ભક્ત માળ (નાભા ભગત.)
૨૭.૬.૨૨.
મિત્રો આપે કૃષ્ણ ચરિત્રમાં વાંચ્યું હશે કે બ્રહ્માજીએ એક વખત ભગવાન કૃષ્ણ ના બાળ સખા અને વાછડાઓ નું અપહરણ કરેલું, ભગવાને એવાજ વાછરડા અને ગોપ બાળ નું નિર્માણ કર્યું જેથી કોઈને આ અપહરણ ની ખબર ન પડી, બ્રહ્માજીએ ભગવાન ની માફી માંગી પણ ભગવાને દંડ આપવા માટે બ્રહ્માજીને કળિયુગ માં એક અંધ બાળક બની જન્મ લેવા ની આજ્ઞા કરી, જ્યારે બ્રહ્માજીએ આજીજી કરી ત્યારે ભગવાને કહ્યું કે આ અંધાપો ફક્ત પાંચ વર્ષ નો હશે, ત્યાર બાદ સંતો ના આશીર્વાદ થી આપ દિવ્ય દૃષ્ટિ પ્રાપ્ત કરશો, સંતો ના મત પ્રમાણે શ્રી બ્રહ્માજીએ ગોદાવરી નદી ના કિનારે મહારાષ્ટ્ર માં આવેલા ભદ્રાચલમ નામ ના ગામ માં બ્રાહ્મણ રામદાસજી અને જાનકી દેવી ના ઘરે નાભા ભગત ના રૂપે જન્મ લીધો.
નાભા ભગત ની કથા તો ખૂબ લાંબી છે, પણ આજ-કાલ લોકો ને લાંબું વાંચવાનો સમય નથી, માટે ટૂંક માં લખું છુમ. નાભા ભગત જન્મ થી અંધ હોવાથી માતા પિતા દુખી હતા, પણ જ્યોતિષીઓ એ કહ્યું કે તમારો આ બાળક મહાન બનશે, ૨, વર્ષ ના થયા ત્યાં તેમના પિતા નું અવસાન થઈ ગયું, બાદ ૫, વર્ષ ના થયા ત્યાં અકાળ પડ્યો અને માતા પણ ગુમાવી બેઠાં, નાભાજીને ઈશ્વર કૃપા થી બે સંતો મળી ગયા જેમના આશીર્વાદ થી તેમને દૃષ્ટિ પણ મળી ગઈ અને જયપુરમાં ગલતા આશ્રમ માં રહીને સંત સેવા અને હરિ ભજન કરવા લાગ્યા.
ભક્ત નાભાદાસજી મહારાજ એક મહાન ભક્ત હતા, એમણે "ભક્ત માળ" નામ નો ગ્રંથ લખેલો, જેમાં તેમણે દરેક સંપ્રદાય ના સંતો-મહંતો ના ચરિત્રો લખેલા, "ભક્ત માળ" એટલે એક એવી માળા જેમાં ભક્તો રૂપી મણકા હોય, જે ભક્તિ રૂપી દોરા માં પરોવાયેલા હોય, સદ્ગુરુ રૂપી મેર (સુમેરુ) અને આ બધાને પરોવી ને જે ગાંઠ મારીને ફૂમતું બનાવવામાં આવે છે તે ઈશ્વર નું પ્રતીક હોય છે, જે શ્રી હરિ ના કંઠમાં પહેરાવવામાં આવે છે. નાભાજીએ આ માળા ને એક અનેરું રૂપ આપવાનું નક્કી કરેલું, જેમાં એક એક મણકા ને પરમ ભક્ત નું નામ આપ્યું જે ખરેખર ભક્તિ રૂપી દોરા માં પરોવાયા હતા, પણ હવે પ્રશ્ન એ થયો કે "મેર" કે જે માળાનો સર્વોત્તમ મણકો હોય છે, એ કયા સંત ના નામ સાથે આલેખવો ? અનેક ચર્ચા વિચારણા બાદ સદ્ગુરુ ના આદેશ થી નક્કી કર્યું કે સંતો મહંતો નો એક મેળાવડો-ભંડારો-કરવો, અને એમાં એવા સંત મહાત્માની વરણી કરવી જે સર્વાનુમતે શિર મોર હોય, એમને આ ભક્ત માળ ના મેરુ તરીકે સ્થાપિત કરવા.
