Sunday, May 14, 2023

પવિત્ર ૧૨ જ્યોતિર્લિંગ

પાપ નિવારક,  મોક્ષદાયક ભારત ના પવિત્ર ૧૨ જ્યોતિર્લિંગ


સુજ્ઞ મિત્રો,
અમેરિકાથી પ્રકાશિત થતા લોક પ્રિય મૅગેઝિન "રાષ્ટ્ર દર્પણ" કે જે અંગ્રેજી, ગુજરાતી અને હિંદી ભાષામાં છપાય છે, તેમાં ઘણાં સમય થી મારી ભજન રચનાઓ અને આર્ટિકલો ને સ્થાન આપવામાં આવે છે. ૨૦૧૮ ના મે માસના અંકમાં મારું એક ભજન કે જે રામાયણ ના પ્રસંગ પર આધારિત છે તે, અને મારું સંકલન પવિત્ર ૧૨ જ્યોતિર્લિંગ, પ્રકાશિત કરવામાં આવ્યું છે, આ ઉપરાંત આ અંકમાં મારું એક ભજન કે જે રામાયણ ના પ્રસંગ પર આધારિત અંગદ વિષ્ટિ પણ પ્રકાશિત કરવામાં આવ્યું છે, તે આપ સૌને પણ માણવા માટે અહીં રજૂ કરૂં છું.

  આ મૅગેઝિન આપ કોમ્પ્યુટર કે મોબાઈલ દ્વારા ગુગલ પરથી rashtra darpan ટાઈપ કરીને ડાઉનલોડ કરી શકો છો. 

પાપ નિવારક, મોક્ષદાયક ભારત ના પવિત્ર ૧૨ જ્યોતિર્લિંગ

 સાખી
સ્તંભ પ્રતીક સમ લિંગ, જ્યોતિર્લિંગ સ્થપાય
નિજ તેજ અપાર ભર્યું, જગ જન હિત સુખાય..

    सौराष्ट्रे सोमनाथं च श्रीशैले मल्लिकार्जुनम्। :उज्जयिन्यां महाकालमोंकारममलेश्वरम्॥1॥
    परल्यां वैद्यनाथं च डाकिन्यां भीमशंकरम्।:सेतुबन्धे तु रामेशं नागेशं दारुकावने॥2॥
    वाराणस्यां तु विश्वेशं त्र्यम्बकं गौतमीतटे।:हिमालये तु केदारं घृष्णेशं च शिवालये॥3॥
    एतानि ज्योतिर्लिंगानि सायं प्रात: पठेन्नर:।:सप्तजन्मकृतं पापं स्मरणेन विनश्यति॥4
      હિંદુ ધર્મ પુરાણોમાં શિવ જ્યાં સ્વયં પ્રગટ થયા તે 12 તીર્થ સ્થળો જયોતિર્લિંગો રૂપમાં પૂજાય છે, 12 રાશિવાળા લોકો પોતાની રાશિમુજબ શિવલિંગ ના દર્શન કરે અને બાકીના શિવલિંગ ના દર્શન ના થાય તો પણ તેને અચૂક લાભ થાય છે શિવ ની ભક્તિકષ્ટ નિવારક, આયુષ્ય વર્ધક સમસ્યા મુક્તિ, ઈચ્છાપૂર્તિ, અધિક લાભ દાયક, પાપ નાશક, સુખ સમૃદ્ધિ, સૌભાગ્ય વૃદ્ધિ જેવા અનેક લાભો સાથે કલ્યાણકારી છે- આ ભોળા દેવ માત્ર જળાભિષેકથી પણ સંતૃષ્ટ થાય છે. સોમનાથ, (મેષ ) મલ્લિકાર્જુન, (વૃષભ ) મહાકાળેશ્વર,(મિથુન) ઓમકારેશ્વર(કર્ક)કેદારનાથ,(કુંભ) ભીમાશંકર,(કન્યા) કાશી વિશ્વનાથ (ધન) ત્રંબકેશ્વર. (મકર) વૈદ્યનાથં (સિંહ) નાગેશ્વર.(વૃશ્ચિક) રામેશ્વરમ(તુલા) અને ઘૃષ્ણેશ્વર, (મીન) આ 12 જયોતિર્લિંગો ભારતમાં આવેલા છે.

