Friday, September 16, 2016

વિટંબણા

વિટંબણા        

માતા મને યાદ અતિશય આવે,
યાદ અતિશય આવે એતો મારા મનને ખૂબ રડાવે..માતા મને.

કિષ્કિંધા માં લક્ષ્મણજી જ્યારે,  પાવન પાવલાં દબાવે
એક ચરણે સેવા હું કરતો,       મારે હૈયે આનંદ  આવે...માતા

સેંથીમાં માતા સિંદૂર પૂરતા, કહેતાં રામ મન ભાવે
આખા શરીરે થયો સિંદૂરી -હું-, મારું મનડું રામ રિઝાવે...માતા

અવધમાં હવે આવી સ્વજન સૌ,  સેવા કરે બહુ ભાવે
મર્યાદા ભંગ કેમ કરૂં હું,       મારગ મનમાં ન આવે... માતા

સમદૃષ્ટિ અતિ આનંદ પામ્યા,  પીડ  કપિની જાણે
આદર સાથે અંજની સુતને,     ચપટી ચાળે ચડાવે..માતા મને

જ્યારે વાગે કપિની ચપટી ,     રામ ઉબાસી આવે
આનંદી બની નાચે મારુતિ-તો-, હરિને હેડકી આવે...માતા મને

દીન " કેદાર "નો હરિ હેતાળો,  કરજ કોઈ ન ચડાવે 
સેવા સૌને સરખે ભાગે,  ઊણપ કોઈને ન આવે...માતા મને.

સાર:- ભગવાન રામ સીતાજી ની શોધ કરતાં કરતાં જ્યારે ભક્ત હનુમાનજી ને મળ્યા અને હનુમાનજીએ સુગ્રીવ સાથે મિત્રતા કરાવી અને શ્રીરામ ભાઇ ભરત સાથે કિષ્કિંધામાં રોકાયા ત્યારે દર રોજ રાત્રે રામજી જ્યારે વિશ્રામ કરવા પધારે ત્યારે લક્ષ્મણજી રામજીના ચરણો દબાવતા, લક્ષ્મણજીતો બચપણથીજ રામજીના ચરણોની સેવા કરતા, અને તેમને એક એવી આદત પણ હતી કે રામજીના પગનો અંગૂઠો મોંમાં લઈને ચૂસે ત્યારેજ નીંદર આવે, લક્ષ્મણજીની સેવા જોઇને હનુમાનજી પણ પ્રભુના ચરણોની સેવા કરવા લાગ્યા.  પછીતો બન્નેને એવો આનંદ આવતો કે ક્યારેક તો મીઠો ઝગડો પણ થવા લાગ્યો કે કોણ કયો પગ દબાવે. સમય જતાં હનુમાનજીની આ સુટેવ એવીતો પરાકાષ્ઠા પર પહોંચી કે જો રામજીના ચરણની સેવા કરવા ન મળે તો હનુમાનજી એકદમ વ્યાકુળ બની જતાં. પણ જ્યારે લંકા વિજય કરીને રામજી સિતાજી સાથે અયોધ્યા પધાર્યા ત્યારે હનુમાનજી પર જાણે મહા સંકટ આવી પડ્યું, લક્ષ્મણજીનો તો રાજ દરબારમાં વાસ, ક્યારેક ક્યારેક ચરણ સેવાનો લાભ મળી જાય, પણ હનુમાનજીને તો મર્યાદામાં રહેવાનું, રામજીના કક્ષમાં કેમ જવાય? બસ જ્યારે જ્યારે રામજીના ચરણો નિરખવા મળે ત્યારે ત્યારે આંખ ભીની થઈ જાય, રામજી ભક્તની આ પીડા સમજી ગયા, અને એકાંતમાં એક રસ્તો બતાવ્યો, "જો હનુમાન હું તારી પીડા સમજુંછું, પણ મારાથી કોઈને ના ન પડાય, પણ તું એક કામ કર, જ્યારે જ્યારે તને મારી સેવાની પ્રબળ ઇચ્છા થાય ત્યારે તારે ચપટી વગાડવી, હું બગાસાં ખાવા લાગીશ અને કહીશ કે આ હનુમાન ચપટી વગાડેછે તેથી મને બગાસાં આવેછે, જ્યાં સુધી તને અંદર ન બોલાવે ત્યાં સુધી હું બગાસાં ખાતો રહીશ." સામાન્ય ભક્તને કદાચ પ્રભુ સેવાની ઇચ્છામાં અલગ અલગ પ્રમાણ હશે પણ હનુમાનજીની તો સદાએ પ્રબળ ઈચ્છાજ હોય, બસ લાગે નાચવા અને ચપટીનાતો ધોધ નીકળે, અને વચન મુજબ ભગવાનના બગાસાં ચાલુજ રહે,  કંઈક ઉપાયો કર્યા પણ ઇલાજ કેમ શક્ય બને?  બગાસાં ખાઈ ખાઈને રામજી પણ કંટાળ્યા, અને સાથે હવેતો પાછી હીચકી પણ ચાલુ થઈ ગઈ, બધાને બોલાવીને ભગવાને કહ્યું કે હનુમાનને મારી સેવા કરવીછે એટલે નાચેછે, એ ચપટી વગાડેછે તેના નાદથી મને આ બગાસાં અને હીચકી આવેછે, તમો તેને સેવાનો સમય ફાળવો નહીંતો મને પણ આરામ કરવા નહીંદે, અને હું આમજ બગાસાં ખાતો રહીશ તો તમે પણ સેવા કેમ કરશો? 

માતાજી સમજી ગયા કે આમાં મારા રામની પણ ઇચ્છા લાગેછે, નહીંતો બજરંગી આટલા ધમ પછાડા નકરે. ત્યારબાદ હનુમાનજીને પણ યથાયોગ્ય સમય ફાળવીને રાજી કરવામાં આવ્યા.  

જય શ્રી રામ. 

રચયિતા
કેદારસિંહજી મે જાડેજા
ગાંધીધામ
9426140365

No comments:

Post a Comment