Friday, September 30, 2016

ગરબો-ગૌરી નો લાલો

ગરબો-ગૌરી નો લાલો

ગૌરી નો લાલો લાગે ઘણો વહાલો,
સૌથી પહેલું સ્થાન, ગજાનન, થા મારો મહેમાન...

મેલ થકી મહાદેવ ઘરે આવ્યાં, ગણપતિ ગુણ નિધાન
મેલ મનના મારાં મટાડો,   ગણ નાયક ભગવાન... 

સોને મઢેલું સિંહાસન તમારું, રૂપલા છત્ર ની શાન
રિદ્ધિ સિદ્ધિ સંગે પધારો,  ગણ ઈશ છો ગુણવાન...

ચિત્ર વિચિત્ર તેં રૂપ ધરાવ્યું, આપ્યું જગને જ્ઞાન
વક્ર દંતી તારી છબી રસવંતી, હે મહાકાય મહાન...

હાથી કેરું મુખડું તમારું,  તોય મુષક ને માન
ભાવતાં ભોજન મોદક જમતાં, જમતાં બીડલા પાન...

કાર્ય અમારાં સઘળા સુધારો, લંબોદર ભગવાન
દીન કેદાર જે ગજાનન ગાશે, કોટિ કોટિ યજ્ઞ સમાન...

રચયિતા
કેદારસિંહજી મે જાડેજા
ગાંધીધામ
9426140365

Thursday, September 29, 2016

શું માંગું ?

શું માંગું ?

હવે પ્રભુ શું માંગું કિરતાર જી.  હરિ તેં તો આપ્યું અપરંપાર...

મહેર કરીને માનવ કુળ માં,  આપ્યો તેં અવતાર જી.
પોષણ કાજે પ્રભુ તેં આપ્યું, અન્ન અન્ન દાતાર..

જલ તેં આપ્યું સ્થલ તેં આપ્યું, વસુ નો કેવો વેપાર જી.
મેઘ રાજાની મહેર આપી તેં, વાયુનો રૂડો વહેવાર...

મુખ દીધું તેં માનવી ને, પણ એમાં એ ઉપકાર જી.
વાણી આપી વનમાળી તેં, રીઝવવા કિરતાર...

કીડી નો કરતા હાથી નો ભર્તા, વિશ્વેશ્વર તું વિરાટ જી. 
મુજ ગરીબની ગરજ કેટલી, શાને કરૂં હું ઉચાટ..

આપે અઢળક અમને કે પછી આપે તું ઉત્પાત જી
તારી પ્રસાદી માની પ્રભુજી, સ્વીકારી લઉં સરકાર...

એક અરજી સાંભળ હરજી, આ દીન ની દીન" કેદાર " જી.  
હરપળ હર ક્ષણ હરિ ભજી લંવ, એટલો કર ઉપકાર...

સાર-માનવી જો ઈશ્વરે જે આપ્યું છે તેનું મૂલ્ય સમજવા લાગે તો ક્યારેય ભગવાન પાંસે કશુજ માંગશે નહીં. દેવતાઓને પણ દુર્લભ માનવ દેહ, અને તેના ભરણ પોષણ માટે અન્ન,જલ અને વાયુ આપ્યા, વળી અન્ન  જલ અને વાયુ ના ઉત્પાદન અને સંગ્રહ માટે વાતાવરણ, ધરતી અને સમુદ્ર. અને તે પણ નિયંત્રિત રીતે.વારે વારે વાવાઝોડાં આવતા હોય તો? વારે વારે અતિ વૃષ્ટિ થતી હોય તો? વારે વારે સુનામી આવતી હોય તો?  ના, બધુંજ નિયંત્રણમાં, હા આ ક્રમમાં આપણે વિક્ષેપ કરીને સમતોલન બગાડીએ છીએ. વાયુના પરિભ્રમણથી વાદળા બને અને વરસાદ આવે, જમીનમાં એક બીજ વાવો હજારોની સંખ્યામાં ઉત્પન્ન થાય, મોટાભાગની વનસ્પતિ તો કુદરતજ ઉત્પન્ન કરે, વાવવી ન પડે. અને આ ઉત્પન્ન થયેલા પોષક દ્રવ્યોને ઉદર સુધી પહોંચાડવા માટે મુખ,તેમાં દાંત, પછી તેમાં પાચન રસ ભેળવીને ઊર્જા ઉત્પન્ન કરીને શક્તિ પેદા કરવી. અરે આમાંથી એકાદ અવયવ ન હોવાની માત્ર કલ્પનાતો કરો? હા જે કુદરતે સહજ આપ્યું છે તેની કદર નથી થતી.
મુખતો દરેક જીવને ભગવાને આપ્યુંજ છે, પણ માનવી માટે એક અનેરો ઉપકાર કરીને વાણી આપી, કે જેથી આપણે ભગવાનનાં ભજન કરી શકીએ. પણ કેટલા ટકા આ ઉપકારને સાર્થક બનાવીને તેનો બદલો વાળવાની કોશિશ કરીએ છીએ? કીડીને કણ આપનારો હાથીને મણ મોઢે ભોજન આપેછે.  એ વિરાટ પાસે મારા જેવા એક પામર ની એકજ માંગછે કે હે પ્રભુ, બસ હર પલ હર ક્ષણ મને તારા નામનું ભજન શ્વાસે શ્વાસે ચાલતું રાખજે એજ અભ્યર્થના. 

