Monday, October 9, 2023

પીર રામદેવજી


               પીર રામદેવજી

તા. ૧૭.૯.૨૩. (રામદેવ પીર નવરાત્રી.)
ઢાળ;- હરિ જન આવો હરિ ગુન ગવાય છે....જેવો

સાખી:-રામ નામ અનેક પણ, પીર પોકરણ નો એક
       અજમલ ઘર અવતાર ધરી, તાર્યા દાસ અનેક..
દ્વારિકાથી દોડી ગયો, પોખરણ ગઢ મોજાર,
તંવર કુળ અવતાર ધર્યો, ધન્ય ધન્ય સરકાર......

પીર પોખરણ ના એક મનસા રહે મારી, રાત દિવસ કરૂં રટણા તમારી...

ભક્ત અજમલે આવી ઘાયલ કીધાં, તોયે દ્વારિકાના નાથે દર્શન દીધાં
ભક્તિ ભાળીને આપ્યા,  વચનો વિચારી....રાત દિવસ કરૂં રટણા તમારી...

માસ ભાદરવો, બીજ અજવાળી, તંવર કુળની નાત ઉજાળી
ધરા રણુજા ની બની, પાવન કારી...રાત દિવસ કરૂં રટણા તમારી...

નિજિયા ધર્મને ઉજાગર કીધો, અજ્ઞાનીઓ ને, આત્મ બોધ દીધો 
પરચા પૂર્યા છે પુરા, જગમાં બહુ ભારી...રાત દિવસ કરૂં રટણા તમારી...

મક્કા શહેર થી, આવ્યા કોઈ ઓલિયા, ભાળી પ્રતાપ તારો, વચનો ઉચાર્યા
પીર સ્થાપીને કરી, ભક્તિ બહુ ભારી...રાત દિવસ કરૂં રટણા તમારી...

દાસ "કેદાર" ની એકજ આશા, કદાપિ જીવનમાં ન આવે નિરાશા
નીરખે મનોહર મુરત, આંખડી અમારી..રાત દિવસ કરૂં રટણા તમારી...

રચયિતા:-
કેદારસિંહજી મે. જાડેજા
"દીન વાણી" ગ્રૂપ, ગાંધીધામ
૯૪૨૬૧૪૦૩૬૫
kedarsinhjim@gmail.com
kedarsinhjim.blogspot.com.   
ફોટો-ગુગલ ના સહયોગ થી


 

કળિયુગ ના કપૂતો.


                    કળિયુગ ના કપૂતો.

તા. ૨૫.૯.૨૩

ઢાળ;-સાધુ વો નર હમ કો ભાવે...જેવો


સાખી-નાટક ચેટક નખરા કરે, કળિયુગ ના સંતાન 

      એને ધર્મ તણું નહીં ધ્યાન, દિલ ની વ્યથા આ "દીન" ની...

     માતા થી નહીં મેળ, ભાઈ ભાગીદાર લાગતો

     પણ સાળા સાથે સ્નેહ, દિલ ની વ્યથા આ "દીન" ની...   

     પિતા થી નહીં પ્રેમ, સાસરી સગપણ રાખતો

     બહેની વલખે કેમ. દિલ ની વ્યથા આ "દીન" ની....


કળિયુગ આજે,  કેવા કેવા ખેલ કરાવે...ટેક.

સપૂત સંતાનો નજરે ચડે નહીં, કપૂતો નો પાર ન આવે...

 

માત પિતા બન્ને કરીને મજૂરી, પુત્ર ને ખૂબ ભણાવે

સાહેબ બન્યા પછી આવે શરમ એને, અભણ ને કેમ ઓળખાવે...     


બાપ બનીને ફરે બેટાજી, મા ને મજૂરી કરાવે

ભાઈ બહેન ની ભાળ ન લે પણ, મિત્રો મોજ મનાવે....


બેની બીચારી કદી આંગણે ન આવે, સાળી સંગે બહુ ફાવે

સગા ભાઈ નો સાથ ગમે નહીં,      સાળો મન લલચાવે ...

   

બાવડું ઝાલે નહીં બૂઢા પિતાનું,  પર દુખ પીડ બતાવે

માત-પિતાને પૂરું ખાવા મળે નહીં,  મંદિર ભોગ ધરાવે......


આવે બુઢાપો ત્યારે બેટો હડસેલે, ખૂણામાં ખાટલો ઢળાવે

"કેદાર" કાનુડો કોઈનું કરજ ન રાખે, ન્યાય ના ત્રાજવે તોળાવે.... 


ભાવાર્થ :- સાખી-આજના સંતાનો ધર્મ માં જરાએ ધ્યાન આપતા નથી, સિનેમા ને નાચ નખરામાં બધું ભૂલી ગયા છે. માતા-પિતા પર પ્રેમ નથી, ભાઈ મિલકત નો ભાગીદાર લાગે છે, બહેન ભાઈ ના પ્રેમ ને વલખે છે, પણ સાસરી પક્ષે બધુંજ સારું છે. આ મારા દિલ ની વેદના છે. (બધા સંતાનો આવા નથી હોતા, પણ એને શોધવા પડે એવો જમાનો આવી ગયો છે.)  

 આજે કળિયુગ ચાલી રહ્યો છે ત્યારે એનો પ્રભાવ એટલો બધો વર્તાઈ રહ્યો છે કે આજના ઘણાં સંતાનો પોતાની ફરજ ચૂકી રહ્યા છે. માતા પિતાએ પોતાના થી બનતી બધી મહેનત કરીને બાળકોનો ઉછેર કર્યો હોય, એને ભણાવ્યા હોય અને મોટા હોદ્દો અપાવ્યો હોય, પણ જ્યારે એ સાહેબ બની જાય પછી આવા માતા-પિતા ની ઓળખ આપતા એને શરમ આવે છે, પોતાના મિત્ર વર્ગ માં આવા અભણ લોકો એને જાણે ઓછપ લાગે છે. પોતે જ્યારે મોટા હોદ્દા પર બેસી જાય પછી માતા-પિતાને ઘર કામ કરાવે, એક ખૂણામાં ગોંધી રાખે, અને મિત્રો સાથે મોજ મજા માણે, પોતાના ભાઈ બહેન સાથે મન દુખ રાખે, પણ સાળો કે સાળી સાથે અનહદ પ્રેમ હોય. દેખાવ ખાતર બીજાના દુખમાં દુખી થાય પણ ઘરમાં મા-બાપ ની સેવા કરવા સમય ન હોય, કોઈ મંદિર માં જાય તો પોતાનું માન વધારવા મોટા મોટા દાન કરતો હોય, આમ મહારાજ રીઝે નહીં. 

   પણ પછી જ્યારે પોતાને બુઢાપો આવે ત્યારે એના સંતાનો પણ એજ રસ્તો અપનાવે, કારણ કે જેવું એણે જોયું હોય એવું વર્તન કરે એમાં કોઈ નવાઈ નથી, જેવું વાવો એવું લણો ! આ તો ઈશ્વર નો ન્યાય છે, એમાં કોઈ ફરક આવતો નથી. માટે સમજી વિચારીને જીવન જીવવું જોઇએં.


રચયિતા:-

કેદારસિંહજી મે. જાડેજા

"દીન વાણી" ગ્રૂપ, ગાંધીધામ

૯૪૨૬૧૪૦૩૬૫

kedarsinhjim@gmail.com

kedarsinhjim.blogspot.com.   

ફોટો-ગુગલ ના સહયોગ થી


કૃષ્ણ-સુદામા


                         કૃષ્ણ-સુદામા

તા.૨૬.૯.૨૩

ઢાળ:- અબ સોંપ દીયા ઈસ જીવન કા...જેવો (હીંચ માં)


બે બાળ સખા બહુ ટાણે મળ્યા, સુખ દુખ ની વાતો વિગતે કરે

વર્ષો ના વાણા વીતી ગયા,        સાંદીપની આશ્રમ યાદ કરે....

 

દેવી સુશીલા દ્રવિત ઘણી,   ફિકર કરે બહુ બાળ તણી

છે મિત્ર તમારા દ્વારિકાના ધણી, દામોદર દુખ ના કેમ હરે...


જો સમણામાં પણ શ્યામ મળે, ભવ ભવ ની ભાવટ પળમાં ટળે

પણ મિત્ર સુદામો ભુખ્યો ફરે,     સામળિયો શાને અન્યાય કરે...


તમે દ્વારિકા જઈ મુલાકાત કરો, અજાચી રહો ના માંગ કરો

મન મોહન નો વિશ્વાસ કરો,      શ્યામસુંદર સૌ નું સારું કરે....


એતો હેમ ના મહેલ માં રહેનારો, સુદર્શન ચક્ર નો ધરનારો

નંદીઘોષ જેવા રથ નો ચડનારો, મોરલી મધુરી અધર ધરે...

                 

પીતાંબર પહેરી ફરનારો,       મોર મુકુટ ધરી રમનારો

અક્ષૌહિણી સૈન્ય નો સરદારો, મુજ રંક પર નજરું ક્યારે કરે.....


સુશીલાના સંકટ સમજી કરી, મોહન ને મળવા હામ ધરી

દ્વારિકાને મારગ પગલી ભરી, ચપટી ચોખા લઈ કાંધે ધરે...


નારાયણ કદી ના નિરાસ કરે, દોસ્ત ને મળવા દોટ ભરે

બાથ માં જકડી વહાલ કરે, પટરાણીઓ અચરજ ઉરમાં ધરે...


સ્નાનાદિક પુષ્પ ની માળ ધરે, ભાલે ચંદન નું તિલક કરે

વિધ વિધ ભોજન ના થાળ ભરે, વિગતે બેસીને વાતો કરે...


વ્યવસાય માં હાલે શું ચાલી રહ્યું, નિર્વાહ કુટુંબ નું કેમ કર્યું

ચોરી ચપાટી શું હાથ ધર્યું !, દ્વારિકેશ એ દિવસો યાદ કરે... 


મિત્ર ની મનસા ધ્યાને ધરી, મૂઠી ભર તાંદુલ મુખમાં ભરી

ઝૂંપડીને ઠેકાણે મહેલ કરી, ભવે ભવ ની ભાવઠ દુર કરે... 


"કેદાર" કનૈયો કપટ કરે, પણ- ભક્તની અરજી ઉરમાં ધરે

વિઠ્ઠલ ના કદીએ વિલંબ કરે,  દામોદર દુખડાં સઘળા હરે...


ભાવાર્થ :-  દ્વારિકાનો નાથ બન્યા પછી અને સાંદીપની ઋષિનો આશ્રમ છોડ્યા પછી, શ્રી કૃષ્ણ અને બાળ સખા સુદામા વર્ષો બાદ પહેલી વખત મળ્યા ત્યારે જુની યાદો યાદ કરી કરીને વાતો કરે છે.

   સુદામાજી ગરીબ છે, તેમના પત્ની સુશીલાજી પોતાના બાળકોના પોષણ માટે ખૂબ દુખી રહે છે, તેથી સુદામાજીને વીનવે છે કે આપ કહો છો કે દ્વારિકાના નાથ આપના મિત્ર છે, તો આપ એકવાર એને મળવા તો પધારો ! એ આપણું દુખ જરૂર દૂર કરશે. કહેવાય છે કે ભગવાન સ્વપ્નમાં પણ મળે તો બેડો પાર થઈ જાય, આપ કહોછો કે કૃષ્ણ ભગવાન છે અને આપના મિત્ર છે, તો એ આપનું દુખ કેમ નહીં સમજે ? આપ દ્વારિકા પધારો અને કૃષ્ણને મળો, મને ખબર છે, આપ માંગતા નથી, તો હું આપને કંઈ માંગવાનું નથી કહેતી. એ બધું સમજી જશે, તમારે માંગવું નહીં પડે.

     સુદામાજી સમજાવે છે કે- એ દ્વારિકા જેવી સ્વર્ણ ની નગરી નો રાજા છે, જેની પાસે અક્ષૌહિણી સૈન્ય છે, સુદર્શન ચક્ર છે, નંદીઘોષ જેવો રથ છે, પીતાંબર વસ્ત્રો પહેરે છે, મોર પીંછ વાળો મુકુટ ધારણ કરે છે, એની પાસે મારા જેવા સામાન્ય બ્રાહ્મણ સામે જોવાનો પણ સમય ક્યાં થી હોય ? 

