Sunday, May 14, 2023

રામાયણ પ્રસંગ પટ વ્યથિત રામ

રામાયણ પ્રસંગ પટ 
વ્યથિત રામ


શું વાત કહે હનુમાન, -સદા-  વ્યથિત રહે મારો રામ
લક્ષ્મણ લાલા બહુ સમજાવે,       કશું ન આવે કામ.

સોનાનો મૃગલો માર્યા પછી તો,       ભાસે વન ભેંકાર
પંચવટીમાં પગ જ્યાં ધર્યો ત્યાં,        હૈયે હાહાકાર
જનક નંદિની નજર ન આવે,    મનમાં નહીં વિશ્રામ....

શરદ પૂનમસી રાત હરી મન,         અંધારા રેલાવે
ચંદ્ર કિરણ જાણે તપતો સૂરજ,    અગન જાળ ફેલાવે  
કોકિલ કંઠ અતિ કર્કશ લાગે,     અંતર નહીં આરામ...

વૃક્ષ લત્તાને પૂછે પ્રભુજી,        કોઈ તો ભાળ બતાવો
આકુળ વ્યાકુળ ફરે રામજી,      કોઈ તો સંદેશો લાવો
ખબર જે આપે વૈદેહીની,         આપું અમૂલ્ય ઇનામ....

રાખો ભરોસો આ રામ દૂત પર,   દુખના દિવસો જાશે-માતા-
જાણ થતાં હરી નિશ્ચય આવે,     રાવણ રણમાં રોળાશે
"કેદાર" કરુણાનિધિ નિશ્ચય આવી,    હરશે દુખ તમામ...

ભાવાર્થ- અશોક વટિકામાં માતા સીતાજીને જ્યારે હનુમાનજી મળ્યા, પોતાની ઓળખ આપ્યા પછી માતાજીએ બધા સમાચાર પૂછ્યા. શ્રી રામજીને સુવર્ણ મૃગ મારવા માટે મોકલ્યા પછીથી શું શું બન્યું તે બધુંજ વિગતે વાત કહેવા સીતા માતાએ કહ્યું ત્યારે હનુમાનજી બધાજ સમાચાર આપવા લાગ્યા.
હે, મા, હું આપને શું સમાચાર આપું?  મેં શ્રી રામજીના બધાજ ખબર સાંભળ્યા છે, શ્રી રામજીને મેં સદાએ ઉદાસ જોયા છે, જંગલમાં મૃગને તીર માર્યા પછી રામજીને આખું જંગલ જાણે ભેંકાર લાગવા માંડ્યું, એમાં પણ મૃગલાએ "લક્ષ્મણ દોડજો" એવી બૂમ પાડી ત્યારે રામજીને કંઈક કપટ લાગ્યું, દોડીને પંચવટીમાં પધાર્યા તો આપને ભાળ્યા નહીં ત્યારેતો તેમના મનમાં શોક અને ત્રાસની લાગણી ફેલાઈ ગઈ.
મા, મેં અનુભવ્યું છે, શરદ પૂનમ જેવી ચાંદની ખીલી હોય, પણ શ્રી રામજીને ઘોર અંધારાં પાથરતી હોય એવું લાગે છે, અને તેની કિરણો તો જાણે ધોમ ધખતો સૂર્ય પૂર્ણ પ્રકોપથી અગ્નિ વરસાવતો હોય, અને કોકિલાનો મધુર મધુર અવાજ રામજીને કર્કશ લાગે છે, કોઈ પણ રીતે તેમના અંતરમાં આનંદ રહ્યો નથી.
મા, શ્રી રામજી વ્યાકૂળ બનીને  વૃક્ષોને, લત્તાઓને, અરે ગમે તેને પૂછ્યા કરે છે, કે કોક તો બતાવો આ મારી સીતા મને છોડીને ક્યાં જતા રહ્યા !  જો કોઈ મને મારી સીતાના ખબર આપશે તો હું તેને મોં માંગ્યું ઇનામ આપીશ.
પણ મા, આપ આ રામના દૂત પર ભરોસો રાખજો, જરાએ દુખી ન થજો, હું રામજીને આપના ખબર આપીશ એટલે પ્રભુ એક પણ ક્ષણનો વિલંબ કર્યા વિના આપને લેવા અહિં પધારશે, અને જરૂર પડશે તો રાવણ સાથે યુદ્ધ કરવું પડશે તો પણ કરીને તેને પરાસ્ત કરશે અને આપને લઈ જશે, અને મા, આપના એ કરુણાનિધિ આપના સર્વે દુખને દૂર કરીને આનંદ વર્તાવશે.

:રચયિતા :
કેદારસિંહજી મે. જાડેજા
ગાંધીધામ. કચ્છ.
Email:-kedarsinhjim@gmail.com
WhatApp. ૯૪૨૬૧૪૦૩૬૫ 
ફોટો-ગુગલના સહયોગ થી

No comments:

Post a Comment