રચયિતા
કેદારસિંહજી મે જાડેજા
ગાંધીધામ
9426140365

Wednesday, September 28, 2016

શીદ ને ફૂલાય ?

શીદ ને ફૂલાય ?

શીદ ને ફરે ફૂલાય ને, હું હું કર્યા કરે
આપેલ સઘળું ઈશ નું, મારું મારું કર્યા કરે...

આપી બુદ્ધિ અધિક છે, કે ભાવે ભજન કરે.   પણ-અવળિ કરે આરાધના, ભાવિ ભૂલ્યા કરે...

દીધેલી વાણી વિઠ્ઠલે, તો એ હરિ ના ભજ્યા કરે.  ભસતો ફરે છે ભાષણો,   જગને ઠગ્યા કરે...

ધન દોલત સુખ સાયબી, આપ્યાં હરિવરે.   કહેતો કમાણી હાથ ની, એવા ભરમે ભમ્યા કરે...

રડતાં હજારો બુદ્ધિ જન, કોઈ મુરખા મજા કરે.    ધનવાનો ના ધામ માં, ક્યાંક નિર્ધન ફૂલ્યા ફરે...

જલચર સ્થલચર નભચરો, નિજ નિજ ની ક્રિયા કરે.  પણ-કહેવું પડે છે માનવી ને,  કે-માનવ બન્યા કરે..

આપ્યું અધિક કાં એક ને, શું કુદરત કપટ કરે ?    પણ તેને-બનવું પડે છે માનવી,  ત્યારે નડ્યા કરે..

આપે અધિક જો ઈશ તું, આ દીન પર દયા કરી. તો  " કેદાર " કેરી કામના, તને પલ પલ ભજ્યા કરે..

સાર- ઇશ્વરે માનવીને દેવતાઓ ને પણ દુર્લભ એવો માનવ દેહ તો આપ્યો, પણ સાથે સાથે એટલું બધું આપ્યું છે કે જેનો 

આપણને ખ્યાલ પણ નથી આવતો.  અને આમે માનવ સ્વભાવ છે કે જે સરળતાથી મળે તેની કિંમત સમજાતી નથી. 

ઇશ્વરે આપણને બાકીના જીવો કરતાં અનેક ગણી બુદ્ધિ આપી છે, જેના પ્રતાપે માનવ અવકાશ, આકાશ પાતાળ અને ભૂમિના કોઈ પણ ભાગમાં ભમવા લાગ્યો છે, મોટાં મોટાં યંત્રો બનાવતો થયો, સૂક્ષ્મ ચિપ્સ બનાવીને તેની પાસેથી મોટાં મોટાં કામ લેતો થયો છે. આટ આટલી શક્તિ હોવા છતાં ઈશ્વર ની આરાધના કરવામાં સાવ ઊણો ઊતર્યો છે.

ઈશ્વરે ફક્ત અને ફક્ત માનવીને વાણી પ્રદાન કરીને એક અણમોલ ભેટ આપી, કે જેના વડે તે ઈશ્વરના ભજન કરીને પાર થઈ શકે, પણ મોટા ભાગે માનવી ભજન કરવાને બદલે તેનો દુરુપયોગ કરી ને બિજાને છેતરવામાં આ ભેટને વેડફી નાંખે છે.

ઈશ્વરે ધન દોલત બુદ્ધિ સાથે સાથે અનેક પ્રકારની સુખ સુવિધા માનવીને આપી છે, પણ જો તેનો સાચા રસ્તે ઉપયોગ ન કરવામાં આવે તો ઈશ્વરને ગમે ખરું? અને તેથીજ ઈશ્વર તેની સજા રૂપે દર્દો, નિર્ધનતા અને એવા અનેક પ્રકારના દુઃખોથી પીડા આપે છે, જ્યારે ઘણા ધનિકો ના આવાસમાં માલિક કરતાં તેના નોકરો નિર્ધન હોવા છતાં સુખ સાહ્યબી ભોગવતા હોય છે.

ઈશ્વરે અનેક જાતના અને અનેક પ્રકારના જીવો બનાવ્યા, જેમાં જલમાં રહેનાર, જમીન પર રહેનાર અને આકાશ માં વિહરનારા વિધ વિધ ભાતના જીવો બનાવ્યા છે જે દરેક પોત પોતાની રીતે જીવન જીવ્યા કરે છે, પણ એક માનવી ભાન ભૂલીને આડા અવળાં કામ કરતો રહે છે જેથી તેને કહેવાનું મન થઈ આવે કે ભાઈ માણસ થા.

