Tuesday, February 28, 2017

રામાયણ પ્રસંગ પટ બે વચનો (કૈકેયી ના)

રામાયણ પ્રસંગ પટ 

                બે વચનો (કૈકેયી ના)


મને રાજ રમત માં ફસાવી, મને ભોળી ને ભરમાવી...

સંકટ વેળા સંગે રહીને, બની સારથિ આવી, 
જાણ્યો જ્યારે જીવ જોખમમાં, બગડી બાજી બનાવી..

સ્વાર્થ ભર્યો છે સ્નેહ તમારો, માનેતી કહી ને મનાવી, 
દશ દિવસથી નોબત વાગે, યાદ મારી કાં ન આવી..

બોલ થકીછો આપ બંધાણા, રઘુકુળ રીત તમારી. 
આપો વચનો યાદ કરીને, આજ ઘડી હવે આવી..

ભૂપ ભરત ને રામજી વનમાં, ચૌદ વરષ દે વિતાવી. 
જરકસી જામા પીતાંબર ત્યાગી, તપસી વેશ બનાવી...

રૂઠી કૈકેઈ ને રાજન રડતાં, યાદ અંધોની આવી. 
બ્રહ્મના પિતાની કરુણ કહાની, "કેદાર" કરમે બનાવી...

ભાવાર્થ-અયોધ્યામાં જ્યારે રાજા દશરથજીએ રામના રાજ્યાભિષેક ની ઘોષણા રાજદરબારમાં કરી, ત્યારે અયોધ્યા માંતો આનંદ આનંદ છવાઈ ગયો, પરંતુ ભગવાન રામને પોતાના રામ અવતારનો ઉદ્દેશ્ય પાર પાડવા માટે એક લીલા કરવી પડી. શ્રી રામે સરસ્વતીજીને એવી વિનંતી કરી, કે આપ એવી લીલા કરો કે જેથી મારા રાજ્યાભિષેક ને બદલે મને વનવાસ મળે, જેથી હું રાક્ષસો નો વિનાશ કરીને સામાન્ય જન સહિત, સંતો મહંતો અને રૂષિ મુનિઓને તેના સંકટમાંથી મુક્ત કરી શકું. સરસ્વતીજીએ અનેક ઉપાયો કર્યા, પણ કોઈ પણ અયોધ્યા વાસી તેમની ચાલમાં ફસાયા નહિ. પણ એક મંથરા,કે જે કૈકયીની દાસી હતી તે કૌશલ દેશથી કૈકયીની સાથે આવેલી હતી, તે સરસ્વતીજીની જાળમાં ફસાઈ ગઈ. સરસ્વતીજીએ તેની જીભ પર બેસીને પોતાના ધાર્યા મુજબની વાણી તેના મુખથી બોલાવી. 
મંથરા કૈકેયી પાસે જઈને કહેવા લાગી કે જો રામનો રાજ્યાભિષેક થઈ જશે તો તને અનેક કષ્ટો ભોગવવા પડશે, માટે તું રાજન પાસે એવા બે વચનો માંગીલે જે તને રાજને ગમે ત્યારે આપવાનું વચન આપ્યું છે. ત્યારે કૈકેયી મંથરાની વાત માનીને વચનો માંગે છે.
હે રાજન આપે મને ભોળવી છે, જ્યારે યુદ્ધની અંદર આપના પર સંકટ હતું ત્યારે મેં આપના રથના સારથી બનીને મદદ કરેલી ત્યારે આપે મને વચન માંગવા કહેલું, જે આપે આજ સુધી નથી આપ્યા, મને માનીતી તો કહો છો, પણ આપનો વહેવાર મને સ્વાર્થ ભર્યો લાગે છે. રામને રાજા બનાવવાની વાત દસ દિવસથી ચાલેછે પણ મારાથી છુપાવી ને રાખી છે. માટે આપ મને આપે આપેલા બે વચનો આજેજ આપો, જેમાં પહેલા વચનમાં મરો ભરત રાજા બને, અને રામ ચૌદ વરસ વનવાસ ભોગવે અને તે પણ રાજ્ય પરિવાર જેવા આભૂષણો ત્યાગીને, તપસ્વિ ના વેશમાં રહે.
રાજા દશરથ-કે જે બ્રહ્મ ના પિતા છે- કૈકયીની વાણી સાંભળી ને વિહ્વળ બની ગયા, મનમાં ને મનમાં શ્રવણ ના પિતાએ આપેલા શ્રાપ ને યાદ કરીને પોતાના કર્મોની કરુણતા માટે વ્યથિત બની ગયા.  
ફોટો- ગુગલના સહયોગ થી.

Monday, February 27, 2017

રામાયણ ના પ્રસંગો ૩ ધનુષ યજ્ઞ

રામાયણ ના પ્રસંગો ૩

                     ધનુષ યજ્ઞ 

મને સમજ પડી ગઈ સારી, મેં વિપરીત વાત વિચારી...

મેં જાણ્યું’તું મહિપતિ મળશે, શોભા બનશે ન્યારી.   
મિથિલા મારી ધન્ય બની ને, જોશે જાન જોરારી...

