"લગ્ન." પ્રસંગ એક, પ્રથા અનેક
આપણા શાસ્ત્રો પ્રમાણે બ્રહ્માએ પોતાના શરીરના બે વિભાગ કર્યાઃ સ્ત્રી અને પુરુષ. પણ માનવકુળના ઉત્પાદક આ સ્ત્રી અને પુરુષે કાળ ક્રમે માનવ સમાજમાં વ્યવસ્થા સાંચવવા માટે સ્ત્રી અને પુરુષના લગ્ન કરવાની પ્રથા શરુ કરી, જે આજે પણ અનેક અલગ અલગ પ્રકારે ચાલુ છે.
સામાન્ય રીતે માતા પિતા પોતાના સંતાનો ની યોગ્ય ઉમર થાય એટલે કન્યા માટે કે યુવક માટે યોગ્ય પાત્રની પસંદગી કરીને તેના લગ્ન કરાવે, આ એક સર્વ સામાન્ય પ્રથા અમલમાં છે, અને તે અનાદિ કાળથી ચાલી આવે છે. જો કે મોટા ભાગે પહેલાના જમાનામાં સ્ત્રીને પુરુષ ના પ્રમાણમાં ખાસ મહત્વ આપવામાં ન આવતું તેથી લગ્નના સમારંભોમાં દરેક રિવાજો પુરુષ નેજ પ્રાધાન્ય આપતા જોવા મળે છે. પણ આમાં અપવાદો કે અલગ પ્રથા પણ છે, જેમકે સ્વયંવર પ્રથા, જેમાં કન્યા માટે લગ્ન સમારોહ ગોઠવવામાં આવે અને કન્યા મન ગમતા યુવક સાથે પરણે. ક્યારેક કોઈ પ્રતિયોગિતા ગોઠવવામાં આવે જેમાં જીત મેળવનાર કન્યાને પ્રાપ્ત કરી શકે, જેમ કે ભગવાન રામે ધનુષ્ય ભંગ કર્યો, અર્જુને માછલી ની આંખને બાણ થી વીંધી, આવા અનેક દાખલાઓ છે, એક પ્રથા હતી ગંધર્વ વિવાહ, પણ તે મોટા ભાગે ક્ષત્રીઓમાં હતી, આ લગ્ન યુવક અને યુવતીની મરજી પ્રમાણે પણ છૂપી રીતે કરવામાં આવતા, જે પછીથી માન્ય ગણી લેવાતા. એક પ્રકાર અપહરણ નો પણ પ્રચલિત હતો. જેમ કે બાણાસુરની પુત્રી ઓખાનું હરણ કરીને શ્રી કૃષ્ણના પૌત્ર અનિરુદ્ધે તેની સાથે લગ્ન કર્યા, ઘણા દેવતાઓએ તો પ્રેમ લગ્નો પણ કર્યાના દાખલા છે.
આદિ કાળથી રાજા મહારાજા કે ધનાઢ્ય લોકોમાં ચાલ્યા આવતા લગ્નના ભપકા અને દેખાડાના રિવાજો ધીરે ધીરે સામાન્ય લોકોમાં પણ પ્રચલિત થવા લાગ્યા, આર્થિક સદ્ધર લોકો લગ્નમાં એટલો બધો ખર્ચ કરે છે કે સામાન્ય માણસની આખી જીંદગી આટલા ધનમાંથી નીકળી જાય. પરદેશ વસતા યુવાનો સાથે પુત્રીઓને પરણાવવાની પણ એક ઇચ્છા મા-બાપ રાખતા હોય છે, પણ ઘણી વખત એવું પણ બને છે કે આવી દીકરીઓ વિદેશમાં એવી દુખી થાય છે કે પછી તે ઘરની કે ઘાટની રહેતી નથી. મા-બાપ દ્વારા પસંદ કરીને ગોઠવાતા લગ્નો, સાથે અભ્યાસ કરતાં આકર્ષાઈને થતા પ્રેમ લગ્નો, ઘણી જગ્યાએ પૈસાના જોરે કે દહેજ માટે પણ લગ્નો ગોઠવાય છે, આવા લગ્નોમાં કદાચ યુવક કે યુવતીની સહમતી ન પણ હોય, નાસમજ યુવાઓ ભાગીને લગ્ન
કરી લે છે, ક્યારેક આવા લગ્નો ફક્ત કામ વાસન ના ભાવથી થયા હોય છે, જે લાંબો સમય ટકવાની કોઈ શક્યતા ખાસ હોતી નથી, જો કે કામ પણ જરૂરી છે, પણ તે શુદ્ધ ભાવથી હોવો જોઈએં, જેમ જેમ આકર્ષણ ઘટતું જાય છે, તેમ તેમ કહેવાતો પ્રેમ પણ ઓગળતો જાય છે, અને પછી એક બીજામાં દેખાતા ગુણો પણ અવગુણો દેખાવા લાગે છે.