       સુશીલાજી ના દુખને સમજીને અને મિત્રને મળવાની આશાએ થોડા પૌવા ની ભેટ આપવા દ્વારિકા ના માર્ગ પર જેમ બાળક ચાલતા શીખતો હોય તેમ સંકોચ સાથે મળવા જવાની કે માંગવા જવાના સંકોચ સાથેની પહેલી પગલી ભરી. પણ આ તો નારાયણ, નામ સાંભળતાંજ દોટ દીધી, બાથ ભરીને એવા ભેટ્યા કે બધી રાણીઓ વિચારવા લાગી કે આ કેવો પરમ મિત્ર છે ? સ્નેહ થી સ્નાન કરાવ્યું, નવું પીતાંબર પહેરાવ્યું, ગળામાં પુષ્પ ની માળા પહેરાવી, કપાળમાં ચંદન નું તિલક કર્યું અને વિધ વિધ ભાત ના ભોજન જમાડ્યા પછી ખબર અંતર પૂછવા લાગ્યા. ટીખળ કરતાં ભગવાન પૂછે છે કે વ્યવસાય કેમ અને કેવો ચાલે છે ! આશ્રમ માં હતા ત્યારે તું આપણાં ભાગના ચણા ચોરીને એકલો ખાઈ ગયેલો, શું હજુ આવી ટેવ છે ખરી? તું આવો જ્ઞાની છો તો તારા પત્ની શાણાજ હશે, મારા માટે કોઈ ભેટ તો આપીજ હશે. આમ બધું જાણીને ભગવાને સુદામા લાવેલા તે પૌવા મુખમાં પધરાવ્યા અને સુદામાના બધા દુખ દૂર કર્યા. જ્યાં સુદામાજી ની ઝૂંપડી હતી ત્યાં મહેલ બનાવી દીધો, આ છે દ્વારિકા ના નાથ, બસ ભક્તિ કરો, કંઈ માંગો નહીં તો પણ ભંડાર ભરીદે, માટે નિષ્કામ રહીને ભજન કરો અને બધું એના પર છોડી દો. 

જય શ્રી કૃષ્ણ.

સ્નાનાદિક= નહાવું; ધોવું વગેરે. 


રચયિતા:-

કેદારસિંહજી મે. જાડેજા

"દીન વાણી" ગ્રૂપ, ગાંધીધામ

૯૪૨૬૧૪૦૩૬૫

kedarsinhjim@gmail.com

kedarsinhjim.blogspot.com.   

ફોટો-ગુગલ ના સહયોગ થી


Sunday, August 6, 2023

આંગળ છૂટ્યા ટેરવાં.

 


                                                આંગળ છૂટ્યા ટેરવાં.
તા. ૨૭.૪.૨૩

ભક્તિના મુજને પાઠ, લછનાયન સંભળાવ્યું માતને
પણ-આજે થયો અનાથ, આંગળ છૂટ્યા ટેરવાં.....

ડગલે પગલે "દાદ", કોણ કહે કવિતા વિષે
હવે, કલમ ન દેતી સાથ, આંગળ છૂટ્યા ટેરવાં.....

તર્કો તણા તુરંગ, તરંગ ન લાવે તુંબડે
સૂઝે નહીં કોઈ શબ્દ, આંગળ છૂટ્યા ટેરવાં

પડી ખજાને ખોટ, "દાદ" તું જાતો રહ્યો
આવી સરજન માં ઓટ, આંગળ છૂટ્યા ટેરવાં.....

ડેલી બાપુ ની આજ, મારા "દાદ" વિણ વલખી રહી
કોણ લડાવે લાડ, આંગળ છૂટ્યા ટેરવાં.....

ઘરના ખૂણે ઘનશ્યામ, ભક્ત જન પામે ભલે
"કેદાર" અટૂલો આજ, આંગળ છૂટ્યા ટેરવાં.....

ભાવાર્થ:- મા, માતાજી કે આત્મીય હોય એને માન આપોતો નારાજ થાય, મારા માતુશ્રી જ્યારે મને તમે કહે ત્યારે હું સમજી જતો કે આજે નારાજ છે, મારે મારા દાદ ને નારાજ નથી કરવો.
  હે "દાદ" આપે મારામાં બચપણ થી ભક્તિનો ભાવ ભણાવ્યો, જ્યારે મારા માતુશ્રીને આપે રચેલું લછનાયન દરબારગઢમાં પધારીને સંભળાવ્યું. પણ આજે મને મારા ગુરુની ખોટ સાલે છે, જાણે મારી આંગળીઓ ના ટેરવાં ઘસાઈ ગયા છે, અરે એમ કહીશ કે આંગળાં થી અળગાં થઈ ગયા છે, હવે કોણ શબ્દો સમજાવશે ?
   જ્યારે પણ જરૂર પડતી ત્યારે હું આપની સલાહ લેતો, પણ હવેતો આપ મારા નાથને આપની રચનાઓ થી તરબોળ કરવા પધારી ગયા, હવે મારે જરૂર પડશે તો આપને મારો નાથ થોડો સમય આપશે ? આપના હરિ પથ ગમન પછી મારી કલમ લંગડાવા લાગી છે.
      મારી કલ્પનાના ઘોડા હવે મારા મગજમાં શબ્દો ની સરવાણી લાવી શકતા નથી, તેથી કોઈ સારી રચનાઓ બની શકતી નથી. મારો શબ્દો નો ખજાનો તો મારા બાળપણ થી ભરનાર મારો "દાદ" હતો, હવેતો રચના બનાવવા જતાં જોડકા બનતા હોય એવું લાગે છે, એમાં મારા "દાદ" ની છાંટ પણ આવતી નથી.
       "દાદ" આપણી ડેલીમાં ડાયરો જામેલો, ગામ લોકો પણ માણી રહેલા ત્યારે એક રચના બનેલી "બાપુ ની ડેલીએ" આજે એ ડેલીમાં હું પ્રવેશું ત્યારે ડેલી મને પૂછે છે, "કેમ એકલો? ક્યાં છે મને નવરંગ ચૂંદડી નો શણગાર કરનારો "દાદ" " ત્યારે મારે દીન દયાળ ના "દાદ’ પ્રેમ ને યાદ કરીને કહેવું પડેછે કે હવે એ આપણને એ લહાવો લેવા નહીં દે.   
       "દાદ" આપે "આપે એટલું લઉં" લખ્યું, પણ એ "દાદ" જેવાને ઘનશ્યામ ઘરના ખૂણામાં મળી જાય, પણ હું તો આજ સાવ નિરાધાર બની ગયો, ન તો ઘનશ્યામ મેળવવા જેટલી ભક્તિ છે કે ન તો હવે ઘનશ્યામ પાસેથી "દાદ"ને છીનવવા જેટલી શક્તિ, બસ હવે તો જેટલું જીવન છે તે તારી યાદમાં પાર કરવાનું છે....
જય માતાજી.

રચયિતા:-
કેદારસિંહજી મે. જાડેજા
"દીન વાણી" ગ્રૂપ, ગાંધીધામ
૯૪૨૬૧૪૦૩૬૫
kedarsinhjim@gmail.com
kedarsinhjim.blogspot.com.

બાગેશ્વર બાલાજી

 

            
                       બાગેશ્વર બાલાજી
તા. ૩૧.૭.૨૩
ઢાળ- મહા માયા ચરણે મનડું છે મારું..જેવો

બાગેશ્વર બાલાજી મારી અરજી શ્વીકારો
દીન દુખિયાના દુખડાં, આપ નિવારો...બાગેશ્વર બાલાજી..

કર્મ ના સંજોગે સૌને જન્મ મળે છે, ધન દોલત કે કોઈને દર્દ મળે છે,
આવે જે શરણે તારે, સાતા મળે છે, અવગુણ અમારાં સઘળાં, આપ સુધારો..બાગેશ્વર બાલાજી...

ભારત ભૂમિ પર આજે, સંકટ છે ભારી, અધર્મી કરે કુ કર્મો, વિચારી વિચારી
ચલાવે છે ગંદી પંડની, અજબ દુનિયાદારી, બની ને બેઠાં છે જાણે, પંડિતો ફકીરો..બાગેશ્વર બાલાજી

સંત સભાના નામે, સંગ કરે છે, માર્ગ બતાવી અવળો, તંત કરે છે
ભ્રમમાં ભટકાવી જગને, પેટ ભરે છે, આવા ઢોંગી થી બાલાજી, અમને ઉગારો..બાગેશ્વર બાલાજી

"કેદાર" કરુણા કરીને, હાથ મારો પકડો, આવ્યો છું શરણે તારે, અવિનાશી ના અકડો
ભક્તિ ના રંગમાં મુજને, અહર્નિશ જકડો, તારા શરણ ને કાજે, બન્યો છું અધીરો.બાગેશ્વર બાલાજી

ભાવાર્થ- હે બાગેશ્વર બાબા હનુમાનજી, આ દુખિયા જીવ ની એક અરજ છે, આપ એનું નિવારણ કરો.
દરેક જીવ ને કર્મ ના આધારે જે તે યોનિમાં જન્મ મળે છે, કોઈને ધન તો કોઈને દર્દ મળે છે, પણ જે તારે શરણે આવે તે ભલે પાપી હોય, પણ તારા શરણમાં આવે તો તેને શાંતિ પ્રાપ્ત થાય છે. પણ આજે ભારત વાસીઓ પર અધર્મી અને ખોટા કર્મો કરનારાઓ પોતાના સ્વાર્થ માટે લોકોને અવળા માર્ગે ચડાવવા માટેનું એક ષડ્યંત્ર ચલાવી રહ્યા છે, ધર્મ ના નામે મોટા મોટા કાર્યક્રમો કરીને ભોળી જનતાને ભરમાવે છે. આવા લોકો થી અમોને આપના સિવાય કોઈ બચાવી શકે તેમ લાગતું નથી. માટે આપ મને સાચું માર્ગદર્શન આપો એજ અભ્યર્થના છે.

રચયિતા:-
કેદારસિંહજી મે. જાડેજા
"દીન વાણી" ગ્રૂપ, ગાંધીધામ
૯૪૨૬૧૪૦૩૬૫
kedarsinhjim@gmail.com
kedarsinhjim.blogspot.com.
ફોટો-ગુગલ ના સહયોગ થી


ચિંતા હવે તમારી

 

ચિંતા હવે તમારી
૧૫.૭.૨૩.
સોંપ્યું સુકાન શ્યામ ને,  ચિંતા હવે તમારી
પ્રભુ તારો કે પછી મારો, -પણ- અરજી લેજો સ્વીકારી...

ભવ સાગર ભર્યો છે ભારી, તરવાની સમજ ન મારી
કર ગ્રહી ને લેજો ઉગારી, -થોડી- ફરજ બને છે તમારી...

માયા છે લપસણી તારી, કોઈ ચાલે મતી ન મારી
ભ્રમજાળ ફેલાણી ભારી,  ચકરાવે ચડે ગતિ મારી...

પ્રભુ કરી છે હવે તૈયારી, સમર્પી કળા મેં મારી
બસ હરિ સમરણ ની યારી, હવે મરજી બધી તમારી...

પ્રભુ "કેદાર" કેરી અરજી, ધરજો ઉરમાં હરજી
ભવે ભવે ભજન ની મરજી, સદા રટણા કરું તમારી...

 ભાવાર્થ:- હે નાથ, હવે મેં મારા જીવન ની નાવ નું સુકાન આપને સોંપી દીધું છે, બસ એ એક અરજી સ્વિકારી લેજો. હવે આ ભવ સાગરમાંથી તારવો કે પછી ડુબાવવો એ આપની મરજી છે. કારણ કે આ મહા સાગર નો કોઈ તાગ મળતો નથી અને મને તરતા આવડતું નથી, આપે જન્મ આપ્યો છે તો હવે આમાંથી તારવાની ફરજ પણ આપની બને છે.
   આપની માયા એવી છે કે તરવા માટે કોઈ તરણું પણ પકડવા જાવ તો એ માયાવી લાગે છે અને મારું મન ભ્રમિત થઈ જાય છે. પ્રભુ હું બધા પ્રયત્નો કરીને હારી ગયો છું, ફક્ત ભજન એક સહારો દેખાય છે, મેં મારી જાતને આપને સમર્પિત કરી દીધી છે, હવે આપ જે કરો તે, પણ છેલ્લે એક અરજ કે મારે મુક્તિ નથી જોઇતી, બસ ભવે ભવ તારા ગુણ ગાન કરતો રહું એટલું જરૂર આપજે. 

રચયિતા:-
કેદારસિંહજી મે. જાડેજા
"દીન વાણી" ગ્રૂપ, ગાંધીધામ
૯૪૨૬૧૪૦૩૬૫
kedarsinhjim@gmail.com
kedarsinhjim.blogspot.com.


