ભજું ભોળાનાથ
ઢાળ-ફિલ્મી ગીત "તેરે પ્યારકા આસરા ચાહતા હું, વફા કર રહા હું"- ને મળતો
આવ્યો છું શરણે શિવજી, મુજને ઉગારો,
ભૂલી દોષ સઘળા મારા, સ્નેહ થી સ્વીકારો ... ટેક.
અજામિલ હતો ક્યાં એવો, દાસ પ્રભુ નો, સંત ના સબદથી પામ્યો માર્ગ હરી નો
ટાળ્યો ગોવિંદે ફેરો, ભવ સાગર નો, દેવા ધી દેવ તમે છો, શા ને ન તારો....
ગણિકાને ગોવિંદ કેરા, નામ નો સહારો, એક અરજ માં કીધો, ગજ નો ઉગારો
ભજું ભોળા શંભુ કે, રટું રામ નારો, રહે મારા શિર પર શિવજી, સદા હાથ તારો...
ધરું ધ્યાન તારું ત્યારે, મનડું ના ભટકે, માયા નઠારી માં, ચીતડું ના ચટકે
સદા ત્રિપુરારિ તારા, ચરણો માં અટકે, અહર્નિશ અંતર માં, રહે વાસ તારો...
"કેદાર" હું તારો તું છે, કેદાર નાથ મારો, રહે મારા શ્વાસો માં, સદા નાદ તારો
અંત સમયમાં શિવ જીવ, એક થનારો, દોષો પ્રજાળી સઘળા, શુદ્ધ સ્વીકારો..
ભાવાર્થ-
હે ભોળા નાથ, મેં ઘણાં પાપો કર્યા હશે પણ હવે હું આપના શરણે આવ્યો છું, માટે મારા બધા દોષ નો નાસ કરીને મને આપના શરણમાં લઈ લો.
હે નાથ, અજામિલ કોઈ મોટો ભક્ત ન હતો, એક સંતની સલાહ માનીને પોતાના પુત્ર નું નામ એણે નારાયણ રાખેલું, મરતી વેળાએ પુત્રને બોલાવવા માટે નારાયણ નારાયણ કરતો રહ્યો અને નારાયણ ના નામ માત્ર થી એ તરી ગયો, તો આપ તો દેવાધી દેવ છો, અને હું આપના શરણે આવ્યો છું, માટે મને આશરો આપજો.
એક ગણિકાએ પોપટ પાળેલો તેને રામ નામ શીખવવા માટે તે રામ રામ બોલ્યા કરતી, તેથી ભવ સાગર તરી ગઈ, હાથી નદીમાં પાણી પીવા ગયેલો ત્યાં મગર તેને પકડી પાણીમાં ખેંચવા લાગ્યો, જ્યારે ઇંચ ભર સૂંઢ બહાર રહી ત્યારે તેણે આર્તનાદ કરીને હરીને યાદ કર્યા, એણે કોઈ જપ તપ કર્યા હોય એવું મેં નથી સાંભળ્યું, છતાં તે તરી ગયો. હું કોઈ પણ નામ નો જાપ કરું, પણ આપ નો હાથ સદા મારા શિર પર રહે એવી આશા છે
હે ભોળા નાથ, જ્યારે હું તારું નામ જપું કે ધ્યાન ધરું, ત્યારે મારું મન સદા કાળ તારા ચરણોમાં લાગી રહે, સંસારી માયામાં કે અન્ય મોહ માં ફસાય નહીં.
હે નાથ મારું નામ "કેદાર" છે, પણ તું તો કેદારનાથ છે, એટલે કે તું તો મારો નાથ છે, અને જીવ અંતે તો શિવ માં ભળે છે, મારે પણ અંતે તો તારા તેજ માં ભળવાનું છે, માટે મારા બધા દોષો નો જલદી થી નાસ કરીદો જેથી મારો જીવ શુદ્ધ બની ને આપમાં લીન બની જાય.
રચયિતા:-
કેદારસિંહજી મે. જાડેજા "દીન" "દીન વાણી" ગ્રૂપ, ગાંધીધામ,
૯૪૨૬૧૪૦૩૬૫. આપ ગુગલ પર kedarsinhji અને YouTube માં
kedarsinhji m jadeja લખીને મારી રચનાઓ માણી શકશો.
No comments:
Post a Comment