 1, સોમનાથ-
---------------------
             ભારતીય ઉપખંડે પશ્ચિમ ખૂણે અરબીસમુન્દ્ર તટે આવેલું છે, ઋગ્વેદની નોંધ મુજબ સ્વયં ચંદ્ર દેવે તે બનાવેલું વિશ્વનું પ્રથમ  શિવમંદિર છે, તેથી સોમનાથ નામ પડ્યું. આ મંદિર હિન્દૂ ધર્મના ઉત્થાન પતન અને પુનઃ નિર્માણ નો બોલતો ઐતિહાસિક દસ્તાવેજ સમાન છે,   સોમનાથનું પહેલું મંદિર ૨૦૦૦ વર્ષ પહેલાં અસ્તિત્વમાં આવ્યું હોવાનું કહેવાય છે. ઇ.સ. ૬૪૯ની સાલમાં મંદિરનો જીર્ણોદ્ધાર કરી તેના સ્થાને બીજું મંદિર બનાવ્યું. વિધર્મીઓએ 17 વખત વારંવાર આક્રમણ સાથે આ મંદિર ઉધ્વસ્ત કરી, ધન, દૌલત, સમૃદ્ધિ લૂંટી અને અનેક ભક્ત તત્કાલીન રાજા રાણીઓ, સત્તાધીશો એ ઉદારતા થી મદદ કરી સોમનાથ નું પુનઃ નિર્માણ કર્યું અનેક યોધ્ધાઓએ મંદિરને બચાવવા માટે પ્રાણની આહુતિ આપી  શહીદી વહોરી હતી, જેમાં લાઠીના તે વખતના રાજા શ્રી હમીરજી ગોહિલે વીરતા-બાહદૂરતા પૂર્વક સામનો કરી પોતાનું બલિદાન આપી શહાદત વહોરી લીધેલી જેની સ્મૃતિમાં આજ પણ મંદિર પટાંગણમાં તેમની પ્રતિમા ઇતિહાસ ને યાદ અપાવે છે, આવા શિવભક્તની શહાદત નો ઉલ્લેખ તે જીવંત શ્રદ્ધા ના પ્રતીક સમી અવિસ્મરણીય યાદને "સોમનાથ ની સખાવત" નામે બિરદાવતા ઐતિહાસિક પુરાવાઓ છે.  ભારતના લોખંડી પુરુષ તથા પહેલા નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે નવેમ્બર ૧૩, ૧૯૪૭ નાં રોજ મંદિરનું પુન:ર્નિર્માણ કરવાની પ્રતિજ્ઞા કરી. આજનાં સોમનાથ મંદિરનું તેની મૂળ જગ્યા પર સાતમી વખત નિર્માણ થયું. જ્યારે ડિસેમ્બર ૧, ૧૯૯૫ના દિવસે આ મંદિરનું પુન:ર્નિર્માણ સમાપ્ત થયું ત્યારે તે સમયના ભારતના રાષ્ટ્રપતિ ડૉ. શંકર દયાળ શર્માએ દેશને મંદિર સમર્પિત કર્યું. ૧૯૫૧માં જ્યારે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે જ્યોતિર્લિંગની પ્રતિષ્ઠાન કરવાની વિધી કરી ત્યારે તેમણે કહ્યું કે, "સોમનાથનું આ મંદિર વિનાશ પર નિર્માણના વિજયનું પ્રતીક છે" શ્રી સોમનાથ  મંદિર ગુજરાત ના દક્ષીણે સમુદ્ર તટ પર આવેલું અલૌકિક સૌંદર્ય અને આસ્થા ધરાવે છે.