Monday, May 15, 2023

નારાયણ બાપુ સાથેની મારી પ્રથમ મુલાકાત

      


પ્રાત: સ્મરણીય બ્રહ્મ લીન પુ. નારાયણ બાપુ સાથે મારી પ્રથમ મુલાકાત

નારાયણ બાપુ સાથેની મારી પ્રથમ મુલાકાત ઘણા સમય પહેલાં ગાંધીધામમાં મોહન ધારશીભાઈએ બાપુના ભજનનો એક કાર્યક્રમ રાખેલો ત્યારે થઈ હતી.

મારા બનેવી સાહેબ શ્રી હરપાલસિંહજી ઝાલાનું (K.P.T.) મિત્રમંડળ વિશાળ, પ્રમાણમાં, ધનાઢ્ય અને સારા સંસ્કાર સાથો સાથ સારા કાર્યોમાં અગ્રેસર, આવા યોગ્ય લોકોના સહવાસમાં મને પણ રહેવાનો મોકો મળ્યો. પ.પૂ. મોરારી બાપુની પ્રથમ કથા ગાંધીધામમાં સ્વતંત્ર સેનાની  સ્વ. શ્રી કાંતીલાલ શુકલાના અથાગ પ્રયત્નોથી થયેલી, ત્યારથી ઘણા લોકોના જીવનમાં માની ન શકાય તેવા પરિવર્તનો આવેલા. આ બધા લોકોના કારણે મને પણ સારા સારા લોકો સાથે પરિચય થતો અને ઓસ્લો સોસાયટીમાં યોજાતી ગાંધીધામની એક પ્રતિષ્ઠિત નવદુર્ગા ચોકની ગરબીમાં પાંચ વર્ષ સુધી માનદ ગરબા ગાવાનો  મોકો પણ મળ્યો, અને સાથો સાથ નારાયણ બાપુના ભજન વખતે બાપુના મંચ પર બેસવાનો લાભ પણ પહેલી વાર મળ્યો.

ભજનના મધ્યાન્તર વેળાએ અહીંના પ્રતિષ્ઠિત અને જ્ઞાન ના ભંડાર સમા માનનીય શ્રી સ્વ.નારસંગજીભાઇ અયાચી નારાયણ બાપુને મળવા પધાર્યા. અયાચી પરીવાર સાથે મારા પિતાશ્રીના વખતથી ઘનિષ્ઠ પરિચય, તેથી શ્રી નારસંગજીભાઇએ  બાપુ સાથે મારો પરિચય આપતાં મારા પરિવારની પણ માન સહિત પ્રશંસા કરી અને હું ઈશ્વર કૃપાથી સારું ગાવા લાયક અવાજ પામ્યોછું એવી વાત પણ કરી. સારો અવાજ અને સારા પરીવાર અને સાથોસાથ શ્રી નારસંગભાઇની વાતથી પ્રેરાઇને બાપુએ મને બે ભજન બોલવા આગ્રહ કર્યો, પણ મેં બે હાથ જોડીને કહ્યું બાપુ મારી લાયકાત બીજા બધા કાર્યો માટે કદાચ ઠીક હશે પણ આપના મંચ પર ગાવા લાયક મારી પાસે કોઈ લાયકાત નથી, આપના મંચ પર બેસવા મળ્યું તે પણ મારા માટે અહોભાગ્યછે, બાકી હું આપના મંચપરથી ગાઈ ન શકું.

બાપુ બે ક્ષણ મારા સામે જોઈને મારા ખભે વહાલથી હાથ મુકીને બોલ્યા કે "વાહ દરબાર, ક્યારેક ભૂલથી જો કોઈને બોલવાનું કહેવાય જાય તો તેને બંધ કરાવવા માટે આયોજકોએ ભૂંગરા બંધ કરાવવા પડે, ભજન ગરબા ગાવ તોછો, પણ પચાવી પણ જાણ્યાછે તે બદલ ધન્યવાદ." આ શબ્દો બાપુના મુખથી સાંભળીને મને જાણે કરોડો ભજનાનંદીના આશીર્વાદ મળી ગયા.

બાપુને એક ચીડ હતી કે તમો ડાયરા કે ભજનના કાર્યક્રમમાં ગાતાહો તો તેના શબ્દો અને અર્થોનો પૂરે પૂરો ખ્યાલ રાખવો જોઈએ, એક વખત એક કલાકાર બાપુ સાથેજ ભજન ગાતા હતા, તેમાં તેણે ગાયું કે "શ્યામ વિના વ્રજ સૂના લાગે." બાપુએ કહ્યું ભાઈ, સૂના અને સૂનુ, બન્નેમાં તમને કંઈ ફરક નથી લાગતો? કેટલાં વ્રજ હતાં? ખાલી ગાવાથી રાગડા તાણી શકાય ગાયક ન બનાય, ભજન પ્રેમની વાણીછે તેને કોઈ બંધન નડતા નથી પણ તમે જાહેરમાં ગાતા હો અને તમારી જાતને કલાકાર સમજતા હો તો બધો અભ્યાસ કરવો પડે, સૌથી પહેલાં તમે શું ગાવાનાછો/ કેની રચનાછે/કવિની ભાવના શુંછે? શું કહેવા માંગેછે? ભજનમાં પ્રાસ મેળ કેવો જાળવ્યોછે? તે બધું જાણ્યા પછી ગાવાથી તમારી ગાયકીમાં ભાવ જાગે.

કાલે રાત્રે એક ડાયરાનો કાર્યક્રમ મેં ટી.વીમાં જોયો, એક સારી ડિગ્રી ધરાવનાર કલાકર(?)ગાતા હતા 

"થાળ ભરી નીકળી નંદ રાણી,      કંચન થાળ ભરાઈ.
લ્યો ભિક્ષા જોગી જાવ આસન પર, મેરો બાલક ડરાયો." 

હવે જો આ મહાન કલાકાર બાપુ સાથે હોત તો જરૂર કંઈક શીખ મળત બાકી અત્યારેતો હવે બહુ ઓછા કલાકારો આવું ધ્યાન રાખેછે. અહીં ભરાઈ ને બદલે ભરાયો હોવું જોઈએં. બાકી અત્યારેતો અનેક જાતના નખરા કરે,લટકા કરે, ભૂવા ધુણાવે અને લોકોને અનેક જાતની શિખામણ આપે, પણ પોતા ના ચારિત્ર વિષે ધ્યાન ન આપે. અરે એક વખત મેં સમાચાર પત્રમાં વાંચેલુ કે કોઈ જગ્યાએ એક કાર્યક્રમ રાખેલો જેમાં જે રકમ ઘોળ દ્વારા આવે તે ગાયોના ચારા માટે વાપરવાની હતી, ત્યાં અમુક કલાકાર એ રૂપિયા છુપાવીને ચોરતા પકડાયેલા, પરાકાષ્ઠા તો ત્યારે હતી કે જ્યારે મહિલા કલાકારો તેમના undergarment માં રૂપિયાની થોકડીઓ છુપાવીને લઈ જવા માંગતી હતી જેને મહિલા કાર્યકરોએ પકડેલી. આવા કલાકારો..હાજી આ પણ એક કલાજ છેને?..હોય ત્યાં ભજનનો ભાવ કેમ જાગે?

બાપુએ એક જગ્યાએ પ્રોગ્રામ શરુ કરતી વખતે કહેલું કે આજેતો કોયલ બોલાવવીછે, અને ખરેખર જ્યારે જમાવટ થઈ ત્યારે કોયલ બોલવા લાગી જે રેકર્ડિંગમાં પણ સાફ સાફ સંભળાયછે. 

નારાયણ બાપુને એકવાર ખ્યાતનામ સંગીતકાર કલ્યાણજી આણંદજી ભાઈ માંહેનાં કલ્યાણજીભાઇ સાથે ભારતની કોકિલ કંઠી લત્તા મંગેશકરને પણ મળવાનું થયેલું, એ પ્રસંગ અને એવા બીજા પ્રસંગો ફરી ક્યારેક લખીશ.

જય નારાયણ.

તા.ક. બાપુના સુપુત્ર શ્રી હરેશભાઈ મારા ઘેર પધાર્યા ત્યારે પૂ. બાપુએ સ્વ હસ્તે મને લખી આપેલ આશીર્વાદ જોઈને બોલી ઊઠેલા કે "મેં બાપુના ચાહકો પાસે બાપુની અનેક યાદગીરીઓ જોઈછે, પણ પૂ. બાપુના હસ્તાક્ષરમાં આશીર્વાદ અહિં પહેલી વખત જોયા."

પ્રભુજી ની રચના

પ્રભુજી ની રચના 

સાખી-કૃપા કરી કિરતાર તેં, સરજ્યો આ સંસાર. જીવ જળ ચેતન રચ્યાં, શોભા અપરમ પાર..
સાખી-  વ્યોમ ભોમ રવિ સોમ, ગિરિવર નો નહીં પાર.  અગણિત ગૃહ નભમાં ભર્યા, સાગર સંપત અપાર..
સાખી-કુદરતની કરામાત નો, ચિંતવું કેમ ચિતાર. મથી મથી મંથન કરું, તો એ ન પામું પાર...
                        
        
પ્રભુજી તારી રચના ન્યારી ન્યારી
કોઈ કોઈ લાગે અચરજ કારી, કોઈ સુંદર કોઈ પ્યારી...

અખિલ બ્રહ્માંડ ના સર્જન હારા, પૃથ્વી બનાવી બહુ સારી
સૂરજ ચાંદો નવલખ તારા,        શોભા સઘડી તમારી...

જનમ ભોમકા ભારત માતા, ગર્વિત ગરદન મારી
હરી હર હરખે જન્મ ધરે જ્યાં, સંત મહંત અવતારી..

નગાધિરાજ હિમાલય શિખરો, પહોંચે ગગન અટારી
રત્નાકર નો તાગ મેળવવા માં, કોઈ ની ફાવી નહિ કારી...

માતંગ જેવા મહા કાય બનાવ્યા, સૂક્ષ્મ માં કિધી કલાકારી
જલચર સ્થલચર નભચર બનાવ્યાં તેં, કરતાં ફરે કિલકારી...

માનવ માં કોઈ સંત બનાવ્યા, ભક્તિ કરે જે તમારી
કોઈ દાની કોઈ છે અભીમાની, કોઈ અધમ વ્યભીચારી...

અણુ એ અણુ માં વાસ તમારો, કણે કણ મૂર્તિ તમારી
અણ સમજુ ને સમજ ન આવે, ભક્ત ને ભાસે છબી તારી...

અચરજ એક અવિનાશી કરીદે, સાંભળ અરજી મારી
અધમા અધમ આ "કેદાર" છે તારો, બેડલી દેજો હરી તારી

રચયિતા :
કેદારસિંહજી મે. જાડેજા
ગાંધીધામ  -કચ્છ
૯૪૨૬૧૪૦૩૬૫

"રાષ્ટ્ર દર્પણ"

મિત્રો,
અમેરિકાથી પ્રકાશિત થતા ભારતીય લોકોના મન પસંદ મેગેઝીન "રાષ્ટ્ર દર્પણ" ના નવેમ્બર ૨૦૧૧ માં મારી એક રચના અને એક સત્ય ઘટના પ્રકાશિત થયેલ છે, ( જે આ સાથે સામેલ કરેલ છે. )આવા લોક ભોગ્ય મેગેઝીનોમાં એક રચના પ્રકાશિત થવી તે મોટી વાત છે, પણ મારી બે બે રચનાઓ છપાય તે મારા માટેતો ગૌરવની વાત છેજ, પણ એક ગુજરાતી હોવાના નાતે આપ સર્વેને પણ આનંદની લાગણી થતીજ હશે ! આ કાર્યમાં મને પ્રોત્સાહિત કરનાર અને મને આ ઊંચાઈ પર લઈ જવા માટે મારા પરમ સ્નેહી શ્રી જીતેન્દ્ર ભાઈ પાઢ નો હું આભારી છું.

કેદારસિંહજી મે. જાડેજા
ગાંધીધામ  -કચ્છ
kedarsinhjim@gmail.com
WhatsApp- ૯૪૨૬૧૪૦૩૬૫

યાત્રા નો સાચો અર્થ અને સાચો આનંદ.

                              યાત્રા નો સાચો અર્થ અને સાચો આનંદ.                          

તા. ૧૧.૬.૨૨.

  મિત્રો, આપણાં શાસ્ત્ર પ્રમાણે ઈશ્વર ની ભક્તિ માટે ના અનેક પ્રકાર સંતો મહંતો અને ગુરુઓ એ બતાવેલા છે. પૂજા અર્ચન મંત્ર જાપ કે યાત્રા, આજે મારે આ યાત્રા બાબત થોડી મારી બુદ્ધિ પ્રમાણે અને અનુભવ પ્રમાણે વાત કરવી છે. 

