Sunday, May 14, 2023

ખલક દાતાનો ડાયરો


                                 ખલક દાતાનો ડાયરો.

ખબર આવ્યા ખલક દાતા,  નિજાનંદ કાજે કંટાળ્યો છે,

                            નથી થાતી કથા સારી, ભજન ની ભૂખ લાગી છે...

સભામાં સર્વ દેવો ની, ઊઠ્યો છે નાદ એક સૂરે, 

                              વિણા બે સુર નારદ ની, ના ડમરુ આનંદ આપે છે...

બનાવો યાદી એક એવી, અસમર્થ હો ગાન ગાવામાં, 

                                 નિમંત્ર્યા ધર્મધુરંધર ને, સ્વર્ગ બહુ સૂનુ લાગે છે....

નારાયણ, શિવ બાલક જેવા, ભજન ના ભોમિયા મોટા, 

                            કવિ વર "દાદ" ની રચના, અછૂતિ કન્યા કુમારી છે...  

જમાવ્યા ડાયરા સાચા, વહાવી "કાગ" ની વાણી.

                                  ચરિત કરે રામ ચંદ્ર જેવા, લાલાને લાડ લડાવે છે...

ઊઠી હરી નામ ની હેલી, નૃત્યની ઠોર જામી છે.

                              વિદ્યા ત્યાં વહાલ વરસાવે, મૃદંગના તાલ બોલે છે...

હરિ વર હાથ જાલી લે, સ્વપ્ન માં સ્વર્ગ તો લઈ જા.                                            

                                ભજુ બે ચાર પદ ભાવે, અરજ બસ એજ રાખે છે...

કદી’ "કેદાર" ના રહેજે, એવા કોઈ વહેમ માં આજે,

                              નથી ગણના અહીં તારી, તારો ત્યાં ગજ શું વાગે છે..


ભાવાર્થ:-

       ભગવાન ના દરબારમાંથી ઊડતા ઊડતા ખબર આવ્યા છે કે ત્યાં કથા-કીર્તન કે ભજનો માં તાજગી દેખાતી નથી, બધું વાસી વાસી લાગે છે, તેથી દેવો પણ અકળાયા અને માગણી કરી કે ભાવ વિભોર કરીદે તેવા ભજન ગાયકો-કથાકારો કે કવિઓને આમંત્રણ આપીએ તો સભામાં રોનક આવે.

     બધાની સહમતી થી એક સૂચિ બનાવવામાં આવી જેમાં નારાયણ સ્વામિ, શિવ બાલક યોગેશપુરી, જેની રચના અછૂતિ લાગતી હોય એવા કવિ "દાદ" "કાગ" સ્વાર્થ રહિત ડોંગરેજી મહારાજ જેવા ધુરંધરો ને આમંત્રવામાં આવ્યા. 

      પછી તો હરિના દરબાર માં હરિના નામ ની હેલી ચડી. માતા સરસ્વતી, માતા વિદ્યા દેવી કે ગાંધર્વો જ્યાં ભક્તિરસ વરસાવતા હોય ત્યાં બાકી શું હોય? મેં પણ પ્રભુ ને પ્રાર્થના કરી કે હે નાથ, મેં પણ તારા ગુણગાન ગાયા છે-લખ્યા છે, મને આ લહાવો સ્વપ્નમાં મળે એટલી તો દયા કર! ત્યારે જવાબ મળ્યો કે તને તારા સાંભળવા આતુરતા નથી બતાવતા તો ત્યાં તને કોણ સાંભળશે ? 


રચયિતા-

કેદારસિંહજી મે. જાડેજા

ગાંધીધામ, કચ્છ.

૯૪૨૬૧૪૦૩૬૫


No comments:

Post a Comment