૨, મલ્લિકાર્જુન-
-----------------------
સ્કંધ પુરાણમાં શૈલ કાંડ નામનો અધ્યાય છે, તમિલ સંતો અને આદિ શંકરાચાર્યેઆ તીર્થ ઉપર સાહિત્ય રચનાઓ કરી છે. પ્રાચીન પુરાણ મહાભારત ગ્રંથમાં શ્રી શૈલમ ઉલ્લેખ છે જે આ મંદિર ની પ્રાચીનતા ઉપર પ્રકાશ પડે છે. શ્રી બ્રહ્મરાંભા મલ્લિકાર્જુન સ્વામીનું જયોર્તિલિંગ દેવી પાર્વતી ની શક્તિ પીઠો માં ગણાય છે, બીજી શતાબ્દીમાં તેની શોધ થયેલી અને વિજયનગરના સામ્રાજ્યમાં તેનું નવ નિર્માણ થયેલું કૃષ્ણ અને ગોદાવરી નદીના તીરે ૨૫૦૦ ફૂટ ઊંચા શ્રી શૈલ નામના પર્વત પર બિરાજમાન  શિવ તીર્થ ને દક્ષિણ ભારતનો કૈલાસ પર્વત કહે છે. આ સ્થળ હૈદરાબાદની દક્ષિણે ૨૨૦ કી.મી. દૂર છે. ભગવાન શંકર અહીં જયોર્તિલિંગના રૂપમાં સ્થિત થયા. દક્ષિણ ભારતમાં જૂઈનાં સફેદ ફૂલોને મલ્લિકાર્જુન કહે છે. આ વિસ્તારની એક રાજપુત્રી ચંદ્ભાવતી આ જ્યોતિર્લિંગ પર સફેદ જૂઈના પુષ્પ ચડાવતી. આથી તે લિંગ મલ્લિકાર્જુન કહેવાયું. શિલ્પકલાથી સભર ઊંચા ગોપુરમ વિશાળ પટાંગણ ધરાવતું ભવ્ય મંદિર છે. 

૩, મહાકાલેશ્વર-
----------------------
           ક્ષિપ્રા નદી ને તટે રુદ્ર સાગર સરોવર ના કિનારે વસેલું મહાકાલેશ્વર શિવ મંદિર ઉજ્જેન (મધ્યપ્રદેશ) માં આવેલુ આ જ્યોતિર્લિંગ એકમાત્ર દક્ષિણામુખ જ્યોતિર્લિંગ છે. એટલાં માટે આ જ્યોતિર્લિંગનું પૌરાણિક અને તાંત્રિક મહત્વ સૌથી વધુ છે. આ જ્યોતિર્લિંગ પણ સ્વયંભૂ છે. હકીકતમાં મહાકાલ જ્યોતિર્લિંગને દેવતાની સાથે સાથે ઉજ્જૈનના રાજાના સ્વરૂપે પણ પૂજાય છે. આને ઉદ્ધવની કથામાં અવંતિકાના રાજાના રૂપમાં પણ પ્રતિષ્ઠિત કરાયા છે. મંત્ર શક્તિથી 1736 માં પેશ્વાઇ સામ્રાજ્યમાં સ્થાપના થયેલી, આ મંદિર પાંચમાળ નું  છે અહીંની વહેલી પરોઢની ભસ્મ આરતી જગ વિખ્યાત છે. આ જ્યોતિર્લિંગ દર્શન આયુષ્ય વૃદ્ધિ અને સંકટ મુક્તિ અપાવે છે. 

૪, ઓમકારેશ્વર
----------------------
 માન્દ્યતઃ કે શિવપુરી ટાપુ નર્મદા કાંઠે આવેલા ૐકારેશ્વર અને અમરેશ્વર એમ બે શિવ મંદિરો છે, અમરેશ્વર એટલે દેવો ના ભગવાન, વિંધ્ય પર્વતની હારમાળા ને નિયંત્રિત કરતાં વિંધ્ય દેવતાએ રેતી તથા માટીના શિવલિંગ થી શંકર ભગવાનની પૂજા સહિત કઠોર તપ કર્યું, અંતે શિવજીએ પ્રસન્ન થઈને તેને વરદાન આપતાં તેની ઇચ્છા અનુસાર ભગવાન શિવ અહીં બે જયોર્તિલિંગ રૂપે સ્થિત થયા. જયોર્તિલિંગ ઓમકારેશ્વર કહેવાય છે. આ પર્વતનો ભૌગોલિક નકશો જોતાં ૐ જેવો આકાર બનતો હોવાથી આ સ્થળ ઓમકારેશ્વર નામથી વધુ લોકપ્રિય થયું. આ સાથે નર્મદા નદી પણ ॐ ના આકારે વહેતી દેખાય છે. ઇવાંક્ષુ કુળના માંધતા રાજાએ પણ ભગવાન શિવને પ્રસન્ન કરવા તપ કરી આશીર્વાદ મેળવેલા તેથી અમરેશ્વરમંદિર બન્યુ. શિવજી જયોર્તિલિંગ રૂપે જયાં સ્થિત થયા તે પહાડ ‘શિવપુરી’ કહેવાય છે. ઓમકારેશ્વરની સાથે પણ ઘણી બધી દંતકથાઓ જોડાયેલી છે. શંકરાચાર્યના ગુરુ ઓમકારેશ્વરની એક ગુફામાં રહેતા હતાં. 

