Wednesday, June 20, 2012

આનંદ

આનંદ

મને અનહદ આનંદ આવે, હરિને હૈયે હેત કેવું આવે..

૧ સેવક કાજે સરવે સરવા, વિધ વિધ રૂપ ધરાવે
પણ પોતાનું જાય ભલે પણ, ભક્તની લાજ બચાવે...

૨ પિતા પ્રભુના પાવળું પાણી, પુત્રના હાથે ન પામે
પણ- અધમ કુળનો જોયો જટાયુ, જેની ચિત્તા રામજી ચેતાવે...

૩ ભીષ્મ પિતામહ ભક્ત ભૂધરના, પ્રણ પ્રીતમ એનું પાળે
કરમાં રથનું ચક્ર ગ્રહતાં, લેશ ન લાજ લગાવે..

૪ સખુ કાજે સખુ બાઈ બનીને, માર ખાધો બહુ માવે
ભક્ત વિદુરની ઝૂંપડીએ જઈ, છબીલો છોતરાં ચાવે...

૫ નરસિંહ કાજે નટખટ નંદન, વણિકનો વેશ બનાવે
હૂંડી હરજી હાથ ધરીને, લાલો લાજ બચાવે..

૬ ગજને માટે ગરુડ ચડે ને, બચ્ચા બિલાડીના બચાવે
ટિટોડીના ઈંડા ઊગારી, "કેદાર" ભરોંસો કરાવે...

સાર:- મને એક આનંદ થાયછે, કે ઈશ્વર ને પોતાના ભક્તો પર કેટલો પ્રેમ
હોયછે? જેના માટે પ્રભુ કંઈ પણ કરવા તત્પર રહેછે.
ભલે પોતાનું વચન-ટેક જાય પણ ભક્તની લાજ જવા નદે.

૨-રામના પિતા દશરથનું જ્યારે મૃત્યુ થયું ત્યારે રામ પિતાજીના મુખમાં
પાણી મૂકી શક્યા ન હતા, પણ એજ રામ જ્યારે સીતાજીના રક્ષણ ખાતર ઘાયલ થયેલા
જટાયુને જોયો ત્યારે તેને પોતાના ખોળામાં લઈને પોતાની જટાથી તેની ધૂળ સાફ
કરી, અને અંતે તેની ચિતા પણ રામેજ ચેતાવી.

૩-મહાભારતના યુદ્ધ વખતે જ્યારે અર્જુન અને દુર્યોધન બન્ને કૃષ્ણ પાસે
તેમને યુદ્ધમાં સહભાગી બનાવવા આવ્યા, ત્યારે ભગવાને કહ્યું કે મારે
બન્ને ની માગણી સ્વીકારવી જોઇંએ, પણ આ યુદ્ધમાં હું હથિયાર હાથમાં લેવાનો
નથી, તો તમે માંગો, એક બાજુ હું રહીશ અને બીજી બાજુ મારી અક્ષૌહિણી સેના
રહેશે. ત્યારે દુર્યોધને હથિયાર વિનાના ભગવાનને બદલે સૈન્ય ની માગણી કરી.
મહા ભયંકર યુદ્ધ થયું, ભગવાનના માર્ગદર્શન થકી અર્જુનનું સૈન્ય બળવત્તર
બનતું જોઇ, એક દિવસ ભીષ્મ પિતા પણ લેછે કે આજે હું કૃષ્ણને હથિયાર ઊપાડવા
મજબૂર કરીને તેની ટેક ભંગાવીશ જેથી તેમનું બળ ક્ષીણ થાય. ભીષ્મ પિતા ખૂબ
લડ્યા, જ્યારે ભગવાનને લાગ્યું કે હવે ભીષ્મ પિતાજી થાકી જશે, અને પોતે
લીધેલી ટેક પાળી નહીં શકે, ત્યારે ભગવાન એક તૂટેલા રથનું પૈડું લઈને
દોડ્યા, એ જોતાંજ ભીષ્મ પિતાએ હથિયાર મૂકી દીધાં, કે મેં મારું પણ પુરૂં
કર્યુંછે. ભગવાને રથનું ચક્ર હથિયાર ન ગણાય એવી એવી દલીલો કરી, પણ ભીષ્મ
પિતામહ સમજી ગયા, કે હે કેશવ, મારા પણ ખાતર તેં તારા વચનને આ રીતે
તોડ્યુંછે. આમ ભગવાન પોતાનાં ભક્તોનાં પણને પાળવા માટે ક્યારેક પોતાના
વચનને કોઈ અન્ય સ્વરૂપ આપીને છોડીદેછે.

સખુબાઇ માટે પ્રભુએ સખુનું રૂપ ધર્યું, વિદુરની ભાજી ખાધી, નરસિંહમહેતાના
અનેક કાર્યો કર્યા. હાથીને મગર થી બચાવ્યો, નીંભાડા માંથી બિલાડીનાં
બચ્ચાંને બચાવ્યા, યુદ્ધ ભૂમીમાં પડેલાં ટિટોડીનાં ઈંડાને ઊગાર્યાં. આમ
કેટલાં કેટલાં કર્યો બતાવું? બસ એના પર ભરોંસો રાખી એનું ભજન કરો, જરૂર
સાંભળશે, અને આપણને પણ સંભાળશે.

Saturday, June 16, 2012

ગણેશ

ગૌરી નંદન

--સાખીઓ--
સૌથી પહેલાં સમરીએ, ગિરજા નંદ ગણેશ. દીન "કેદાર" ની વિનતિ, રહો હૃદય માં હંમેશ

ગણ નાયક ગણ ઈશ તું, ભજે ભક્ત ગણ દેવ. દીન "કેદાર" દિન દિન ભજે, કરે તમારી સેવ

ગાઉં ગુણલા ગણેશ ના, રટું નિરંતર નામ. કરો કૃપા "કેદાર" પર, સમરૂં
ઠામો ઠામ

ગૌરી નંદ ગણેશ
રૂપ તમારું મન હરનારું, સમરે શેષ સુરેશ...

ભાલ વિશાલ નયનો નાના, બેઠાં બાળે વેશ
શિવ શંકરજી લાડ લડાવે, કાપો સઘળા ક્લેશ...

મોદક મિસરી માત જમાડે, મુખડું નિરખે મહેશ
રિદ્ધિ સિદ્ધિ પાય પખાળે, વંદે દેવ દિનેશ...

શિવ સનકાદિક અરુ બ્રહ્માદિક, પ્રથમ સમરે ગણેશ
દીન "કેદાર" પર દયા દરશાવો, ગાઉ ગુણલા હંમેશ..