મૈથિલી ને મહા દુખ આપ્યું, મુખ શકું ના દેખાડી.   
સુનયના ને શું સમજાવું, નીમી નસીબ વિચારી...

વીર વિહીન વસુ મેં ભાળી, શું હજુ બેઠાં વિચારી.   
જાઓ સિધાવો વધુ ના લજાવો, -ભલે- કુંવરી રહેશે કુંવારી..

ક્રોધિત લક્ષ્મણ રામ રિઝાવે, વિશ્વામિત્ર વિચારી.      
ઊઠો રઘુનંદન કરો ભય ભંજન, શિવ ધનુ શીશ લગાડી..

હાથી જેવા હેઠાં બેઠાં, સિંહ ઝટકી કેશવાળી.          
પિનાક પરસી ત્યાં વીજળી વરસી, દિગ્મૂઢ દુનિયા સારી..

વૈદેહી વરમાળ ધરાવે, શોભા સઘળે ન્યારી.     
" કેદાર " દર્શન નિત નિત પામે, સીતા રામ સંભારી...

ભાવાર્થ-મિથિલા નરેશ જનક રાજાએ સીતાજીનો સ્વયંવર યોજ્યો ત્યારે અનેક મોટા મોટા રાજાઓ, મહારથીઓ, પરાક્રમી વીર પુરુષો આવેલા, લંકાનો રાજા રાવણ કે જેનામાં દશ મસ્તક જેવી બુદ્ધિ અને વીસ ભુજા જેવું બળ હતું, જેણે કૈલાસ પર્વતને એક હાથ વડે ઉઠાવી લીધેલો. તેમજ બાણાસુર જેવા બળવાન મહારથી પણ આવેલા, પરંતુ સ્વયંવર ના નિયમ મુજબ શિવજીના ધનુષને ઉઠાવી તો ન શક્યા પણ કોઈ ચલિત પણ ન કરી શક્યા, ત્યારે જનક રાજા ખૂબજ નિરાશ થયા અને કહેવા લાગ્યા કે..
૧-મને મારી ભૂલ સમજાઈ ગઈ છે, કે મેં ધનુષ ને પણછ બાંધવાની જે શરત રાખી તે યોગ્ય ન હતી. મને એમ હતું કે મોટા મોટા મહિપતિઓ ભેગાં થશે, એમાંથી કોઈ આ ધનુષની પણછ બાંધી લેશે અને જ્યારે મારી પુત્રીને પરણવા અલૌકિક જાન લઈને આવશે, તે જોઈને મારા નગરની શોભા અનેક ગણી વધી જશે. મારા નગરજનો ધન્ય ધન્ય બની જશે.
૨-પણ મેં મારી પુત્રી મૈથિલીને ખૂબ દુખ આપ્યું છે, એને મારે કયા મુખે કહેવું કે મારી આ આકરી શરત થી તારાં લગ્ન થઈ શક્યા નહીં, અને સુનયનાને પુત્રી નીમીના આ મહા દુખ માટે હું કેમ સમજાવી શકીશ.
૩-આજે મને આ પૃથ્વી પર કોઈ વીર પુરુષ દેખાતો નથી, કે જે આ ધનુષની પણછ બાંધી શકે, અને હે બળ હીન આગંતુકો તમો હજુ કઈ આશા સાથે અહિં બેઠા છો, તમને જોઈને મને શરમ આવે છે, માટે તમો અહીંથી વિદાય લો, ભલે હવે મારી પુત્રી કુંવારી રહે, પણ તમો જલદી અહિંથી સિધાવો, અહિં સર્વે રાજાઓ વીર વિહીન છે.
૪-વીર વિહીન શબ્દ જ્યારે રાજન બોલ્યા ત્યારે લક્ષ્મણજી એકદમ ક્રોધાયમાન થઈ ગયા, રઘુકુળનો નાનો એવો બાળક પણ જ્યાં બેઠો હોય તે સભાને વીર વિહીન કેમ કહી શકાય? પણ રામે ઇશારો કર્યો કે ભાઈ, બાજુમાં ગુરુજી બિરાજમાન છે, એમની હાજરીમાં આપણાથી કંઈ ન બોલાય. વિશ્વામિત્રજી ને પણ આ યોગ્ય ન લાગ્યું, તેમણે રામને આજ્ઞા કરી કે હે રઘુનંદન ધનુષનો ભંગ કરીને જનક રાજાના ભયનો નાશ કરો.
૫-જ્યારે હાથી જેવા મહારથીઓ ની કારી ન ફાવી અને બેસી ગયા, ત્યાં સિંહ સમાન રામ જાણે પોતાની કેશવાળી ઝાટકીને ઊભા થયા, સમગ્ર સભાજનોને હાથ જોડ્યા, મનોમન ભગવાન શિવને પ્રાર્થના કરી, ધનુષને વંદન કરી જ્યાં ફક્ત સ્પર્શ કર્યો, ત્યાં તો જાણે આકાશમાંથી વીજળી પડી હોય તેવો મોટો કડાકો થયો,  ભયંકર અવાજને કારણે દિક્પાલો ડરી ગયા,પૃથ્વી ડોલવા લાગી, કોઈ કંઈ સમજી ન શક્યા, જ્યારે વિચારવાની શક્તિ પાછી આવી ત્યારે જોયું તો રામજીએ ધનુષ તોડીને તેના બન્ને ટુકડા જમીન પર ફેંકી દીધેલા જોયા. ચારો તરફ આનંદ આનંદ છવાઈ ગયો, બધા રામજીની જય જયકાર કરવા લાગ્યા. 
૬-પછીતો સીતાજી સભાખંડમાં પધાર્યા અને શ્રી રામજીના કંઠમાં વરમાળા પધરાવી. સઘળે મંગલ ધ્વનિ થવા લાગી. આપણે તો બસ એ દ્ગશ્ય અંતર મનમાં સદા ધારણ કરીને એના દર્શન કરતાં રહેવાનું, અને હરિગુણ ગાતા રહેવાનું. જય સીતારામ.          
ફોટો- ગુગલના સહયોગ થી.

