ફોટો-ગુગલ ના સહયોગ થી
જટાળો જોગી
જોગી જટાળો હરિના જોષ જોવે છે, સંગમાં ભુશંડી શિવના ચેલા થઈ ફરે છે...
રાજા દશરથ ના ઘરે આનંદ અનેરો, એક છે ઉપાધિ આજે બાળ કાં રડે છે...
પરખી શક્યા ના પીડા વૈદ કે હકીમો, લાગે છે લાલાને કોઈની નજરૂં નડે છે..
ગિરિ કૈલાસે થી આવ્યો છે અઘોરી, જાણે છે જંતર જોષી કુંડલી કરે છે...
બોલ્યો બાવાજી લાવો લાલો મારી ગોદ માં, ભૂત ને પિશાચો મોટાં અમ થી ડરે છે..
હરિ હર મલિયા ત્યારે જુગતિ અનેરી, કૌશલ્યા નો કુંવર હસતો જોષીડો રડે છે..
માડી તારો લાલો લાગે જગથી નિરાળો, જગદીશ્વર જેવી જાણે રેખાઓ મળે છે..
" કેદાર " ભુશંડી કેરાં ભાગ્ય શું વખાણું, હરિ કેરાં મુખથી પડેલાં એઠાં જમે છે...
સાર:- ભગવાને જ્યારે કૌશલ્યા માતા અને દશરથ રાજા ને ત્યાં રામ અવતાર ધારણ કર્યો તે સમયે મહાદેવ શિવ શ્રી રામના દર્શન કરવા અયોધ્યા પધાર્યા, સાથે કાગ ભુશંડીજી પણ પધાર્યા છે. પણ આતો રાજા દશરથજી નો દરબાર, સલામતી ખાતર ત્યાં સહજ પ્રવેશ તો નજ મળેને? પણ રામજી જાણી ગયા કે ભોળાનાથ પધાર્યા છે, તેથી તેમણે લીલા આદરી, અને ખૂબજ રડવા લાગ્યા, કોઈ પણ ઉપાય બાળક ને શાંત કરવામાં કારગત ન નીવડ્યો, આખા નગરમાં વાત ફેલાઈ ગઈ. ત્યારે મહાદેવે દ્વારપાળને જણાવ્યું કે અમો કૈલાસથી આવીએ છીએ, અમોને દશરથ નંદન નો ઇલાજ કરવાદો અમે બધા મંત્ર તંત્ર જાણીએ છીએ. અમોએ અનેક ભૂત પિશાચોને વશ કરી રાખેલા છે. મહાદેવ તો જોગી જેવા લાગતાં હતા, કાગ ભુશંડીજી ને પોતાના શિષ્ય ગણાવ્યા, ત્યારે દ્વારપાળે યોગ્ય પરવાનગી મેળવીને રાજમહેલ માં પ્રવેશ આપ્યો. ઉપાય કરવાના બહાને શિવજીએ કહ્યું કે બાળકને મારી ગોદમાં આપો, ત્યારે આ ભભૂતધારી ને જોઇ ને માતાને ડર તો લાગ્યો, કે આ જટા જૂટ લિબાસ વાળા ભભુતગર ને જોઈને મારો લાલ ડરી જશે, પરંતુ બીજો કોઈ ઇલાજ ન જણાતા, ભય વશ પણ બાળકને આ અઘોરીના ખોળામાં આપવોજ પડ્યો. પણ જેવી હર અને હરિની નજર મળી કે જાણે ચમત્કાર થયો હોય તેમ બાળ રામ તો શાંત બની ગયા, પણ પ્રેમ વશ ભગવાન શિવજીના નેત્રો માંથી આંસુ વહેવા લાગ્યા.
આ ચમત્કાર જોઇ ને માતા પિતાના આનંદ નો પાર ન રહ્યો, પછીતો શિવજી ને અનેક પ્રશ્નો પૂછીને બાળકના ભવિષ્ય વિષે જણાવવા કહ્યું, ત્યારે શિવજીએ આ બાળક તો સાક્ષાત્ ઈશ્વર જેવી હસ્ત રેખા સાથે જનમ્યો હોઈ ને ઐશ્વર્ય પ્રાપ્ત કરશે એવી ગર્ભિત વાત કરી, હરિ અને હરે એક બીજાને મન ભરીને માણ્યા બાદ જ્યારે શિવજીએ વિદાય માંગી ત્યારે અનેક ઉપહારો આપીને દશરથ રાજા અને કૌશલ્યા માતા સહિત સર્વે એ ભારે હ્રદયે વિદાય આપી. શિવ ને ઉપહારો ની શી ખેવના? પરંતુ પોતાનો ભેદ જાળવી રાખવા સ્વીકાર કરવો પડ્યો.
શિવજીએ તો રામને મન ભરીને માણ્યા, પરંતુ કાગ ભુશંડીજી તો ત્યાર બાદ અવાર-નવાર રામજીના દર્શને પધારવા લાગ્યા, રામજીની બાળલીલા માણે, અને જ્યારે રામજી માતાજીના હાથેથી ભાંખોડીયા ભરતાં ભરતાં બાલભોગ જમતા હોય, અને જ્યારે મુખમાંથી કંઈ જમીન પર પડે, તે કાગ ભુશંડીજી આ એઠાં મહા પ્રસાદને અમૃત સમાન ગણી ને જમે, કેવાં ભાગ્યશાળી.
No comments:
Post a Comment