Sunday, May 14, 2023

કીર્તન-નિરંતર નામ

              કીર્તન-નિરંતર નામ 
           નિરંતર નામ 
ઢાળ- હૂંતો વારી જાઉં નંદ કુમાર તમારા લટકા ને..જેવો..

નિરંતર રટતા તારું નામ,   અમોને સારું લાગે છે.
કરીએ વિધ વિધ નામે ગાન, અમોને પ્યારું લાગે છે.
  
માડી તું તો કેવી મોટી, મારી માડી ની પણ માડી
તોય છતાં ના નાની મારી,   તું તો જગની માડી
ભજતાં જનની જગદાધાર, અમને પ્યારું લાગે છે..

મઢ વાળી તું મઢમાં બેઠી,   મઢડે કોણ બિરાજે
કોયલા ડુંગર હર્ષદ માતા,   રવમાં રવેચી રાજે
ચોટીલે ચામુંડા ની આણ, ભક્તોના ભય ને ભગાડે છે.... 

એક જગા તું આશ પૂરે ને,  બીજે ત્રિશૂળ તાણે
ભક્ત જનોને ભાવે રમાડે, અવગુણ ઉર ના આણે
દૈત્યોના કરીને કામ તમામ, અભય પદ અમને આપે છે...

બહુરૂપા તું માવડી મારી,   ભક્તના ભાવ ને જાણે
ધ્યાન ધરી ને સાંભળે સૌનું, કદી’ અભાવ ન આણે
જગત નું કરવા ને કલ્યાણ,  અવિરત આતુર લાગે છે..  

દીન તણી મારી "દીન વાણી" ને,  અવિરત ધ્યાને ધરજો
દોષ ભલે હો અગણિત એમાં,  અવગુણ અળગાં કરજો
ગુણલા "કેદાર" હરદમ ગાય,   એવી આશા રાખે છે...

સાર;- હે મા, તું ભક્તોના દિલમાં અનેક નામે વાસ કરે છે, અમો આ નામો નું રટણ કરીને ભક્તિ સાથે આનંદ પણ પામી રહ્યા છીંએ. 
      હે મા, તું કેવડી મોટી મા છો ! તું તો મારી મા ની પણ મા છો,  છતાં તું મારી નાની નથી પણ જગત ની મા છો, આવી જગત જનની ને ભજતાં અમને ખૂબ આનંદ આવે છે.  
     હે મા, મઢ સ્થાનક માં તું મઢ વાળી નામે બિરાજમાન છો, તો મઢડા સ્થાનક માં મોગલ નામે, કોયલા ડુંગર પર હર્ષદ માતાના નામે, રવ માં રવેચી ના નામે તું ભક્તો ના દિલ પર રાજ કરેછે તો ચોટીલા માં ચામુંડા નામે તારી આણ એવી છે કે ભક્તો કોઈ રાક્ષસી પ્રવૃત્તિ નો ભય રાખતા નથી.   
     હે મા, ક્યાંક તું ભક્તો ની આશા પૂર્ણ કરે છે, તો ક્યાંક હાથમાં ત્રિશૂળ ધારણ કરીને રાક્ષસી વૃત્તિ ધરાવતા તત્વો નો નાસ કરે છે અને ભાવ સહિત ભક્તોની સંભાળ રાખે છે. 
     હે મા, તારાં તો અનેક રૂપ છે અને તું તારા ભક્તો ના ભાવ ને ધ્યાન થી સાંભળે છે, ક્યારેય પણ તને અભાવો આવતો નથી, મા તું તો જગત નું કલ્યાણ કરવા સદાય આતુર રહે છે.
     હે મા, મેં "દીન વાણી" નામે તારા ગુણગાન ગાવા ભક્તિ ગીતો-ભજનો ની રચના કરી છે, તેમાં કોઈ પણ ભૂલો હોય તો તેના પર ધ્યાન ન આપતાં હું સદા તારા ગીતડાં ગાતો રહું એવા આશીર્વાદ આપજે.

રચયિતા,
કેદારસિંહજી મે. જાડેજા
ગાંધીધામ. કચ્છ.૯૪૨૬૧૪૦૩૬૫


 

No comments:

Post a Comment