પરમાત્મા સાથે ભક્તનો સીધો સંવાદ એટલે ભજન
પરમાત્મા સાથે ભક્તનો સીધો સંવાદ એટલે ભજન આત્માનો પરમાત્મા સાથે ભજન ભક્તિના માધ્યમે જે સંબંધ જોડે એ ભજનિક છે, તે ભણેલો હોય કે અભણ હોઈ શકે, ભજન લેખન ઈશ્વરદત્ત ભેટ છે, વ્યક્તિની તે સ્વયં સાધના પણ ગણી શકાય. ભજન, ભજનિક ભક્ત અને શ્રોતા, બધા પરમાત્માને વહાલા છે.
સંસારી વ્યાધિમાંથી મુક્ત થવા ઇચ્છતો માનવી કોઈ પણ પ્રકાર અજમાવવા તૈયાર હોય છે. જેમાં દેવ દર્શન, ભક્તિ અને સંતોની વાણી મહત્વનો ભાગ ભજવે છે. બાળક જેમ પોતાની ફરિયાદ પોતાના પિતાને કરે છે તેમ માનવી પણ જગતપતિ પરમેશ્વરને આત્મનિવેદન સાથે અરજ કરે છે, જેમાં ભજન, જપ કે માત્ર હૃદય દ્રાવક કાકલૂદીનો સમાવેશ છે, તેની અભિવ્યક્તિ તે ભાવ વિભોર થઈને કરે છે. ભાવિક ભજનના માધ્યમે સ્તુતિ, ગુણગાન અને દર્શન કરે છે તેને ભજનિક કહેવાય, શ્રીમદ્ ભાગવતમાં ભગવાનની ભક્તિ કરવા માટે સમજ આપેલી છે, કળિયુગમાં જપ, ભજન અને સંકીર્તનનો મહિમા વધુ છે, ભજનિક તેથી પોતાનો મોટાભાગનો સમય પોતાના ભજનો દ્વારા ઈશ્વરના સાંનિધ્યમાં વિતાવે છે.
ભગવાન શ્રી રામજી એ શબરી ને "નવધા ભક્તિ" વિષે સમજાવ્યું, એટલે કે ભક્તિ નવ પ્રકારે થઈ શકે છે, જેમાંનો એક પ્રકાર છે "ભજન". સામાન્ય લાગતી ભક્તિ ઘણી જ કઠિન છે. કથા, આખ્યાન, કે ભજન એકાંતમાં કરવા ઘણાં જ કપરાં છે, ભક્ત શ્રી નરસિંહ મહેતા કે મીરાંબાઈ, સંત કબીર, કવિ સુરદાસ જેવા બહુ ઓછા ભક્તો પોતાના આરાધ્ય દેવ ને મૂર્તિમાં સાક્ષાત્ નીરખી ભજન કરી શકે, જે દરેક માટે શક્ય નથી, હાલના જમાનામાં ભજન કરતાં ઈશ્વર સાથેની તન્મયતા શબ્દ, સુર અને તાલ અને ભક્તિ ભાવના સુમેળ થકી રસિકોના શ્રોતા, પ્રેક્ષકની હાજરીથી તે શક્ય બને, અહીં પણ એક જાતનો સત્સંગ થાય છે. ભક્તિનાદનું વાતાવરણ હર કોઈને ભગવાનના ગુણગાન રસ તરબોળ કરી શકે છે, પરંતુ તે માટે ભજનિક પણ પોતે યોગ્યતા પ્રાપ્ત અને સાચો શ્રદ્ધાવાન હોવો જોઈએ બાકી દંભ કરનારાઓનો અહીં તોટો નથી. ભજનિક, ભજન અને ગાયકીમાં લય કે સંગીત, સુર ન બેસે તેમ છતાં હળદરના ગાંઠીયે ગાંધી બનનારા જેમ હવે ગલીએ ગલીએ ભજનિકો ફૂટી નીકળ્યા છે, જેને ખોટી વાહ વાહ વાહ અને આત્મ પ્રશંસા પ્યારી હોય છે.