    યાત્રા ના અનેક પ્રકારો છે, જેમ કે ચાલી ને-વાહન માં કે હવાઈ માર્ગે જવું, આ બધું આર્થિક સગવડ પ્રમાણે કરી શકાય છે, આનો લાભ પણ અલગ અલગ રીતે મળે છે, કદાચ એમ લાગે કે યાત્રા તો યાત્રા છે, તો અલગ અલગ લાભ કેમ? તો હું થોડી સમજ આપું.

      પહેલા ના જમાના માં આજના જેવા સાધનો ન હતા, સગવડ વાળા લોકો હાથી ઘોડા કે પાલખી માં યાત્રા કરતા, જ્યારે અન્ય લોકો ચાલીને જતા. મારી વાડી માં રામદેવજી નું સુંદર મંદિર છે, દર બીજ ના અમો રાત્રે ભજન કરવા જતા, ઠંડી કે વર્ષા હોય ધાબળા ઓઢીને કે ગારો ખૂંદતા જવાનું, અને આખા રસ્તે ફક્ત ભજન-ભક્તિ કે સંતો ની વાતો થતી, અને મોડી રાત્રે ભજન સમાપ્ત થાય ત્યારે પાછું ફરવાનું, આ એક યાત્રા ૨૦, કી.મી. ની રહેતી પણ સતત ભજન-ભક્તિ સાથે ની વાતો સાથે થતી તેથી તે સંપૂર્ણ રીતે સાર્થક રહેતી જે બધા આ રીતે યાત્રા કરનારાઓ માટે છે. 

      બીજો પ્રકાર છે લાંબી યાત્રા ચાલીને- વાહન કે અન્ય સવારી કરીને કરવી. મેં હિમાલય થી રામેશ્વર-તિરુપતી બાલાજી અને દ્વારિકાધીશ જેવી ઘણી અને ઘણી વખત યાત્રા કરી છે, મારો અનુભવ છે કે યાત્રા માટેના પહેલા પગલા થી આપની વિચાર ધારા બદલી જાય છે, સર્વ અવગુણ સંપન્ન માણસ પણ યાત્રા દરમિયાન ખોટું કામ કરી સકતો નથી, હા શ્રાપિત આત્મા માટે યાત્રા નો કોઈ મતલબ નથી હોતો, એ તો ત્યાં પણ નરક શોધતો રહે છે, અને પછી સબડતો રહે છે. વાહનો માં પણ અલગ અલગ લાભ મળે છે, હિમાલય જેવા પૃથ્વી પર ના સ્વર્ગ માં ચાલતા-ડોલી માં કે ખચ્ચર પર ત્યાંની સુંદરતા અને ઈશ્વર ની રચના નું દર્શન કરતાં કરતાં શારીરિક-માનસિક અને ધાર્મિક લાભ સાથે યાત્રા કરતાં જે આનંદ મળે છે તે અવર્ણનીય છે, મન સદા હરિ દર્શન સાથે પ્રફુલ્લિત રહે છે જે યાત્રા નો સાચો ઉદ્દેશ હોય છે, અને ત્યાર બાદ જીવન ભર આ યાદો તાજી કરીને તેનું નિરંતર રટણ કરવું તે પણ કોઈ યાત્રા થી ઓછું નથી, પણ મારું માનવું છે કે ચાલીને થતી યાત્રા નું પુણ્ય અન્ય વાહન દ્વારા કરાતી યાત્રા કરતાં અનેક ગણું છે, કદાચ તમને લાગે કે તો પછી ડોલી ખચ્ચર વાળાની આજીવિકા નું શું ? સાચી વાત છે, જેમની આર્થિક સ્થિતિ નબળી છે તે તો ચાલીને જ જવાના છે, પણ શારીરક નિર્બળતા ન હોય અને તમે સાધન સંપન્ન હો તો એને થોડા પૈસા આપીને પણ પુણ્ય કમાઈ શકો છો, અથવા ડોલી ખચ્ચર ભાડે કરો પણ સવારી કરવાને બદલે સાથે રાખો, ભલે થોડો સામાન લાદો, એની રોજી પણ ચાલશે અને સન્માન પણ જળવાશે અને પ્રાણી પર પણ ઉપકાર થશે તેમજ તેના માલિકને લાગશે કે અમે મફત પૈસા નથી લેતા.      

    હવે વાત કરીએ હવાઈ યાત્રા ની, હવાઈજહાજ માં બેસવું એ પણ જીવન નો એક લહાવો છે, મેં દેશ અને વિદેશોમાં પણ આ લહાવો લીધો છે, પણ તે યાત્રા નહીં પ્રવાસ હતો, ત્યાં થી પણ હરિ ની લીલા ના અલૌકિક દર્શન કર્યા છે, પણ હવાઈ યાત્રા માં થી આવેલા લોકો ના અનુભવો મેં જાણ્યા છે, જેમાં હરિ દર્શન કરતાં હવાઈ જહાજ ના અનુભવો નું વર્ણન વધારે સાંભળવા મળે છે, ત્યારે યાત્રા ને બદલે તે પ્રવાસ માં બદલી જાય છે. છતાં હું માનુ છું કે "તુલસી મેરે રામ કો રીજ ભજો કે ખીજ, ઊલટા સૂલટા બોઈએં સિધા ઊગે બીજ." એ નાતે લાભ તો મળે જે છે, પણ જો હરિ હૃદય માં રહે તો યાત્રા મોટી યાત્રા નું ભાતું બની રહે.

    અને છેલ્લે, ઘણાં સંતો મહંતો કોઈ ગુફામાં સમાધિ લગાવીને બેસી જાય છે, આ ભક્તિ ની પરાકાષ્ઠા છે, જે સામાન્ય માનવી નથી કરી શકતો. જ્યારે કોઈ કોઈ પોતાના શરીર માં રહેલા ઈશ્વર ને ઓળખીને આંતરજ્ઞ બની જાય છે, આ મારા મતે મહા યાત્રા માટે નો મોક્ષ માર્ગ છે.

 

જય માતાજી, જય નારાયણ.

કેદારસિંહજી મે. જાડેજા

ગાંધીધામ, ૯૪૨૬૧૪૦૩૬૫

kedarsinhjim.blogspot.com.


જીવન ડાયરી ના સ્મૃતિ પૃષ્ઠો - "કવિતાનો છોડ"