ક્યારેક એવો પણ વિચાર આવે કે ઈશ્વરે ફક્ત માનવી પર આટલી બધી દયા શા માટે વરસાવી હશે? પણ મને લાગે છે કે ઈશ્વરે અમુક અપવાદ સિવાય મોટા ભાગે અવતાર ફક્ત માનવ રૂપે જ ધર્યા છે, અને ત્યારે આ બધી સુવિધાઓ ભોગવવા મળે એમ વિચારીને જ આ કૃપા કરી હોય એમ લાગે છે.

હે ઈશ્વર તેં મારા પર દયા કરી ને મને અઢળક આપ્યું છે, પણ હજુ મારી એક કામના છે કે મને એવી સમજણ આપજે કે હું તને શ્વાસે શ્વાસે તારું ભજન કર્યા કરૂં અને મારા જીવનની હર એક પળ તારા ગુણ ગાન ગાવા માં વિતાવું.

જય શ્રી રામ.
રચયિતા
કેદારસિંહજી મે જાડેજા
ગાંધીધામ
9426140365

Saturday, September 24, 2016

શા કામનું

શા કામનું

જન્મ ધરી ને કંઈ ન કીધું, જીવન તારું શા કામ નું 
હવે દેખી બુઢાપો કરે બળાપો, હવે સમજ્યે શા કામ નું...

જુવાની જોશમાં ગુજરી, નચાવ્યા નાચ નટીઓ ના
કર્યા નાટક અને ચેટક, ન જાણ્યા જાપ જતિઓ ના
મોહ માયા માં જીવન વિતાવ્યું, નામ લીધું નહી રામ નું...

કરી ના સંત ની સેવા, ગયો નહી જ્ઞાન ને લેવા
ભજન માં ભાગ ના લીધો, મેળવ્યા માન ને મેવા
રંક જનો ને ખૂબ રંજાડ્યા, ધન સંઘર્યે શા કામ નું...

બનાવ્યા બંગલા મોટા, ભર્યા ભંડાર મોતી ના

હવે-ઊઘાડો એકલો સબડે, પડ્યા સાંસા છે જ્યોતિ ના
યમ દૂતો જ્યારે દ્વારે દેખાયા, જોખમ લાગ્યું જાન નું...

હવે ના હાથ હાલે છે, શરણાઈ વાગે શ્વાસ ની
સુતો જે સેજ શય્યા પર, પડ્યો પથારી ઘાસ ની
યાદ આવી હવે ઈશ કેરી, લાધ્યું રટણ શ્રી રામ નું...

હજુ છે હાથ માં બાજી, હરિ હુકમ નું પાનું છે
સુધારે સામળો સઘળું, ગતિ ગોવિંદ ની ન્યારી છે
" કેદાર " હરપળ હરિ જપી લે, સ્મરણ કરી લે શ્યામ નું...

રચયિતા
કેદારસિંહજી મે જાડેજા
ગાંધીધામ
9426140365

Monday, September 19, 2016

શબરી

શબરી

સાખી-ઋષી માતંગ ની શિષ્યા શબરી, પંપા સરોવર પાળ
એકજ આશા હરિ મળે,  પછી ભલે આવે કાળ..

એક ભરોંસો ગુરુ વચન નો,  મિથ્યા કદિ’ ન જાય
કાયા મહીં કૌવત રહે, હરિ દરશન શુભ થાય 

અધમ તે અધમ નારી ભીલ જાતી, જાણે નહીં કોઇ જોગ દીપ બાતી
એક આશ રહે વિશ્વાસે,  ગુરુ મુખ વચન હરિ દર્શન થાશે..

શબરી ના ઘરે શ્રી રામ પધાર્યા, ભાવ ધરી ભગવાન પધાર્યા..

પૂજા અર્ચન મંત્ર ન જાણું, વેદ પુરાણ ની વાત ના પિછાણું
રાખી હૃદય રઘુનાથ ની મુરત, રામ રામ બસ રામ ઉચાર્યા..

આવી જરા હવે હાથ ન હાલે, દેહ રહે નાહીં મારે હવાલે
શા થી થાશે સેવા તમારી, શરીર નમ્યે સરકાર જો પધાર્યા..

આશા એક અવધેશ અમારી, ખુલ્લી રહે નયનો ની બારી
હરિ દર્શન ની આશ અમારી, ગુરુજન કેરાં વચન વિચાર્યા..

સૂણી અરજ અવિનાશી પધાર્યાં, શબરી ના સંતાપ નિવાર્યા
એઠાં ફળે મિજબાની માણી, ભીલડી કેરાં ભાગ્ય સુધાર્યા..

ભાવ થકી ભગવાન જે ભજતાં, જનમ જનમ ના ફેરા ટળતાં
દીન " કેદાર " હરિ અળગો ન કરતાં, ભક્ત જનોને પાર ઉતાર્યા..

