ભરોસો રામ નો રાખો
૨૨.૭.૨૨
ભરોસો રામ નો રાખો, માનવ કાં ભ્રમ માં ભટકે છે
ન ફાવે કોઈ પણ કારી, છતાં કાં વહેમ રાખે છે..
જગત સરકાર બહુ મોટી, કરો ના ખટપટો ખોટી
દલીલો ત્યાં નથી હોતી, છતાં જીવ ન્યાય પામે છે..
છે આપે અન્ન જળ વાયુ, સૂરજ વરસાદ વનરાયુ
સમય સર ઋત સૌ ચાલે, અજબ અંકુશ રાખે છે....
જમે ભર પેટ ગજરાજો, રહે ભૂખ્યા ન વનરાજો
અણુમાં સૂક્ષ્મ વસનારા, જીવો આહાર પામે છે....
કરે "કેદાર" શું કવિતા, સુકાતી શબ્દ ની સરિતા
કરું ગુણ ગાન શું તારા, અક્કલ માં ક્યાં એ આવે છે....
હે જીવ ઈશ્વરે તને માનવ અવતાર આપ્યો છે તો બધી તારી ચિંતા એ કરશે, તું એના પર ભરોસો રાખ, તારું કંઈ પણ ચાલવાનું નથી, માટે રામ પર ભરોસો રાખ.
આ સંસાર નો કારભાર એટલો બધો મોટો છે કે આપણી સમજ માં કંઈ આવે એમ નથી, આપણી કોઈ દલીલો ત્યાં કામ નથી આવતી, માટે ખોટી ખટપટો છોડી દો, ઉપર વાળો ન્યાય કરશે જ એ સમજી ને શુભ કર્મ કરતા રહો.
ઈશ્વરે બધા જીવ ને અન્ન, પાણી, હવા, સૂર્ય પ્રકાશ, વરસાદ અને વરસાદ લાવનાર માધ્યમ વનરાઈ આપી છે, અને ઋતુ સમય સર ચાલે એવું એનું નિયંત્રણ છે, કેવી કમાલ ની વ્યવસ્થા છે ?
હાથી જેવું જાનવર જે દર રોજ મણ ભર ખોરાક અને સરેરાસ ૨૦૦ લીટર પાણી પીવે છે, અરે વનરાજ જેવા પર ભક્ષી જીવો, કીડી મકોડા તો ઠીક પણ જે અણુના અંદર સૂક્ષ્મ માં સૂક્ષ્મ જીવો વસે છે, એને પણ સમય પર આહાર મળતો રહે એવી વ્યવસ્થા એણે કરી રાખી છે.
હે નાથ, હું તારા ગાન કયા શબ્દો માં કરું? લોકો મને કવિ કહે છે, પણ જ્યારે તારા ગુણ ગાન ગાવાનો વારો આવે છે ત્યારે મારા શબ્દો ની સરવાણી સુકાઈ જાય છે, શબ્દો સૂજતા નથી, બુદ્ધિ કામ કરતી નથી, માટે જે લખું તેને આપજ અલંકારી બનાવીને સ્વીકાર કરી લેજો.
No comments:
Post a Comment