પણ સાથે સાથે તેના થોડા ગેરફાયદા પણ છે, આમાં અવાજ મર્યાદા અને દૃષ્ટિ મર્યાદા પણ સર્જાતી હોઇને ક્યારેક નાના મોટા ગેરફાયદા અનુભવાયછે.
એક અકસ્માતનો પ્રકારછે આગળના વાહનની પાછળ ઘૂસી જવું, આવા અકસ્માતમાં મોટા ભાગે પાછળના વાહન ચાલકજ જવાબદાર હોયછે, કારણકે આગળ વાળા વાહનને કોઈ અવરોધ આવે તો તે બ્રેક મારેજ, પણ મોટા ભાગે પાછળનું વાહન યોગ્ય જગ્યા રાખ્યા વિના એટલી નજદીક હોય કે તેને રોકી ન શકે અને અકસ્માત થાય, આવા સંજોગોમાં આગળના ચાલકને દોષીત ન ગણવો જોઈએં ઊલટું મનેતો લાગેછે કે તેને નુકસાનનું વળતર પાછળ વાળાએ આપવું જોઈએં. આ ઉપરાંત એક મોટામાં મોટો ગુનો રાત્રિના રોડ પર ગમે ત્યાં વાહન ઊભું રાખવું અને તે પણ પર્કિંગ લાઈટો ચાલુ રાખ્યા વિના, હેઝાર્ડ લાઈટ કે જે ચાલુ કરતાં સિગ્નલની બન્ને લાઈટો ચાલુ થાયછે, તે ખતરો બતાવેછે, રાત્રિના વાહન પાર્ક કરતી વખતે આ લાઈટ ચાલુ કરવાની હોય છે, જેથી આવતા જતા વાહનોને દુરથીજ કોઈ વાહન રસ્તા પર છે તે ખ્યાલ આવે, પણ આ લાઈટ નો ઉપયોગ ભાગ્યેજ કોઇને ખબર હોયછે, એ તો જાણે રોશની માટે હોય તેમ ઘણી વાર વાપરવામાં આવેછે. જો કે મોટા ભાગે ટુંકા વિસ્તારમાં ચાલતી ગાડીઓમાં પાછળની લાઈટો કાંતો ચાલુ હોતી નથી કે પછી હોતીજ નથી, અને આવા વાહનોને કોઈ ભાગ્યેજ રોકીને યોગ્ય પગલા લેવા ફરજ પાડેછે, આ નાની એવી બેદરકારી ભયંકર અકસ્માત નોતરેછે, અને મહા મુલી માનવ જીંદગી રગદોળી નાખેછે. બંપ બનાવવાના પણ અનેક નિયમોછે, પણ લોકો પોતાની સુવિધા અનુસાર બંપ બનાવીને કાયદાનું છડેચોક ઉલ્લંઘન કરતા હોયછે અને તેને કોઈ રોકતું પણ નથી. 
અકસ્માત થયા પછી ઘણી વખત અન્ય લોકો દ્વારા વાહનોને કે માલ વાહક વાહન હોય તો માલ સામાનને  નુકસાન કરવામાં આવેછે. અકસ્માતની ગંભીરતા જોતાં ઉશ્કેરાટમાં આવું બને તે સ્વાભાવિકછે, પણ કોઈ પણ સંપતી આખરતો રાષ્ટ્રની સંપતીછે, વાહન માલિકને તેનું જે નુકસાન થાયછે તેમ દેશની પણ એ મિલકત નુકસાન પામેછે, માટે ચાલકને યોગ્ય સત્તા દ્વારા સજા થાય તે જરુરીછે પણ રાષ્ટ્રને શા માટે? અને જો ચાલક પગારદાર હોય તો વાહન માલિકને શા માટે? 
એક મોટામાં મોટી સમાસ્યાછે અકસ્માત સમયે ત્યાંથી પસાર થતા લોકો મદદ કરવા કે પોલીસને જાણ કરતાં અચકાયછે, કારણ કે જો પોલીસ કેસ થાય તો તેમાં તેને પણ સાક્ષી બનવા અને કેસ ચાલે ત્યારે હાજર રહેવું પડે તે બીકે ભાગ્યેજ સામાન્ય લોકો ઇચ્છા હોવા છતાં આ ઝંઝટમાં પડતા નથી. ખરેખર આ એક ગંભીર બાબત છે, માનવતા ખાતર પણ આમાં મદદગાર થવું જોઈએ, પણ એ વાત પણ એટલીજ સત્ય છે કે ક્યારેક આમાં હેરાન પણ થવાનો વારો આવતો હોય છે, આના માટે પણ કાયદામાં કોઈ એવી જોગવાઈ કરવી જોઈએ કે લોકો જરા પણ અચકાયા વિના મદદગાર બનવા તત્પર બને.
સામાન્ય રીતે એક નિયમ બની ગયોછે કે ટ્રક સાથે કોઈ પણ નાનું વાહન ટકરાય તો કંઈ પણ જોયા વિના દોષી ટ્રકનેજ માનવામાં આવેછે, એજ રીતે કોઈ પણ અકસ્માતમાં મોટા વાહનનેજ દોષી ગણવામાં આવે તે યોગ્ય છે ? શું નાના વાહન વાળો ભૂલ કરેજ નહીં ? 
એક માનવામાં ન આવે એવો અકસ્માતનો પ્રકારછે સામે સામે અથડાતાં દ્વિ ચક્રી વાહનો. આજ અહિં કયો એવો માર્ગ છે કે જ્યાં આવા વાહનો આસાનીથી ચાલી ન શકે? છતાં કેમ અથડાઈ પડેછે તે વિચાર કરતા કરીદેછે.
આજે મોટાભાગે ૪, લાઈન કે ૬, લાઈન રોડ બનાવવામાં આવેછે, પણ ચાલકોને તેમાં કયું વાહન ક્યાં ચલાવવું તે જાણે ખબરજ નથી, મારી જાણ મુજબ હંમેશા ઓછી ગતિ વાળું વહન જેમ કે માલ વાહક રિક્ષા, ટ્રેક્ટર અથવા હાઈડ્રાને નામે ઓળખાતી ક્રેન કે જે મોટા ભાગે જમણી બાજુજ ચાલતી હોયછે, તે બધા ડાબી બાજુ એક નં. લાઈનમાં ચલાવવા જોઈએં. ત્યાર બાદ મોટા વાહનો ૨, નંબરમાં અને ૩, નંબરમાં કાર જેવા વાહનો, ૪, નંબરમાં જેમણે આગળના વાહનને ઓવરટેક કરવાનું હોય કે જમણી બાજુ વળાંક લેવાનો હોય તે ચાલે તો અકસ્માત થવાનો કોઈ ચાંસજ રહે નહીં. આ ઉપરાંત નાના રોડ પરથી મોટા કે હાઈવે પર આવતા વાહનોએ પહેલાં ઉભા રહીને બન્ને બાજુ જોયા બાદજ મુખ્ય માર્ગ પર આવવું જોઈએં જે આજકાલ જાણે કાયદામાંથી બહાર થઈ ગયુંછે અને તેથી આ કારણસર ઘણા અકસ્માતો થાયછે. 
ઈશ્વર બધાને સદ્બુદ્ધિ આપે એજ અપેક્ષા.