ભજન ની ભૂખ
ઢાળ-શું પૂછો છો મુજને કે હું શું કરું છું...જેવો
૨૭.૨.૨૦
ગાતા ગોવિંદ મારું હૈયું હરખાય છે, ભાવે ભજન કરું ધીર ના ધરાય છે....
દુનિયાદારી માં ડૂબી જીવન વિતાવ્યું, અવળાં ઉત્પાત કરી વ્યર્થ માં ગુમાવ્યું,
અંત ને ઓવારે આવી સઘળું સમજાય છે...ભાવે...
રોમે રોમ માં ભાવ છે ભરેલો, ભક્તિ ભજન કરું જગ થી છું ડરેલો
અવિરત આરાધ કરું, અવર ના ઉપાય છે.....ભાવે....
હરદમ હરી નામ જપું આશ એવી રાખું, પળ પળ પ્રભુને ભજું હરી રસ ને ચાખું
અંતર ઉમંગ આજે એવો ઊભરાય છે....ભાવે...
રામ ના નામની લગની છે લાગી, પ્રભુ ભજન ની મારી ભૂખ નથી ભાંગી
ભક્તિ ભજન કરતાં મનડું ક્યાં ધરાય છે.......
મળે મહેર સદા સાચા સંતો ની, રહે રહેમ ઘણી મોટા મહંતો ની
જ્ઞાની ગુરુ થી જીવન ધન્ય બની જાય છે....ભાવે...
ટિટોડી કેરા કેશવ ઈંડા ને ઉગાર્યા, જઈને નીંભાડે તમે બચ્ચાને બચાવ્યા
દાસ "કેદાર" ની આશ ના બુઝાય છે... ભાવે....
ભાવાર્થ:-હે ઈશ્વર, તારા નામનું રટણ કે ભજન કરવા બેસુ છું ત્યારે મારું મન ધરાતું નથી, બસ જાણે ગાયાજ કરું, ગાયાજ કરું એવું લાગે છે.
આ સંસારના ફંદામાં પડીને જીવન તો વિતાવી દીધું, પણ હવે સમજાય છે કે એ તો બધું વ્યર્થ માંજ ગુમાવી દીધું છે. અને તેથી હવે એવું લાગે છે કે બસ શ્વાસે શ્વાસ માં તારા નામ નું રટણ કરતો રહું, બસ હવે તો તારા નામની એવી લગની લાગી છે કે ભજન ભજન અને બસ ભજન, અને આપના ભજન માટે મને સદા સાચા સંતો મહંતો ની કૃપા અને આશીર્વાદ મળતા રહે એટલીજ અભિલાષા છે.
પ્રભુ, આપે મહાભારત ના યુદ્ધ વખતે ટિટોડી ના ઈંડાને રણ મેદાનમાં જોયા ત્યારે એક હાથીના ગળામાંથી મોટા ઘંટ ને તેના પર પડવા દીધો અને તેને બચાવ્યા, એક કુંભાર ના નીંભાડામાં બિલાડીએ બચ્ચાં આપેલા, જ્યારે નીંભાડામાં આગ લગાડવામાં આવી છતાં આપે બચ્ચાઓને બચાવી લીધા ત્યારે મને આશા છે કે આપ મારા કર્મો ને માફ કરીને મને પણ આપનો દાસ ગણીને માફ કરશો.
No comments:
Post a Comment