સાર -રામાયણ ના દરેક પાત્રો માંહેનું અરણ્ય કાંડનું એક અનોખું પાત્ર એટલે શબરી.  શ્રી રામ સીતાજીની શોધ કરતાં હતાં ત્યારે વનમાં ફરતાં ફરતાં પંપા સરોવરને કાંઠે પધાર્યા, ત્યાં તેમણે એક તૂટી ફૂટી ઝૂંપડી જોઇને તે તરફ પ્રયાણ કર્યું, અને જોયું તો એક વૃદ્ધ કમજોર સ્ત્રી બેઠી હતી. ભગવાન શ્રી રામ અને લક્ષ્મણને જોઈને એ વૃદ્ધા એકદમ બન્નેના પગમાં પડી ગઈ. શ્રી રામે આદર સહિત પુચ્છું, શું આપ અમને ઓળખો છો? માં આપ અમને આપનો પરિચય આપશો?  ત્યારે એ વૃદ્ધાએ જવાબ આપ્યો કે પ્રભુ, મારું નામ શબરી છે, હું એક અધમ, નીચ જાતિની અને મંદ બુદ્ધિની સ્ત્રી છું. મારા ગુરુ શ્રી મતંગજી જ્યારે બીમાર પડ્યા ત્યારે તેણે મને વચન આપેલું કે એક દિવસ પ્રભુ રામ તારે ત્યાં જરૂર પધારશે, મને મારા ગુરુ પર અપાર શ્રદ્ધા હતી કે એમણે આપેલું વચન કદાપિ વ્યર્થ નજાય. પણ હા એ શંકા જરૂર હતી કે હું કોઈ જાતના મંત્ર કે પૂજા જાણતી નથી, બસ ફક્ત રામ રામ રટણ કરું છું. બીજી એક અરજ પણ કરતી હતી કે નાથ, હવે મારી કાયા વય ને કારણે મારા કાબુમાં રહેતી નથી, જો આપ પધારવામાં વિલંબ કરશો તો હું આપની સેવા કઈ રીતે કરી શકીશ? અને એ પણ અરજ કરતી હતી કે કદાચ શરીર ચાલતું હોય પણ જો આંખે દેખાતું બંધ થઈ જાય તો? તો આપના દર્શન કેમ કરીશ, તેથી એમ પણ માંગતી કે નાથ મારા નયનો ની બારીને ખુલ્લિ રાખજો, કારણ કે મને તમારા દર્શન ની આશા છે, આપ જરૂર પધારશો એ આશાએ દરરોજ હું મારી ઝૂંપડી સાફ સુફ કરીને, તાજાં તાજાં ફળો ચાખી ચાખીને તૈયાર રાખતી કે જેથી કોઈ ફળ ખરાબ કે કડવું નહોય. આજે આપ બન્નેને જોતાંજ મને મારા ગુરૂજીના વચનો યાદ આવી ગયાં એટલેજ આપ બન્નેને જોતાંજ હું ઓળખીગઈ. 

શબરીનો ભાવ જોઈને પ્રભુ અતી પ્રસન્ન થયાં, અને એનાં ચાખેલાં એઠાં ફળ પોતે તો જમ્યા, પણ લક્ષ્મણને પણ આપીને કહ્યું ભાઇ આવા ભાવ રસ ભરેલાં ફળો કદાચ બીજે નહીં મળે, માટે જેટલાં ખવાય તેટલાં ખાઈ લો.

ભગવાને શબરીની ભક્તિ કરવાની રીત ની અજાણતાં બાબત સમજાવતા કહ્યું કે, હે શબરી, ભક્તિ નવ પ્રકારની હોય છે. ૧, સંત સામાગમ. ૨, હરિ કથા શ્રવણ. ૩, ગુરુ ની સેવા. ૪, કપટ છોડીને પ્રભુ ગુણ ગાવા. ૫, મંત્રોની અંદર નિષ્ઠા રાખવી. ૬, જે પણ પ્રવૃતી કરતાં હોય તે થોડી ઓછી કરીને પણ ભજન કરવા. ૭, દરેક જીવ માં હરિનો અંસ જોવો. ૮, જેટલું પણ મળે, ભલે સુખ હોય કે દુખ, ઈશ્વર ની પ્રસાદી સમજી સંતોષથી સ્વીકારી લેવું. અને ૯, કોઇ પણ જાતનું છળ કે કપટ મનમાં રાખવું નહીં. ભક્ત આ નવ પ્રકારની ભક્તિ માંથી કોઈ એક પ્રકારે પણ જો પ્રેમ સહિત ભજે, હું સદા તેને દર્શન આપવા તત્પર રહું છું. આમ કહી પ્રભુએ તેને નવ પ્રકારની ભક્તિનો મહિમા સમજાવ્યો, અને કહ્યું, શબરી તારામાંતો નવે નવ પ્રકારની ભક્તિ ભરેલી છે. આમ કોઈ પણ માનવ, કોઈ પણ પ્રકારે ભક્તિ કરે તો પ્રભુ તેને પાર લગાવે છે.  

