Friday, March 10, 2017

રામાયણ પ્રસંગ પટ ખબર અંતર


                                રામાયણ પ્રસંગ પટ

                                  ખબર અંતર


ભજન
સાખી-નગર લંકા છે સોનાની, મનોહર વટિકા મધ્યે, 
          બિરાજ્યા માત સીતાજી શરીરે આગ વરસેછે.
         ભલે હો હેમની નગરી, નથી જ્યાં રામનું શરણું, 
         ભલે ને મોતીડાં વરશે, સીતાને રામનું સમણું 


કહો હનુમંતા બોલો બલવંતા, કહો મોહે કથની કૈસે ભગવંતા...

ભાઇ લક્ષ્મણ કી મૈને બાત ન માની, લોપી મૈને રેખા તો હર લાઇ લંકા...

મણિ મુદ્રિકા તુમને ગિરાઈ,  નાચા મન મોરા તુટ ગઈ શંકા...

નિશ દિન રામ રટન મોરે મન મેં, રોમ રોમ રઘુવીર જાપ જપંતા...

કૌન કરે સેવા, ચરન કૌન ચાંપે ?   બિન વૈદેહી, કૈસે મોરે કંથા...

દો આજ્ઞા મૈયા ક્ષુધા મોહે લાગી, મધુર ફલ ખાકે દેખું, નરપતિ લંકા...

બગીયાં ઉજાડી પૈડ ગીરાયે, અસુર ગણ રોળે મારે સૈન્ય બંકા...   

કેદ કિયો હનુમો લૌ લીપટાઇ, " કેદાર " કપિ ના જલીયો જલ ગઈ લંકા.. 

ભાવાર્થ:-રામાયણના બધા કાંડો માં સુંદર કાંડનેજ સુંદર કહેવામાં આવ્યો છે, કારણ સર્વ ગુણ સંપન્ન,મહા બલવાન, ગ્યાન ગુન સાગર હનુમાનજી રામ ને મલ્યા, રામે અનેક આશીર્વાદ આપ્યા, પણ જ્યારે માતા સીતાજી ને મલ્યા ત્યારેજ તેઓ "અષ્ટ સિદ્ધ નવ નિધિ કે દાતા" બન્યા, અને તેથી જ રામાયણ ના બધ્ધાજ  કાન્ડો માં એ સુંદર કાંડ બન્યો. જીવને રામ મળે તેતો અનેક અનેક જન્મોના પુણ્યો હોય, અને ઈશ્વર કૃપા હોય તોજ શક્ય બને, પણ જો ભક્તિ ન મળે તો તેની ઊણપ રહીજાય છે, તેથી જ્યારે હનુમાનજીને ભક્તિ(સીતા માતા) મળ્યા ત્યારે તેઓ પૂર્ણ બન્યા.  

 જ્યારે હનુમાનજી માતાજી ને અશોક વાટિકા માં  મલ્યા ત્યારે માતાજી બધા સમાચાર પૂછે છે અને કહે છે-મેં લક્ષ્મણ રેખા નું ઉલંઘન કર્યું તેથી મારું અપહરણ થયું.-મને શંકા હતી કે રાવણ મને ૪૦૦ ગાઉ પર લંકા માં લાવ્યો છે, મારો રામ મને કેમ શોધશે? પણ તમે મુદ્રિકા બતાવી તેથી એ શંકા ન રહી, મારે હરપળ રામ રટણ નું કવચ છે,તેથી હું તો બરાબર છું, પણ મારો રામ કેમ છે ? મારાવિના મારા રામની સેવા કોણ કરે છે ?  
હનુમાનજીએ બધા સમાચાર આપીને કહ્યું માં ચારસો ગાઉનો સમુદ્ર ઓળંગીને આવ્યોછું, ભૂખ લાગીછે, રજા આપો તો વનફળ ખાઈને લંકાનો રાજા કેવોછે એ પણ જોઈ આવું. માતાજીની આજ્ઞા થતાં હનુમાનજીએ બાગમાં તોડ ફોડ કરી, વૃક્ષો કાપ્યા, રાવણ ને ખબર પડી તો દરબારમાં બંદી બનાવીને લાવ્યા, ત્યાર બાદ હનુમાનજીની પુંછમાં આગ લગાવી. હનુમાનજીને તો કંઈ ન થયું પણ લંકા માં આગ લાગી.
ફોટો,- ગુગલના સૌજન્યથી

Saturday, March 4, 2017

રામાયણ પ્રસંગ પટ        કેમ સમજાવું ?

રામાયણ પ્રસંગ પટ  

     કેમ સમજાવું ?



                  ભજન

ભરત ને કેમ કરી સમજાવું ?

શા દુ:ખ સાથે વચનો વદી હું, જગ ને કેમ જણાવું..

હું નારી નરપતિ દશરથ ની, રઘુ કુળ લાજ ધરાવું,  

કૂબડી કેરો જો મર્મ ન જાણું તો, શાને ચતુર કહાવું..