સાત્વિક શુદ્ધ ભક્તિથી તરબોળ થયેલા તાલીમ સહિત ગાનારા ભજનિકોમાં પણ સ્વયં પ્રતિભા હોય છે, આવા કાર્યક્રમો થાય ત્યાં વાતાવરણમાં ભક્તિના ગુંજનમાં ભાવવાહિતા વહેતી હોય છે, જે ભગવાનને સદા ગમે છે, આવા અવસરે ભગવાન ખુદ વાતાવરણમાં પ્રસન્નતા વેરે છે, તેવો મારો જાત અનુભવ છે. ભજનિક સાચો હશે તો જયારે અને જે ઘડીએ ભજનની સ્ફુરણા જાગશે ત્યારે એકાંતમાં પણ પોતાના પ્રભુને રિઝાવવા મંડી પડે, સુરદાસ પાસે ક્યાં શ્રોતા હતા માત્ર કાનુડાનું બંધ આંખે ધ્યાન હતું, ક્યાં કોઈ મોટા વાજિંત્રો હતાં, એકતારો બસ હતો, મને યાદ છે દુલા ભગત પણ એકતારાથી ભજન કરતા, આજ પણ એવા ભજનિકો છે જે એકતારાના સંગાથે શ્રોતા હોય કે ન હોય તો પણ આનંદથી એકલાં એકલાં ગાઈને પોતાના પ્રભુને મનાવે છે. ભજન, ભજનિકોને જરૂર છે માત્ર ભક્તિ અને આસ્થાની, તેમાં ભાષા પણ ઘણી વાર ગૌણ બની જાય - જે શબ્દો અંતરમાંથી જાગે તે સાચો આત્માનો અવાજ હોય છે, તેથી કહેવાય કે ભક્ત પોતાના ભાવ દ્વારા પરમાત્મા સાથે સીધો સંવાદ કરે છે ભક્તિમાં શુદ્ધતા હોય તો આપ મેળે તે લોકપ્રિય બને છે અને શ્રોતાને રસમય કરે છે .
બ્રહ્મ લીન નારાયણ બાપુ તેમજ ઉચ્ચ કક્ષાએ પહોંચેલા સાધક ભજનિકોની નકલ કરીને અથવા રચયિતાના નામનો ઉલ્લેખ કરવાની સજ્જનતા વિસારીને, આપવડાઈ કરતા દેખાય ત્યારે દુઃખ સહિત વેદના ખમવી પડે, તો સામે પક્ષે નાના કલાકારોને બિરદાવનારા સંતો પણ જગમાં છે, હું પ્રાથમિક અવસ્થામાં હતો અને થોડા ભજનો રચતો હતો ત્યારે પણ ગાયકી અને સ્વ રચનામાં કૌવત નીરખી મને બિરદાવનારા બ્રહ્મ લીન પૂજ્ય નારાયણ બાપુ અને શ્રીમાન યોગેશપુરી ગોસ્વામીજીને ભૂલી ના શકાય, જેમને જાહેર કાર્યક્રમમાં બિરદાવી મને આશીર્વાદ આપી મારામાં નવી ચેતના જગાડી હતી. બ્રહ્મ લીન નારાયણ બાપુએતો મને કહેલું કે તમારે મારા કાર્યક્રમમાં નીચે ન બેસવું પણ મારી બાજુમાં મંચ પર બેસવું, તમારા પર સરસ્વતી માતાજીની કૃપા છે, તમે નીચે બેસો તે મને ન ગમે. કેટલા લોકો આટલું માન કવિઓને આપે છે? ન જાણતા હોય એ તો સમજાય પણ જાણતા હોય એ પણ ન જાણતા હોવાનો ડોળ કરીને મોં ફેરવી લેતા હોય છે, આને શું કહેશો?
આજે દુઃખ એ વાતનું છે કે મેં આગળ કહ્યું તેમ ભજનિક અને ગાયક ધંધો બનાવી બેઠેલા પાખંડીઓ વચ્ચે ભજન પોતાની અસલિયત ગુમાવીતો નહિ બેસેને ? આ મોટો ચિંતાનો વિષય છે; તુલસીદાસજીની એક સાખી છે "તુલસી અપને રામ કો રીઝ ભજો કે ખીજ, ઊલટા સુલટા બોઈએં, સીધા ઊગે બીજ." એ નાતે ભજનનો ભાવ જાણનારા ભજનિકોને ભૂલીને ભક્તિનો લાભ તો પામે જ છે.
રામાયણના રચયિતા પ્રસિદ્ધ ઋષિ વાલ્મીકિ મહારાજે રામાયણની રચના કરી, પણ સંતોષ ન થયો, ત્યારે તેમણે ઈશ્વર પાસે એક વધારે જન્મ માનવ કુળમાં માંગ્યો અને પ્રાર્થના કરી કે હે પ્રભુ, મને આ રચનાથી સંતોષ નથી થયો માટે હું સરળ ભાષામાં રામાયણ લખીને જગતને આપવા માંગું છું જેથી તેનો યોગ્ય પ્રચાર થાય અને આપનું ગાન સરળ ભાષામાં સર્વે લોકોના મન સુધી પહોંચે. ત્યારે તેમનું તુલસીદાસ તરીકે પ્રાગટ્ય થયું, અને તુલસીદાસજીએ સરળ ભાષામાં "રામ ચરિત માનસ"ની રચના કરી. સાચો ભજનિક સત્સંગીઓના દિલમાં પ્રવેશ કરવા પોતાની રચનામાં વધુ ગુણવત્તા આવે એ માટે કાયમ ઈશ્વર સન્મુખ એટલું જ માંગે છે કે હે પ્રભુ તું મારા શબ્દોમાં ભાવ આપજે જેથી હું ભક્તોને તારા ગુણલા ગાવા પ્રેરિત કરી શકું અને તેનામાં ભક્તિની ઊર્જા જગાડવા હું નિમિત્ત બનું , જેથી હિંદુ સંસ્કૃતિને ધર્મ ધજા ફરકતી રહે.
