Sunday, May 14, 2023

શિવ વિવાહ



ફોટો-ગુગલ ના સહયોગ થી

                        શિવ વિવાહ

સાખી..મસાણ રાખ પીઠી કરી, સર્પ કર્યા શણગાર
       જટા જૂટ ગંગા ધરી, શિવજી થયા તૈયાર

       રૂપ કુરૂપ ભૂત ભયંકર, ડાકણ વિધ વિધ જાત
       નર પિશાચ નવતર ઘણાં, ચાલી શિવની બરાત       
        
ઢાળ-કાગ બાપુનું ભજન "માતાજી કે બિવે મારો માવો રે, ડાઢિયાળો બાવો આવ્યો." જેવો.


પિનાકીન પરણવા ને આવ્યાં રે, મોંઘેરા મહેમાન સાથમાં.  
હિમાચલ હરખે ઘેરાયા રે, રહે નહી હૈયું હાથ માં...

જાન આવી ઝાંપે,   લોક સૌ ટાંપે.  
મોંઘાં મૂલા મહેમાનો ને મળશું રે,   સામૈયાં કરશું સાથ માં...

આવે જે ઉમા ને વરવા,   હશે કોઈ ગુણિયલ ગરવા. 
દોડ્યા સૌ દર્શન કરવા ઉમંગે રે, અનેરાં જનની આશ માં...

ભાળ્યો જ્યાં ભભૂતી ધારી, શિવજી ની સૂરત ન્યારી.  
માથે મોટી જટાયું વધારી રે,  વીંટાયો જાણે મૃગ ખાલ માં...

ભસ્મ છે લગાડી અંગે,   ફણીધર રાખ્યા સંગે.  
ભેળા ભૂત કરે છે ભેંકારા રે, ગોકીરો આખા ગામ માં...

બળદે સવારી કિધી, ગાંજો ભાંગ પ્યાલી પિધી.   
ભાગીરથી ભોળે શીશ પર લીધી રે, સજાવ્યો સોમને સાથ માં...

ગળે મૂંડકા ની માળા,   કંઠે વિષ રાખ્યાં કાળ.  
ત્રિનેત્રી આવ્યાં છે ત્રિશૂલ વાળા રે, તાણ્યું છે ત્રિપુંડ ભાલમાં...

ભૂંડા ભૂત નાચે,      રક્ત માં રાચે.   
શિવજીના દેખી નયનો નાચે રે,  બેસાડે લઈ ને બાથ માં...

ભૂતડાને આનંદ આજે,  કરે નાદ અંબર ગાજે.   
ડાકલા ને ડમરુ વગાડે રે,  રણશિંગા વાગે સાથ માં... 

આવ્યા મૈયા સ્વાગત કરવા, ભાળ્યા રૂપ શિવ ના વરવા. 
ભામિની ના ભાવિ ને વિચારે રે, સોંપુ કેમ શિવ ના હાથ માં...

નથી કોઈ માતા તેની,   નથી કોઈ બાંધવ બહેની.  
નથી કોઈ પિતાજી ની ઓળખાણુ રે, જનમ્યો છે જોગી કઈ જાત માં...

નથી કોઈ મહેલો બાંધ્યા,   નથી કોઈ સગપણ સાંધ્યા.   
નથી કોઈ ઠરવાના ઠેકાણા રે, રહે છે જઈને શ્મશાન માં...

સુખ શું ઉમાને આપે,    ભાળી જ્યાં કલેજાં કાંપે.   
સંસારીની રીતો ને શું જાણે રે, રહે જે ભૂત ની સાથ માં...

જાઓ સૌ જાઓ,      સ્વામી ને સમજાવો.   
ઉમિયા અભાગી થઈ જાશે રે, જાશે જો જોગી ની જાત માં...

નારદ વદે છે વાણી,  જોગી ને શક્યા નહી જાણી.   
ત્રિલોક નો તારણ હારો રે,     આવ્યો છે આપના ધામ માં...

ત્રિપુરારિ તારણ હારો,   દેવાધિ દેવ છે ન્યારો.  
નહી જન્મ મરણ કેરો જેને વારો રે,  અજન્મા શિવ પરમાત્મા...

ભામિની ભવાની તમારી,   શિવ કેરી શિવા પ્યારી.  
કરો તમે વાતો કૈંક તો વિચારી રે, સમજાવું શિવ રૂપ સાનમાં...

જાણ્યો શિવ મહિમા જ્યારે,  આવ્યો ઉર આનંદ ત્યારે.   
દોડ્યાં સૌ દર્શન કરવાને દ્વારે રે, ઝુકાવ્યું શીશ શિવ માન માં....

શિવના સામૈયાં કીધાં,    મોતીડે વધાવી લીધાં.   
હરખે રૂડાં આસન શિવજી ને દીધાં રે, બેસાડ્યા શિવ ગણ સાથ માં..

ઉમીયાજી ચોરી ચડિયાં,  શિવ સંગે ફેરા ફર્યા.  
ભોળો ને ભવાની આજે ફરી મળિયા રે, શોભે છે શિવા શિવ સાથ માં...

આનંદ અનેરો આજે,   હિલોળે હિમાળો ગાજે.  
" કેદાર " ની કરુણતા એ કેવી રે, ભળ્યો નહી ભૂત ની સાથ માં...

No comments:

Post a Comment