ભારત ભર ના સંતો-મહંતો ને આમંત્રણ આપવામાં આવ્યું, સંત તુલસીદાસજીને કાશી માં આમંત્રણ આપવામાં આવ્યું પણ ત્યારે તુલસીદાસજી હાજર ન હતા, ત્યારના બાદશાહ અકબર ના આમંત્રણ ને સ્વીકારીને તેઓ દિલ્હી પધાર્યા હતા, જ્યારે તેમને ખબર મળ્યા કે નાભા ભગત ભંડારો કરે છે ત્યારે તેઓ પણ સંતો-મહંતો ના દર્શન માટે પહોંચ્યા, પણ ત્યારે બેસવાની જે વ્યવસ્થા કરવામાં આવેલી તે ખીચો ખીચ ભરાઈ ગયેલી, તેથી તુલસીદાસજી સંતો-મહંતો ની પાદુકા રાખવામાં આવેલી તે જગ્યા પર બેસી ગયા જેથી સંત ચરણો ના દર્શન થાય. થોડી વારે ભંડારા નો પ્રસાદ પીરસનારા તુલસીદાસજી પાસે પહોંચ્યા અને પ્રસાદ લેવા માટે પાત્ર માંગ્યું, તુલસીદાસજી પાસે તો કોઈ પાત્ર ન હતું તેથી તેમણે એક સંત ની મોજડી ધરી ને કહ્યું કે ભાઈ આમાં પ્રસાદ આપી દો, પીરસનારા કહેવા લાગ્યા કે તમે કેવા સાધુ છો! એટલી પણ સમજ નથી કે આ મોજડીમાં પ્રસાદ લેવાય ખરો? પ્રસાદ અપવિત્ર બની જાય, ત્યારે તુલસીદાસજીએ કહ્યું કે ભાઈ, સંતો ની મોજડીમાં તો અખાજ પણ પ્રસાદ બની જાય જ્યારે આપ તો પ્રસાદ આપો છો, માટે પીરસો આજે આ પ્રસાદ તો સાક્ષાત્ ઈશ્વરના મુખે થી સ્પર્શ કરીને આવ્યો હોય એટલો પવિત્ર બની જશે.
આ વાદ-વિવાદ નાભા ભગત ના કાને પડ્યો, તેઓ દોડતા આવ્યા કે ક્યાંક કોઈ સંત નું અપમાન તો નથી થતું ને ? સંત તુલસીદાસજીને સંતોની મોજડીમાં પ્રસાદ લેતા જોઈને નાભાજી ભાવુક થઈ ગયા અને તુલસીદાસજીને સિંહાસન પર બેસાડીને તેમનું પૂજન કર્યું અને કહ્યું કે જે સંત અન્ય સંતો ની મોજડીને પણ આટલું પવિત્ર માનતા હોય, એ જ આ "ભક્ત માળ" ના "મેર" બની શકે. અને બધા સંતો ની હાજરીમાં ભક્ત તુલસીદાસજીને સુમેરુ તરીકે સ્વીકાર કર્યા. બધા મણકામાં ભક્તિ રૂપી દોરો એક બાજુ થી પ્રવેશ કરીને બીજી બાજુ થી બહાર નિકળે છે, જ્યારે સુમેરુ મણકો એક એવો મણકો છે, જેમાં બન્ને બાજુનો દોરો પ્રવેશ કરીને ઈશ્વર રૂપી ફૂમતાંમાં બંધાઈ જાય છે, એટલે કે ઈશ્વર મય બની જાય છે.
મિત્રો "ભક્ત માળ" એક પવિત્ર વાંચવા અને મનન કરવા જેવો ગ્રંથ છે, સમય અને ભાગ્ય હોય તો જરૂર વસાવવો અને વાંચવો-વંચાવવા જેવો છે. આ મારું સંકલન મારી સમજ પ્રમાણે નો લેખ લખ્યો છે, કોઈ ભૂલ હોય તો જરૂર જણાવશો.
સંકલન-
કેદારસિંહજી મે. જાડેજા
ગાંધીધામ, ૯૪૨૬૧૪૦૩૬૫
kedarsinhjim.blogspot.com.
No comments:
Post a Comment