Thursday, September 8, 2016

માળા જપીલ

માળા જપીલ

માળા જપીલે
ઢાળ-એકલાં જવાના (૨) સાથી વિના સંગી વિના...ને લગતો

જપી લે જપી લે માળા હરિ હર ના નામ ની
હરિ વિના કોણ ઉતારે ગઠડી તારા ભાર ની...

જનમી જગત માં આવ્યો, ચોરાશી ફરી ને.  અવસર ના મળશે આવો, ફરી રે ફરી ને
જગત ની છે માયા જૂઠી, નથી કોઈ કામ ની..

આરે સંસાર કેરું, સુખ નથી સાચું .  માયાના બંધના ખોટાં, જીવન છે ટાંચું                      ભજીલે ભજીલે ભૂધર, રટણા કર રામ ની...

સોના રૂપા ને હીરલા, સંઘર્યે શું થાશે.   કોને ખબર છે ક્યારે, આતમ ઊડી જાશે
પૈસા ની ભરેલી પેટી, પડી રહેવા ની...

માટે-શ્વાસે શ્વાસે સ્મરણ કરી લે, પલ પલ ભજ રામ ને.  જીવન ની ઝંઝટ સઘળી, સોંપી દો શ્યામ ને
ખટપટ તું ખોટી ના કર, મોભા કે માન ની...

" કેદાર " કરુણા નો સાગર, આવે જો ઉર માં.   મહેકે જીવન ની વાડી, આનંદ ભરપૂર માં
ફરૂકે ધજાયું તારી, ભક્તિ કેરા ભાવ ની..

સાર-આપણા શાસ્ત્રો મુજબ જીવ શિવ તત્વ થી છૂટો પડીને ચોરાસી લાખ યોનિમાં જન્મ લે છે, નિમ્ન કક્ષા થી શરૂઆત કરીને જેમ જેમ શુભ કર્મો કરતો જાય તેમ તેમ ઉચ્ચ કોટી ની યોની પ્રાપ્ત કરતાં કરતાં અંતે દેવતાઓને પણ દુર્લભ મનુષ્ય જન્મ પ્રાપ્ત કરે છે કે જેના વડે આ ચોરાસીના ચક્ર માંથી છુટકારો મેળવીને ફરીથી શિવ તત્વ માં વિલીન થઈ શકાય છે. ચોરાસી લાખ યોની પાર કર્યા પછી માનવ દેહ મળે છે, અને દેવોને પણ દુર્લભ આ દેહ નર માંથી નરેન્દ્ર(સ્વામી વિવેકાનંદ) જેવા સંતો બની શકે છે. ઈશ્વરે આ સંસાર અતિ સુંદર બનાવ્યો છે. પણ સાથો સાથ એમાં જીવને લપટી જવા માટેનાં ઘણા બધા પ્રલોભનો પણ આપ્યા છે. મારા મતે તો આ એક સાપ સીડી જેવો કુદરત નો ખેલ છે, કેમકે શાસ્ત્રો એમ પણ કહે છે કે ઈશ્વરની ઇચ્છા વગર એક પાંદડું પણ હલી શકતું નથી, તો પછી જીવને પોતાને કર્મો કરવાની છૂટ ક્યાંથી હોય? અને તો પછી કર્મોના ફળ જીવને કેમ ભોગવવાના? આ બધા ઊપર વાળા ના ખેલ સમજવા અધરા છે, એ આંટી ઘૂંટી માં પડવા કરતાં હરિ ભજન કરતાં રહેવું, અને બનેતો જરૂરતમંદો ને મદદરૂપ થતું રહેવું, એના જેવું બિજું કોઈ ઉત્તમ કામ મારા મતે લાગતું નથી.

સંગ્રહખોરી ની જીવ માત્રને લાલચ હોય છે, એના પુરાવા આપણે મધ માખી, કીડી જેવા જીવો ખોરાક સંઘરતાં નજરો નજર જોઈ શકીએ છીએ, પણ માનવ?  આના જેવો સંગ્રહખોર બીજો કોઈ જીવ મેં ભાળ્યો તો નથી પણ સાંભળ્યોએ નથી, ખોરાક સિવાયની પણ અનેક વસ્તુ માનવ સંઘરે છે અને સંગ્રહ કરવા માટે કોઈ પણ સારું નરસું કાર્ય કરવામાં પાછી પાની કરતો નથી, પણ જ્યારે ઊપર વાળાનું તેડું આવે છે ત્યારે સિકંદરની જેમ ખાલી હાથે અને કર્મો ની સંગાથે ચાલ્યો જાય છે.

મારા જેવા દંભી લોકો બીજા પાસેથી સાંભળેલું આ બધું કહે, લખે અને બીજાને પ્રવચનો આપે, પણ એના બદલે હરિ ભજન જીવનમાં ઊતારીને સર્વે કાર્યો ઉપરવાળાને સોંપીને બસ ભજન કરતાં રહીએ તો આ જીવન નો બાગ સદાય મહેકતો રહે.
જય શ્રી કૃષ્ણ.       

રચયિતા
કેદારસિંહજી મે જાડેજા
ગાંધીધામ

No comments:

Post a Comment