Live ભજન
મિત્રો આપણે ટી વી કે અન્ય માધ્યમ દ્વારા ચાલતા અમુક પ્રકારના કાર્યક્રમો ને Live ગણાવતા હોઈએ છીએ, સામાન્ય રીતે જે કાર્યક્રમ જીવંત ચાલતો હોય, એટલે કે જ્યારે આપણે જોતા હોઈએ ત્યારે ચાલતો હોય કે માધ્યમ દ્વારા દર્શાવવામાં આવતો હોય તેને Live કહેવાય, પરંતુ ઘણી વખત આપણે આપણી રીતે અંગ્રેજો ની ભાષાને પણ આપણી રીતે ઢાળી લઈએ છીએ. આ પ્રમાણે તો મોટા ભાગના કોઈ કાર્યક્રમ જે રેકૉર્ડ કરેલા હોય તેને Live ન કહેવાય, પણ કોઈ મહાન ગાયક ક્યારેક એવો માહોલ બનાવી શકે છે કે તે ભલે રેકોર્ડેડ હોય, પણ એ કાર્યક્રમ જ્યારે પણ જોવા મળે જીવંત લાગે અને એ ગીત- કીર્તન કે ભજન ને જીવી ગયા કહેવાય, અરે ગાવા ની તો વાત જવા દો, કોઈ કોઈ ભક્ત કવિ પણ એવી રચના બનાવી જાય કે તે સદા અમર બની જાય-જીવંત બની જાય. તુલસી-સુરદાસ-મીરાં-નરસી- કબીર જેવા ભક્ત કવિઓ ની રચનાઓ સદા કાળ જીવંત લાગે, હા તેનો ગાવા વાળો સમર્થ હોવો જોઈએં. આપણા કવિ "દાદ" ની રચના "કાળજા કેરો કટકો મારો" ભાવ સાથે ગવાતી હોય તો ભાગ્યેજ કોઈ શ્રોતા ની આંખો સૂકી રહેતી હોય, ભલે તે પુત્રી નો પિતા હોય કે ન હોય. ભાગ્યેજ કોઈ એવો સાચો ભજન નો શ્રોતા હશે, જેણે નારાયણ બાપુ ને "અબ કી બેર મોહે પાર લગા દો. નહીં પ્રણ જાત હરો." ભજન ગાતી વખતે ચોધાર આંસુડે રડતા જોયા ન હોય, અને પોતે પણ ભાવ વિભોર ન બન્યો હોય, આ ભજન ગાયકી અને રચના જીવંત-Live- બની જાય છે, આ સાચું Live છે. પુ. મોરારી બાપુ રામાયણ નો કેવટ પ્રસંગ રજૂ કરતા હોય, કે નારાયણ બાપુ જેવા કોઈ ભાવિક ભજનિક "કાગ" બાપુ ની રચના રજૂ કરતા હોય "પગ મને ધોવા દ્યો રઘુરાય." ત્યારે શ્રોતાઓ ની આંખો સામે જાણે પરદા પર એ પ્રસંગ ફિલ્મ ની જેમ તાદ્દશ થતો જોવા મળે તો તે જીવંત-Live- કાર્યક્રમ બની જાય છે. આવા સાચા અર્થ માં Live કાર્યક્રમો કે કથા પ્રસંગો કવિઓ એ રચવા, સામાન્ય ગાયક કે કથાકારે રજૂ કરવા એ આસાન નથી, એના માટે એ પ્રસંગ માં ઓત પ્રોત થવું પડે છે, પોતે પણ પોતાની જાત ને એ જગ્યા પર- એ પ્રસંગ સાથે મૂકવી પડે છે, અને તો જ તેમાં આત્મીયતા આવે છે, બાકી ફિલ્મ ના અભિનેતા ની જેમ આંખમાં અંજન આંજીને રડવા જેવું લાગે, ભાવ ન આવે, અને તેથીજ ઘણી બધી ક્ષમતા હોવા છતાં ઘણાં કલાકારો માં ઊંડાણ દેખાતું નથી, એક ખાલીપો- કંઈક ખૂટતું હોય એવું લાગે છે, જો કે જેને ભગવાન ને રિઝાવવા છે એને તો ભાવ અને ભક્તિ સિવાય કોઈ પ્રકાર ની ખાસ આવડત ની જરૂર નથી, બસ એકાંતમાં બેસીને આરાધ કરો હરિ તમને ગોતી લેશે. પણ જો કલાકાર બનવું હશે તો તમારે શ્રોતાઓને ગોતવા પડશે અને તેને મનાવીને કે આડું અવળું સમજાવીને તમારું ગાડું ગબડાવવું પડશે, પણ ત્યારે તમે સારા ગાયક હોઈ શકો છો, પણ સાચા ભજનિક નહીં.