૫, કેદારનાથ :
-------------------
                ઉત્તરાખંડ ઝારખંડમાં રુદ્રપ્રયાગ જિલ્લામાં હિમાચલ પર્વતના ખોળામાં આવેલું ચારધામ યાત્રાનું મંદાકિની નદી તટે એક ધામ તે  પંચકેદાર, સ્કન્દ પુરાણ, શિવપુરાણમાં આ મંદિર નો ઉલ્લેખ છે આ તીર્થ ભગવાન શિવ નું અતિ પ્રિય તીર્થ છે કેદારનાથ મંદિર પાંડવ વંશના જન્મેજયે સ્થાપેલું  આ મંદિર રાહુલ સાંકૃત્યાયન મત અનુસાર તે બારમી-તેરમી સદીનું હોવાનો અંદાઝ છે. 2013 માં વરસાદના પ્રચંડ તોફાનમાં  આવેલાં ભયંકર પૂર માં આ મંદિર ક્ષતિગ્રસ્ત બનેલું, પણ મૂળમંદિર ને ઉણી આંચ પણ આવેલી નહીં. જે વ્યક્તિ કેદારનાથની યાત્રા કર્યા વગર બદરીનાથની યાત્રા કરે છે તેની યાત્રા નિષ્ફળ જાય છે. આ સ્થળ દરિયાઈ સપાટીથી ૩૫૮૩ મીટર (૧૧,૭૫૫ ફૂટ) ઊંચાઈ પર આવેલું છે, અહીં વર્ષના છ મહિના બરફ છવાયેલો રહે છે આ મંદિર અખાત્રીજ થી કાર્તિક પૂર્ણિમા સુધી જ ખુલ્લું રહે છે, મંદિર ના કપાટ બંધ થતાં 6 મહિના માટે પંચમુખી પ્રતિમા ઊખી મઠ ખાતે લઇ જવાયછે, કેદારનાથ મંદાકિની નદીના કિનારે વસેલું છે.

૬, ભીમાશંકર:-
---------------------
સહ્યાદિ પર્વતના પશ્ચિમી ઘાટીમાં ભોરગિરિ ગામખેડ મહારાષ્ટ્રમાં કુદરતી સૌંદર્યથી ઘેરાયેલું છે. આ મંદિર ને મોટેશ્વર નામ પણ અપાયું છે. નાગરશૈલીના ઘાટના આ મંદિર ની મરામત પેશવાઈ રાજા નાના, ફડણવીશ દ્વારા થઈ હતી, લાલવન વિસ્તાર અને જંગલથી ઘેરાયેલું ક્ષેત્ર  પર્વત આરોહકો, પક્ષીવિદ્દ નિરીક્ષકો અને જંગલ ખેડુઓ તેમજ શિવ ભક્તો નું પ્રિય સ્થળ છે. શિવજી જે સ્થાન પર પ્રગટ થયા તે સ્થાન પર સ્વયંભૂ અને તેજસ્વી જ્યોર્તિલિંગ બની ગયું. આ સ્થાન પર શિવજીએ ભીમાસુરનો વધ કર્યો હોવાથી ભીમાશંકર તરીકે પ્રચલિત બન્યું. જે કુદરતી સૌંદર્ય થી ઘેરાયેલું  દ્રશ્યમય છે. અહીં બીલી પત્ર સાથે ગલગોટાને પણ શિવલિંગ પર અર્પણ કરવાની પ્રથા છે. સૂર્યોદય પહેલાં દર્શન કરે તે ભાવિક ના 7 જન્મોના પાપો નાશ પામે છે.

