Sunday, May 14, 2023

પદ્મશ્રી કવિ "દાદ"


                            પદ્મશ્રી કવિ "દાદ"


          મિત્રો ૨૬ મી જાન્યુઆરી એટલે સમગ્ર ભારત અને ભરતીઓ માટે એક અનેરો ઉત્સાહ અને ઉમંગનો દિવસ છે, પણ મને આજે એક એવા સમાચાર મળ્યા કે મારા પરમ સ્નેહી, ગુરુ, વડીલ, સલાહકાર એટલે કે All in one અને સમગ્ર કાવ્ય-રાષ્ટ્ર ગાન- લોક ગીત કે ભક્તિ ગીત ના ચાહકોના અને વંદનીય સંતોના પ્રિય કવિ શ્રી "દાદ" દાદુદાન પ્રતાપદાન ગઢવી ને આપણી સરકારે "પદ્મશ્રી" પદ થી સન્માન આપ્યું છે. 

        મારું એક માનવું છે કે જ્યારે આવો કોઈ પ્રસંગ બને ત્યારે તેના ચાહકો લાગણીવશ બનીને સંદેશા નો ધોધ વહાવીદે છે કે વાંચવા વાળા શાંતિ થી વાંચવા નો સમય ફાળવી નથી શકતા, તેથી હું એકાદ બે દિવસ પછી મારો વિચાર રજૂ કરું છું જેથી મારી ભાવના આ પ્રવાહમાં વહી ન જાય.

       ઈશ્વરે દરેક માનવ જાત ને હાથના પંજામાં ટેરવા આપ્યા છે, જે દરેક કાર્ય કરવા માટે મદદ રૂપ થાય છે. પણ કવિ દાદને કંઈક અલગ પ્રકાર ના "ટેરવા" સર્જનહારે આપ્યા અને માતા સરસ્વતીજીએ આંગળી પકડીને એવું સર્જન કરાવ્યું કે કવિતા, શ્લોક, રાગ કે છંદબદ્ધ શબ્દરચના કરનારા સ્તબ્ધ બની ગયા કે જેની પાસે ખાસ ભણતર નથી, પિંગળ નું જ્ઞાન લીધું નથી, કોઈ એવો ગુરુ નથી જે કાવ્ય નું શિક્ષણ આપે, છતાં જગત ને એક એવો કવિ મળ્યો જેણે સાબિત કરી દીધું કે જો ઈશ્વર દયા કરે તો એક સીધો સાદો ચારણ પણ પદ્મશ્રી પદ પામી શકે અને લાગણી શીલ લોકોના કાળજામાં આ ટેરવા ટકોરા મારી શકે. દાદ એટલે એક એવો કવિ જેના ટેરવા પત્થર ને બોલાવી શકે, સૂકી નદીઓમાં શબ્દોના ઘોડાપૂર લાવી શકે, ભીતડીઓના ભાગ્ય જગાડી શકે, ગિરનારની ચોકીઓ દેખાડી શકે અને "દાદ" નાજ શબ્દો ને થોડા ફેર ફાર સાથે લખું તો "શબ્દો ના શિખરો જ્યાં સર કરે ત્યાં, પદ્મશ્રીના કીર્તિ સ્તંભ ખોડી શકે."

         સાહિત્યના જાણકારો કહે છે કે દાદ ની કવિતાઓ એટલે કુંવારી કવિતાઓ, અન્ય કોઈ કવિની કવિતા વાંચો તો તેમાં અન્ય કવિ ની છાંટ જોવા મળે, અન્ય રચના ની તમને યાદ આવી જાય કે આ કાવ્ય અમુક રચના ને મળતી આવે છે કે અમુક ઝલક એમાં દેખાય, પણ દાદ ની કવિતામાં અન્ય કાવ્ય ની છાંટ તો શું ક્યારેક તો વિષય પણ જોવા ન મળે. કન્યા વિદાયના અનેક ગીતો છે, પણ દાદ નું "કાળજા કેરો કટકો મારો" એવા કાળમીંઢ બાપ ને પણ રડાવી શકે જેના ઘરે એક પણ દીકરી ન હોય, મહાભારત વાવી ને ગીતા ઉપજાવી શકે, "કૃષ્ણના ટેરવાં જો આવીને ફંફોસે, તો વાંસળીના ટુકડા સંજીતા નીકળે" અને "શું તાસીર છે આ ભૂમી ની હજી, જનક જેવા હળ હાંકે તો સીતા નીકળે." કે "ભીંતડીયું કેવી તમે ભાગ્યશાળી, ગાર્યું કરે ગોરા હાથ વાળી" આવી રચનાઓ ને તજજ્ઞ લોકો કુંવારી કવિતા કહે છે, અને પાછો "બાપુ ની ડેલીએ" બેસીને પોતાની ભાવના બતાવતાં લખે કે- "ઘરના ખૂણામાં ઘનશ્યામ મળે તો, ચાલું શીદ ગાઉ ના ગાઉ, "દાદ" કહે પ્રભુ તારી આ દુનિયામાં, તું રાખે તેમ રઉં."

           આવીતો અગણ્ય કવિતાઓ છે કેટલી લખું ? પણ "દાદ" એટલે "દાદ" ભલે મોડે મોડે પણ સરકાર ના ધ્યાનમાં આવ્યું, અને આવવાનુંજ હતું, કારણ કે ઈશ્વરે આ પદ દાદ માટે reserve રાખેલ. મારા અહોભાગ્ય છે કે આવા મહાન કવિ નો વર્ષો સુધી સંગ રહ્યો, મારી રચનાઓને તેમના આશીર્વાદ મળ્યા, એક સાથે પોત પોતાની રચનાઓ ગરબા દ્વારા ગાવાનો અમૂલ્ય અવસર મળ્યો, અને તેથીજ હું માનુ છું કે આજે મારી રચનાઓને બ્રહ્મ લીન નારાયણ બાપુ કે અન્ય કલાકારો દ્વારા મંચ મળ્યો.


જય માતાજી. જય નારાયણ.

કેદારસિંહજી મે. જાડેજા

ગાંધીધામ. કચ્છ.

૯૪૨૬૧૪૦૩૬૫


No comments:

Post a Comment