રચયિતા
કેદારસિંહજી મે જાડેજા
ગાંધીધામ
9426140365

Sunday, September 18, 2016

વો કલરવ કહાં ગયા?

વો કલરવ કહાં ગયા?

વિદ્યા મંદિર કે પાંસ ગુજરતે, મૈને દેખા એક તમાશા
બોજ ઢો રહી ગધે કી ભાંતી,   દેશ કી ઉજ્વલ આશા...

ઠંડ કે મારે આધે શહર ને, છોડા નહિ થા બિસ્તર
નન્હા ફૂલ તબ દૌડ રહાથા,    ઠુંસકે પુસ્તક દફતર..

દેખ કે ઐસી હાલત ઉસકી, આંખ મેરી ભર આઇ
બાલ ચરિત્ર કા હનન કરે જો,  કૈસી પઢાઈ યે આઇ..

ભોર ભયે કભી તરુવર પર નિત, ચીડિયાં ચેહકા કરતી
ઘર આંગનમેં માસૂમ ટોલી,   કિલકારી થી કરતી...

ગોટી લખોટી ગિલ્લી ડંડા,  છુપા છૂપી સબ છુટી
ભૂલ ગયા બચપન અબ બચ્ચા, મિત્ર ન બાલ લંગોટી..

ભૈડ બકરીસા ભરકર બાલક,  દૌડતી ઓટો રિક્ષા
પાઠ શાલાસે ટ્યૂશન ભાગે,    શિક્ષા હે યા પરીક્ષા..

જીસકી નહિ જરૂરત ઐસે,  વિષય ઉસે ના પઢાવો
યે કુદરત કી અમૂલ્ય દેન હે,  યંત્ર ના ઉસે બનવો...

ભોલાપન ઉસકા મત છીનો,  કુછ કરો ઉનપર ભી દયા
" કેદાર " કહીં ના પ્રશ્ન યે ઉભરે, "વો કલરવ કહાં ગયા"?...

સાર:-વહેલી સવારે મોર્નિંગ વોક પર જતાં એક વિદ્યામંદિર ની પાસેથી પસાર થતી વેળાએ મેં જોયું તો નાના નાના ભુલકાઓ માલ વાહક ગધેડાઓ ની માફક પુસ્તકો ઠાંસી ઠાંસી દફતર નો ભાર ઊપાડી ને ભણવા જઈ રહ્યા હતા, અમારા જેવા ચાલવા જનારાઓ સિવાય હજુતો મોટા ભાગે લોકો પથારીમાં જ પડ્યા હશે, ત્યારે આ ભુલકાઓ ને જોતાં મને ખૂબ દુખ થયું કે કેવી ભણતર ની પધ્ધતિ આવી છે કે જે બાળકો નું બાળપણ છીનવી રહી છે. 

એક જમાનો હતો, સવાર ના પહોરમાં જ્યારે પક્ષીઓ વૃક્ષ ની ડાળીઓ પર કિલકારી કરતાં, બાળકો શેરી ગલીઓમાં ભેળા મળી ને ગિલ્લી ડંડા કે લખોટી જેવી રમતો કે આંધરો પાટો જેવી રમતો રમતા, ત્યારે તેમને યોગા કે કસરત અલગ થી કરવાની જરૂર ન પડતી, કે કોઈ યોગ ગુરુ ની પણ શિબિર ભરવા જવું ન પડતું, કે કોઈ જિમ માં જઈને શરીર ને સુદ્દઢ બનાવવા સમય કાઢી ને નાણા ખરચવા ન પડતા.

જ્યારે આજે ? ઓવર લોડેડ વાહનો માં જેમ ઠાંસી ઠાંસીને માલ ભરાય છે તેમ રિક્ષાઓ કે અન્ય વાહનો માં બાળકો ને ભરીને ભયાવહ રીતે વહન કરાય છે. અને એની માસૂમિયત જે વિષય ની તેને કદાચ ક્યારેય પણ જરૂર પડવાની નથી તેવા અનેક ફાલતુ વિષયો ના બોજ નીચે કચડાઈ જાય છે. જેને ડૉક્ટર કે વૈજ્ઞાનીક બનવું હોય તેને બળવાની તારીખો યાદ કરી ને સમય વેડફવો શા કામનો ? એના બદલે એટલો સમય પોતાના જોઇતા વિષયો ભણવામાં વિતાવે તો તે વધારે સારું પરિણામ લાવી શકે, અને ઉચ્ચ કોટી નો ડૉક્ટર કે વૈજ્ઞાનીક બની શકે. એજ રીતે જો દરેક જોઈતાજ વિષયો ભણાવાય તો મારા ભારતીય બાળકોને વિદેશ માં કહેવાતી ઉચ્ચ શિક્ષા લેવા જવું ન પડે, પણ વિદેશીઓ અહીં ભણવા આવે અને ઈશ્વરની આ બચપણ રૂપી ભેટ ને યંત્ર ન બનાવતાં એવી રીતે કેળવવી જોઈએ કે ક્યારેય કોઈ ને પસ્તાવાનો વારો ન આવે કે "વો કલરવ કહાં ગયા?"   