૭, કાશી વિશ્વનાથ-
--------------------------------
                             કાશી વિશ્વેશ્વર જ્યોતિર્લિંગ મંદિરને ગોલ્ડન ટૅમ્પલ તરીકે પણ ઓળખવામાં આવે છે. કાશી વિશ્વનાથ એ દ્વાદશ જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ છે. કાશી અથવા વારાણસી અથવા બનારસ એ દેવોના દેવ મહાદેવનું નિવાસસ્થાન ગણાય છે. ગંગાના પશ્ચિમ કાંઠે વસેલી કાશી નગરી સૌથી પુરાણી નગરી મનાય છે. કાશીને હિંદુ ધર્મગ્રંથોમાં સાત મોક્ષદાયી પુરીઓમાંની એક તરીકે પણ ઓળખવામાં આવે છે.

         12  જયોર્તિલિંગ ને પોત પોતાની પૌરાણિક કથાઓ જોડાયેલી છે.  વારાણસી શિવજીનું કાયમી નિવાસસ્થાન બની ગયું છે, શિવજીએ આ નગરની સ્થાપના ત્રિશૂળ પર કરી છે. 51 શક્તિપીઠમાંની એક શક્તિપીઠ મણિકર્ણિકા ઘાટે આવેલી છે. કાશી વિશ્વનાથનું હિંદુ ધર્મમાં એક વિશિષ્ટ મહત્વ છે. એક વખત દર્શન કરવાથી અને પવિત્ર ગંગા નદીમાં નહાવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ મંદિરનાં દર્શન  શંકરાચાર્ય, રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ, સ્વામી દયાનંદ, તુલસીદાસ જેવા અનેક સંતો, મહાત્માઓ એ કર્યાં છે એમ ઇતિહાસ બોલે છે, સોનાના શિખર સાથે કાશી નાથ નો વૈભવ સદાકાળ વૃદ્ધિવંત રહ્યો હોવાથી વિદેશીઓએ અનેક વાર અહીં લૂંટ ચલાવી છે અને મંદિર ઉધ્વસ્ત કર્યું છે, હિન્દૂ સત્તાધીશ રાજાઓ અને રાણીઓ દ્વારા મંદિર નો જીર્ણોદ્ધાર થયો છે.

૮, ત્ર્યંબકેશ્વર-
---------------------
મહારાષ્ટ્રમાં સહ્યાદિ પર્વતબ્રહ્મગિરિ તળેટીમાં આવેલું ત્ર્યંમ્બકેશ્વર સમુદ્રસપાટીએ થી 3000 ફૂટ ઉંચાઈ ધરાવતું આ શહેર છે. અહીં બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્ર, એમ ત્રણ શિવલિંગો એકી સાથે છે, કહેવાય છે કે જલધારા ના વધુ પડતાં અભિષેક થી શિવલિંગ પોતાના આકારો ગુમાવી ધીમે ધીમે ક્ષીણ થતા જાય છે, અને તે વિનાશ ની નિશાની છે એમ સંશોધનકારો નો મત છે. અહીં કિંમતી રત્નજડિત મુગટ જે પાંડવોના જમાનાથી ભોળાનાથ ને ધરાવાય છે, તે સોમવારે સાંજે 4થી 5 ભાવિકોના દર્શન માટે રખાય છે, આ મંદિર 500 વર્ષ પહેલાં પેશ્વા કાળમાં બન્યું  હોવાની ધારણા છે. ત્રણ લિંગનું બનેલુ આ જયોર્તિલિંગ ત્ર્યંબકેશ્વર કહેવાય છે. ગોદાવરી નદીના તટે વસેલું નાસિક દક્ષિણનું બનારસ પણ કહેવાય છે. કારણ કે અહીં સંખ્યાબંધ મંદિરો છે. દર બાર વર્ષે અહીં કુંભમેળો ભરાય છે, આજ આ જ્યોતિર્લિંગની મહાન વિશેષતા છે. અન્ય બધા જ જ્યોતિર્લિંગમાં ફક્ત ભગવાન શિવ જ બિરાજમાન છે. અહીં ત્રણ દેવો છે. ગૌત્તમ ઋષિ અને ગોદાવરી નદીના આગ્રહથી શિવ અહીં જ્યોર્તિલિંગ સ્વરૂપે બિરાજમાન છે .

