Monday, May 15, 2023

યાત્રા નો સાચો અર્થ અને સાચો આનંદ.

                              યાત્રા નો સાચો અર્થ અને સાચો આનંદ.                          

તા. ૧૧.૬.૨૨.

  મિત્રો, આપણાં શાસ્ત્ર પ્રમાણે ઈશ્વર ની ભક્તિ માટે ના અનેક પ્રકાર સંતો મહંતો અને ગુરુઓ એ બતાવેલા છે. પૂજા અર્ચન મંત્ર જાપ કે યાત્રા, આજે મારે આ યાત્રા બાબત થોડી મારી બુદ્ધિ પ્રમાણે અને અનુભવ પ્રમાણે વાત કરવી છે. 

    યાત્રા ના અનેક પ્રકારો છે, જેમ કે ચાલી ને-વાહન માં કે હવાઈ માર્ગે જવું, આ બધું આર્થિક સગવડ પ્રમાણે કરી શકાય છે, આનો લાભ પણ અલગ અલગ રીતે મળે છે, કદાચ એમ લાગે કે યાત્રા તો યાત્રા છે, તો અલગ અલગ લાભ કેમ? તો હું થોડી સમજ આપું.

      પહેલા ના જમાના માં આજના જેવા સાધનો ન હતા, સગવડ વાળા લોકો હાથી ઘોડા કે પાલખી માં યાત્રા કરતા, જ્યારે અન્ય લોકો ચાલીને જતા. મારી વાડી માં રામદેવજી નું સુંદર મંદિર છે, દર બીજ ના અમો રાત્રે ભજન કરવા જતા, ઠંડી કે વર્ષા હોય ધાબળા ઓઢીને કે ગારો ખૂંદતા જવાનું, અને આખા રસ્તે ફક્ત ભજન-ભક્તિ કે સંતો ની વાતો થતી, અને મોડી રાત્રે ભજન સમાપ્ત થાય ત્યારે પાછું ફરવાનું, આ એક યાત્રા ૨૦, કી.મી. ની રહેતી પણ સતત ભજન-ભક્તિ સાથે ની વાતો સાથે થતી તેથી તે સંપૂર્ણ રીતે સાર્થક રહેતી જે બધા આ રીતે યાત્રા કરનારાઓ માટે છે. 

      બીજો પ્રકાર છે લાંબી યાત્રા ચાલીને- વાહન કે અન્ય સવારી કરીને કરવી. મેં હિમાલય થી રામેશ્વર-તિરુપતી બાલાજી અને દ્વારિકાધીશ જેવી ઘણી અને ઘણી વખત યાત્રા કરી છે, મારો અનુભવ છે કે યાત્રા માટેના પહેલા પગલા થી આપની વિચાર ધારા બદલી જાય છે, સર્વ અવગુણ સંપન્ન માણસ પણ યાત્રા દરમિયાન ખોટું કામ કરી સકતો નથી, હા શ્રાપિત આત્મા માટે યાત્રા નો કોઈ મતલબ નથી હોતો, એ તો ત્યાં પણ નરક શોધતો રહે છે, અને પછી સબડતો રહે છે. વાહનો માં પણ અલગ અલગ લાભ મળે છે, હિમાલય જેવા પૃથ્વી પર ના સ્વર્ગ માં ચાલતા-ડોલી માં કે ખચ્ચર પર ત્યાંની સુંદરતા અને ઈશ્વર ની રચના નું દર્શન કરતાં કરતાં શારીરિક-માનસિક અને ધાર્મિક લાભ સાથે યાત્રા કરતાં જે આનંદ મળે છે તે અવર્ણનીય છે, મન સદા હરિ દર્શન સાથે પ્રફુલ્લિત રહે છે જે યાત્રા નો સાચો ઉદ્દેશ હોય છે, અને ત્યાર બાદ જીવન ભર આ યાદો તાજી કરીને તેનું નિરંતર રટણ કરવું તે પણ કોઈ યાત્રા થી ઓછું નથી, પણ મારું માનવું છે કે ચાલીને થતી યાત્રા નું પુણ્ય અન્ય વાહન દ્વારા કરાતી યાત્રા કરતાં અનેક ગણું છે, કદાચ તમને લાગે કે તો પછી ડોલી ખચ્ચર વાળાની આજીવિકા નું શું ? સાચી વાત છે, જેમની આર્થિક સ્થિતિ નબળી છે તે તો ચાલીને જ જવાના છે, પણ શારીરક નિર્બળતા ન હોય અને તમે સાધન સંપન્ન હો તો એને થોડા પૈસા આપીને પણ પુણ્ય કમાઈ શકો છો, અથવા ડોલી ખચ્ચર ભાડે કરો પણ સવારી કરવાને બદલે સાથે રાખો, ભલે થોડો સામાન લાદો, એની રોજી પણ ચાલશે અને સન્માન પણ જળવાશે અને પ્રાણી પર પણ ઉપકાર થશે તેમજ તેના માલિકને લાગશે કે અમે મફત પૈસા નથી લેતા.      

    હવે વાત કરીએ હવાઈ યાત્રા ની, હવાઈજહાજ માં બેસવું એ પણ જીવન નો એક લહાવો છે, મેં દેશ અને વિદેશોમાં પણ આ લહાવો લીધો છે, પણ તે યાત્રા નહીં પ્રવાસ હતો, ત્યાં થી પણ હરિ ની લીલા ના અલૌકિક દર્શન કર્યા છે, પણ હવાઈ યાત્રા માં થી આવેલા લોકો ના અનુભવો મેં જાણ્યા છે, જેમાં હરિ દર્શન કરતાં હવાઈ જહાજ ના અનુભવો નું વર્ણન વધારે સાંભળવા મળે છે, ત્યારે યાત્રા ને બદલે તે પ્રવાસ માં બદલી જાય છે. છતાં હું માનુ છું કે "તુલસી મેરે રામ કો રીજ ભજો કે ખીજ, ઊલટા સૂલટા બોઈએં સિધા ઊગે બીજ." એ નાતે લાભ તો મળે જે છે, પણ જો હરિ હૃદય માં રહે તો યાત્રા મોટી યાત્રા નું ભાતું બની રહે.

    અને છેલ્લે, ઘણાં સંતો મહંતો કોઈ ગુફામાં સમાધિ લગાવીને બેસી જાય છે, આ ભક્તિ ની પરાકાષ્ઠા છે, જે સામાન્ય માનવી નથી કરી શકતો. જ્યારે કોઈ કોઈ પોતાના શરીર માં રહેલા ઈશ્વર ને ઓળખીને આંતરજ્ઞ બની જાય છે, આ મારા મતે મહા યાત્રા માટે નો મોક્ષ માર્ગ છે.

 

જય માતાજી, જય નારાયણ.

કેદારસિંહજી મે. જાડેજા

ગાંધીધામ, ૯૪૨૬૧૪૦૩૬૫

kedarsinhjim.blogspot.com.


No comments:

Post a Comment