રચયિતા
કેદારસિંહજી મે જાડેજા
ગાંધીધામ
9426140365

Saturday, September 17, 2016

વિરહિણી

વિરહિણી
ઢાળ-કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગ્યો,  જેવો       

એક દિ’ રજની રડવા લાગી, ચાંદની પાસે જઈ
ઘોર અંધારાં ખૂબ ઉલેચ્યા, પણ- ભાનુ ને ભાળ્યો નઈ...

સાંભળ્યું છે મેં સાયબો મારો, સોનલા રથડો લઈ
જગ બધાને દે અજવાળું,     હુંજ અંધારી રઇ...

રોજ સજાવું આંગણું મારું, આકાશ ગંગા લઈ
તારા મંડળ ના સાથિયા પુરૂં, તોય ડોકાતો નઈ...

દુખીયારી એવો દિન ન ભાળ્યો, કે સૂરજ સાથે રઇ
વધે ઘટે પણ વાલમો તારો, તને-વેગળી રાખે નઈ...

એક અમાસે અળગો રહે ત્યાં, હાંફળો ફાંફળો થઈ
આગલી સાંજે દોડતો આવે,   કેળથી બેવડ થઈ...

હારી થાકીને સાહેલી સાથે, સોમ ને શરણે ગઈ              
આશરો લઈ ને આંખમાં એની, કાજળ થઈ ને રઇ...

આભ તણી અટારીએ બેઠી,  ઓલી " કેદાર " કાળી જઈ
અરુણોદય ની આશ જાગી ત્યાં, આખિ એ ઓગળી ગઈ

સાર- રજની {રાત} પોતાના પ્રેમી ભાનુ {સૂરજ} ને મળવા માટે હંમેશ આતુરતા પૂર્વક રાહ જોતી હોવા છતાં મળી શકતી નથી, ત્યારે તેની સાહેલી ચાંદની પાસે જઈ ને બળાપો કાઢે છે, કે હું દરરોજ અંધારાં ઉલેચી, તારા મંડળ ના સાથિયા પુરી, આકાશ ગંગા લઈ ને  મારા આંગણા માં શણગાર કરૂં છું, છતાં એ આવતો નથી, મેં સાંભળ્યું છે મારો સાયબો સોનાના રથ પર સવાર થઈ ને આખા જગત ને અજવાળે છે, પણ હું એક અભાગી જ એના વિરહમાં અંધારે રહું છું. તારો સાયબો {ચંદ્ર} ભલે વધઘટ કરે,  ફક્ત એક અમાસ ના જ  તારાથી અળગો રહે ત્યાં તો હાંફળો ફાંફળો થતો કેડ થી બેવડ વળી ને દોડતો દોડતો આવી જાય છે. 

 ચાંદનીએ એક રસ્તો બતાવ્યો કે તે કદાચ તને મળવા નહિ માંગતો હોય, તારે સૂર્ય ના દર્શન જ કરવા હોય તો એક રસ્તો છે એને ખબર ન પડે એમ તું મારા સોમ {ચંદ્ર} ની આંખ નું કાજળ બની ને બેસી જા તને જરૂર દર્શન થઈ જશે.

પણ જ્યાં અરુણોદય {સૂર્યોદય} થવા લાગ્યો અને જેમ જેમ પ્રકાશ રેલાવા લાગ્યો તેમ તેમ રાત ઓગળવા લાગી અને જ્યાં પૂર્ણ કલાથી સૂર્ય ખીલ્યો ત્યાં તો રજની પોતેજ ઓગળી ગઈ. એવી કલ્પના આ કાવ્ય માં કરવા માં આવી છે.

રચયિતા
કેદારસિંહજી મે જાડેજા
ગાંધીધામ
9426140365

Friday, September 16, 2016

વિટંબણા

વિટંબણા        

માતા મને યાદ અતિશય આવે,
યાદ અતિશય આવે એતો મારા મનને ખૂબ રડાવે..માતા મને.