૯- બૈદ્યનાથ :
-------------------------
          આ જ્યોતિર્લીંગ ઝારખંડના દેવગઢ નામના સ્થાને આવેલ છે. ઘણા લોકો આને બૈદ્યનાથ પણ કહે છે. દેવઘર એટલે દેવતાઓનુ ઘર. બૈદ્યનાથ જ્યોતિર્લીંગ અહીં આવેલું છે તે કારણે આને દેવઘર નામ મળેલ છે. આ જ્યોતિર્લીંગ એક સિધ્ધપીઠ છે. કહેવામાં આવે છે કે અહીંયા આવનાર દરેક વ્યક્તિની મનોકામનાઓ પરિપૂર્ણ થાય છે. આ લિંગને કામના લિંગ પણ કહેવામાં આવે છે.

   લંકેશ રાવણે આકરા તપ સાથે મસ્તક આહુતિ આપતા શિવજી પ્રકટ થયા અને વર માંગવા કહ્યું, તેમજ રાવણના મસ્તકો યથા સ્થાને જોડી આપ્યા. તેથી વૈદ્યનાથ કહેવાયાઆ મંદિરનો  ઉલ્લેખ આપણા શાસ્રો માં છે, ભારત આવેલા વિદેશી ઈતિહાસકાર ની નોંધ પોથી માં પણ નોંધ  થયેલી છે. 

૧૦, નાગેશ્વર:-
-------------------------
સૌરાષ્ટ્રમાં દ્વારિકા થી 17 માઈલે નાગેશ્વર મંદિર આવેલું છે. અનેક ગ્રંથોમાં દારુકવન નો ઉલ્લેખ છે, દ્વારકામાં દારુકા નામના એક રાક્ષસે નિરપરાધ એક શિવ ભક્ત સુપ્રિય કારાવાસમાં કેદ કરી દીધો હતો, આ ભક્તે પોતાની રક્ષા માટે ॐ નમ: શિવાય મંત્રનો જાપ કર્યો હતો. અવાજ સાંભળીને ભગવાન શિવ અહીંયાં પ્રગટ થયાં હતાં અને તેઓએ દાસ્કા રાક્ષસનો અંત કર્યો હતો. ત્યાર બાદ તેઓ જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રગટ થયા છે. કૃષ્ણે ગોપીઓનું વસ્ત્રાહરણ કરેલું તે ગોપી વન અહીં છે, તેની માટી ગોપીચંદન કપાળે તિલક કરવા વપરાય છે, ગુલશન કુમારે સ્થાપિત કરેલી અહીં વિરાટ સંધ્યસ્ત શિવજી ની પ્રતિમા મોટું આકર્ષણ છે

૧૧, રામેશ્વર :-
---------------
        રામેશ્વરમને હોન્દુઓના સૌથી પવિત્ર સ્થાનોમાંથી એક ગણવામાં આવ્યું છે, અને આ ચાર ધામની યાત્રાઓમાં એક સ્થળ માનવામાં આવે છે. રામેશ્વરમ જ્યોતિર્લિંગ ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાંથી એક છે. આ જ્યોતિર્લિંગના વિષે એવી માન્યતા છે કે, આ જ્યોતિર્લિંગની સ્થાપના સ્વયં હનુમાન પ્રિય ભગવાન શ્રીરામે કરી હતી. ભગવાન રામ દ્વારા સ્થાપિત કરવાના કારણે આ જ્યોતિર્લિંગને ભગવાન રામનું નામ રામેશ્વરમ આપવામાં આવ્યું છે. રામેશ્વરમ જ્યોતિર્લિંગ સ્થાપિત કરવાનો સબંધ પૌરાણિક ઘટનાથી બતાવેલો છે. જેમાં, ભગવાન શ્રી રામે પોતાની પત્ની દેવી સીતાને રાક્ષસરાજ રાવણની કેદથી મુક્ત કરવા માટે જે સમયે લંકા પર ચડાઈ કરી હતી, એ સમયે યુદ્ધ કરવાના પહેલાં શ્રીવિજયનો આશીર્વાદ મેળવવા માટે આ સ્થાન પર રેતથી શિવલિંગ બનાવી ભગવાન શિવની પૂજા કરી હતી. એ સમયથી આ જ્યોતિર્લિંગ હંમેશાં માટે અહીં સ્થાપિત થઇ ગયું. રામેશ્વરમ સ્થાન ભગવાન શિવના મુખ્ય ધામોમાં એક છે. આ જ્યોતિર્લિંગ તામિલનાડુ રાજ્યના રામનાથપુર નામના સ્થાનમાં આવેલું છે. ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગમાંથી એક હોવાના સાથે સાથે આ સ્થાન હિન્દુઓના ચાર ધામોમાંથી પણ એક છે. જે સ્થાન પર આ જ્યોતિર્લિંગ છે, તે સ્થાન સમુન્દરની નજીક છે તથા આ સ્થાન બંગાળની ખાડી અને હિન્દ મહાસાગરથી ઘેરાયેલું છે. આ ધાર્મિક સ્થળની સાથે સૌદર્ય સ્થળ પણ છે, કહેવાય છે કે ભગવાન રામે અહીં એક સેતુબંધ બનાવ્યો હતો, જે આજે પણ જોવાથી રામસેતુનો કેટલોક ભાગ જોઈ શકાય છે.