Sunday, February 26, 2017

મિથિલા દર્શન

રામાયણ ના પ્રસંગો ૨

                                    મિથિલા દર્શન

આયે મિથિલા નગર કે માંહી,  રઘુકુલ ભૂષણ રામ દુલારે, સંગ હે લક્ષ્મણ ભાઇ.
આઇ સખીયાં કરતી બતિયાં, સપનેહુ દેખો મેં નાહીં. 
                             એસો બર જો મિલે સીયા કો, ચન્દ્ર ચકોરી મિલ જાઈ.
ગૌર બદન એક શ્યામ શરીરા, એક ચંચલ એક ધીર ગંભીરા.  
                                  એક દેખુંતો ભૂલ જાઉં દુજા, ચલત નહીં ચતુરાઈ.
નર નારી સબ નિરખન લાગે, બર બસ શીશ જુકાઇ.
                                   સૂરજ ચંદા સંગમેં નિકલા, પૂરણ કલા પસરાઈ.
થાલ ભરી પૂજા કો નિકલી, જનક દુલારી લજાઈ.  
                               કંકન કિંક્ની નૂપુર ધુનિ સુનિ, રાઘવ મન લલચાઇ.
લતા ઓટ દેખી શ્રી રઘુબિર, નીમી નેત્ર ભર આઇ.  
                               નેન મિલે જબ મૂંદલી પલકે, છબી નિકસી નહીં જાઈ.
સુર સબ અંબર દેખ સુ અવસર, ફૂલ કુસુમ બરસાઇ.  
                           દીન " કેદાર " યે દિલસે નિહારે, જનમ મરન મીટ જાઈ. 