જાણ હતી મુજ ભાગ્ય ભટકશે, જગ માં જુલમી કહાવું,  

છત્ર જશે રઘુ કુળ રઝળશે, ધિક્ ધિક્ ઘર ઘર થાવું..

અવધ સમાણી અનેકો  નગરી, રામ ચરણ માં ચડાવું 

ઇંદ્રાસન ની આશ ન રાખું, ધન કુબેર લૂંટાવું..

ભરત સરીખાં સો સો સૂત ને, વૈદેહી પર વારૂં,  

લક્ષ્મણ લાલો મને અતિ વહાલો, શા સુખ વન માં વળાવું..

એક દિલાસો ભક્ત ભરત નો, ત્યાગી તને બિરદાવું,  

કૈકેયી કેરી તેં કુખ અજવાળી, સંત સુત માત કહાવું..

દીન " કેદાર " કૈકેયી કર જોડું, સત સત શીશ નમાવું,  

રઘુવીર કાજે જીવન રોળ્યું, ગદ ગદ ગુણલા ગાઉ.. 

ભાવાર્થ-ભગવાન રામે રાક્ષસોનો નાશ કરવા માટે અવતાર તો ધારણ કર્યો, પણ જ્યારે દશરથ રાજાએ રામના રાજ્યાભિષેક ની ઘોષણા કરી ત્યારે ભગવાન ને પોતાના અવતાર કાર્ય માં બાધા આવતી જણાઈ. ત્યારે તેઓ માતા કૈકેયી પાસે એક વિનંતી કરી કે મા, આખા અયોધ્યાની અંદર એક આપજ છો જે મારી વાત સમજી શકશો, અને કોઈ પણ ભોગે મને મારા કાર્યમાં મદદરૂપ થશો. ત્યારે કૈકેયી માએ વિગતથી વાત કરવા જણાવ્યું. શ્રી રામે પોતાના સર્વ કાર્ય પૂર્ણ કરવામાં મદદ રૂપ થવાનું વચન માંગીને પોતાનો અવતાર કાર્યનો મર્મ સમજાવ્યો. અને તેના માટે રાજ્ય ભારને બદલે વન ગમન જરૂરી હતું. મહા મહેનતે કૈકેયી મા પરિણામ જાણતા હોવા છતાં, રામ કાર્ય કરવા માટે કોઈ પણ ભોગ આપવા તૈયાર થયા. એના ફળ સ્વરૂપ બે વચનો માંગ્યા, દશરથ રાજાનો દેહાંત થયો અને પોતે અનંત કાળ સુધી ન ભૂંસાય એવું કલંક રામ માટે વહોરી બેઠાં. 

જ્યારે ભરતજીને કૈકેયીએ કરેલાં કર્મોની જાણ થઈ ત્યારે ખુબજ કડવા વચનો બોલીને માંને અપમાનિત કર્યા. પણ વિવશ માં ભરતને શું સમજાવે? બસ મનમાં મનમાં વિચારે છે....

અરે ભાઇ ભરત, હું આ વચનો કેવા સંજોગોમાં બોલીછું, એ તને કહી પણ નથી શકતી, શું મંથરા ના કપટને સમજી ન શકું? અરે ભાઈ મને ખબરજ હતી કે રઘુકુળ ની લાજ મારા માથે હોય ત્યારે મારે કેવું વર્તન કરવું જોઈએં. અયોધ્યાના રાજા દશરથજીની હું માનીતી રાણી એમજ ન હતી. 

મને ખબર હતી, કે હું આવા કડવા વચનો માંગીશ એ રાજન સહન નહિ કરી શકે, કદાચ મારો સેંથાનો સિંદૂર પણ રોળાય જાય એવી મને બીક હતી, અને મને એ પણ ખાત્રીજ હતી કે હું આખા જગતમાં ધિક્કારને પાત્ર બની જઈશ.

હું ભરત માટે અવધની ગાદી માંગું ખરી? અરે મારા રામ ખાતર હું ઇંદ્રાસન ને પણ ઠુકરાવી નાખું, અરે કુબેરનો ભંડાર પણ રામના વિયોગમાં મળવાનો હોય તો તે પણ ન સ્વિકારું, અને અયોધ્યા જેવી અનેક નગરીને કુરબાન કરી નાંખું.

વૈદેહી તો મને એવી પ્રિય છે કે તેના માટે હું આવા સો સો ભરતને કુરબાન કરી નાંખું. તો લક્ષ્મણને કયા સુખ ખાતર વનમાં મોકલું?

હા પણ મને મારા ભરત પર આજે અભિમાન છે, મારા વચનોને અવગણીને તેણે રાજ્યનો ત્યાગ કર્યો, એણે તો મારી કુખ અજવાળી છે, મને ભરતની માતા હોવાનો ગર્વ છે.  

રામ ખાતર જેણે પોતાનું જીવન બરબાદ કરી નાંખ્યું, એવી માં કૈકેયી ને મારા હજારો હજારો વંદન. એના જેટલા ગુણ ગાઈએં એટલાં ઓછા છે. ધન્ય છે માતા કૈકેયીને.  

ફોટો-ગુગલના સહયોગ થી.