અત્રે ખાસ ઉલ્લેખ કરવાનો કે ભચાઉમાં પાલુભાઈ ગઢવીનો ભજન અને ભજનિકો અને સંસ્કૃતિ સાચવવાનો ઉત્તમ પ્રયાસ સાથે ભક્તિ ધામ ઊભું કર્યું છે, સાથો સાથ આધુનિક ટેક્નોલૉજીથી સમૃદ્ધ સ્ટુડિયો પણ બનાવ્યો, એટલાંથી સંતોષ ન પામતા ભજન ગ્રંથાવલિના મોટા ચાર ગ્રંથો પણ જનતા જનાર્દનને માટે તૈયાર કરેલાં છે, આ ત્રણેય કાર્ય જે એક યુગો સુધી ન ભુલાય તેવું અજર, અમર યોગદાન છે તેમ અમેરિકા બેઠેલાં મારા વરિષ્ઠ પત્રકાર મિત્ર શ્રી જીતેન્દ્ર પાઢ જણાવે છે '' કહેવાનો અર્થ એ છે કે શુદ્ધ ભજનિક અને શુદ્ધ ભજનો હોય તે ગગન નાદ બની ગુંજે છે, તેથી અમેરિકા સુધી ભચાઉના કામને આદર સાથે બિરદાવવાની કૃતઘ્નતા એક સહૃદયી કરે છે. ભજન ધામનો લાભ મને મળેલો છે જેનો હું સાક્ષી હોવાથી મારા મિત્રની વાત 100 % સત્ય છે. ભજન, ભજનિક અને ભજન સંસ્કૃતિ કેવળ હ્રદયનો શુદ્ધ ભાવ અને નિર્દોષ, નિખાલસ ભક્તિ ટકે છે, વિસ્તરે છે, ખોટાને પારખતા આજના શ્રોતાને આવડે છે.
આપણે એ પણ ન ભૂલવું જોઈએ કે ભજનિક અને ભજન વચ્ચે ધાર્મિકતા સાથે ભક્તિ, સ્નેહનો નાતો જોડાયેલો હોવાથી, શાસ્ત્રો પણ એમ કહે છે કે જ્યાં ભજનાનંદ થતો હોય ત્યાં આત્માનંદ અનુભવાય છે, જેનાથી માયાવી જગત વીસરી જવાય છે, વાતાવરણમાં પ્રસન્નતાની લહેર ફેલાય છે, સામૂહિક ચેતના જાગે છે, તેમજ આત્મબળ ને જીવનને શક્તિવાન કરવાનું કામ ભજનો કરે છે - સત્સંગ કરે છે ઈશ્વર પ્રત્યે માનવ જન્મનું જે ઋણ છે તે અદા કરવા આભારવશ થવા ભજન ભક્તિ મહત્વનું કામ કરે છે.
વિશ્વ ભરમાં અનેક ધર્મો, સંપ્રદાયો પંથમાં એક યા બીજી રીતે ભજનને સ્થાન અપાયું છે, સાદો, સરળ અને સીધો માર્ગ ભજન હોવાથી તે પ્રકારને લોકપ્રિયતા મળેલી છે, ઈશ્વર સ્મરણ એ દરેક ધર્મનો ઉદ્દેશ રહ્યો છે. સદીઓથી ચાલ્યો આવતો ભજન પ્રકાર સર્વ માન્ય સ્વીકૃતિ પામેલો ભક્તિ પ્રવાહ છે. દુન્યવી જગતને ભૂલી જઈને થતી યોગસાધના ભક્તિ યોગનો પ્રકાર છે એમ ભારતીય શાસ્ત્રોમાં અનેક જગ્યાએ ઉલ્લેખે છે. "અવાજ સારો હોય તો શિક્ષા લઈ ને ગાયક બની શકાય, પણ બુદ્ધિ સારી હોય તો પણ કવિ/ સર્જક બનાતું નથી, જો ભગવાનની કૃપા થાય તો જ બની શકાય,'' એ પૂજ્ય નારાયણ બાપુના શબ્દો હજુ કાનમાં ગુંજે છે.
કેદારસિંહજી મે. જાડેજા "દીન" "કવિ કેદારની દીન વાણી" ગ્રૂપ,
ગાંધીધામ, ૯૪૨૬૧૪૦૩૬૫. Email adress- kedarsinhjim@gmail.com. YouTube=kedarsinhji m jadeja
No comments:
Post a Comment