સાર-શ્રી રામ અને લક્ષ્મણ જ્યારે મુનિઓના યજ્ઞની રક્ષા ખાતર રાક્ષસોનો નાશ કરીને ગુરુજી વિશ્વામિત્ર ની સાથે મિથિલા નગર માં પધાર્યા એજ વખતે મિથિલા નરેશ જનક રાજાની પુત્રી જાનકીજી ના સ્વયંવરની તૈયારી ચાલતી હોવાથી આખા નગરને શણગારવામાં આવેલ હતું. ગુરૂજી ની આજ્ઞા લઈને બન્ને ભાઈઓ નગર જોવા નીકળ્યા. 
૧-સીતાજી ની સખીઓ આ બન્ને ભાઈઓને જોઇને પરસ્પર વાતો કરવા લાગી કે આવા તેજસ્વિ યુવરાજો તો ક્યારેય સ્વપ્નમાં પણ જોયા નથી. અત્યારે સીતાજી ના લગ્નની તૈયારી ચાલે છે, જો વિધાતા મદદ કરે અને મિથિલા પતી સ્વયંવર ની વાત છોડીને આ યુવરાજને પસંદ કરી લે, તો તો જાણે ચન્દ્ર અને ચકોરી જેવી જોડી મળી જાય. કારણ કે, બન્ને કુમારો એટલાં કોમળ છે કે તેઓ ધનુષ ભંગ તો નહીંજ કરી શકે.
૨-આ ભાઈઓને જોઇ ને નગરજનો એટલાતો પ્રભાવિત થયા કે એક ગૌર વર્ણ લક્ષ્મણ અને એક શ્યામ શરીર વાળા રામ પરથી નજર હટાવી શકતા નથી. એક થોડા ચંચળ લાગે છે, તો બીજા ગંભીર દેખાય છે. કોને જોવા અને કોને ન જોવા એવી વિટંબણામાં પડી ગયા. કોને પહેલાં જોવા અને કોને પછી જોવા તે ચતુરાઈ ચાલતી નથી.
૩-નગરના નર નારી સૌ આ ભાઈઓને જોઇ ને આપમેળે મસ્તક નમાવવા લાગ્યા, એવું લાગે છે જાણે સૂર્ય અને ચન્દ્ર બન્ને એક સાથે પોતાની પૂર્ણ કળા પ્રસરાવીને નીકળ્યા હોય. 
૪-માતા સુનયનાજી ની આજ્ઞાથી સીતાજી ગૌરી પૂજન માટે બાગમાં પુષ્પો લેવા પધારેલા, એજ વખતે શ્રી રામ અને લક્ષ્મણ પણ ગુરુજી માટે પુષ્પો લેવા પધાર્યા,  અનાયાસ શ્રી રામજીના કાને કોઈ કંકણ અને ઝાંઝરનો અવાજ આવતાં એકદમ જાણે અંગે અંગમાં આનંદિત તરંગો દોડવા લાગ્યા, રામજી લક્ષમણને કહેવા લાગ્યા કે આ શું છે? મારું મન આ ઝંકારથી કેમ મોહિત થાયછે? આવો મીઠો મધુરો રણકાર કોના નેપુરનો છે?.
૫-એ સમયે લતાઓની પાછળ સીતાજીની નજરે પુષ્પો ચૂંટતા શ્રી રામજીની છબી દેખાણી, આ અલૌકિક દ્રષ્ય જોઇને સીતાજી ભાવ વિભોર બની ગયા. જેવા શ્રી રામજીના નયનો સાથે સીતાજીની નજર મળી કે તુરંત માતાજીએ આંખો બંધ કરી લીધી, એ દ્ગશ્યને જાણે નયનો માં સદા સમાવી દેવા હોય, ક્યાંક આંખ ૪-માતા સુનયનાજી ની આજ્ઞાથી સીતાજી ગૌરી પૂજન માટે બાગમાં પુષ્પો લેવા પધારેલા, એજ વખતે શ્રી રામ અને લક્ષ્મણ પણ ગુરુજી માટે પુષ્પો લેવા પધાર્યા,  અનાયાસ શ્રી રામજીના કાને કોઈ કંકણ અને ઝાંઝરનો અવાજ આવતાં એકદમ જાણે અંગે અંગમાં આનંદિત તરંગો દોડવા લાગ્યા, મન હર્ષિત થઈ ઊઠ્યું.
૫-એ સમયે લતાઓની પાછળ સીતાજીની નજરે પુષ્પો ચૂંટતા શ્રી રામજીની છબી દેખાણી, આ અલૌકિક દ્રષ્ય જોઇને સીતાજી ભાવ વિભોર બની ગયા. જેવા શ્રી રામજીના નયનો સાથે સીતાજીની નજર મળી કે તુરંત માતાજીએ આંખો બંધ કરી લીધી, એ દ્ગશ્યને જાણે નયનો માં સદા સમાવી દેવા હોય, ક્યાંક આંખ ખુલ્લી રહે અને આ અદ્ભુત દ્ગશ્ય આંખમાંથી સરી ન પડે એ હેતુથી માતાજીએ આંખ બંધ કરી લીધી.
૬-આવો અલૌકિક અવસર જોઇ ને દેવોએ આકાશમાંથી ફૂલોની વર્ષા કરી. કોઈ પણ આ અલભ્ય દ્ગશ્યનું ખરા દિલથી દર્શન કરે તો જન્મ મરણના ફેરા જરૂર મટીજાય.
ફોટો- ગુગલના સહયોગ થી.

Wednesday, February 22, 2017

અહોભાગ્ય

મિત્રો, 
મારી સાથે આપ સર્વે મારા ભજન પ્રેમી સ્નેહીઓને પણ આનંદ થાય એવા આજે એક સારા સમાચાર મળ્યાછે. મારા એક સ્નેહી, વડીલ, પરમ ચાહક અને માર્ગદર્શક દેવ નગરી દ્વારિકા નિવાસી શ્રીમાન જીતેન્દ્રભાઈ પાઢ, કે જે વાસી નવી મુંબઈ માં "નૂતન નગરી" ના તંત્રી છે, અને હાલમાં અમેરિકામાં બિરાજે છે. તેઓ મારા સંપર્કમાં આવ્યા પછી સતત મારી રચનાઓનો અભ્યાસ કરતા રહ્યા અને મને પ્રોત્સાહન આપતા રહ્યા. તેમના અથાગ પ્રયત્નો ના પ્રતાપે આજે અમેરિકામાં એક સામયિક માં રાવણ દ્વારા અચાયેલ અને મારા દ્વારા અર્થ સાથે અનુવાદ પામેલ "શિવ તાંડવ સ્તોત્ર" શિવ રાત્રી નિમિતે પ્રકાશિત થયું છે, જેની કોપી થોડા સમયમાં આપણા સુધી પહોંચી જશે.

આ ઉપરાંત વાસી નવી મુંબઈ ના સમસ્ત બ્રાહ્મણ સમાજ ના ટ્રસ્ટી શ્રીએ તેમની વેબ પર આ અનુવાદ પ્રકાશિત કર્યો, જેને ખૂબજ સારો પ્રતિસાદ મળ્યો તે બદલ સમસ્ત બ્રાહ્મણ સમાજ તરફથી મને આશીર્વાદ પાઠવ્યા છે, જે બદલ હું વંદનીય ભૂદેવો તેમજ શ્રીમાન જીતેન્દ્રભાઈ પાઢનો ખૂબ ખૂબ આભારી છું.

