Sunday, May 14, 2023

હું શાયર નથી

                  હું શાયર નથી 


૯.૨.૨૩

નથી શાયર નથી લહિયો, શબ્દ બસ એમ રાખુ છું

પ્રભુની પ્રાર્થના કાજે, કવિનો વહેમ રાખુ છું...

 

નારાયણ કંઠ થી વહેતાં, બન્યું ગંગા ગંદું પાણી.

પહોંચ્યું સ્પર્શવા પારસ, ગજબ ગુમાન રાખુ છું..


ગવાયા ગીતડાં મારા, ભજન નો ભેખ પહેરીને.

ચડ્યા શબ્દો મુખે સંતના, ગુલાબી ગર્વ રાખુ છું..


રહેછે દૂર સૌ મારા, પરાયા પ્રીત રાખે છે.

છતાંએ પ્રેમ થી એની, ખરી પરવાહ રાખુ છું..

 

થશે વિદાઈ આ જગ થી, કહી "કેદાર" ને ત્યારે. 

હતો કવિરાજ બહુ મોટો, અપેક્ષા એજ ભાખું છું...  


ભાવાર્થ:-હું કોઈ કવિ-શાયર કે લેખક નથી, છતાં ભગવાન ની પ્રાર્થના કરું છું એમ માનીને કવિ હોવાનો વહેમ રાખુ છું.

    મારી રચનાઓ બ્રહ્મ લીન નારાયણ બાપુ ના કંઠ સુધી પહોંચીને સામાન્ય ગીત માં થી ભજન ગંગા જેવી પવિત્ર બની. બધી લોઢાની વસ્તુ પારસ સુધી પહોંચી નથી શકતી. પણ અહીંતો નારાયણ બાપુ મારી રચના સુધી પહોંચ્યા એનો મને ગર્વ છે.

     મારા બનાવેલા ગીતો ભજન નું રૂપ ધારણ કરીને અનેક સંતો-મહંતોના ચરણો સુધી પહોંચ્યા, અનેક ભજન ગાયકો ના કંઠે થી પ્રસારિત થઈને ભાવિક ભક્તો સુધી પહોંચ્યા એ નાની વાત નથી.

   હા એક અફસોસ જરૂર છે, અને એ સર્વ સામાન્ય હોય છે, તુલસીદાસજી પણ આમાં બાકાત ન હતા. જે સદા મારી સાથે રહે છે, ભજન ગાયક છે, સારું ગાય છે, ઘણાં શ્રોતાઓ પણ છે, છતાં મારી રચનાઓ ગાવાની તકલીફ નથી લેતા, જે હોય તે, પણ હું ઇચ્છું કે તેઓ સદા પ્રભુ ભજન કરતા રહે.

   પણ છતાં એક વાતનો મને ભરોસો છે કે જ્યારે આ જગતમાં થી મારી વિદાય થશે ત્યારે તેઓ મારા ખૂબ વખાણ કરશે, મારી રચના ભલે ગાશે નહીં પણ સરાહના ખૂબ કરશે એવો મને સો ટકા વિશ્વાસ છે.  

જય નારાયણ.


No comments:

Post a Comment