રહ્યો ન સાચો નાતો
૧૦.૭.૨૨.
કળી યુગમાં રહ્યો ન સાચો નાતો
વિહંગ વડલાના વહાલ રહ્યા નહીં, મીઠા ફળે લલચાતો.........
ઈંડા ઉછેરવા માળો બનાવે, કણ કણ વીણવા જાતો.
પાંખો આવી ત્યાં ઊડી ગયા બચલાં, રહી વહાલપ ની વાતો...
કાગડા આવે ને કર્કશ બોલે, મેળો નાતીલાં નો થાતો.
સ્વજન કેરો જાણે શોક મનાવે, માનવ વીસરી જાતો.......
પોપટ પર ની વાણી વદી ને, પંડિત થઈ ને પૂજાતો.
ચતુરાઈ સઘળી પર ના પ્રતાપે, ખુદ પિંજરમાં પુરાતો...
મયૂર મજાના ટહુકા કરીને, થૈ થૈ મેહુલા સંગ ગાતો,
વર્ષા વીતે ગહેકાટ ભૂલીને, લહેકો ભૂલી જાતો..
હંસલા કદી એ અન્ન અડકે નહીં, મોતીડા મન ભરી ખાતો,
"કેદાર" કનૈયાની લીલા ન જાણી તો, ફોગટ ફેરો થાતો.....
ભાવાર્થ :- આજ કળિયુગ નો એવો પ્રભાવ ફેલાયો છે કે સ્વાર્થ સિવાય કોઈ નાતો રહ્યો નથી, કવિ શ્રી "કાગ" બાપુ ની એક રચના છે કે "વડલો કહે છે વનરાયું સળગી...." પણ આજે બધું બદલી ગયું છે, હવે તો પક્ષીઓ પણ મીઠા ફળો મળે ત્યાં જ માળા બનાવે છે. બચ્ચા ને પોષવા માટે તરણા વીણી વીણી ને બનાવેલા માળામાં જેવા બચ્ચાને પાંખો આવે કે તુરંત ઊડી જાય છે અને માતા પિતાનો સંગ છોડી દે છે.
કોઈ કાગડાનું મરણ થાય તો બધા કાગડા ભેગા થાય, ત્યારે જાણે શોક સભા મળી હોય એવું લાગે, પણ માનવી ખાસ સગા હોય તો આવે, બાકી આડું જોઈ ને ચાલ્યા જાય.
પોપટ બીજા પાસે થી વિના મહેનત ખોરાક ની લાલચ માં રામ નામ શીખીને પોતાને પંડિત ગણાવવા લાગે છે, અને તેથીજ તે પાંજરા માં પુરાય છે, પણ એમાંથી છૂટવા ની કોઈ કળા આવડતી નથી,
મોર જ્યારે વર્ષા ઋતુ આવે ત્યારે વાદળોના ગડગડાટ સાંભળીને ગહેકવા લાગે, નાચ કરે, પણ જેવી વર્ષા પુરી થાય ત્યારે ટહુકવાનું ભૂલીને કો...કો...કો... કરવા લાગે છે.
પણ હંસ ક્યારેય પોતાનો ખોરાક ભૂલતા નથી, એજ રીતે સંતો મહંતો પણ પોતાની ભક્તિ ચૂકતા નથી, આપણે પણ સમજવા ની જરૂર છે, જો ઈશ્વર ને ભૂલ્યા તો લખ ચોરાસી ના ફંદા માં થી કોઈ છોડાવી નહીં શકે.
જય નારાયણ. જય માતાજી.
No comments:
Post a Comment