જ્યાં સુધી આવ કદરદાનો કોઈ પણ કવી ની રચનાઓને પ્રોત્સાહન આપતા રહેશે ત્યાં સુધી દરેક કવિઓના ઉત્સાહ અને તેમના હૃદયમાંથી સ્ફુરતી કાવ્ય ગંગા અવિરત વહેતી રહેશે, અને ભાવિક ભક્તોના હૃદય ને ભીંજવતી રહેશે.

જય માતાજી
જય દ્વારિકાધીશ, જય ભોળાનાથ.

આપનો વિશ્વાસુ
કેદારસિંહજી એમ જાડેજા
ગાંધીધામ. કચ્છ.
Email:-kedarsinhjim@gmail.com 
બ્લોગ-kedarsinhjim.blogspot.com
વોટ્સએપ/મો. નં. ૯૪૨૬૧૪૦૩૬૫ 
                   ૮૧૬૦૬૩૦૪૪૯

Saturday, February 18, 2017

માનવ દેહ

માનવ દેહ


માનવ કેરો દેહ મળ્યો છે, ચોરાશી તરવા તને
માયામાં જો મોહી રહ્યો તો, મુક્તિ ક્યારે મળશે તને...

બચપણ મહીં માં બાપની, માયા તને વળગી રહી
ભણ્યો તું ભાવ થી ભેરુ, ભગવાન ને જાણ્યો નહી
પછી આવી યુવાની, થઈ ને દીવાની, મદ થકી મળવા તને...

મળ્યા છે માન ને દોલત, મળ્યા નોકર અને ચાકર
નથી દુખી કોઈ વાતે, રહે છે મહેલ માં જાકર
મળ્યું છે મોટું નામ તુજને, ભક્તિ ક્યારે મળશે તને...

થઈ જ્યારે ઉમર તારી, થયો નિવૃત તું તન થી 
સંસાર કેરા સુખ માં, ચીટકી રહ્યો મનથી
યાદ ન આવી ઈશ કેરી, ભૂલી ગયો ભગવાન ને...

અવસર તને આપ્યો હતો, કરવાને ભક્તિ ભાવ થી 
સમજી શક્યો નહી સાન માં, મોકો ગુમાવ્યો હાથ થી
" કેદાર " પારખ કોક નીકળે, જાણી લે જે જગ તાત ને...


સાર-સંતો, મહંતો, શાસ્ત્રો અને વેદો પણ કહે છે કે જીવ ચોરાસી લાખ યોની માં ભટકતો ભટકતો, અનેક કષ્ટો ભોગવતો ભોગવતો જ્યારે ભગવાન ને અનેક રીતે રિઝાવે છે, મનાવે અને પ્રાર્થનાઓ કરે છે,  ત્યારે પ્રભુ દયા કરીને આ દેવો ને પણ દુર્લભ માનવ દેહ આપે છે. સંતો, મહંતો અને યોગીઓ પોતાના તપ ના બળે પોતાના પૂર્વ જન્મોનું જ્ઞાન મેળવીને આ ઘટના ચક્રની વાતો જાણી લે છે, અને બીજાને પણ જણાવીને યોગ્ય જીવન જીવવાનું માર્ગ દર્શન આપે છે. અને માનવીને મોક્ષ મેળવવા શું શું પ્રયત્નો કરવા તે બતાવતા રહે છે, જો માનવી એ ઉપદેશોનું પાલન કરે અને પ્રભુને ભાવ સહિત ભજતો રહે તો જરૂર મોક્ષ પામે છે. પણ ઘણા મહા માનવો નરસિંહ મહેતાની જેમ "હરિના જન તો મુક્તિ ન માંગે, માંગે જનમો જનમ અવતાર રે.." ની રાહે ફરી ફરી જન્મો માંગીને હરિ ભક્તિ કરવાની નેમ રાખતા હોય છે.  માનવ દેહ એટલાં માટે દુર્લભ છે કે ફક્ત આ દેહ માંજ વિચારવાની શક્તિ, વાણી, અને અનેક કર્મો કરવાની આવડત મળે છે. જેમાં સારા કે ખરાબ કોઈ પણ કર્મો કરી શકાય છે. આ દેહ થકી સ્વર્ગ પણ મેળવી શકાય છે, અને નરક પણ મેળવી શકાય છે. મોક્ષ પણ મેળવી શકાય છે, અને પાછો ચોરાસી નો ફેરો પણ મેળવી શકાય છે. માટે સંતો, મહંતોએ આપેલા જ્ઞાન નો લાભ લઈને મોહજાળમાં પડ્યા વિના મુક્તિના માર્ગે ચાલવું.
બચપણમાં મા બાપની માયા લાગે, પછી ભણતરથી જ્ઞાન મેળવવાનો સમય આવે, ત્યાર બાદ યૌવન અને લગ્ન, અને માયાના બંધન આવે ત્યારે ભગવાનની પ્રાર્થના કરવાનો સમય ન રહે.
પછી કામ ધંધો, માન મર્તબો, નોકર ચાકર, ગાડી બંગલા માં જીવ એવો અટવાઈ જાય કે ભક્તિ કરવાનું યાદ પણ ન રહે અને સમય પણ ન રહે, હા ક્યારેક સમાજમાં દેખાવ કરવા ખાતર અને પોતાને મોટા ભક્ત બતાવવા માટે હોમ હવન અને યજ્ઞનો દેખાવ કરીને પ્રદર્શન કરવા પડે. 
ત્યાર બાદ ઉમર થતાં શરીર થોડું ઘસાય, કમજોરી આવે, નજર નબળી પડે ત્યારે નોકરી ધંધામાંથી તો નિર્વૃતિ લઈલે, પણ મન તો સદાય માયાને વળગેલુંજ રહે, માયાપતી યાદ ન આવે.
આવો રૂળો અમૂલ્ય અવસર ઈશ્વર આપે પણ તેની જાણ જીવને ત્યારે પડે છે, જ્યારે વૃદ્ધાવસ્થા આવે, બિમાર પડે, યમના દૂતો નજર સામે દેખાવા લાગે, શ્વાસની શરણાઈ વાગવા લાગે, પણ ત્યારે ઘણું મોડું થઈ ગયું હોવાથી આ સમજણ નકામી નીવડે છે. પણ એવા પણ જીવાત્મા આ જગતમાં જન્મે છે કે જે જન્મથીજ ગર્ભમાં ઈશ્વરને આપેલા કોલ ને યાદ કરીને પોતે તો તરીજાય છે, બીજાને પણ તારતો જાય છે.
ઈશ્વર આ સમજ સર્વે જીવ માત્રને આપે એજ અભ્યર્થના
સહ. 
જય શ્રી રામ.   

