આંગળ છૂટ્યા ટેરવાં.
તા. ૨૭.૪.૨૩
ભક્તિના મુજને પાઠ, લછનાયન સંભળાવ્યું માતને
પણ-આજે થયો અનાથ, આંગળ છૂટ્યા ટેરવાં.....
ડગલે પગલે "દાદ", કોણ કહે કવિતા વિષે
હવે, કલમ ન દેતી સાથ, આંગળ છૂટ્યા ટેરવાં.....
તર્કો તણા તુરંગ, તરંગ ન લાવે તુંબડે
સૂઝે નહીં કોઈ શબ્દ, આંગળ છૂટ્યા ટેરવાં
પડી ખજાને ખોટ, "દાદ" તું જાતો રહ્યો
આવી સરજન માં ઓટ, આંગળ છૂટ્યા ટેરવાં.....
ડેલી બાપુ ની આજ, મારા "દાદ" વિણ વલખી રહી
કોણ લડાવે લાડ, આંગળ છૂટ્યા ટેરવાં.....
ઘરના ખૂણે ઘનશ્યામ, ભક્ત જન પામે ભલે
"કેદાર" અટૂલો આજ, આંગળ છૂટ્યા ટેરવાં.....
ભાવાર્થ:- મા, માતાજી કે આત્મીય હોય એને માન આપોતો નારાજ થાય, મારા માતુશ્રી જ્યારે મને તમે કહે ત્યારે હું સમજી જતો કે આજે નારાજ છે, મારે મારા દાદ ને નારાજ નથી કરવો.
હે "દાદ" આપે મારામાં બચપણ થી ભક્તિનો ભાવ ભણાવ્યો, જ્યારે મારા માતુશ્રીને આપે રચેલું લછનાયન દરબારગઢમાં પધારીને સંભળાવ્યું. પણ આજે મને મારા ગુરુની ખોટ સાલે છે, જાણે મારી આંગળીઓ ના ટેરવાં ઘસાઈ ગયા છે, અરે એમ કહીશ કે આંગળાં થી અળગાં થઈ ગયા છે, હવે કોણ શબ્દો સમજાવશે ?
જ્યારે પણ જરૂર પડતી ત્યારે હું આપની સલાહ લેતો, પણ હવેતો આપ મારા નાથને આપની રચનાઓ થી તરબોળ કરવા પધારી ગયા, હવે મારે જરૂર પડશે તો આપને મારો નાથ થોડો સમય આપશે ? આપના હરિ પથ ગમન પછી મારી કલમ લંગડાવા લાગી છે.
મારી કલ્પનાના ઘોડા હવે મારા મગજમાં શબ્દો ની સરવાણી લાવી શકતા નથી, તેથી કોઈ સારી રચનાઓ બની શકતી નથી. મારો શબ્દો નો ખજાનો તો મારા બાળપણ થી ભરનાર મારો "દાદ" હતો, હવેતો રચના બનાવવા જતાં જોડકા બનતા હોય એવું લાગે છે, એમાં મારા "દાદ" ની છાંટ પણ આવતી નથી.
"દાદ" આપણી ડેલીમાં ડાયરો જામેલો, ગામ લોકો પણ માણી રહેલા ત્યારે એક રચના બનેલી "બાપુ ની ડેલીએ" આજે એ ડેલીમાં હું પ્રવેશું ત્યારે ડેલી મને પૂછે છે, "કેમ એકલો? ક્યાં છે મને નવરંગ ચૂંદડી નો શણગાર કરનારો "દાદ" " ત્યારે મારે દીન દયાળ ના "દાદ’ પ્રેમ ને યાદ કરીને કહેવું પડેછે કે હવે એ આપણને એ લહાવો લેવા નહીં દે.
"દાદ" આપે "આપે એટલું લઉં" લખ્યું, પણ એ "દાદ" જેવાને ઘનશ્યામ ઘરના ખૂણામાં મળી જાય, પણ હું તો આજ સાવ નિરાધાર બની ગયો, ન તો ઘનશ્યામ મેળવવા જેટલી ભક્તિ છે કે ન તો હવે ઘનશ્યામ પાસેથી "દાદ"ને છીનવવા જેટલી શક્તિ, બસ હવે તો જેટલું જીવન છે તે તારી યાદમાં પાર કરવાનું છે....
જય માતાજી.
રચયિતા:-
કેદારસિંહજી મે. જાડેજા
"દીન વાણી" ગ્રૂપ, ગાંધીધામ
૯૪૨૬૧૪૦૩૬૫
kedarsinhjim@gmail.com
kedarsinhjim.blogspot.com.
No comments:
Post a Comment