૧૨, ધૃષ્ણેશ્વર:--
---------------------------

 મહારાષ્ટ્રમાં ધૃષ્ણેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. આ મંદિર  ધૃશ્મેશ્વરના નામથી પણ ઓળખાય છે. બૌદ્ધ સાધુઓ દ્વારા નિર્માણ કરાયેલ ઇલોરાની પ્રસિદ્ધ ગુફાઓ પણ આ મંદિરની પાસે જ આવેલી છે.

       દ્વાદશ બાર જ્યોતિર્લિંગોમાં આ છેલ્લું પવિત્ર જ્યોતિર્લિંગ છે. તેને ધુશ્મેશ્વર, ધૃસૃણેશ્વર કે ધૃષ્ણેશ્વર પણ કહેવામાં આવે છે. તે મહારાષ્ટ્ર પ્રદેશમાં વેલુર ગામની પાસે આવેલું છે. 13 મી 14 મી શતાબ્દીમાં દિલ્હી સલ્તનતે આ મંદિર તોડેલું, 18 મી સદીમાં રાણી અહિલ્યાબાઇ હોલ્કરે આ મંદિર, તેમજ કાશી, સોમનાથ મંદિરો દુરસ્ત કરાવેલા, મંદિર માં શિલાલેખ, હસ્તપ્રતો, દીવાલો પર ના ચિત્રો, આ બધું આ મંદિરની  પ્રાચીનતાના સાક્ષી છે.
                        જ્યોતિર્લિંગોમાં  શિવનો અંશ છે જે દિવ્ય જયોતિ રૂપે પ્રાકટ્ય વાન છે, 12 શિવલિંગો જે સાગર તટે, નદી ઘાટે, પર્વતો માં, અને નગરો પાસે આવેલા છે. જયોતિર્લિંગ ના દર્શન ભાગ્ય શાલી જીવને થાય છે, આ 12 સ્થળો હિન્દૂ પુરાણોમાં શિવજી ની સ્વયંભૂ પ્રગટ થયેલી જગ્યાઓ છે, જે પવિત્ર તીર્થો ગણાય છે. જે માણસ નિત્ય સવાર સાંજ આ બાર જયોતિલિંગ નું સ્મરણ માત્ર કરે તો પણ 7 જન્મો ના પાપો નાશ પામે છે, અને તેને મોક્ષ મળે છે.

ઇતિ દ્વાદશજ્યોતિર્લિઙ્ગસ્મરણં સમ્પૂર્ણમ્

સંકલન-
કેદારસિંહજી એમ. જાડેજા
ગાંધીધામ. કચ્છ.(ગુજરાત )
મેઈલ:-kedarsinhjim@gmail.com બ્લોગ-kedarsinhjim.blogspot.com
ફોન-વોટ્સએપ/મો. નં. ૯૪૨૬૧૪૦૩૬૫/ ૮૧૬૦૬૩૦૪

1 comment: