Sunday, August 6, 2023

આંગળ છૂટ્યા ટેરવાં.

 


                                                આંગળ છૂટ્યા ટેરવાં.
તા. ૨૭.૪.૨૩

ભક્તિના મુજને પાઠ, લછનાયન સંભળાવ્યું માતને
પણ-આજે થયો અનાથ, આંગળ છૂટ્યા ટેરવાં.....

ડગલે પગલે "દાદ", કોણ કહે કવિતા વિષે
હવે, કલમ ન દેતી સાથ, આંગળ છૂટ્યા ટેરવાં.....

તર્કો તણા તુરંગ, તરંગ ન લાવે તુંબડે
સૂઝે નહીં કોઈ શબ્દ, આંગળ છૂટ્યા ટેરવાં

પડી ખજાને ખોટ, "દાદ" તું જાતો રહ્યો
આવી સરજન માં ઓટ, આંગળ છૂટ્યા ટેરવાં.....

ડેલી બાપુ ની આજ, મારા "દાદ" વિણ વલખી રહી
કોણ લડાવે લાડ, આંગળ છૂટ્યા ટેરવાં.....

ઘરના ખૂણે ઘનશ્યામ, ભક્ત જન પામે ભલે
"કેદાર" અટૂલો આજ, આંગળ છૂટ્યા ટેરવાં.....

ભાવાર્થ:- મા, માતાજી કે આત્મીય હોય એને માન આપોતો નારાજ થાય, મારા માતુશ્રી જ્યારે મને તમે કહે ત્યારે હું સમજી જતો કે આજે નારાજ છે, મારે મારા દાદ ને નારાજ નથી કરવો.
  હે "દાદ" આપે મારામાં બચપણ થી ભક્તિનો ભાવ ભણાવ્યો, જ્યારે મારા માતુશ્રીને આપે રચેલું લછનાયન દરબારગઢમાં પધારીને સંભળાવ્યું. પણ આજે મને મારા ગુરુની ખોટ સાલે છે, જાણે મારી આંગળીઓ ના ટેરવાં ઘસાઈ ગયા છે, અરે એમ કહીશ કે આંગળાં થી અળગાં થઈ ગયા છે, હવે કોણ શબ્દો સમજાવશે ?
   જ્યારે પણ જરૂર પડતી ત્યારે હું આપની સલાહ લેતો, પણ હવેતો આપ મારા નાથને આપની રચનાઓ થી તરબોળ કરવા પધારી ગયા, હવે મારે જરૂર પડશે તો આપને મારો નાથ થોડો સમય આપશે ? આપના હરિ પથ ગમન પછી મારી કલમ લંગડાવા લાગી છે.
      મારી કલ્પનાના ઘોડા હવે મારા મગજમાં શબ્દો ની સરવાણી લાવી શકતા નથી, તેથી કોઈ સારી રચનાઓ બની શકતી નથી. મારો શબ્દો નો ખજાનો તો મારા બાળપણ થી ભરનાર મારો "દાદ" હતો, હવેતો રચના બનાવવા જતાં જોડકા બનતા હોય એવું લાગે છે, એમાં મારા "દાદ" ની છાંટ પણ આવતી નથી.
       "દાદ" આપણી ડેલીમાં ડાયરો જામેલો, ગામ લોકો પણ માણી રહેલા ત્યારે એક રચના બનેલી "બાપુ ની ડેલીએ" આજે એ ડેલીમાં હું પ્રવેશું ત્યારે ડેલી મને પૂછે છે, "કેમ એકલો? ક્યાં છે મને નવરંગ ચૂંદડી નો શણગાર કરનારો "દાદ" " ત્યારે મારે દીન દયાળ ના "દાદ’ પ્રેમ ને યાદ કરીને કહેવું પડેછે કે હવે એ આપણને એ લહાવો લેવા નહીં દે.   
       "દાદ" આપે "આપે એટલું લઉં" લખ્યું, પણ એ "દાદ" જેવાને ઘનશ્યામ ઘરના ખૂણામાં મળી જાય, પણ હું તો આજ સાવ નિરાધાર બની ગયો, ન તો ઘનશ્યામ મેળવવા જેટલી ભક્તિ છે કે ન તો હવે ઘનશ્યામ પાસેથી "દાદ"ને છીનવવા જેટલી શક્તિ, બસ હવે તો જેટલું જીવન છે તે તારી યાદમાં પાર કરવાનું છે....
જય માતાજી.

રચયિતા:-
કેદારસિંહજી મે. જાડેજા
"દીન વાણી" ગ્રૂપ, ગાંધીધામ
૯૪૨૬૧૪૦૩૬૫
kedarsinhjim@gmail.com
kedarsinhjim.blogspot.com.

બાગેશ્વર બાલાજી

 

            
                       બાગેશ્વર બાલાજી
તા. ૩૧.૭.૨૩
ઢાળ- મહા માયા ચરણે મનડું છે મારું..જેવો

બાગેશ્વર બાલાજી મારી અરજી શ્વીકારો
દીન દુખિયાના દુખડાં, આપ નિવારો...બાગેશ્વર બાલાજી..