હું કોઈ સંગીતકાર નથી કે કાવ્યના ઊંડાણ નો જાણકાર નથી, પણ ભણતી વખતે મારા ગુજરાતીના શિક્ષક સ્વ. શ્રી સજુભા સાહેબ (લીંબડી) ખૂબ રસ પૂર્વક અને સરળ ભાષામાં સમજાવતા જે આજે પણ મને યાદ આવે છે, તેઓ સમજાવતા કે કોઈ પણ કાવ્ય નું બંધારણ લઘુ ગુરુ જેવા અનેક પરિબળો પર આધારિત હોય છે, જેના દ્વારા એ રચના નો રાગ પણ જાણી શકાય છે. એ વખતે કવિ શ્રી કલાપી ની અલૌકિક રચના "ગ્રામ્ય માતા" તેઓ ખૂબ ઊંડાણથી સમજાવતા.
"ઊગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંત નો પૂર્વ માં,
ભૂરું છે નભ સ્વચ્છ સ્વચ્છ, દીસતી એકે નથી વાદળી.
ઠંડો હિમભર્યો વહે અનિલ શો ઉત્સાહ ને પ્રેરતો,
જે ઉત્સાહ ભરી દીસે શુક ઊડી, ગાતા મીઠા ગીતડાં."
મેં તો યાદ આવ્યું તેમ લખ્યું છે, પણ આમાં કાનો કે માત્રા, અરે અલ્પ વિરામ અને પૂર્ણ વિરામ ની જગ્યા પણ નિશ્ચિત હોવી જોઈએં. હું પણ એક કવિ છું, મને બંધારણ હોય તેની ખબર છે પણ સમજ નથી, બસ ઉપરવાળો લખાવે તેમ લખ્યે રાખુ છું, અને ઘણાં બધા કવિઓ ખૂબ સારા શબ્દો સાથે અલૌકિક રચના બનાવતા હશે. ગાવામાં પણ આવુંજ છે, કોઈ પણ રાગ ગાવો હોય તો તેના બંધારણ ની પણ ખબર હોવી જોઈએં, જેમાં જે સ્વર લાગતો હોય તેજ લાગવો જોઈએં, વર્જિત હોય તેને છોડવો જોઈએં, અને આ બધું કોઈ યોગ્ય ગુરુ મળે તો વર્ષો સુધી સાધના અને રિયાજ કર્યા પછી માં સરસ્વતી ની કૃપા ઊતરે ત્યારે સાચા ક્લાસિકલ ગાયક બની શકાય. હા નરસી મહેતા કે મીરાંબાઈ જેવા મહા માનવને ઈશ્વર ની એવી કૃપા હોય છે કે તે જે બોલે કે લખે તે આપ મેળે બંધારણ મુજબ બનતું જાય, કદાચ આગલાં અનેક જન્મો ની કમાણી હશે, અને તો જ આવું બને, કહેવાનો મતલબ કે ક્લાસિકલ ગાયક કે બંધારણ મુજબ ની કવિતાઓ કે ભક્તિ ગીતો સર્જવા એ બધું સાધના, ઈશ્વર કૃપા અને સાચા ગુરુ વિના પ્રાપ્ત થતું નથી. આપ જો ટી વી ના કાર્યક્રમો જોતા હો તો, (હું હમણાં કોરોના માં સપડાયેલો ત્યારે ટી વી પર જોતો.) નાના નાના બાળકો એવું ગાતા સાંભળ્યા કે મગજ કામ કરતું બંધ થઈ જાય, "વાહ" શબ્દ ખૂબ નાનો પડે, એ બધું આટલી નાની ઉમરમાં કેમ શક્ય બને તે સમજાય નહીં, ત્યારે આગલાં જન્મો ની કમાણી ની વાત પર વિચાર આવેજ.