કિષ્કિંધા માં લક્ષ્મણજી જ્યારે,  પાવન પાવલાં દબાવે
એક ચરણે સેવા હું કરતો,       મારે હૈયે આનંદ  આવે...માતા

સેંથીમાં માતા સિંદૂર પૂરતા, કહેતાં રામ મન ભાવે
આખા શરીરે થયો સિંદૂરી -હું-, મારું મનડું રામ રિઝાવે...માતા

અવધમાં હવે આવી સ્વજન સૌ,  સેવા કરે બહુ ભાવે
મર્યાદા ભંગ કેમ કરૂં હું,       મારગ મનમાં ન આવે... માતા

સમદૃષ્ટિ અતિ આનંદ પામ્યા,  પીડ  કપિની જાણે
આદર સાથે અંજની સુતને,     ચપટી ચાળે ચડાવે..માતા મને

જ્યારે વાગે કપિની ચપટી ,     રામ ઉબાસી આવે
આનંદી બની નાચે મારુતિ-તો-, હરિને હેડકી આવે...માતા મને

દીન " કેદાર "નો હરિ હેતાળો,  કરજ કોઈ ન ચડાવે 
સેવા સૌને સરખે ભાગે,  ઊણપ કોઈને ન આવે...માતા મને.

સાર:- ભગવાન રામ સીતાજી ની શોધ કરતાં કરતાં જ્યારે ભક્ત હનુમાનજી ને મળ્યા અને હનુમાનજીએ સુગ્રીવ સાથે મિત્રતા કરાવી અને શ્રીરામ ભાઇ ભરત સાથે કિષ્કિંધામાં રોકાયા ત્યારે દર રોજ રાત્રે રામજી જ્યારે વિશ્રામ કરવા પધારે ત્યારે લક્ષ્મણજી રામજીના ચરણો દબાવતા, લક્ષ્મણજીતો બચપણથીજ રામજીના ચરણોની સેવા કરતા, અને તેમને એક એવી આદત પણ હતી કે રામજીના પગનો અંગૂઠો મોંમાં લઈને ચૂસે ત્યારેજ નીંદર આવે, લક્ષ્મણજીની સેવા જોઇને હનુમાનજી પણ પ્રભુના ચરણોની સેવા કરવા લાગ્યા.  પછીતો બન્નેને એવો આનંદ આવતો કે ક્યારેક તો મીઠો ઝગડો પણ થવા લાગ્યો કે કોણ કયો પગ દબાવે. સમય જતાં હનુમાનજીની આ સુટેવ એવીતો પરાકાષ્ઠા પર પહોંચી કે જો રામજીના ચરણની સેવા કરવા ન મળે તો હનુમાનજી એકદમ વ્યાકુળ બની જતાં. પણ જ્યારે લંકા વિજય કરીને રામજી સિતાજી સાથે અયોધ્યા પધાર્યા ત્યારે હનુમાનજી પર જાણે મહા સંકટ આવી પડ્યું, લક્ષ્મણજીનો તો રાજ દરબારમાં વાસ, ક્યારેક ક્યારેક ચરણ સેવાનો લાભ મળી જાય, પણ હનુમાનજીને તો મર્યાદામાં રહેવાનું, રામજીના કક્ષમાં કેમ જવાય? બસ જ્યારે જ્યારે રામજીના ચરણો નિરખવા મળે ત્યારે ત્યારે આંખ ભીની થઈ જાય, રામજી ભક્તની આ પીડા સમજી ગયા, અને એકાંતમાં એક રસ્તો બતાવ્યો, "જો હનુમાન હું તારી પીડા સમજુંછું, પણ મારાથી કોઈને ના ન પડાય, પણ તું એક કામ કર, જ્યારે જ્યારે તને મારી સેવાની પ્રબળ ઇચ્છા થાય ત્યારે તારે ચપટી વગાડવી, હું બગાસાં ખાવા લાગીશ અને કહીશ કે આ હનુમાન ચપટી વગાડેછે તેથી મને બગાસાં આવેછે, જ્યાં સુધી તને અંદર ન બોલાવે ત્યાં સુધી હું બગાસાં ખાતો રહીશ." સામાન્ય ભક્તને કદાચ પ્રભુ સેવાની ઇચ્છામાં અલગ અલગ પ્રમાણ હશે પણ હનુમાનજીની તો સદાએ પ્રબળ ઈચ્છાજ હોય, બસ લાગે નાચવા અને ચપટીનાતો ધોધ નીકળે, અને વચન મુજબ ભગવાનના બગાસાં ચાલુજ રહે,  કંઈક ઉપાયો કર્યા પણ ઇલાજ કેમ શક્ય બને?  બગાસાં ખાઈ ખાઈને રામજી પણ કંટાળ્યા, અને સાથે હવેતો પાછી હીચકી પણ ચાલુ થઈ ગઈ, બધાને બોલાવીને ભગવાને કહ્યું કે હનુમાનને મારી સેવા કરવીછે એટલે નાચેછે, એ ચપટી વગાડેછે તેના નાદથી મને આ બગાસાં અને હીચકી આવેછે, તમો તેને સેવાનો સમય ફાળવો નહીંતો મને પણ આરામ કરવા નહીંદે, અને હું આમજ બગાસાં ખાતો રહીશ તો તમે પણ સેવા કેમ કરશો? 

માતાજી સમજી ગયા કે આમાં મારા રામની પણ ઇચ્છા લાગેછે, નહીંતો બજરંગી આટલા ધમ પછાડા નકરે. ત્યારબાદ હનુમાનજીને પણ યથાયોગ્ય સમય ફાળવીને રાજી કરવામાં આવ્યા.  

