ભરોંસો
તારે ભરોંસે નાવ છે, પ્રભુ તાર તાર તું, ડૂબે ના મારી બેડલી,
સાચો સુકાની તું...
સંસાર ના ભવ સાગરે, ભટકે છે મારી નાવડી
સૂઝે દિશા ન શામળા,
એથી ઉગાર તું...
વાયુ ભરાયો વહેમ નો, સંયમ ના સઢ મહી
છટકે સુકાન હાથ થી,
એને સંભાળ તું...
મારું હલેસા હાથ થી, મોજાં મટે નહિ
પાણી ભરાયા પાપ ના,
એને ઉલેચ તું...
ભાળું નહિ ધ્રુ તારલો, શાથી દિશા સૂઝે
માયા વમળ થી માધવા,
આવી ઉગાર તું...
સોંપ્યું સુકાન શ્યામ ને, ભૂધર ભરોસા પર
" કેદાર " દીન ની નાવડી,
કાંઠે લગાડતું...
ભાવાર્થ:- હે ઈશ્વર, તેં મને દેવતાઓને પણ દુર્લભ મહા મૂલો માનવ દેહ આપ્યો છે, જેના વડે આ ભવ સાગરને પાર કરવાનો મોકો મળ્યો, પણ હું તારા આ માયાવી સાગરમાં એવો ફસાયો છું કે મને કોઈ લક્ષ્ય દેખાતું નથી, કોઈ સાચો માર્ગદર્શક પણ મળ્યો નથી. અને મળ્યા હશે તો મને એની સાચી પરખ થઈ નથી. તેં આપેલી ક્ષણભંગુર સંપતી કે દેહ કાંતિના અભિમાનના મદમાં અનેક ન કરવાના કાર્યો કરી બેઠો છું. હે નાથ પણ હવે મને થોડું ભાન થયું છે કે હું લક્ષ ચૂકી ગયો છું, તેથી હવે હું હાંફળોફાંફળો બનીને જાવાં નાખી રહ્યો છું. હવે હું સંપૂર્ણ પણે તને સમર્પિત થવા આવ્યો છું તો હે નાથ, મને તરછોડતો નહીં, મેં જે કંઈ કર્યું એ બધું તારી ઇચ્છા વિના તો નહીં જ બન્યું હોય ને ? માટે હવે તું જ પાર ઉતારજે.
રચયિતા :
કેદારસિંહજી મે. જાડેજા
ગાંધીધામ -કચ્છ
૯૪૨૬૧૪૦૩૬૫
No comments:
Post a Comment