ઈશ્વર કેવો દયાળુ છે ? આમાંનું ભલે કંઈ ન જાણતા હોઈએ પણ જો મનમાં ભાવ હોય, નિષ્કામ ભક્તિ હોય અને જેને પણ માનતા હોઈએ એના શરણમાં મન પરોવીને લખવાનું કે ગાવાનું ચાલુ કરી દઈએં તો બાકીની બધી ક્ષતિઓ તે પૂર્ણ કરીદે છે. એક સાંભળેલી વાત લખું તો એક બાળક દર રોજ ચર્ચમાં જતો, બે હાથ જોડીને ભાવ થી આખી A B C D...બોલી જતો, લાંબા સમય થી ચાલતી આ ક્રિયા ત્યાં ના સેવકો ને મૂંઝવતી કે આ શું કરવા માંગે છે! એક દિવસ એક સેવકે એ બાળક ને બોલાવી ને પૂછ્યું કે તું આ શું કરે છે ? શું A B C D ભણવા આવે છે કે ગોખવા આવે છે ! આ ક્રિયા તો તારે તારી શાળામાં તારા શિક્ષક સામે કરવી જોઇએં ? ત્યારે આ બાળકે જવાબ આપ્યો કે મને સમજાવવામાં આવ્યું છે કે ઈશ્વર સર્વ ગુણ સંપન્ન છે, તે દરેક જીવ ની ભાવના સમજી શકે છે, મને કોઈ પ્રાર્થના નથી આવડતી, તેથી હું આવીને આ A B C D બોલુ છું અને પછી કહું છું કે "હે ઈશ્વર કોઈ પણ પ્રાર્થના આ A B C D માંથી રચાય છે, તો તું આ મારી A B C D માં થી તને ગમે તેવા સારા સારા શબ્દો ગોઠવી ને તેના દ્વારા પ્રાર્થના બનાવી લેજે અને એને મારી પ્રાર્થના ગણી લેજે, બસ તેથી હું રોજ આવીને આ A B C D બોલું છું." જો ખરેખર આવી ભાવના હોય તો અન્ય કોઈ કળા ની જરૂર રહેતી નથી, પણ આટલું શીખવા માટે ઘણું શીખવું પડે છે. "રામચરિત માનસ" જેવા મહા ગ્રંથ ના રચયિતા તુલસીદાસજી મહારાજ-કે જે આગલાં જન્મ માં ઋષિ વાલ્મીકિજી હતા અને "રામાયણ" જેવા મહા ગ્રંથ ની રચના કરેલી, પણ તે સામાન્ય જન સમાજ સુધી પહોંચી ન શકી, તેથી તેમણે ભગવાન પાસે બીજો જન્મ માંગ્યો અને સામાન્ય શ્રોતાઓ ને પણ હૃદય સુધી પહોંચે તેવી "રામ ચરિત માનસ" ની રચના કરીને આમ જનતા સુધી પહોંચતી કરી- તેમણે કહ્યું છે ને કે " કવિ હું ન મેં ના ચતુર કહાવું, મતિ અનુરૂપ હરિ ગુન ગાઉ." કોઈ કહેવાતો કલાકાર ભલે પોતાના માન-પ્રતિષ્ઠા-પૈસા કે અન્ય લાલચમાં આવીને શ્રોતાઓને મનાવવા ખોટી પ્રશંસા કરીને પોતાના મંચ ની મર્યાદા નો ભંગ કરતો હોય, પણ જો ભગવાન ને મનાવવા હોય તો આવી કોઈ જરૂર નથી, કબીર સાહેબે કહ્યું છે ને કે "કબીર મન નિર્મલ ભયો, જૈસે ગંગા નીર. અબ પિછે પિછે હરી ફીરે કહત કબીર કબીર." શ્રોતાઓમાં પણ ભગવાન નો અંસ છે, સંત જલારામ બાપા ગુરુ ભોજલરામ બાપા સાથે બેસીને ભજન ગાતા ત્યારે રામ ભક્ત હનુમાનજી કોઈ શ્રોતાના રૂપમાં આવીને બેસી જતા, કોને ખબર! આપણાં ભાગ્ય ક્યારે ખૂલી જાય અને નારાયણ કોઈ રૂપમાં આવીને બેસી જાય? માટે શ્રોતાઓ માં તેની હાજરી સમજીને તેને રિઝાવવા ભજન કરો, કોઈ દંભ ની જરૂર નથી, તમારી ભાવના સાચી હશે તો દામોદર દોડતો આવશે.
જય માતાજી,
કેદારસિંહજી મે. જાડેજા.
ગાંધીધામ.
૯૪૨૬૧૪૦૩૬૫
૨૬.૫.૨૧.
No comments:
Post a Comment