.રચયિતા-
કેદારસિંહજી મે. જાડેજા
ગાંધીધામ. કચ્છ.           

Tuesday, February 14, 2017

ભરોંસો

ભરોંસો

તારે ભરોંસે નાવ છે, પ્રભુ તાર તાર તું
ડૂબે ના મારી બેડલી,
સાચો સુકાની તું...

સંસાર ના ભવ સાગરે,
ભટકે છે મારી નાવડી
સૂઝે દિશા ન શામળા,    
            એથી ઉગાર તું...

વાયુ ભરાયો વહેમ નો,
સંયમ ના સઢ મહી
છટકે સુકાન હાથ થી,    
         એને સંભાળ તું...

મારું હલેસા હાથ થી, મોજાં મટે નહિ
પાણી ભરાયા પાપ ના,
  એને ઉલેચ તું...

ભાળું નહિ ધ્રુ તારલો,
શાથી દિશા સૂઝે
માયા વમળ થી માધવા,
           આવી ઉગાર તું...

સોંપ્યું સુકાન શ્યામ ને,
ભૂધર ભરોસા પર
" કેદાર " દીન ની નાવડી,
         કાંઠે લગાડતું...  

રચયિતા :
કેદારસિંહજી મે. જાડેજા
ગાંધીધામ  -કચ્છ
૯૪૨૬૧૪૦૩૬૫

Monday, February 13, 2017

ભક્ત બોડાણો

ભક્ત બોડાણો               

ઢાળ:- કીડી બાઈ ની જાન ને મળતો.

ભક્ત ઉદ્ધારણ ભૂધરો રે,
રાખે  ભક્તો ની નેમ.  
પણ બધા એ એના પાળતો,
રાખે બાળક ની જેમ
ભોળા ભક્તો નો ભગવાન છે..

ડાકોરે વસે એક દૂબળો રે,
જેણે રાખેલી ટેક.  
પૂનમે દ્વારિકા આવતો,
નહી કરતો મીનમેખ
દર્શન કરવાની એને નેમ છે..

ઘણા વખત ના વાણા વાયા,  
નહી તોડેલી ટેક.  
પણ-શરીર સૂકાણું સમય જતાં,
ખૂટ્યાં મનના અાવેગ
પહોંચી જરાની હવે પીડ છે..

આવતી પૂનમે કેમ પહોંચાશે,
લાગે છેલ્લી છે ખેપ.  
સાંભળો અરજ મારી શામળા,  
કરૂં વિનંતી હરિ એક
તારે ભરોંસે મારી નાવ છે...

કાયા મારી શા કામની રે,
જો ના પણ ને પળાય.  
દેહ પડે જો તારે દેવળે,    
માન મારું રહી જાય
દોરી તમારે હાથ છે..

દોડી દામોદર આવ્યાં રે,  
ઝાલ્યો બોડાણા નો હાથ.  
રહું સદા તારા સંગ માં,  
કદી છોડું નહી સાથ
ભક્ત થકી ભગવાન છે..

ઠાકોર ચાલ્યાં સંગમાં રે,
બેસી બોડાણા ની સાથ.  
ગૂગળી ગામમાં ગોતતા,  
ક્યાં છે દ્વારિકા નો નાથ 
નક્કી બોડાણા નો હાથ છે...

વાર ચડી જાણી વિઠ્ઠલે રે,
કિધી બોડાણા ને વાત.  
મૂકીદે મુજને વાવમાં,
પછી આવે છે રાત
તારો ને મારો સંગ છે..

ગોતી ગોતી ને ગયા ગૂગળી રે,
નહી મળ્યા મહારાજ.  
ઠાકોર પહોંચ્યા ડાકોર માં,
રહ્યાં બોડાણા ને કાજ
છોડ્યા સૌ રાજ ને પાટ છે..

