વિદુર ની ભાજી
૨૯.૧૨.૮૯
ગિરધારી મહેર કરી તેં મોરારિ
દીન ગરીબ પર દયા દરશાવી, ભાવી ભાજી મારી...
પુરી દ્વારિકા સોને મઢેલી, શોભા શિખર ની હીરલે જડેલી
વાયુ વાદળ વીંજણો ઢોળે, સેવા કરે તમારી...
નવલખ ધેનુ ગૌશાળા શોભાવે, મહી માખણ ના ભંડારી
અક્ષૌહિણી સૈન્ય ના સ્વામી શ્રી પતી, ચક્ર સુદર્શન ધારી...
દુર્યોધન નું દિલડું દુભાવ્યું, મોટપ મારી વધારી
છળ કપટ છોડી છોતરાં ચાવ્યા, સુલભા સ્નેહ સંભારી...
ભાવ થકી ભગવાન રિઝાવે, નેહ ન દેતો નિવારી
દીન "કેદાર" પર દયા દરશાવો, મુખ માં રમજો મોરારી....
ભાવાર્થ:- ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે મહાભારત નું યુદ્ધ ટાળવા માટે હસ્તિનાપુર પધાર્યા ત્યારે દુર્યોધને ભાત ભાત ના ભોજન બનાવીને ભગવાન નું સ્વાગત કરવાનું વિચારેલું, પણ જ્યારે સમજાવટ કામ ન આવી, યુદ્ધ અનિવાર્ય બન્યું, કૌરવો માન્યા નહીં ત્યારે ભગવાન ને ખૂબ દુખ થયું, મન વિચલિત થઈ ગયું, દુર્યોધન નો આગ્રહ હોવા છતાં તેના મહેલમાં ભોજન લેવા મન ન માન્યું ત્યારે પ્રભુ વિદુર ની ઝૂંપડી જેવા નિવાસ સ્થાન પર ભોજન લેવા પધાર્યા.
સોના ની દ્વારિકાનો માલિક(અખંડ બ્રહ્માંડ નો નાયક) જેના શિખરો પર હીરા મોતી જડેલા હોય, વાદળો વીંજણો બનીને વાયુ ઢોળતા હોય, જેના આંગણે નવ લાખ ગાયો ની ગૌશાળા હોય, મહી અને માખણ ના ભંડાર ભરેલા હોય, જે અક્ષૌહિણી સેના ના માલિક હોય (અક્ષૌહિણી= એક આંકડા ઉપર ૨૧ મીંડા ચડે તેટલી સંખ્યા.) જેની સેવામાં સુદર્શન ચક્ર હોય, એવા હે પ્રભુ, આપે દુર્યોધન ના મહેલમાં ભાત ભાત ના ભોજન ને ન સ્વીકારતાં મારા જેવા પામર ને ત્યાં પધારી ને પ્રેમ માં ભાન ભૂલેલી મારી પત્ની સુલભાએ આપેલા છોતરાં સ્વીકાર્યા અને મારું માન વધાર્યું.
આમ જો કોઈ જીવ છળ કપટ છોડીને જો ઈશ્વર ની ભક્તિ કરે તો કોઈ વેદ પુરાણ કે અન્ય શાસ્ત્રો ભણવાની જરૂર નથી, બસ સાચા મન થી હરિ નામ બોલો તો પણ બેડો પાર થઈ જાય છે.
જય શ્રી કૃષ્ણ.
રચયિતા-
કેદારસિંહજી મે. જાડેજા
ગાંધીધામ
૯૪૨૬૧૪૦૩૬૫
kedarsinhjim.blogspot.com.
ફોટો-ગુગલ ના સહયોગ થી
No comments:
Post a Comment