Sunday, May 14, 2023

077, તમને ભજ્યા પછી


તમને ભજ્યા પછી


                                           

૧.૭.૨૨. અષાઢી બીજ.

સંત મહંત કે જ્ઞાની જન, ભક્ત, વિરક્ત, નિષ્કામ.  ભાગ્ય વિણ મળતા નથી,  ભલે ભટકો ઠામો ઠામ.

સંત હૃદય સમતા ઘણી, અવિરત રટણા રામ.    પર દુખે પીડા ધરે,  એ સાધુ નું કામ..


બદલી બહુ ગયો છું,   તમને ભજ્યા પછી

ભક્તિ રસ પી રહ્યો છું, તમને ભજ્યા પછી......


ઝાલ્યો’તો મારા હાથને, નારાયણ દયા કરી

ગુરુ કંઠે ચડી ગયો છું,   તમને ભજ્યા પછી


જાણ્યા વિના જગદીશને, જગમાં બધે ફર્યો

બેઠો હવે ઠરી ઠામ થઈ, તમને ભજ્યા પછી 


માયા થકી ભરમાઈને, ભ્રમમાં ભમ્યો બધે

ભાવુક બની ગયો છું,   તમને ભજ્યા પછી  


કરતો હતો હું કામના, મહેલો મોલાતની

હૈયે હરિનું નામ છે,  તમને ભજ્યા પછી    


આપો હવે "કેદાર"ને, તરણું તરવા તણું

સોંપ્યું હવે સુકાન છે, તમને ભજ્યા પછી...


ભવાર્થ:- હે નાથ જ્યારથી મેં આપના ભજન ગાવાનું શરુ કર્યું છે, ત્યારથી હું બહુજ બદલાઈ ગયો છું. હવે અસાર સંસારનો કોઈ પણ રસ ખારો લગે છે, હવે તો હું ભક્તિરસમાં તરબોળ થતો જાઉં છું.

    મારી રચનાઓને પારખનાર મારા ગુરુ બ્રહ્મ લીન નારાયણ સ્વામી એ સ્વીકારી અને કંઠ આપ્યો, મને પાસે બેસાડીને સમજ સાથે સન્માન અપાવ્યું, અને આશીર્વાદ આપ્યા તે તારા ભજનનો પ્રતાપ છે.

     મેં અનેક દેશ-વિદેશની, અરે બદરીનાથ-કેદારનાથ જેવા અનેક ધામોની મુસાફરી કરી, પણ હવે જ્યારે તારા ભજન કરવા લાગ્યો ત્યારે એ મુસાફરી સાચા અર્થ માં યાત્રા બની. અને એ મારું ભ્રમણ એક ભ્રમણા હતી, પણ હવે મારા મનનો ભાવ બદલાઈ ગયો છે, અને એ આપના ભજનનો પ્રતાપ છે.  

    આજ દિવસ સુધી હું તારી પાસે ધન દોલત વૈભવની માગણી કરતો હતો, પણ હવે તો બસ મારા મુખમાં તારું ગાન છે, એટલે સંસારી સુખની કામના મટી ગઈ છે. પણ હે નાથ એક ઇચ્છા છે કે આપ કોઈ એવું સાધન આપો કે આ સંસારના મોહમાં ફસાયા વિના હું પાર થઈને નિર્મળ દેહે તારા ચરણોમાં આવું, એ બધું હવે મેં આપને સોંપ્યું છે.


No comments:

Post a Comment