ભક્ત ઉદ્ધારણ ભગવાન
ઢાળ:-અવગુણ ચિત ના ધરો- જેવો
૮.૮.૨૨
સાખી-ભક્તો કરે ભલે ભૂલ પણ, રાખે મીઠી મહેર
સ્નેહ થકી સુકા સાગ જમે, પીતો મીરાં ના ઝેર..
વચનો કાજે ભક્ત ના, તોડે નિજ ની ટેક
હાથ ચક્ર રથ નું ગ્રહે, રાખે ભક્ત ની નેક... (નેક=મર્યાદા)
--------------------
હરી અધમા અધમ ને ઉગારે
ભક્તિ કરે જો ભાવ ધરી ને, અવગુણ સઘળા વિસારે..........
શબરીએ સેવ્યા ગુરુ પદ પંકજ, મીરાં મોહન મન ધારે
કરમા કે સુલભા ને આંગણ, ભાળી ભાવ પધારે.........
જડ અહલ્યા ને આપ ઉગારી, ગણિકા દોષ વિસારે
અજામિલ ના નામ રટણ ને, જાપ ગણી ને સ્વીકારે.....
રોહીદાસ મુળદાસ સુર તુલસી, ગોરા ના ગાન સંભારે
ગોવિંદ ગાતો ગજરાજ ઉગાર્યો, ગરુડ ચડી ને પધારે.......
"કેદાર" તારો ગુણલા શું ગાશે, મન માં મેલ ભંડારે
અવગુણ મારા બધા માફ કરીદો, આવ્યો શરણ તમારે......
ભાવાર્થ ;-જો કોઈ પણ ભાવ ધરી ને ભક્તિ કરે તો ઈશ્વર તેના સઘળા પાપો કે ખરાબ કર્મો ને ભૂલીને તેનો ઉદ્ધાર કરે છે.
શબરીએ ગુરુ ની સેવા કરી અને હરિ મળશે એવું વચન મળ્યું, મીરાં બાઈએ મોહન ને મનમાં ધારણ કર્યા, કરમા બાઈ કે સુલભાજીને આંગણે પ્રભુ બધાનો ભાવ સમજીને પધાર્યા હતા.
અહલ્યાજીને શ્રાપ મળ્યો તો તેઓ જડ બની ગયા, ગણિકાએ ભલે પોપટને શિખાડવા માટે રામ નામ રટ્યું, છતાં તેના દોષો ને ભૂલીને સ્વીકારી, અજામિલ પોતાના પુત્રના નામ ના લીધે નારાયણ બોલતો, છતાં ભગવાને તારી દીધો.
ભક્ત રોહીદાસ, ભક્ત મુળદાસ, સુરદાસ, તુલસીદાસ કે ગોરા કુંભારના ભજનો પ્રભુ સ્વીકારે, હાથીને જ્યારે મગર મચ્છે પકડ્યો ત્યારે અંત વેળાએ આરાધના કરી અને પ્રભુ ગરુડ પર સવાર થઈ ને પધાર્યા.
પ્રભુ, હું તો અધમ છું, મારા મન માં મેલ ભર્યો છે, પણ તારે શરણે આવ્યો છું, તો મારા બધા અવગુણો ને અવગણી ને માફ કરી દેજે એજ પ્રાર્થના છે.
No comments:
Post a Comment