Sunday, May 14, 2023

ભરત મિલાપ

                                                       ભરત મિલાપ

૧૮.૫.૨૨.


સંત હૃદય સમતા ઘણી, અવિરત રટણા રામ.    પર દુખે પીડા ધરે,  એ સાધુ નું કામ..

અવધ કેરું રાજ, ભરત મન ભાવે નહીં, ઝૂંપડીએ જઈ વાસ, કીધો "કેદાર" તેં સંત જન 

ત્યાગ્યા સુખ અપાર, ભૂમિગત આસન કર્યું, પૂજન પાદુકા કાજ, રાજ તજ્યું તેં સંત જન 


પ્રભુજી મારી અરજ કરો ને સ્વીકાર, અવધમાં હરિ પાછાંરે પધારો સરકાર.....ટેક


સૂના સૂના મહેલો સુની સુની ગલીઓ,  રડતાં નર ને નાર

સુની વનરાઈ, બાગ બગીચા,  રામ વિનાનું ભેંકાર...અવધમાં હરિ પાછાં પધારો સરકાર..

    

પિતૃ કેરૂં ઋણ ચુકાવે, પાપ હરે પરિવાર

નારી વશ નરપતિ નીતિ ભૂલ્યા, એનો કરો ને ઉધાર..પાછાં પધારો સરકાર...


સર્વ ગુણસંપન્ન આપ પ્રભુ છો,  સમજો છો સૌ સાર

કલંક રહે જો માત પિતા પર, ધિક્ ધિક્ જગ મોજાર...હરિ પાછાં પધારો સરકાર..


માત સીતાને ભાળી, મનડું રડે મારું,  મુજ કારણ આ માર

કોમળ કાયા મુલાયમ ચરણો,  તાપ સહે છે અપાર...અવધમાં હરિ પાછાં પધારો સરકાર..


અધમા અધમ કેવાં કર્મો હશે મારા, છૂટ્યો હરિ નો પ્યાર  

કૈકેયી વચને ત્યાગો મને તો, ધિક્ ધિક્ મારો અવતાર.....અવધમાં હરિ પાછાં પધારો સરકાર..


રામ ચરણ માં રડે ભરતજી,   કરુણા કથે છે "કેદાર"

પાદુકા પ્રસાદી આપી, રીઝવે દયાનિધિ, ધન્ય ધન્ય સંત કુમાર...  


ભાવાર્થ-    

     હે રામ, આપના વિના અયોધ્યા ના મહેલો-ગલીઓ-બાગ બગીચા સૂના પડ્યા છે, પ્રજા ત્રાહિ મામ્ પોકારી ઊઠી છે, માટે આપ પાછાં પધારવા ની કૃપા કરો.

   હે નાથ કોઈ માતા પિતાએ કદાચ કોઈ ખોટા કાર્યો કર્યા હોય, કોઈ નું કરજ લીધું હોય કે અન્ય ભૂલો કરી હોય તો તેનો પરિવાર એ દોષો ના નિવારણ માટે જીવન ખાપવી દે છે, પિતાજીએ નારી વશ આપને વનવાસ આપ્યો છે, એ અપરાધ કર્યો છે, પ્રજા માનશે કે આ કેવાં રાજા ? નારી વશ રામ ને વનવાસ? આપ પાછાં પધારો અને પિતાજીને આ અપરાધ ના પાપ માં થી મુક્તિ અપાવો. 

     હે નાથ, આપતો સર્વ ગુણો ના ભંડાર છો, બધું જાણો છો, માતા પિતા પર જો કોઈ કલંક રહી જશે તો જગત માં બદનામી થશે, માટે પાછાં અયોધ્યા પધારો અને પિતાજી પર લાગેલા કલંક નું નિરાકરણ કરો. 

   મારી માતા સીતાજી જનક નંદિની છે, કોમળ કાયા છે, માતાના મુલાયમ ચરણો જેને ક’દી રજ પણ સ્પર્શ ન કરી શકતી તે આજે મારા કારણે પ્રખર તાપ માં તપી રહ્યા છે. 

    પ્રભુ, મારા કેવાં પાપ હશે કે આપના સ્નેહ થી મારે અળગું થવું પડે,  કૈકેયી ના કટુ વચનો ના પાપે મારે આપનાથી વિમુખ થવું પડતું હોય તો એ જીવન શા કામનું ?

     અનેક રીતે શ્રી રામજીએ ભરત ને સમજાવી ને પોતાની પાદુકા પ્રસાદ રૂપ આપી અયોધ્યા જવા મનાવી લીધા, રઘુકુળ ના રાજ કુમાર છે  ભરતજી, પણ ધન્ય છે એમને કે એમણે રામ ચરણોમાં પોતાનું જીવન એક મહા સંત સમાણું ગુજાર્યું છે.


રચયિતા-

કેદારસિંહજી મે. જાડેજા

ગાંધીધામ

૯૪૨૬૧૪૦૩૬૫

kedarsinhjim.blogspot.com.


No comments:

Post a Comment