Sunday, May 14, 2023

મન થી ભજન કરો

 

                          મન થી ભજન કરો.

ઢાળ :- અજબ આ જગત છે, ઊંડા એના પાયા.......
૧૦.૮.૨૨
ભજન કરો મન થી, રહો ભક્તિ માં સવાયા
                          ખબર નથી કઈ ઘડીએ છૂટી જાશે કાયા..
  
હતો એક રાવણ, લંકા નો રાજા, નવે નવ ગ્રહો એના હાથમાં બંધાયા
ઊડી રાખ રણમાં, કોઈ ન કામ આવ્યું, શિવ નો મોટો ભક્ત છતાં રોળાઈ એની કાયા....

હતો કંસ કપટી, ચારુણ કે ચંડ મુંડ, મારીચ પણ મર્યો એની ચાલી નહીં માયા  
સરળ સુદામોજી, જીતી ગયો જગમાં,    નરસી ના નાદે, ઘનશ્યામ પણ ઘેરાયા..

મર્યા મોટા માથા તો આપણું ગજું શું,   માયા ના પુરમાં ગજરાજ પણ તણાયા
સોના કેરી નગરી, સમાણી સિંધુ માં,   ટકા ત્રણ ના માનવ પર શાને મદ છવાયા..  

કરો ધન ના ઢગલા કે બાંધો મહેલાતો,      હશે બધું હક નું તો રહેશો છવાયા
દૂભવ્યા હશે દીન ને, તો રાન રાન થાશો, રહેવા ન રહે ધરતી ના આભ કેરી છાયા

"કેદાર" દાસ તારો ન રાખે મદ મનમાં, પામર આ જીવને ભરખે ન તારી માયા
બચાવી તું લેજે, રંક જાણી અમને,        જેવા તેં બનાવ્યા, છીએ તારા જાયા..   

ભાવાર્થ :- હે માનવ, સદા ભજન કરતા રહો અને ભક્તિ માં સવાયા બની રહો, કારણ કે ખબર નથી કે ક્યારે યમરાજ ના તેડા આવે અને બધું છોડી ને જવું પડે.
    લંકા પતિ રાવણ પાસે શું ન હતું ? નવ નવ ગ્રહો એના હુકમ પ્રમાણે કામ કરતા, એને Air conditioner કે Heater ની જરૂર ન પડતી, દરેક રુત એને અનુકૂળ કામ કરતી, અને મોટી વાત ભગવાન ભોળાનાથ નો મોટો ભક્ત હતો, છતાં એની કાયા રણ મેદાનમાં ધૂળ ખાતી પડી રહી, તો આપણે શી વિસાત માં.  
     મથુરા નો રાજા કંસ હોય, ચારૂણ હોય કે ચંડ અને મુંડ, અરે જે સર્વોચ્ચ મહા માયાવી મારીચ, એની કોઈ માયા કામ ન આવી, જ્યારે સુદામા કે ભક્ત નરસી પાસે આવી કોઈ શક્તિ ન હતી,  છતાં ભગવાન એનો પડછાયો બની ને રહેતા. 
     અરે કૈંક મોટા મોટા શૂરવીરો અને મહાકાય હાથી જેવા જીવ આ ભગવાન ની માયા ના પ્રવાહ માં તણાયા છે. દ્વારિકા નગરી સોના ની હતી, કેવી જાહોજલાલી ? પણ છતાં યાદવો ના પાપે સમુદ્રમાં સમાઈ ગઈ, તો આપણે તુચ્છ માનવ કયા અભિમાન માં નાચી રહ્યા છીએ ?
  મિત્રો ઈશ્વર મહેર કરે અને આપ ધનવાન બનો, મોટા મહેલો જેવા આવાસો બનાવો કે મોંઘી ગાડીઓ રાખો, એમાં કંઈ ખોટું નથી, પણ આ કમાણી સાચા રસ્તે થી મેળવેલી હોવી જોઈએં, નહીં તો નીચે જમીન નહીં રહે અને ઉપર આકાશ પણ નહીં રહે, તમને કદાચ લાગે કે ધરતી અને આકાશ થોડા છીનવાય જાય? હા યાદ કરો ત્રિશંકુ ને. 
     હે નાથ, અમે તો તારાજ બનાવેલા બાળકો છીએ, માટે તું તારી બધી માયા થી અમને બચાવતો રહેજે, તારી ઇચ્છા વિના કંઈ થતું નથી, માટે પછી અમને દોષ ન દેજે.
જય ભોળોનાથ.   


No comments:

Post a Comment