કર્મ ના સંજોગે સૌને જન્મ મળે છે, ધન દોલત કે કોઈને દર્દ મળે છે,
આવે જે શરણે તારે, સાતા મળે છે, અવગુણ અમારાં સઘળાં, આપ સુધારો..બાગેશ્વર બાલાજી...

ભારત ભૂમિ પર આજે, સંકટ છે ભારી, અધર્મી કરે કુ કર્મો, વિચારી વિચારી
ચલાવે છે ગંદી પંડની, અજબ દુનિયાદારી, બની ને બેઠાં છે જાણે, પંડિતો ફકીરો..બાગેશ્વર બાલાજી

સંત સભાના નામે, સંગ કરે છે, માર્ગ બતાવી અવળો, તંત કરે છે
ભ્રમમાં ભટકાવી જગને, પેટ ભરે છે, આવા ઢોંગી થી બાલાજી, અમને ઉગારો..બાગેશ્વર બાલાજી

"કેદાર" કરુણા કરીને, હાથ મારો પકડો, આવ્યો છું શરણે તારે, અવિનાશી ના અકડો
ભક્તિ ના રંગમાં મુજને, અહર્નિશ જકડો, તારા શરણ ને કાજે, બન્યો છું અધીરો.બાગેશ્વર બાલાજી

ભાવાર્થ- હે બાગેશ્વર બાબા હનુમાનજી, આ દુખિયા જીવ ની એક અરજ છે, આપ એનું નિવારણ કરો.
દરેક જીવ ને કર્મ ના આધારે જે તે યોનિમાં જન્મ મળે છે, કોઈને ધન તો કોઈને દર્દ મળે છે, પણ જે તારે શરણે આવે તે ભલે પાપી હોય, પણ તારા શરણમાં આવે તો તેને શાંતિ પ્રાપ્ત થાય છે. પણ આજે ભારત વાસીઓ પર અધર્મી અને ખોટા કર્મો કરનારાઓ પોતાના સ્વાર્થ માટે લોકોને અવળા માર્ગે ચડાવવા માટેનું એક ષડ્યંત્ર ચલાવી રહ્યા છે, ધર્મ ના નામે મોટા મોટા કાર્યક્રમો કરીને ભોળી જનતાને ભરમાવે છે. આવા લોકો થી અમોને આપના સિવાય કોઈ બચાવી શકે તેમ લાગતું નથી. માટે આપ મને સાચું માર્ગદર્શન આપો એજ અભ્યર્થના છે.

રચયિતા:-
કેદારસિંહજી મે. જાડેજા
"દીન વાણી" ગ્રૂપ, ગાંધીધામ
૯૪૨૬૧૪૦૩૬૫
kedarsinhjim@gmail.com
kedarsinhjim.blogspot.com.
ફોટો-ગુગલ ના સહયોગ થી


ચિંતા હવે તમારી

 

ચિંતા હવે તમારી
૧૫.૭.૨૩.
સોંપ્યું સુકાન શ્યામ ને,  ચિંતા હવે તમારી
પ્રભુ તારો કે પછી મારો, -પણ- અરજી લેજો સ્વીકારી...

ભવ સાગર ભર્યો છે ભારી, તરવાની સમજ ન મારી
કર ગ્રહી ને લેજો ઉગારી, -થોડી- ફરજ બને છે તમારી...

માયા છે લપસણી તારી, કોઈ ચાલે મતી ન મારી
ભ્રમજાળ ફેલાણી ભારી,  ચકરાવે ચડે ગતિ મારી...

પ્રભુ કરી છે હવે તૈયારી, સમર્પી કળા મેં મારી
બસ હરિ સમરણ ની યારી, હવે મરજી બધી તમારી...

પ્રભુ "કેદાર" કેરી અરજી, ધરજો ઉરમાં હરજી
ભવે ભવે ભજન ની મરજી, સદા રટણા કરું તમારી...

 ભાવાર્થ:- હે નાથ, હવે મેં મારા જીવન ની નાવ નું સુકાન આપને સોંપી દીધું છે, બસ એ એક અરજી સ્વિકારી લેજો. હવે આ ભવ સાગરમાંથી તારવો કે પછી ડુબાવવો એ આપની મરજી છે. કારણ કે આ મહા સાગર નો કોઈ તાગ મળતો નથી અને મને તરતા આવડતું નથી, આપે જન્મ આપ્યો છે તો હવે આમાંથી તારવાની ફરજ પણ આપની બને છે.
   આપની માયા એવી છે કે તરવા માટે કોઈ તરણું પણ પકડવા જાવ તો એ માયાવી લાગે છે અને મારું મન ભ્રમિત થઈ જાય છે. પ્રભુ હું બધા પ્રયત્નો કરીને હારી ગયો છું, ફક્ત ભજન એક સહારો દેખાય છે, મેં મારી જાતને આપને સમર્પિત કરી દીધી છે, હવે આપ જે કરો તે, પણ છેલ્લે એક અરજ કે મારે મુક્તિ નથી જોઇતી, બસ ભવે ભવ તારા ગુણ ગાન કરતો રહું એટલું જરૂર આપજે. 

રચયિતા:-
કેદારસિંહજી મે. જાડેજા
"દીન વાણી" ગ્રૂપ, ગાંધીધામ
૯૪૨૬૧૪૦૩૬૫
kedarsinhjim@gmail.com
kedarsinhjim.blogspot.com.