જય શ્રી રામ. 

રચયિતા
કેદારસિંહજી મે જાડેજા
ગાંધીધામ
9426140365

Wednesday, September 14, 2016

લાલા ની લીલા

લાલા ની લીલા

પ્રભુ ના કાર્ય છે એવા, સમજ માં ક્યાં એ આવે છે
કરે લીલા જે લટકાળો, માનવ ક્યાં પાર પામે છે..

પૂર્યાં પટ પાંચાળી કેરાં, ભીતરની ભક્તિ ભાળી ને
ચોરી ને ચિર ગોપી ના,  પ્રભુ પરદા હટાવે છે..૧

છે પામે એક અદકેરું,  બીજાને અન્ન ના ફાકા
મળે છે કર્મ સંજોગે,  ભ્રમિત ને ભૂલ ભાસે છે...૨

કીડી ને કણ નો દેનારો, માતંગ ને મણ દે મોઢા માં
કર્મહીણ ને પડે સાસા,   પૂરવ ના પાપ બોલે છે...૩

કરે સંહાર કે સર્જન,  કીધાં વિનાશ કે સેવન
નિયંતા એ જગત કેરો, જગત સમભાર રાખે છે..૪

છે આપ્યું એક નજરાણું,  માનવને મુક્ત થાવાનું
સમજદારી થી જો સમરે,   ચોરાસી પાર પામે છે...૫

દયા " કેદાર " પર રાખી, ભવો ભવ મનુજ તન દેજો
હરિ ના નામ લેવાની,   ગરજ બસ એક રાખે છે...૬

સાર-ભગવાનની એવી માયા છે કે તે સમજવી અતિ કઠિન છે, એ જે લીલા કરેછે તે કોઈ પાર પામી શકતું નથી.

૧-કૃષ્ણ ભગવાને પાંડવોની સભામાં દોડી જઈને દ્રૌપદીના ચિર પૂર્યાં, કરણ કે દ્રૌપદીએ અંતરથી ભગવાનને પ્રાર્થના કરી કે નાથ હવે આવીજાવ નહીંતો મારી લાજ જશે, અને દ્વારકાધીશ દોડ્યા. જ્યારે ગોપીઓના ચિર હરણ કરીને લાલો બતાવેછે કે મારી ભક્તિ કરવી હોય તો કોઈ પરદો હોવો ન જોઈએ, ચિર તો પ્રતીક છે,બાકી વાતતો અંતરના પરદાની છે.

૨-આપણે જોઈએં છીએ કે એક સમ કક્ષ માનવીને જે મળેછે તે બીજાને અનેક ગણું હોયછે, ત્યારે આપણને ભગવાનનો ભેદ ભાવ દેખાયછે, પણ એતો બધું પૂર્વના કર્મોના પ્રતાપે મળતું હોયછે. આપણા માટે એ ભ્રમણા છે કે આમ કેમ?    

૩-ઈશ્વર હાથીને મણ અને કીડીને કણ આપેછે, પણ ઘણા અભાગી લોકો પેટભર ખોરાક પામી નથી શકતા, પણ આ પણ પૂર્વના કર્મોના હિસાબે મળેછે, ઈશ્વર કદી ભેદભાવ કરતો નથી.

૪-મહા ભારતના યુદ્ધમાં ભગવાન કૃષ્ણે પાર્થને ગીતાનું જ્ઞાન આપીને કૌરવો સાથે યુદ્ધ કરાવીને કૈંક માનવોનો સંહાર કરાવ્યો, તો બીજી બાજુ એક ટિટોડી ના બચ્ચાને હાથીના ગળાનો ઘંટ ઢાંકીને બચાવ્યા, ત્યારે જરૂર વિમાસણ થાય, પણ આ બધું ભગવાન જીવ માત્રનું નિયંત્રણ કરવા માટે અને જગતને સમ ભાર રાખવા માટે કરેછે. 

૫-જીવ અને જીવન તો પ્રભુએ બધાને આપ્યું છે, પણ માનવીને એક અદકેરી બક્ષિસ આપીછે, અને તે છે વાણી, જો માનવ આ વાણીનો સદ ઉપયોગ કરીને ભજન કરે તો ચોરાસી લાખ યોની માંથી મુક્ત થઈ શકેછે, પણ ગમાર જીવ ખોટા ખોટા ભાષણો ભરડીને આ મોકો ગુમાવી દેછે. 

૬-પણ હે નાથ મારાપર એક ઉપકાર આપે કરવોજ પડશે, મને મોક્ષની ખેવના નથી, પણ શર્ત એ કે મને ભવે ભવ માનવ જન્મ આપીને આપના ગુણ ગાન કરવાનો ભરપૂર મોકો આપજે. 

રચયિતા
કેદારસિંહજી મે જાડેજા
ગાંધીધામ
9426140365