જીવન ડાયરી ના  સ્મૃતિ પૃષ્ઠો             મને "કવિતાનો છોડ" શિરપાવ 

       માનવીના જીવનમાં અમુક ઘટના ઈશ્વરનો આશીર્વાદ બની આવે છે, ધાર્મિક વાતાવરણ, સગા સંબંધીઓ નો સંપર્ક, સંતોની પ્રેમ કૃપા, સંગીત, શબ્દ અને સાનિધ્ય નો સથવારો જીવનને ઘડે છે. આ વાત મને એટલા માટે યાદ આવી કે -મારા એક મિત્ર પાસે વહેતી વહેતી વાત આવી કે કેદારસિંહ બાપુ ને 'કવિતાનો છોડ'' એવી ઉપાધિ એક મહાન કવી દ્વારા મળેલી છે -આ વાત નું સત્ય જાણવા એક દિવસ એણે સીધી મને પૃચ્છા કરી અને મારી સ્મૃતિનો ખજાનો યાદ આવ્યો અને આ વાત સમજાવવા મેં માંડીને વાત કરવા ધાર્યું, તે વખતે તો ઉપલક વાત થઈ પણ મન ન માન્યું એટલે આજે  ભૂતકાળ ના મોંઘેરા પડળ ઉખેડવા બેઠો છું.
      કીર્તન, ભજન ઈશ્વર સ્મરણ, સંત સમાગમ, તીર્થવાસ અને પ્રભુ પ્રસન્નતા, આ બધું પુણ્યશાળી જીવો ને પ્રાપ્ત થાય છે, માતાજીની કૃપાથી ગાવાનો અને લખવાનો શોખ મને નાનપણ થી, સ્નેહીઓ અને મિત્રો ના પ્રયાસથી મારી રચનાઓ ની પ્રથમ ભજનાવલી "દીન વાણી" રૂપે પ્રકાશિત કરી ત્યારે મારા ગુરુ સમાન વંદનીય  કવિ શ્રી "દાદ" એ તેની પ્રસ્તાવના લખી અને તેમાં મને "કવિતા નો છોડ" નામે શિરપાવ આપી સન્માનિત કર્યો.         
      મારું બાળપણનું જીવન સાહિત્ય ઉપાસકો કવિઓ અને ગઢવી સમાજના ધુરંધરોની વચ્ચે શરૂ થયું હતું. ધ્રોલ તાલુકાનું મારું ગામ "ગોલીટા." એ સમયે આવન જાવન માટે બહુજ જૂજ સાધનો તેમાં વાહન વ્યવહાર માં ફક્ત રેલવે, અને તે હડમતીયા જંક્શન થી મળે જે ૧૫, કી.મી. દૂર, મારા ગામ થી નજીકમાંજ ચારણ કવિઓ થી ધમધમતું "ધુનાનાગામ" કે જે ધ્રોલ ઠાકોરસાહેબ તરફ થી ઈસરદાસજી ના જ ગામ સચાણા ના કવિ અને સાહિત્યકાર શ્રી ધુનાદાનજી ને મળેલું. શ્રી ધુનાદાનજીના સમય માં ધ્રોલ ઠાકોરસાહેબ-જેમના નામ ની મને ખબર નથી - ત્યાં તેમના ભાણેજ મહેમાન બની ને પધારેલા, એ સમયે નાગા બાવાઓ ની જમાત ઢોલ-નગારા સાથે નીકળી, મામા-ભાણેજ વચ્ચે વાક ચર્ચા ઉગ્ર બની "આવું સૈન્ય ચડી આવે તો આપ કેમ બચાવ કરો ?" જેવા વિવાદમાં ભાણેજે મામા ને લડાઈ કરીને હરાવવાનું આહ્વાન આપી દીધું, અને આ યુદ્ધ નું વર્ણન આલેખવા માટે શ્રી ધુનાદાનજીને આમંત્રણ આપવામાં આવ્યું, અને યુદ્ધના અંતે આ કાર્ય ના પુરસ્કાર રૂપે મારા ગામ ની બાજુમાં પડેલી જમીન તેમને આપવામાં આવી, જ્યાં શ્રીમાન ધુનાદાનજી ના નામ પર થી "ધુનાનાગામ" વસાવવામાં આવ્યું) આ આખાએ ગામ પર જાણે મા સરસ્વતી ની કૃપા વરસી હોય તેમ આ ગામ માં અનેક નામી કવિઓ એ જન્મ લીધો છે અને લોક સાહિત્ય ની લહેર ફેલાવી છે, કોઈ એવું ખોરડું ન મળે કે જેમના કુળમાં થી એકાદ રચના બની ન હોય. ધુનાનાગામ થી અન્ય સ્થળે જવા-આવવા માટે હડમતીયા જવું પડે, ત્યારે વચ્ચે અમારું ગામ આવે, યુગો થી રાજા મહારાજાઓ અને ગઢવીઓ ને ગાઢ સંબંધ, અમો ધ્રોલ ભાયાત હોવાથી ધુનાનાગામ સાથે ગાઢ ઘરોબો મારા પિતા શ્રીના વખત થી હતો, આ ગામમાં આવતાં જતાં ધુનાનાગામ ના મહાન કવિઓ શ્રી કષ્ણદાનજી (શ્રી કસુદાનજી) શ્રી ભગુદાનજી, શ્રીમાન રતુદાનજી જે સાહિત્યકાર, ઉપરાંત નાટ્ય કલાકારો પણ ખરા, પરંતુ નાટ્ય કલાકારો ની આજે મને આછી પાતળી યાદ સિવાય વધારે યાદ નથી. આવા અનેક મહાનુભાવો અમારી ડેલીએ પધારે, ભક્તિ નો હરિ રસ અને શૌર્ય રસ સાથે કવિતાઓ ની રસ લહાણ કરે, આ રસ લહાણે મારા જીવનમાં ભક્તિ રસ નું સિંચન કર્યું, અને સંસ્કારો નું ખાતર મળતાં કવિતાના છોડના મુળીયાં નંખાયા જેને કવિ શ્રી "દાદ" એ પારખેલું જે  "દીન વાણી" ની પ્રસ્તાવના લખતી વખતે પ્રસ્તુત કર્યું. મારી કુમળી વય થી આ સંસ્કાર આત્મસાત્ થયાં જેને હું ઈશ્વર કૃપા નો પ્રસાદ માનું છું, તેના થકી મેં કાવ્ય રચના ની કેડી પર ડગ માંડ્યાં.
         સમય ના વહેતા ગાળામાં મને અમારા કુટુંબ ના સભ્ય સમાન, તેમજ મારા મોટા ભાઈ મહેન્દ્રસિંહજી (જીણકુભાઈ) ના પરમ સખા ગુજરાતના પ્રતિષ્ઠિત ભક્ત કવિ શ્રી "દાદ" સાથે લાંબો સમય ગાળવાનો મોકો મળ્યો. કવિ શ્રી "ધુનાનાગામ" ના ભાણેજ હોવાથી, અને ત્યાં જ રહેતા હોવાથી મને તેમના માર્ગદર્શન નો ખજાનો મળતો રહ્યો.  
          જે સમયે રામાનંદ સાગર ની ટીવીમાં પ્રખ્યાત રામાયણ સિરિયલ પ્રસારિત થતી ત્યારે શહેરો કે ગામડામાં જ્યાં આ પ્રસારણ જોવા મળતું ત્યાં સોપો પડી જતો, એ સમયે શ્રી "દાદ" માટે નિર્માતા રામાનંદ  સાગર આ વિષય વસ્તુ ની માહિતી માટે અનેક વાર રામાયણ પર ચર્ચા કરવા માટે હવાઈ જહાજ દ્વારા કવિ શ્રી "દાદ" ને  નિમંત્રવામાં આવતા, લગ ભગ એજ અરસામાં કવિ શ્રી "લક્ષ્મણાયન" વિષે લખવામાં પ્રવૃત્ત હોઈ ને રામાનંદ સાગર ને લક્ષ્મણ વિષે દુર્લભ અનેક જાણકારીઓ કવિ શ્રી તરફ થી મળતી. મારા માતુશ્રી ઘણી વખત કવિરાજ ને દરબારગઢ માં પધારવા આગ્રહ કરતા અને આવા અનેક વિષયો પર ચર્ચા થતી, ભાગ્ય યોગે ત્યારે મને પણ આ શાસ્ત્રાર્થ સમાન વાર્તાલાપ માં શ્રવણેંદ્રિય પવિત્ર કરવાનો અવસર મળ્યો જે મારા માનસ પટ પર છવાઈ ગયો, એ ધાર્મિકતા અને ભક્તિ ની ગાઢ છાપ આજ પણ સ્મૃતિમાં સળવળે છે.   
         બચપણ થીજ મને સારો કંઠ હોવાથી ગાયકી નો શોખ, જે ફિલ્મી ગીતો થી ભજન તરફ વળ્યો, રાજકોટ રેડીઓ પર મહેમાન બની ગાવાની તક મળેલી, અને રેડીઓ ની પરીક્ષા અણ પાસ કરેલી, પણ તેના પર વધુ ધ્યાન હું આપી ન શક્યો-કે આપ્યું નહીં- ૧૯૭૯, માં કચ્છમાં ગાંધીધામ આવવાનું થયું, પછી આકાશવાણી રેડીઓ  વીસરાઈ ગયો, પણ ઈશ્વરની મરજી કૈંક અલગ હતી, મારા પર કૃપા દૃષ્ટિ ની રહેમ ચાલુ હતી, ગાંધીધામ માં અમારા ધુનાનાગામ ના ભાણેજ શ્રી અયાચી કુટુંબ નું મોટું નામ, કાવ્ય સાહિત્ય ઉપરાંત અનેક કળા, એમાં પણ સ્વ.શ્રી નારસંગજીભાઈ પ્રખર વકીલ અને અનેક સાહિત્ય માં પારંગત, તેમના મુખ થી પહેલી વાર જ્યારે મેં "શિવ તાંડવ સ્તોત્રમ" માંડવી માં બ્રહ્મ લીન શ્રી નારાયણ બાપુના આશ્રમ માં ભાવાર્થ સાથે સાંભળ્યું ત્યારે તેમના જ્ઞાન વિષે મને અનન્ય માન થયું. આ ઉપરાંત પુ. નારાયણ બાપુ સાથે તેમણે જે શબ્દોમાં મારો ખાસ પ્રકારે પરિચય કરાવ્યો ત્યારે મને ખરેખર થયું કે ઈશ્વરની મારા પર કેવી કૃપા છે? નહિતો આ બધા મહાનુભાવો ના મિલન માં મારી હાજરીની નોંધ પણ ન લેવાય. ત્યાર બાદ બ્ર.લી. નારાયણ બાપુ સાથે ઘણી વખત મળવાનું થયું, બાપુ કાર્યક્રમોમાં મને તેઓ શ્રી ના મંચ પર બેસવાનો આગ્રહ રાખતા જે મારા અહોભાગ્ય ગણાય, પણ મારા દુર્ભાગ્યે પુ. બાપુ ની તબિયત નાદુરસ્ત રહેવા લાગી અને મારો રાહબર મને છોડી ને જતો રહ્યો, પણ ગં.સ્વ. નાથુબા ના આશીર્વાદ આજ પણ મારા પર અવિરત છે. 
       ગાંધીધામ વસવાટ કર્યા બાદ પણ મારો ધુનાનાગામ નો સાથ ચાલુજ રહ્યો. ૧૯૯૧માં હું  ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનમાં રહેવા આવ્યો ત્યારે અનેક મિત્રો જાણતા હતા કે હું ઓસલો સોસાયટીમાં પાંચ વર્ષ થી (માનદ) ગરબા ગાતો હતો, તેથી બધાય મળીને અહીં નવરાત્રિ નું આયોજન કરવાનું નક્કી કર્યું. એક સારું આયોજન થાય તે માટે મેં કવિ શ્રી "દાદ" ને આમંત્રિત કરવાની વાત કરી અને હું ધુનાનાગામ શ્રી "દાદ" ને આમંત્રણ આપવા ગયો. એક વ્યવહારિકતા મુજબ મારાથી પુછાઈ ગયું કે આપને શું આપવું ! પ્રતિઉત્તર માં સણસણતો જવાબ હતો કે "પૈસા આપીને મને લેવા આવ્યા હો તો નહીં આવું, પણ પોતાનો જાણીને કહેવા આવ્યા હો તો આવીશ અને રહેવાની સગવડ કરી રાખજો હું સમય સર પહોંચીશ." અને અમારા બન્ને ના સ્વચરિત માતાજી ના ગરબા અરસપરસ સાંભળી સંભળાવી અને જાણે માતાજી ની પ્રતિષ્ઠા કરી દીધી, ત્યાં આજે માતાજી નું ભવ્ય મંદિર અને સ્કૂલ બની ગયા છે. આમ ૧૯૯૧ નું વર્ષ મારા જીવન માં  એક યાદગાર વર્ષ બની રહ્યું છે. પછી તો " છે શક્તિ કેરો સાથ" જેવી રચના ના રચયિતા કવિ શ્રી પ્રદીપ ગઢવી, સ્વ. શ્રી હેમુભાઈ ગઢવી ના પુત્રો શ્રી બિહારી ગઢવી, સ્વ. શ્રી જીતુ ગઢવી અને બ્રહ્મ લીન નારાયણ બાપુ ના બન્ને પુત્રો હીતેશ ગઢવી અને હરેશ ગઢવી સાથે મુલાકાતો થતી રહી. 
         થોડા વર્ષો થી ભચાવ માં "ભજનધામ" ના સ્થાપક શ્રી પાલુભાઈ ગઢવી "ભજનાનંદી" સાથે આત્મીયતા વધી, ભજન સંસ્કૃતિ ને સંવર્ધિત કરવા અને નવોદિતો ને પ્રોત્સાહન આપવા અને સાથોસાથ ગાયકી માં જે માહેર હોય એવા ના કંઠ, સંગીત અને લોક સાહિત્યનો ધર્માર્થે લાભ મળે તેવા શુભ આશયથી દર રવિવારે યોજાતા ભજન કાર્યક્રમમાં સભ્ય બનવાનો અને ભજન ગાવાનો આનંદ મળ્યો, આમ મારા ભજનો, સંત સમાગમ ઘરેલુ ધાર્મિક વાતાવરણ, અને મારી સામાન્ય ગાયકી થકી આ ક્ષેત્ર વિસ્તારિત થયું ત્યારે એમ લાગ્યું કે "કવિતાનો છોડ" એ મારા ગુરુ સમાન કવિશ્રી "દાદ" ની કદાચ આગાહી હતી. કહેવાય છે કે સાચો આશીર્વાદ આસમાને પહોંચાડે છે, હું કોઈ મોટો ભજન ગાયક કે કલાકાર નથી અને બની પણ ન શકું, પણ મારી લાયકાત ના પ્રમાણ માં આજે હું જ્યાં પહોંચ્યો છું તે મારી ગ્રહણશક્તિ ના પ્રમાણ માં ઘણું વધાર છે જે "કવિતાનો છોડ" ને અંકુરિત કરે છે.  જય માતાજી.  

કેદારસિંહજી એમ. જાડેજા
ગાંધીધામ. કચ્છ.(ગુજરાત )
મેઈલ:-kedarsinhjim@gmail.com 
ફોન-વોટ્સએપ/મો. નં. ૯૪૨૬૧૪૦૩૬૫ 
૮૧૬૦૬૩૦૪૪૯.

Sunday, May 14, 2023

પ્રભુની મહેર

પ્રભુની મહેર

ઢાળ-સારંગ જેવો-ચકવી રેન પડે જબ રોવે

સાખી-સકળ આ સંસારમાં અમૂલખ માનુષ તન, મહેર કરી મુજને મળ્યું ધન્ય ધન્ય ભગવન્

સાખી-મહેર કરી મહારાજ તેં, આપ્યું અમને અન્ન, વાયુ જળ વસુંધરા આપી થઈને પ્રસન્ન 

પ્રભુજી તારી મુજ પર મહેર ઘણી,
માનવ કેરો દેહ  મળ્યો મને, ધન્ય ધન્ય ધરણિ ધણી...

 ખબર નથી હું ક્યાં ક્યાં ભટક્યો, યોની ન જાય ગણી
જીવ જંતુ કે કીડી મકોડી,  અનહદ તુચ્છ ઘણી...

લખ ચોરાસી જીવ અથડાયો , સુખ નહીં સોઈ ની અણી
નારાયણ ની નજરું પડી ગઈ,
મેં તો કદિ’એ ન ભક્તિ ભણી..

દેવો ને પણ દુર્લભ એવી,
કાયા મળી મનખા તણી
અમૂલખ અવસર લાધ્યો આ મુજને,  આપ્યો ગરીબ ગણી... 

શ્વાસે શ્વાસે પ્રભુ સ્મરણ કરું હું, રટણા રામ તણી
સુમતિ આપો હરી સન્મુખ ભાળું,  ભટકું ન ભ્રમણા ભણી...

રંગે ચંગે હું આવું તારે દ્વારે,
એવી આશા મનમાં ઘણી
"કેદાર" કરજો કૃપા કરુણાકર દેજો, રજ તવ ચરણો તણી...  

રચયિતા :
કેદારસિંહજી મે. જાડેજા
ગાંધીધામ  -કચ્છ
૯૪૨૬૧૪૦૩૬૫

ભાવ ભજન

ભાવ ભજન

ઢાળ:- જનમ જે સંત ને આપે- જેવો-

સાખી-ગાય ભજન જો ભાવથી હરિવર હર્ષિત હોય,  
ભાવ વિના ભાવે નહી,  
કાન ધરે ન કોય.

સાખી-પ્રેમ ન ઊપજે જો પ્રાર્થતાં, ઈશ ન આવે યાદ,  
બસ વાણી વિલાસ કરે,
કોઈ ન આપે દાદ.

સાખી-ગમ વિનાનો ગાંગરે, ભીતર ભૂધર નઈ.      
આદર કંઈ ઊપજે નહીં,
મોલ ટકો એ નઈ .

ભજન જો ભાવ સે હોતા,
ભૂધર કો ભી મિલાતા હે  
ન આતે હેં જો ખ્વાબો મેં,
વો માધવ દૌડ આતા હે.

મીરાં કે મન બસા મોહન, દિખાયા નાચ નટવર કો.  
સમા ગઈ મુખ મંડલ મેં,
પ્રભુ પ્રેમે પચાતા હે.

ભિખારી ભીખ કે ખાતિર,
રમાયે ધૂન માધવ કિ.
કરે કૃપા ના કૃપાલુ,  
કૌવે કો ખુદ ખિલાતા હે.

ગંવાયા વ્યર્થ ગજ જીવન,
અંતમેં હરિ શરન આયા.  પિછાની પ્રેમ પ્રભુ ધાયા,  
પલક મેં ચક્ર ચલાતા હે.

