Sunday, May 14, 2023

રામાયણ પ્રસંગ પટ- ભજન કાકલૂદી (દશરથ રાજાની)

રામાયણ પ્રસંગ પટ- ભજન


        કાકલૂદી (દશરથ રાજાની)


કેમ કુબુદ્ધિ તેં આણી રાણી,
                               કોણ થકી ભરમાણી....

હે મૃગનયની કોમલ કંઠી, શીદને વદે આવી વાણી
રામ વિનાની ચૌદ ઘડી પણ, ચૌદ જનમ લે જાણી...રાણી..

ગજ ગામીની કહું કામિની, અવળી કરે છે ઉઘરાણી
આંખ થી અળગો રામ થશે તો, મુજ જીવન ધૂળ ધાણી..રાણી..

ભરત ભલે ને રાજા બનતો, માંડવી બને ભલે રાણી
રામ સીતા એનો આદર કરશે, ઉમંગ ઉરમાં આણી..રાણી..

આવે યાદ મને અંધા અંધી ની, વિરહી વદ્યા તા જે વાણી
પુત્ર વિયોગે પ્રાણ જશે મુજ, એ અવસર ની એંધાણી..રાણી..

રઘુકુળ ભૂષણ વનમાં પધાર્યા, સંગ સીતાજી શાણી
રાજા દશરથ સ્વર્ગ સિધાવ્યા,  "કેદાર" કરમ ની કહાણી...રાણી..

ભાવાર્થ-રાજા દશરથે જ્યારે રામ રાજ્યનું એલાન કર્યું ત્યારે કૈકેયી રાણીએ તેનો વિરોધ કર્યો, અને પોતાને પહેલાં રાજાએ આપેલા બે વચનો માંગ્યા, જેમાં રામને ચૌદ વરસ વનવાસ, અને ભરત ને રાજ ગાદી ની માંગણી કરી. ત્યારે દશરથ રાજા કૈકેયી ને "હે મારી માનીતી રાણી, કોમલ કંઠ વાળી, મૃગ જેવા નયનો વાળી, હે ગજ ગામીની,હે કામિની"  જેવા એક રાજા, અને તે પણ રામના પિતાને ન શોભે એવા શબ્દો વાપરીને મનાવે છે, કે તું આ શું માંગણી કરશ? રામ વિના હું ચૌદ વરસ તો શું ચૌદ ઘડી પણ રહી નહીં શકું. જો રામ મારી નજરથી દૂર થશે તો મારું જીવન ધૂળ ધાણી થઈ જશે. 
તારી ઇચ્છા હશે તો ભરતને હું રાજ્ય આપી દઈશ, અને માંડવીને રાણી બનાવી દઈશ, એટલુંજ નહીં રામ અને સીતા પણ આનંદથી એ સ્વીકારી લેશે. અને એક રાજા જેવો તેમને આદર આપશે.  
છતાં પણ જ્યારે કૈકેયી માનતા નથી અને વચનો આપવાની હઠ પકડીને એજ માંગણી ચાલુ રાખે છે, ત્યારે દશરથ રાજાને શ્રવણનાં માતા પિતા યાદ આવ્યાં. એક વખતે જ્યારે દશરથ રાજા શિકાર કરવા નીકળેલા, ત્યારે શ્રવણ તેના માતા પિતાને કાવડમાં બેસાડીને યાત્રા કરાવતો કરાવતો અયોધ્યા પાસેથી પસાર થતો હતો. ત્યારે તેના માત પિતાને તરસ લાગતાં પાણી ભરવા માટે સરોવર કિનારે ગયેલો, પાત્રની અંદર પાણી ભરાવાનો અવાજ સાંભળીને દશરથ રાજાને થયું કે કોઈ મૃગ પાણી પીવા આવેલ છે,  તેથી તેમણે કોઈ ખાત્રી કર્યા વિના શબ્દવેધ બાણ માર્યું, જે શ્રવણને વાગતાં તેનું મૃત્યુ થયું.રાજનને પોતાની ભૂલ સમજાણી, પણ ત્યારે ઘણું મોડું થઈ ગયું, શ્રવણે પોતાના માતા પિતાને પાણી પાવાની વિનંતી કરીને પોતાનો પ્રાણ ત્યાગી દીધો. પણ જ્યારે શ્રવણ ના માતા પિતાને બધી વાતની જાણ થઈ ત્યારે તેમણે રાજનને શ્રાપ આપ્યો, કે જેમ આજે અમો પુત્ર વિના ટળવળીએ છીએ, તેમ તું પણ તારા પુત્રના વિયોગે તડપીને પ્રાણ ત્યાગશે.
જ્યારે શ્રી રામને આ બધી વાતની જાણ થઈ, (જો કે આ બધી શ્રી રામનીજ ઇચ્છાથી માતા કૈકેયી દ્વારા ભજવાતી લીલા હતી.}ત્યારે પ્રભુ સહર્ષ વનવાસ સ્વીકારીને પિતાજીને સાંત્વના આપી. સીતાજી અને લક્ષ્મણજી પણ જીદ કરીને શ્રી રામજી સાથે વનવાસ ગમન કરી ગયા, ત્યારે રાજા દશરથજીએ પણ કર્મોના બંધન નું પાલન કરતાં સ્વર્ગ ના વાટે વિદાય લીધી.
ફોટો- ગુગલના સહયોગ થી.

No comments:

Post a Comment