જાણી સૌ ગૂગળી આવ્યાં રે,
આવ્યાં ડાકોર મોજાર.  
આપો અમારો ભૂધરો,  
કીધાં આવી પોકાર 
બોડાણો દ્વારિકા નો ચોર છે..

નથી હું ચોર કે નથી ધુતારો,
પાળ્યો પ્રભુનો આદેશ.  
કહ્યું કાનુડા નું મેં કર્યું,      
ગુનો મારો નહી લેશ
ખોટું તમારું આળ છે..

જાણી બોડાણા ને દૂબળો રે,
રાખે ગૂગળી વિચાર.  
હરિ બરાબર હેમ દ્યો,
તોજ તારો કિરતાર
પ્રભુ ભજવાની જો હામ છે..

કહે કાનુડો કાનમાં રે,  
રાખ વાળી સંગાથ.  
તુલસી નું પાન પધરાવજે,  
નહી નમે તારો નાથ
તારી તે લાજ મારે હાથ છે..

તુલે તુલા ની ભાળ મંડાણી,
નથી નમતું આમાં કોય.  
ગૂગળી પડ્યા હરિ પાય માં,  
પ્રભુ છોડું નહી તોય
એક તમારો આધાર છે..

એક પૂજામાં આવું દ્વારિકા,  
એક ડાકોર મોઝાર.  
આપ્યું વચન વનમાળી એ,
ગુણ ગાતો " કેદાર "
ધન્ય બોડાણા તારી ટેક છે..

રચયિતા :
કેદારસિંહજી મે. જાડેજા
ગાંધીધામ  -કચ્છ
૯૪૨૬૧૪૦૩૬૫

વિરક્ત= વિષયવાસના રહિત

Friday, February 10, 2017

પ્રીતમ નો પ્રેમ

પ્રીતમ નો પ્રેમ
ઢાળ- માલકોશ જેવો

પ્રેમ પ્રીતમ ને રિઝાવે
નાણે નજર ના લગાવે...

કરમાબાઇ નો ખીચડો ખાધો, મેવા ગણી ને માવે
એઠાં ફળ અણમોલ ગણી ને, મોહન મુખ પધરાવે..

ભક્ત વિદુર ની ભાજી ખાધી, છોતરાં છબીલો ચાવે
રંક જનો ની રાબડી ખાતો,
પણ-કૌરવ ભોગ ન ભાવે...

ઝેર મીરાં ના પી જનારો,
તાંદુલ મન લલચાવે
સ્નેહ થકી સખુબાઇ બની ને, માર ખાધો બહુ માવે...

સુર તણો સથવારો કરતો,
તુલસી લાડ લડાવે
નરસિંહ કાજે નટખટ નંદન,
વિધ વિધ વેશ બનાવે...

દીન " કેદાર " પર દયા દરશાવો, સેવક શરણે આવે
અંત સમય પ્રભુ અળગાં ન રહેશો, મોહન મુખ પર આવે...

રચયિતા :
કેદારસિંહજી મે. જાડેજા
ગાંધીધામ  -કચ્છ
૯૪૨૬૧૪૦૩૬૫

Thursday, February 9, 2017

પ્રાર્થના

પ્રાર્થના

ઢાળ:-મારો હાથ જાલી ને લઈ જશે..જેવો

મને આપજે મહેતલ પ્રભુ,
સંસાર માં થોડા શ્વાસ ની
કરી ને હજુ કર તવ ભણી, આરાધના કરૂં આપ ની...

આવી ને યમ દળ આંગણે, ઓઢાડે દર્દો ની ઓઢણી
સમજાવે સઘળું સાન માં,  
સેવા કરી શિ શ્યામ ની...

મને ડર નથી કંઈ મોત નો,
પણ બીક છે યમરાજ ની
પકડી ને મુજ ને પૂછશે,  
રટણા કરી શિ રામ ની...

જો તું રાખ આશા અમ કને, સદા પ્રાર્થીએ પ્રભુ આપને
તો સંભાળ રાખો શામળા,
તારા ભક્ત ના સૌ ભાર ની..

સદા સ્મરણ હો સરકાર નું,
એ છે અરજ એક " કેદાર " ની
બસ એટલી છે અભ્યર્થના,    
કરૂં પ્રાર્થના પ્રભુ આપની...

રચયિતા :
કેદારસિંહજી મે. જાડેજા
ગાંધીધામ  -કચ્છ
૯૪૨૬૧૪૦૩૬૫

Monday, February 6, 2017

પાંચાળી પોકાર

પાંચાળી પોકાર

સાખી-વિપદ પડી મુજ રંકને, વહેલી કરજે વાર
પાંચાળી પોકાર કરે,
એકજ તું આધાર..

સાખી-વહારે આવો વિઠ્ઠલા, નટવર નંદ કિશોર
પાંડવ સૌ પરવશ બન્યા,
કોઈ ન ચાલે જોર

સાખી-ગણેલા તાર જે ત્યારે, પૂર્યા સૌ વ્યાજ સાથે ના
બચાવી લાજ અબળાની, ચુકવીયા ઋણ માથેના..