રિપુ જાને રઘુવીર કો,
રાવણ મન હરી શરણ રાખે. ચલાકે બાન રઘુ નંદન,
જીવન સે મોક્ષ દિલાતા હે.

ચેત નર રામ રટણ કરલે, ભજનરસ પ્યાલી તું ભરલે. સુમીરન "કેદાર" તું કરલે,
અભય પદ આપ દિલાતા હે.

રચયિતા :
કેદારસિંહજી મે. જાડેજા
ગાંધીધામ  -કચ્છ
૯૪૨૬૧૪૦૩૬૫

બહુ નામી શિવ 




બહુ નામી શિવ
 


બહુનામી શિવ     

તા. ૧૦.૪.૮૯-

ઢાળ-રાગ આશાવરી જેવો.

સાખીઓ..કર ત્રિશૂલ શશી શીશ, ગલ મુંડન કી માલા . 

          કંઠ હલાહલ વિષ ભરા,   બૈઠે જાકે હિમાલા... 

          ત્રિ નેત્ર સર્પ કંઠ,   ત્રિપુંડ ભાલ સોહાય .  

          સંગ ગિરિજા જટા ગંગ,  સબ જગ લાગે પાય... 


શિવ શંકર સુખકારી ભોલે...

મહાદેવ સોમેશ્વર શંભુ, વિશ્વેશ્વર વિષ ધારી...ભોલે.. 


ગિરિ કૈલાસે ગિરિજા કે સંગ, શોભે શિવ ત્રિપુરારિ

ડમ ડમ ડમ ડમ ડમરુ બાજે, ભૂત પિશાચસે યારી...ભોલે..


ગંગા ગહેના શિર પર પહેના, ભુજંગ ભૂષણ ભારી     

બાંકો સોહે સોમ શૂલપાણિ, ભસ્મ લગાવત સારી...ભોલે...


વાઘાંબર કા જામા પહેના, લોચન ભાલ લગારી

વૃષભ વાહન વિશ્વનાથકા, ભૂમિ સ્મશાન વિહારી...ભોલે...


મુખ મંડલ તેરો મન લલચાવે, છબ લાગતહે ન્યારી

મૃત્યુંજય પ્રભુ મુજે બનાદો, બેઠેજો મૃગચર્મ ધારી...ભોલે.... 


ચરન ધુલકા પ્યાસા પિનાક મે, ભૂતેશ ભક્ત હિતકારી

દાસ "કેદાર" કેદારનાથ તું, બૈજનાથ બલિહારી.....ભોલે...  


ભાવાર્થ:-સાખી=૧, હાથમાં ત્રિશૂલ ધારણ કર્યું છે, શિર પર ચંદ્ર ધર્યો છે, ગળામાં મૂંડકાની માળા પધરાવી છે, કંઠમાં હળા હળ વિષ ધરીને કૈલાસમાં બિરાજમાન છે દેવાધીદેવ મહાદેવ.

૨, ત્રણ નેત્ર છે, ગરદનમાં સર્પ ધારણ કર્યા છે, લલાટમાં ત્રિપુંડ શોભાયમાન છે, અર્ધાંગના માતા ગિરિજા બાજુમાં બિરાજમાન છે, જટાની અંદર ગંગા મૈયા શોભાયમાન છે, આવા અલૌકિક સૌંદર્ય ધરાવતા મહાદેવને સકળ વિશ્વ વંદન કરે છે.

મહાદેવના અનેક નામો માંહેના ૧૬ નામોનો આ ભજનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. 

   અનેક મુલાકાતો અને મારી રચનાઓ ને પરખ્યા બાદ જ્યારે આ રચનાને બ્રહ્મ લીન નારાયણ બાપુએ કંઠ આપ્યો ત્યારે મારા જીવનનો એ રચનાકારની દનિયામાં સાચા અર્થમાં પ્રવેશ હતો. (Turning point) ત્યાર બાદ તો અનેક નાના-મોટા કલાકારોએ ભજનના કાર્યક્રમો-ડાયરા તેમજ ટી વી અને રેડીઓ દ્વારા પણ આ રચના રજૂ કરી અને કરતા રહે છે, એમાં મારા વડીલ-મિત્ર-ગુરુ બ્રહ્મ લીન કવિ "દાદ"ના આશીર્વાદ એટલાજ કારણભૂત છે, હું એમનો એટલો સદા આભારી છું. 


રચયિતા:-

કેદારસિંહજી મે. જાડેજા "દીન" "દીન વાણી" ગ્રૂપ, ગાંધીધામ, 

૯૪૨૬૧૪૦૩૬૫. આપ ગુગલ પર kedarsinhji અને YouTube માં 

kedarsinhji m jadeja લખીને મારી રચનાઓ માણી શકશો.  


રામાયણ ના પ્રસંગો ૧ જટાળો જોગી

ફોટો-ગુગલ ના સહયોગ થી

                      

                           જટાળો જોગી


જોગી જટાળો હરિના જોષ જોવે છે, સંગમાં ભુશંડી શિવના ચેલા થઈ ફરે છે...

રાજા દશરથ ના ઘરે આનંદ અનેરો, એક છે ઉપાધિ આજે બાળ કાં રડે છે...

પરખી શક્યા ના પીડા વૈદ કે હકીમો, લાગે છે લાલાને કોઈની નજરૂં નડે છે..

ગિરિ કૈલાસે થી આવ્યો છે અઘોરી, જાણે છે જંતર જોષી કુંડલી કરે છે...

બોલ્યો બાવાજી લાવો લાલો મારી ગોદ માં, ભૂત ને પિશાચો મોટાં અમ થી ડરે છે..

હરિ હર મલિયા ત્યારે જુગતિ અનેરી, કૌશલ્યા નો કુંવર હસતો જોષીડો રડે છે..

માડી તારો લાલો લાગે જગથી નિરાળો, જગદીશ્વર જેવી જાણે રેખાઓ મળે છે..

" કેદાર " ભુશંડી કેરાં ભાગ્ય શું વખાણું, હરિ કેરાં મુખથી પડેલાં એઠાં જમે છે... 

સાર:- ભગવાને જ્યારે કૌશલ્યા માતા અને દશરથ રાજા ને ત્યાં રામ અવતાર ધારણ કર્યો તે સમયે મહાદેવ શિવ શ્રી રામના દર્શન કરવા અયોધ્યા પધાર્યા, સાથે કાગ ભુશંડીજી પણ પધાર્યા છે. પણ આતો રાજા દશરથજી નો દરબાર, સલામતી ખાતર ત્યાં સહજ પ્રવેશ તો નજ મળેને? પણ રામજી જાણી ગયા કે ભોળાનાથ પધાર્યા છે, તેથી તેમણે લીલા આદરી, અને ખૂબજ રડવા લાગ્યા, કોઈ પણ ઉપાય બાળક ને શાંત કરવામાં કારગત ન નીવડ્યો, આખા નગરમાં વાત ફેલાઈ ગઈ. ત્યારે મહાદેવે દ્વારપાળને જણાવ્યું કે અમો કૈલાસથી આવીએ છીએ, અમોને દશરથ નંદન નો ઇલાજ કરવાદો  અમે બધા મંત્ર તંત્ર જાણીએ છીએ. અમોએ અનેક ભૂત પિશાચોને વશ કરી રાખેલા છે. મહાદેવ તો જોગી જેવા લાગતાં હતા, કાગ ભુશંડીજી ને પોતાના શિષ્ય ગણાવ્યા, ત્યારે દ્વારપાળે યોગ્ય પરવાનગી મેળવીને રાજમહેલ માં પ્રવેશ આપ્યો. ઉપાય કરવાના બહાને શિવજીએ કહ્યું કે બાળકને મારી ગોદમાં આપો, ત્યારે આ ભભૂતધારી ને જોઇ ને માતાને ડર તો લાગ્યો, કે આ જટા જૂટ લિબાસ વાળા ભભુતગર ને જોઈને મારો લાલ ડરી જશે,  પરંતુ બીજો કોઈ ઇલાજ ન જણાતા, ભય વશ પણ બાળકને આ અઘોરીના ખોળામાં આપવોજ પડ્યો. પણ જેવી હર અને હરિની નજર મળી કે જાણે ચમત્કાર થયો હોય તેમ બાળ રામ તો શાંત બની ગયા, પણ પ્રેમ વશ ભગવાન શિવજીના નેત્રો માંથી આંસુ વહેવા લાગ્યા. 
 આ ચમત્કાર જોઇ ને માતા પિતાના આનંદ નો પાર ન રહ્યો, પછીતો શિવજી ને અનેક પ્રશ્નો પૂછીને બાળકના ભવિષ્ય વિષે જણાવવા કહ્યું, ત્યારે શિવજીએ આ બાળક તો સાક્ષાત્ ઈશ્વર જેવી હસ્ત રેખા સાથે જનમ્યો હોઈ ને ઐશ્વર્ય પ્રાપ્ત કરશે એવી ગર્ભિત વાત કરી, હરિ અને હરે એક બીજાને મન ભરીને માણ્યા બાદ જ્યારે શિવજીએ વિદાય માંગી ત્યારે અનેક ઉપહારો આપીને દશરથ રાજા અને કૌશલ્યા માતા સહિત સર્વે એ ભારે હ્રદયે વિદાય આપી. શિવ ને ઉપહારો ની શી ખેવના? પરંતુ પોતાનો ભેદ જાળવી રાખવા સ્વીકાર કરવો પડ્યો.
 શિવજીએ તો રામને મન ભરીને માણ્યા, પરંતુ કાગ ભુશંડીજી તો ત્યાર બાદ અવાર-નવાર રામજીના દર્શને પધારવા લાગ્યા, રામજીની બાળલીલા માણે, અને જ્યારે રામજી માતાજીના હાથેથી ભાંખોડીયા ભરતાં ભરતાં બાલભોગ જમતા હોય, અને જ્યારે મુખમાંથી કંઈ જમીન પર પડે, તે કાગ ભુશંડીજી આ એઠાં મહા પ્રસાદને અમૃત સમાન ગણી ને જમે, કેવાં ભાગ્યશાળી.   

ઉપકારી સંતો

ઉપકારી સંતો

ઢાળ-અમને અડશોના અભડાશો. જેવો                         
સાખી-સંત હૃદય સમતા ઘણી,અવિરત રટણા રામ, પરજનની પીડાહરે,
એ સાધુ નું કામ.

સાખી-જટાધરી સાધુ બન્યો, ભગવા પહેર્યા અંગ,
અંતર રંગ લાગ્યોનહીં,
રહ્યો નંગનો નંગ.

સાખી- જટાધરી જોગી થયો, ભસ્મ લગાવીઅંગ,
મોહ માયા ત્યાગીનહીં,
રહ્યો નંગનો નંગ

જગમાં સંત સદા ઉપકારી.
પર દુખ કાજે પંડને તપાવે,
આપે શિતલતા સારી...

અમરેલીમાં એક સંત શિરોમણિ, મુળદાસ  બલિહારી
રાધા નામે એક અબળા ઉગારી, કલંક લીધું શિર ધારી..
સંત સદા ઉપકારી.

જામ નગરનો રાજા રીસાણો, ગુરુ પદ કંઠી ઉતારી
ભરી સભામાં મૃત બિલાડી જીવાડી, દિગ્મૂઢ કીધાં દરબારી...
સંત સદા ઉપકારી.

જલારામ વીરપુરના વાસી,
પરચા પૂર્યા બહુ ભારી
વીરબાઇ માંગી પ્રભુ પછતાણા, આપી નિશાની સંભારી..
સંત સદા ઉપકારી.

ધાંગધ્રાનો એક જેલનો સિપાહી, ભજન પ્રેમ મન ભારી
"દેશળ" બદલે દામોદર પધાર્યાં, પહેરા ભર્યા રાત સારી... 
સંત સદા ઉપકારી.

સુરદાસ જ્યારે પ્રણ કરી બેઠાં, સંખ્યા પદની વિચારી
સુર શ્યામ બની શ્યામ પધાર્યા, હરજી હર દુખ હારી...
સંત સદા ઉપકારી.

થયા ઘણાંને હશે હજુ પણ, રહેતાં હશે અલગારી
"કેદાર" કહે કોઈ એકને મળાવીદો,  જાણું કરુણા તારી...
સંત સદા ઉપકારી.

રામાયણ પ્રસંગ પટ કેવટ પ્રસંગ.


રામાયણ પ્રસંગ પટ
કેવટ પ્રસંગ.



                                 ભજન

મેં તો જાણી લીધો ભેદ તમારો, સીતાના સ્વામી,પ્રેમે કહો પાવલાં પખાળો....