પણ આજના સમયમાં અમુક પ્રકારના લગ્નોત્સવો ખાસ ધ્યાન દોરે છે, જેની ચર્ચા કરવી અહીં ખાસ જરૂરી છે, અમુક સમજદાર લોકો પણ ભપકાદાર લગ્ન સમારંભ યોજે છે, પણ તેનો હેતુ અલગ હોય છે, સમાજના લોકોને કે અન્ય સમજદાર લોકોને સમજાવીને સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે, અને આ સમારંભમાં ભાગ લેતા લોકોને પણ લાગે કે તેમના સંતાનો પણ ભપકાદાર મંડપ માં લગ્ન કરી રહ્યા છે. આ ઉપરાંત એવા અનેક વિકલાંગ જોડા આવા લગ્નોત્સવમાં લગ્નગ્રંથિથી જોડાયા છે કે તેમના ઉદાહરણો દેવા પડે છે અને તેઓ પણ સામાન્ય લોકો થી પણ ક્યારેક વધારે સારી રીતે જીવન વ્યતીત કરી રહ્યા છે, આવા સમૂહ લગ્નો નં આયોજન કરનાઅરા ઘણાતો આજે ગુજરાત લેવલે નામ કમાઈ ચૂક્યા છે, આમાના એક મારા પરમ મિત્ર ભચાઉના શ્રીમાન પાલુભાઈ ગઢવી ભજનાનંદી પણ છે, આમ સમૂહ લગ્ન આજના જમાનામાં એક સર્વોત્તમ લગ્ન પ્રથા બનતું જાય છે.
મારું એક અંગત માનવું છે બાળ લગ્નો બંધ કરીને વિધવા વિવાહ ને પણ આજ રીતે પ્રોત્સાહિત કરવાની જરૂર છે, જો કે મૉર્ડન ગણાતો વર્ગ તો એન કેન પ્રકારે તે અપનાવી ચૂક્યો છે, પણ હજુ અમુક રૂઢિચુસ્ત લોકો ના મગજમાં આ વાત ઘૂસતી નથી, પણ જો પુરુષ પત્નીના મૃત્યુ પછી બીજા લગ્ન કરી સકતો હોય તો સ્ત્રી શા માટે નહીં? ઊલટા સ્ત્રીને તો બીજા લગ્નની વધારે જરૂર છે, કારણ કે અમુક પ્રકારના પુરુષો વિધવા સ્ત્રીને એકલી સમજીને સારી રીતે નથી જોતો, અથવા જો બાળકો હોય તો તેનું પણ પોષણ કરવાનું હોય ત્યારે સ્ત્રીને સહારાની વધારે જરૂર હોય છે.
આમ આજે લગ્નના પ્રસંગની પ્રથા માં યોગ્ય સુધારા કરીને જીવનના આ સ્ત્રી-પુરુષના સંબંધને સર્વોત્તમ બનાવવાની જરૂરત છે.
કેદારસિંહજી મે. જાડેજા
ગાંધીધામ. કચ્છ.
૯૪૨૬૧૪૦૩૬૫
૨૮.૬.૨૧
No comments:
Post a Comment