ઢાળ- રાગ કાલીંગડા જેવો

ગિરધારી ગોવિંદ કૃષ્ણ મોરારી
પાય પડી પાંચાળી પોકારી,  વિપત પડી ભારી...

કાંતો આજે રૂઠી વિધાતા,
કાં કઠણાઈ અમારી
કાંતો પૂર્વે પાપો કીધાં, આવી ઘડી આ અકારી....

ધર્મ ધુરંધર ધનુર્ધર અર્જુન,  
ભીમ ગદા ધારી
સહદેવ નકુળ સૌથી સવાયા, પણ-બેઠાં બળ ને વિસારી...

આશરો આજે એક તમારો,  લેજો નાથ ઊગારી
દુષ્ટ દુઃશાસન દૈત્ય બની ને,  
લૂંટે લાજ અમારી...

ભાવ ધરી મેં ભૂધર ભજ્યા,  માંગુ આજ મોરારી
અંગ થી અળગું વસ્ત્ર થશે તો, જાશે લાજ તમારી...

સાદ સુણી દામોદર દોડ્યાં,  
કૃષ્ણ કરુણા કારી
નવસો નવાણુ ચિર પુરી ને,
" કેદાર " અબળા ઉગારી...

રચયિતા :
કેદારસિંહજી મે. જાડેજા
ગાંધીધામ  -કચ્છ
૯૪૨૬૧૪૦૩૬૫

Sunday, February 5, 2017

પથિક

પથિક
થાક્યો પથિક માર્ગમાં,
ઉતારા મળ્યા નહીં,  
હાંક્યું જીવન ના નાવને,
કિનારા મળ્યા નહીં..

ખાધી હજારો ઠોકરો,
વસમી આ વાટ માં,    
આવી ઘણી ઉપાધિઓ,
સહારા મળ્યા નહીં..

જાલ્યો તો હાથ રાહીનો,
સંગાથ થઈ જશે,  
ચાલ્યા ઘણું એ સાથમાં,
કદમો મળ્યા નહીં..

આશા હતી મળશે હવે,
તરાપો તોફાનમાં,  
ભાળીને નાવ ભીડમાં,
માલમ મળ્યા નહીં..

કાવડ ઉઠાવી કાંધ પર,
તરસ્યાંની આશ માં,  
ખાલી વેંઢાર્યા ભારને,
પ્યાસા મળ્યા નહીં..

આવ્યો હવે "કેદાર"છે,
શરણે સીતા પતિ,    
તોડો માયાની જાળને,
મને રસ્તા મળ્યા નહીં..  

રચયિતા :
કેદારસિંહજી મે. જાડેજા
ગાંધીધામ  -કચ્છ
૯૪૨૬૧૪૦૩૬૫

Friday, February 3, 2017

નર નારાયણ

નર નારાયણ

નર નારાયણ હોવે,
યા તો કરલે સંત જન સેવા, યા હરિજન હોવે...

એક અપરાધી પાપી પારધી, સંત સમાગમ હોવે
છોડ કપટ મહા ગ્રંથ રચાયા, હરિ અનુરાગી હોવે...

બિલ્વમંગલ સુરદાસ કહાવે, જબ નિજ નજરેં ખોવે
રાસ વિહારી રાહ દિખાવે,    ઘટ ઘટ દર્શન હોવે..

તુલસીદાસ મન મોહ અનેરા, નારી વશ પત ખોવે
એક શબ્દ મેં સત્ય સમજ કર,   સંત શિરોમણી હોવે...

કામ ક્રોધ મદ છોડ દે બંદા, ક્યું માયા વશ હોવે
દીન " કેદાર " હરિ નામ સુમરલે, હોની હો સો હોવે...

રચયિતા :
કેદારસિંહજી મે. જાડેજા
ગાંધીધામ  -કચ્છ
૯૪૨૬૧૪૦૩૬૫

Wednesday, February 1, 2017

નંદ દુલારો

નંદ દુલારો

મૈયા તારો નટખટ નંદ દુલારો
કરતો ફરે કેર કાળો......

ગોપ ગોવાળ ની ટોળી બનાવી, ચોર નો બન્યો સરદારો
મહી માખણ વહાલો ચોરી ચોરી ખાતો, મોહન મોરલી વાળો...

મથુરા વાટે દાણલા માટે, ગોપીઓ ને દેતો બહુ ગાળો
મારગ રોકે પાલવ પકડે,  
છેડે છે છબીલો છોગાળો...

રાજા કંસ નું કરજ વધ્યું છે,  
દિન દિન કરે છે દેકારો
કાન્હાને કેદની ક્યાં છે નવાયું, પણ-ગરીબ થી થાશે નહિં ગુજારો...

યશોમતી કોપી લાવો એને ગોતી, દુર્ કરી દંવ દેકારો
બાંધુ એને તાણી હવે ખૂબ મૂંઝાણી, સોટી નો લઉં સથવારો...

રાવ કરી પસ્તાણી ગોપી,  
મોહન તો મન હરનારો
માર સોટી નો કેમ કરી ખમશે,
" કેદાર " કોમળ છે બાળો... 

રચયીતા-
કેદારસિંહજી મે. જાડેજા
ગાંધીધામ.
9426140365