ભવ સાગર ભર તારણ હારો, માંગે આજ આશરો અમારો
નાવ માંગે હરિ પાર ઊતરવા, કેવટ મનમાં મૂંઝારો...સીતાના સ્વામી...

મર્મ તમારો જાણું હું ભગવંત, જાણું અવતાર તમારો
પ્રથમ પહેલાં પાય પખાળું, પછી કરૂં પાર કિનારો....સીતાના સ્વામી..

રાત વેળા એ કરતા લક્ષ્મણ, નૃપ સંગ વેદ ના વિચારો
વેદ નો ભેદ મેં એક જ જાણ્યો, જાણ્યો ચરણ ચમકારો.. સીતાના સ્વામી...

રજ તમારી પડી પથ્થર પર, પ્રગટ્યો ત્યાં દેહ દમકારો
જો રજ પરસે નાવ અમારી, તૂટે ગરીબ નો ગુજારો...સીતાના સ્વામી...

શીદ ગંગાજળ શુદ્ધ ગણાતું, શીદ શુદ્ધ ગંગા કિનારો
શીદને ભક્ત ગણ ભાગીરથી સેવે, જાણી લીધો વેદ વરતારો..સીતાના સ્વામી...

ગંગા કિનારે જીવન વિતાવ્યું, -તેથી- આવ્યો સમય આજ સારો
ભવ સાગરનો માલમ મોટો, કહે મને પાર ઉતારો....સીતાના સ્વામી...

આજ કિનારે બીજી ન નાવડી, અવર ઊતરવા ન આરો
પગ પખાળી પછી પાર ઉતારૂં, માંગું નહિ આપથી ઉતારો..સીતાના સ્વામી...

જો તેં જાણી લીધું નીર ગંગાનું, જાણી લીધો વેદ વરતારો
શીદ પખાળે પછી પાવલા મારાં, કરે નહિ ગંગ થી ગુજારો..સીતાના સ્વામી...

જળ ગંગા એ નીચ જન તાર્યા, કીધો હશે કૈકનો ઉગારો
અધમા અધમ હું અતિ અધમ નો, નહી કરે નીર ઉદ્ધારો..સીતાના સ્વામી...

પ્રેમ પિછાણી રઘુવીર રીઝ્યા કહે, તું જીત્યો ને હું હાર્યો
ચરણામૃત લઈ મેલ્યું મુખ માંહી, ત્યાં તો રોમે રોમ ઊજિયારો..સીતાના સ્વામી...

પરભવ કેરો કચ્છ કેવટ રિઝાવી, તાર્યા કુટુંબ પરીવારો
પાર ઉતરી પૂછે પ્રભુજી હવે, આપું તને કેવા ઉપહારો..સીતાના સ્વામી...

આજ પ્રભુજી મને શું શું ન મળ્યું, અનહદ કર્યા છે ઉપકારો
અવર ન આશ પણ એટલું માંગું, કરજો હવે એક દિ’ ઉતારો.......સીતાના સ્વામી......

આજ ગંગાજળ પાર મેં કરાવ્યાં, આવે અંત આયખો અમારો
લખ ચોરાસીના લેખા ન લેજો, દેજો મને આશરો તમારો..સીતાના સ્વામી...

દીન " કેદાર "નો દીન દયાળુ, ભક્ત કેરા ભાર હર નારો
છળ કપટ છોડી રામ જે રિઝાવે, પામે એ તો મોક્ષ નો કિનારો..સીતાના સ્વામી...

 ભાવાર્થ-ભગવાન શ્રી રામ/લક્ષ્મણ અને માતા સિતાજી જ્યારે ગંગા પાર કરવા ગંગા કિનારે પધારેછે ત્યારનો આ પ્રસંગ છે.

શૃંગવેરપુરનો એક ગરીબ નાવિક ગંગામાં પોતાની નાવ ચલાવીને ગુજરાન ચલાવતો, એક વખત શૃંગવેરપુરનો કિરાત રાજા  શિકાર કરતાં ભટકી ગયેલો, ત્યારે કેવટે ( વહાણ હાંકવાનું કામ કરનાર પુરુષ) તેમને મદદ કરેલી ત્યારે ગુહ રાજાએ વચન માંગવા કહ્યું, પરંતુ કેવટે સમય આવ્યે માંગવા કહેલું. આજે રાત્રે જ્યારે કેવટને રામજી નું રક્ષણ કરતા રાજા ગુહ અને લક્ષ્મણજી ની વાત સાંભળવા મળી કે રામ કોણછે? તેમના ચરણોનો શો મહિમા છે? એજ ચરણોમાંથી નીકળેલી આ ગંગા શુંછે?અને આજે સવારે રામજી ગંગા પાર કરવાનાછે તે જાણ્યું ત્યારે કેવટે રાજા પાસે સવારે  બીજી કોઈ નાવ ગંગા કિનારે ન રહે એવું વચન માંગી લીધું તેથી રામજી એજ નાવમાં બેસવા મજબૂર હોઈને કેવટ કહેછે કે.....

 હે ભગવન્ રાત્રે આપનું રક્ષણ કરતા લક્ષ્મણજી રાજા ગુહ સાથે જે ચર્ચા કરતા હતા, તેમાં મને બીજુંતો કંઈ ન સમજાયું પણ એકજ વાત સમજાઈ કે જો હું આપના ચરણોને પખાળીને ચરણામૃત લઈ લઉં તો મારો બેડો પાર થઈ જાય.મને થતું કે આટલા આટલા દૂરથી સંતો/મહંતો અને અનેક લોકો ફક્ત ગંગા સ્નાન અને એક અંજલિ જળ માટે શા માટે આવતા હશે? મારોતો જનમારો આ જળના સહારેજ વીત્યો, મને શો લાભ થયો? પણ આજે મને સમજાયછે કે તેના ફળ સ્વરૂપે આપના દર્શન થયા અને હવે જો આપ મને પગ ધોવાદો તો હું પાર થઈ જાઊં, અને પ્રભુ એક બીજી વાત, આપના ચરણની રજ એક પથ્થર પર પડી તો તેમાંથી રૂષી પત્ની ઉત્પન્ન થઈ ગઈ, મારી નાવ તો કાસ્ટની છે, એમાંથી જો કોઈ અલૌકિક નારી ઉત્પન્ન થાય તો મારી આજીવિકાનું શું? અને હું એ દેવીની સેવા શું કરી શકું? અને પ્રભુ આજે આ કિનારા પર બીજી કોઈ નાવતો છે અહિં તેથી આપને બિજો કોઈ વિકલ્પ પણ નથી, માટે આપ મને આપના પગ પખાળવાદો.
પ્રભુ કેવટને સમજાવેછે કે જો તને મારા ચરણામૃતની ખબર પડીજ છે તો પછી સિધેસીધું ગંગાજળજ કેમ નથી લેતો? ત્યારે કેવટ સરસ જવાબ આપેછે કે નાથ, આપના ચરણમાંથી નીકળેલુ આ જળ વહેતાં વહેતાં અહિં સુધી પહોંચ્યું તે દરમિયાન કેટલાએ જીવો ને પાર ઊતાર્યા હશે, તો કંઈક તો સત્વ ઘટ્યું હશેને? અને પ્રભુ હૂંતો અધમ નહિં પણ અધમથી પણ અધમ છું, તો મારો ઉદ્ધાર આ જળ નહીં કરી શકે એમ મને લાગેછે, માટે મને આપ આપના ચરણો ધોવાદો અને એ જળ જો મારા શરીરમાં જાય તો કદાચ મારો ઊધ્ધાર થાય.
ભગવાને વિચાર્યું કે આ કેવટ જિદ્દ નહીં છોડે, તેથી તેને પગ ધોવાની મંજૂરી ભગવાને આપી દીધી.

મારા સાંભળ્યા પ્રમાણે કેવટ આગલાં જન્મમાં કચ્છ કહેતાં કાચબો હતો. એક વખત ક્ષીર સાગરમાં ભગવાન વિશ્રામ કરતા હતા ત્યારે આ કાચબાને ભગવાનના ચરણ સ્પર્શ કરવાની ઇચ્છા થઈ, પણ ભગવાન ની નિદ્રામાં ખલેલ ન પડે માટે શેષનાગે તેને દૂર હડસેલી દીધો, ફરીવાર પ્રયત્ન કર્યો ત્યારે પણ સફળતા ન મળી, ત્રિજી વાર જ્યારે પ્રયત્ન કરવા ગયો ત્યારે શેષનાગે જોરથી ફેણ મારતાં આ કાચબાનું મૃત્યુ થયું, પણ અંત વેળાએ તેની ઇચ્છા પ્રભુના ચરણ સ્પર્શ કરવાની રહી ગયેલી તેથી આ જન્મે તે કેવટ બનીને પ્રભુના પગ પખાળવા પહોંચી ગયો.

ગંગા પાર કરીને ભગવાને કેવટને ઉતરાઈ આપવા કહ્યું ત્યારે કેવટે વિનંતી કરી કે નાથ, ગંગા પાર કરવાનું મહેનતાણું લઈને મારે આપને મારા ઋણમાંથી મુક્ત થવા નથી દેવા, જેમ મેં આપને ગંગા પાર કરાવી તેમ જ્યારે હું ભવસાગર પાર કરવા આવું ત્યારે આપ મારી પાસે પણ કોઈ ઉતરાઈ ન લેજો, મારા કર્મના કે પાપોનો હિસાબ ન માંગતા, બસ પાર કરીને આપના ચરણોમાં લઈ લેજો.
આપણે પણ આપણી શક્તિ પ્રમાણે ભાવ સહિત પ્રભુને ભજતા રહીએ તો યથા યોગ્ય ફળ જરૂર મળે.
જય શ્રી રામ.  
ફોટો-ગુગલના સહયોગ થી.

રામાયણ પ્રસંગ પટ- ભજન કાકલૂદી (દશરથ રાજાની)

રામાયણ પ્રસંગ પટ- ભજન


        કાકલૂદી (દશરથ રાજાની)


કેમ કુબુદ્ધિ તેં આણી રાણી,
                               કોણ થકી ભરમાણી....

હે મૃગનયની કોમલ કંઠી, શીદને વદે આવી વાણી
રામ વિનાની ચૌદ ઘડી પણ, ચૌદ જનમ લે જાણી...રાણી..

ગજ ગામીની કહું કામિની, અવળી કરે છે ઉઘરાણી
આંખ થી અળગો રામ થશે તો, મુજ જીવન ધૂળ ધાણી..રાણી..

ભરત ભલે ને રાજા બનતો, માંડવી બને ભલે રાણી
રામ સીતા એનો આદર કરશે, ઉમંગ ઉરમાં આણી..રાણી..

આવે યાદ મને અંધા અંધી ની, વિરહી વદ્યા તા જે વાણી
પુત્ર વિયોગે પ્રાણ જશે મુજ, એ અવસર ની એંધાણી..રાણી..

રઘુકુળ ભૂષણ વનમાં પધાર્યા, સંગ સીતાજી શાણી
રાજા દશરથ સ્વર્ગ સિધાવ્યા,  "કેદાર" કરમ ની કહાણી...રાણી..

