સંદેશ કહો હનુમાન
ભજન
સંદેશ કહો હનુમાન, કેમ રહે મારો રામ
કેમ રહે મારો લક્ષ્મણ લાલો, કેમ વિતાવે શામ....
વૈદેહી વિણ રજની રામને, કેવી વેરણ લાગે
ઉષાના અજવાળા હરિને, ક્યાંથી કોમળ લાગે
શીતળ વાયુ હશે શૂળ સમાણો, કેમ સહે ભગવાન...
કંચન મૃગલો ક્યાંથી આવ્યો, મનડું કેમ મોહાણું-મારું-
જનક નંદિની હું વૈદેહી, ચિતડું કેમ ચોરાણું-મારું-
માયા જગતની ઊરમાં ન આણું, મન કાં થયું બેઈમાન...
જીવ જરા પણ ભાળું તડપતો, કાળજું મારું કાંપે
તૃણ હલે જો તેજ હવામાં, મનને ખૂબ સંતાપે- મારા
કંચન કાજે મૃગને મારવા, કેમ વદી આ જબાન....
અરજ મારી કહેજો રામને, જો મુજને લેવા આવે
પ્રથમ પહેલાં કૃરતા મારી, મારા મનથી ભગાવે
"કેદાર" પ્રસંગ કોઈ એવો ન આવે , હરીલે કોઈ નાદાન...
લંકાની અશોક વાટિકામાં સીતા માતા બિરાજ્યા છે ત્યાં જ્યારે હનુમાનજી પધારે છે અને બધા રામ અને લક્ષ્મણના સમાચાર આપે છે, ત્યારે માતાજી પણ પૂછે છે, કે હે હનુમાન, મને મારા રામનો સંદેશો આપો, મારો રામ કેમ રહે છે, મારો લક્ષ્મણ શું કરે છે,
મારા વિના રામને દિવસતો કદાચ પસાર થતો હશે, પણ વેરણ રાત કેમ પસાર કરે છે? મારા વિના પ્રભાતના કિરણો કોમળતા ક્યાંથી આપી શકતા હશે? અને સવારનો શીતળ મંદ પવન પણ જાણે શૂળ બનીને મારા રામના કોમળ કાળજાને કોરી ખાતો હશે.
હે હનુમાન, વનમાં પણ મારા રામ સાથે હું ખૂબ આનંદથી રહેતી હતી, પણ મારા દુર્ભાગ્યે આ સુવર્ણ મૃગ ક્યાંથી આવી ચડ્યો, અને હું જનક રાજાની પુત્રી, જે જનક રાજા દેહ હોવા છતાં વૈદેહી કહેવાય છે, જેને મોહ માયા ક્યારેય વિચલિત કરી નથી શકતી, એવા જનક રાજાની હું પત્રી હોવા છતાં મારામાં આ સુવર્ણ મૃગ માટે માયા કેમ જાગી? અને મારું મન એના ચામડા પર કેમ મોહિત થયું?
અરે હનુમાન, કોઈ પણ જીવને હું જરા પણ વિચલિત થતો ભાળું તો મારું મન કંપી ઊઠે, અરે જીવતો ઠીક કોઈ પાંદડું પણ જો તેજ હવામાં કાંપતું ભાળું તો મને થાય કે આ હવાથી આ તણખલાને કોઈ હાની તો નહિ પહોંચેને? આવો મારો સ્વભાવ હોવા છતાં મારા મનમાં એ સુવર્ણ મૃગની ખાલ ની કંચુકી બનાવવાનો વિચારે કેમ આવ્યો? અને કદાચ વિચાર આવ્યો તે તો ઠીક, મેં મારા રામને એ મૃગને મારી લાવવા આગ્રહ કર્યો, મને સમજાતું નથી કે આવી વાણી બોલતાં મારી જીભ કેમ ઊપડી? અને મારો રામ પણ કેવા ? મારા એક બોલ પર કંઈ પણ વિચાર્યા વગર એ મૃગને મારવા માટે તેની પાછલ દોડી ગયા!
હે હનુમાન, મારી એક વિનંતી રામને ખાસ કરજો, આપ સમાચાર આપશો એટલે મારો રામ ચોક્કસ લંકા પર ચડાઈ કરશે અને કદાચ રાવણને હણવો પડશે તો પણ મારા માટે એ બ્રહ્મહત્યાનું પાપ પણ કરશે, પણ મારી એક વિનંતી છે કે એ પહેલાં મારા મનમાં રહેલા આવા કૂર સ્વભાવનો નાશ કરે, જેથી કદાચ બીજી વખત કોઈ આવો પ્રસંગ આવે ત્યારે મારું મન વિચલિત ન થાય અને ફરી કોઈ દુષ્ટ આવીને મારુ અપહરણ ન કરી જાય, અને પાછું મારે આવું કઠોર જીવન વિતાવવું ન પડે, અને મારા રામથી મારે અળગાં રહેવું ન પડે.
નોંધ:-શામ શબ્દ ખાસ તો હિંદીમાં વપરાય છે, પણ ભગવદ્ગોમંડલ જેવા ગુજરાતીના મહાન શબ્દકોષમાં શામ નો ગુજરાતીમાં પણ સાંજ ના અર્થમાં ઉપયોગ થાય છે, મેં આ શબ્દનો ઉપયોગ પ્રાસ મેળ માટે કર્યો છે.
:રચયિતા : કેદારસિંહજી મે. જાડેજા ગાંધીધામ. કચ્છ. Email:-kedarsinhjim@gmail.com WhatApp. ૯૪૨૬૧૪૦૩૬૫ ફોટો-ગુગલના સહયોગ થી |
No comments:
Post a Comment