ભાવાર્થ-રાજા દશરથે જ્યારે રામ રાજ્યનું એલાન કર્યું ત્યારે કૈકેયી રાણીએ તેનો વિરોધ કર્યો, અને પોતાને પહેલાં રાજાએ આપેલા બે વચનો માંગ્યા, જેમાં રામને ચૌદ વરસ વનવાસ, અને ભરત ને રાજ ગાદી ની માંગણી કરી. ત્યારે દશરથ રાજા કૈકેયી ને "હે મારી માનીતી રાણી, કોમલ કંઠ વાળી, મૃગ જેવા નયનો વાળી, હે ગજ ગામીની,હે કામિની"  જેવા એક રાજા, અને તે પણ રામના પિતાને ન શોભે એવા શબ્દો વાપરીને મનાવે છે, કે તું આ શું માંગણી કરશ? રામ વિના હું ચૌદ વરસ તો શું ચૌદ ઘડી પણ રહી નહીં શકું. જો રામ મારી નજરથી દૂર થશે તો મારું જીવન ધૂળ ધાણી થઈ જશે. 
તારી ઇચ્છા હશે તો ભરતને હું રાજ્ય આપી દઈશ, અને માંડવીને રાણી બનાવી દઈશ, એટલુંજ નહીં રામ અને સીતા પણ આનંદથી એ સ્વીકારી લેશે. અને એક રાજા જેવો તેમને આદર આપશે.  
છતાં પણ જ્યારે કૈકેયી માનતા નથી અને વચનો આપવાની હઠ પકડીને એજ માંગણી ચાલુ રાખે છે, ત્યારે દશરથ રાજાને શ્રવણનાં માતા પિતા યાદ આવ્યાં. એક વખતે જ્યારે દશરથ રાજા શિકાર કરવા નીકળેલા, ત્યારે શ્રવણ તેના માતા પિતાને કાવડમાં બેસાડીને યાત્રા કરાવતો કરાવતો અયોધ્યા પાસેથી પસાર થતો હતો. ત્યારે તેના માત પિતાને તરસ લાગતાં પાણી ભરવા માટે સરોવર કિનારે ગયેલો, પાત્રની અંદર પાણી ભરાવાનો અવાજ સાંભળીને દશરથ રાજાને થયું કે કોઈ મૃગ પાણી પીવા આવેલ છે,  તેથી તેમણે કોઈ ખાત્રી કર્યા વિના શબ્દવેધ બાણ માર્યું, જે શ્રવણને વાગતાં તેનું મૃત્યુ થયું.રાજનને પોતાની ભૂલ સમજાણી, પણ ત્યારે ઘણું મોડું થઈ ગયું, શ્રવણે પોતાના માતા પિતાને પાણી પાવાની વિનંતી કરીને પોતાનો પ્રાણ ત્યાગી દીધો. પણ જ્યારે શ્રવણ ના માતા પિતાને બધી વાતની જાણ થઈ ત્યારે તેમણે રાજનને શ્રાપ આપ્યો, કે જેમ આજે અમો પુત્ર વિના ટળવળીએ છીએ, તેમ તું પણ તારા પુત્રના વિયોગે તડપીને પ્રાણ ત્યાગશે.
જ્યારે શ્રી રામને આ બધી વાતની જાણ થઈ, (જો કે આ બધી શ્રી રામનીજ ઇચ્છાથી માતા કૈકેયી દ્વારા ભજવાતી લીલા હતી.}ત્યારે પ્રભુ સહર્ષ વનવાસ સ્વીકારીને પિતાજીને સાંત્વના આપી. સીતાજી અને લક્ષ્મણજી પણ જીદ કરીને શ્રી રામજી સાથે વનવાસ ગમન કરી ગયા, ત્યારે રાજા દશરથજીએ પણ કર્મોના બંધન નું પાલન કરતાં સ્વર્ગ ના વાટે વિદાય લીધી.
ફોટો- ગુગલના સહયોગ થી.

રામાયણ પ્રસંગ પટ સંદેશ કહો હનુમાન

સંદેશ કહો હનુમાન
           
ભજન
સંદેશ કહો હનુમાન,        કેમ રહે મારો રામ
કેમ રહે મારો લક્ષ્મણ લાલો, કેમ વિતાવે શામ....

વૈદેહી વિણ રજની રામને,          કેવી વેરણ લાગે
ઉષાના અજવાળા હરિને,         ક્યાંથી કોમળ લાગે
શીતળ વાયુ હશે શૂળ સમાણો,     કેમ સહે ભગવાન...

કંચન મૃગલો ક્યાંથી આવ્યો,  મનડું કેમ મોહાણું-મારું-
જનક નંદિની હું વૈદેહી,       ચિતડું કેમ ચોરાણું-મારું-
માયા જગતની ઊરમાં ન આણું, મન કાં થયું બેઈમાન...

જીવ જરા પણ ભાળું તડપતો,        કાળજું મારું કાંપે
તૃણ હલે જો તેજ હવામાં,     મનને ખૂબ સંતાપે- મારા
કંચન કાજે મૃગને મારવા,         કેમ વદી આ જબાન....

અરજ મારી કહેજો રામને,        જો મુજને લેવા આવે
પ્રથમ પહેલાં કૃરતા મારી,         મારા મનથી ભગાવે
"કેદાર" પ્રસંગ કોઈ એવો ન આવે , હરીલે કોઈ નાદાન...

લંકાની અશોક વાટિકામાં સીતા માતા બિરાજ્યા છે ત્યાં જ્યારે હનુમાનજી પધારે છે અને બધા રામ અને લક્ષ્મણના સમાચાર આપે છે, ત્યારે માતાજી પણ પૂછે છે, કે હે હનુમાન, મને મારા રામનો સંદેશો આપો, મારો રામ કેમ રહે છે, મારો લક્ષ્મણ શું કરે છે, 

મારા વિના રામને દિવસતો કદાચ પસાર થતો હશે, પણ વેરણ રાત કેમ પસાર કરે છે? મારા વિના પ્રભાતના કિરણો કોમળતા ક્યાંથી આપી શકતા હશે? અને સવારનો શીતળ મંદ પવન પણ જાણે શૂળ બનીને મારા રામના કોમળ કાળજાને કોરી ખાતો હશે.

હે હનુમાન, વનમાં પણ મારા રામ સાથે હું ખૂબ આનંદથી રહેતી હતી, પણ મારા દુર્ભાગ્યે આ સુવર્ણ મૃગ ક્યાંથી આવી ચડ્યો, અને હું જનક રાજાની પુત્રી, જે જનક રાજા દેહ હોવા છતાં વૈદેહી કહેવાય છે, જેને મોહ માયા ક્યારેય વિચલિત કરી નથી શકતી, એવા જનક રાજાની હું પત્રી હોવા છતાં મારામાં આ સુવર્ણ મૃગ માટે માયા કેમ જાગી? અને મારું મન એના ચામડા પર કેમ મોહિત થયું?

અરે હનુમાન, કોઈ પણ જીવને હું જરા પણ વિચલિત થતો ભાળું તો મારું મન કંપી ઊઠે, અરે જીવતો ઠીક કોઈ પાંદડું પણ જો તેજ હવામાં કાંપતું ભાળું તો મને થાય કે આ હવાથી આ તણખલાને કોઈ હાની તો નહિ પહોંચેને? આવો મારો સ્વભાવ હોવા છતાં મારા મનમાં એ સુવર્ણ મૃગની ખાલ ની કંચુકી બનાવવાનો વિચારે કેમ આવ્યો? અને કદાચ વિચાર આવ્યો તે તો ઠીક, મેં મારા રામને એ મૃગને મારી લાવવા આગ્રહ કર્યો, મને સમજાતું નથી કે આવી વાણી બોલતાં મારી જીભ કેમ ઊપડી? અને મારો રામ પણ કેવા ? મારા એક બોલ પર કંઈ પણ વિચાર્યા વગર એ મૃગને મારવા માટે તેની પાછલ દોડી ગયા!

હે હનુમાન, મારી એક વિનંતી રામને ખાસ કરજો, આપ સમાચાર આપશો એટલે મારો રામ ચોક્કસ લંકા પર ચડાઈ કરશે અને કદાચ રાવણને હણવો પડશે તો પણ મારા માટે એ બ્રહ્મહત્યાનું પાપ પણ કરશે, પણ મારી એક વિનંતી છે કે એ પહેલાં મારા મનમાં રહેલા આવા કૂર સ્વભાવનો નાશ કરે, જેથી કદાચ બીજી વખત કોઈ આવો પ્રસંગ આવે ત્યારે મારું મન વિચલિત ન થાય અને ફરી કોઈ દુષ્ટ આવીને મારુ અપહરણ ન કરી જાય, અને પાછું મારે આવું કઠોર જીવન વિતાવવું ન પડે, અને મારા રામથી મારે અળગાં રહેવું ન પડે. 



નોંધ:-શામ શબ્દ ખાસ તો હિંદીમાં વપરાય છે, પણ ભગવદ્ગોમંડલ જેવા ગુજરાતીના મહાન શબ્દકોષમાં શામ નો ગુજરાતીમાં પણ સાંજ ના અર્થમાં ઉપયોગ થાય છે, મેં આ શબ્દનો ઉપયોગ પ્રાસ મેળ માટે કર્યો છે.

:રચયિતા :
કેદારસિંહજી મે. જાડેજા
ગાંધીધામ. કચ્છ.
Email:-kedarsinhjim@gmail.com
WhatApp. ૯૪૨૬૧૪૦૩૬૫  ફોટો-ગુગલના સહયોગ થી

રામાયણ પ્રસંગ પટ વ્યથિત રામ

રામાયણ પ્રસંગ પટ 
વ્યથિત રામ


શું વાત કહે હનુમાન, -સદા-  વ્યથિત રહે મારો રામ
લક્ષ્મણ લાલા બહુ સમજાવે,       કશું ન આવે કામ.

સોનાનો મૃગલો માર્યા પછી તો,       ભાસે વન ભેંકાર
પંચવટીમાં પગ જ્યાં ધર્યો ત્યાં,        હૈયે હાહાકાર
જનક નંદિની નજર ન આવે,    મનમાં નહીં વિશ્રામ....

શરદ પૂનમસી રાત હરી મન,         અંધારા રેલાવે
ચંદ્ર કિરણ જાણે તપતો સૂરજ,    અગન જાળ ફેલાવે  
કોકિલ કંઠ અતિ કર્કશ લાગે,     અંતર નહીં આરામ...

વૃક્ષ લત્તાને પૂછે પ્રભુજી,        કોઈ તો ભાળ બતાવો
આકુળ વ્યાકુળ ફરે રામજી,      કોઈ તો સંદેશો લાવો
ખબર જે આપે વૈદેહીની,         આપું અમૂલ્ય ઇનામ....

રાખો ભરોસો આ રામ દૂત પર,   દુખના દિવસો જાશે-માતા-
જાણ થતાં હરી નિશ્ચય આવે,     રાવણ રણમાં રોળાશે
"કેદાર" કરુણાનિધિ નિશ્ચય આવી,    હરશે દુખ તમામ...

ભાવાર્થ- અશોક વટિકામાં માતા સીતાજીને જ્યારે હનુમાનજી મળ્યા, પોતાની ઓળખ આપ્યા પછી માતાજીએ બધા સમાચાર પૂછ્યા. શ્રી રામજીને સુવર્ણ મૃગ મારવા માટે મોકલ્યા પછીથી શું શું બન્યું તે બધુંજ વિગતે વાત કહેવા સીતા માતાએ કહ્યું ત્યારે હનુમાનજી બધાજ સમાચાર આપવા લાગ્યા.
હે, મા, હું આપને શું સમાચાર આપું?  મેં શ્રી રામજીના બધાજ ખબર સાંભળ્યા છે, શ્રી રામજીને મેં સદાએ ઉદાસ જોયા છે, જંગલમાં મૃગને તીર માર્યા પછી રામજીને આખું જંગલ જાણે ભેંકાર લાગવા માંડ્યું, એમાં પણ મૃગલાએ "લક્ષ્મણ દોડજો" એવી બૂમ પાડી ત્યારે રામજીને કંઈક કપટ લાગ્યું, દોડીને પંચવટીમાં પધાર્યા તો આપને ભાળ્યા નહીં ત્યારેતો તેમના મનમાં શોક અને ત્રાસની લાગણી ફેલાઈ ગઈ.
મા, મેં અનુભવ્યું છે, શરદ પૂનમ જેવી ચાંદની ખીલી હોય, પણ શ્રી રામજીને ઘોર અંધારાં પાથરતી હોય એવું લાગે છે, અને તેની કિરણો તો જાણે ધોમ ધખતો સૂર્ય પૂર્ણ પ્રકોપથી અગ્નિ વરસાવતો હોય, અને કોકિલાનો મધુર મધુર અવાજ રામજીને કર્કશ લાગે છે, કોઈ પણ રીતે તેમના અંતરમાં આનંદ રહ્યો નથી.
મા, શ્રી રામજી વ્યાકૂળ બનીને  વૃક્ષોને, લત્તાઓને, અરે ગમે તેને પૂછ્યા કરે છે, કે કોક તો બતાવો આ મારી સીતા મને છોડીને ક્યાં જતા રહ્યા !  જો કોઈ મને મારી સીતાના ખબર આપશે તો હું તેને મોં માંગ્યું ઇનામ આપીશ.
પણ મા, આપ આ રામના દૂત પર ભરોસો રાખજો, જરાએ દુખી ન થજો, હું રામજીને આપના ખબર આપીશ એટલે પ્રભુ એક પણ ક્ષણનો વિલંબ કર્યા વિના આપને લેવા અહિં પધારશે, અને જરૂર પડશે તો રાવણ સાથે યુદ્ધ કરવું પડશે તો પણ કરીને તેને પરાસ્ત કરશે અને આપને લઈ જશે, અને મા, આપના એ કરુણાનિધિ આપના સર્વે દુખને દૂર કરીને આનંદ વર્તાવશે.

:રચયિતા :
કેદારસિંહજી મે. જાડેજા
ગાંધીધામ. કચ્છ.
Email:-kedarsinhjim@gmail.com
WhatApp. ૯૪૨૬૧૪૦૩૬૫ 
ફોટો-ગુગલના સહયોગ થી