"કવીતાની પગદંડી"
મિત્રો, હાલમાં ચૈત્રી નવરાત્રિ ચાલેછે, પણ મારે આસો માસની નવરાત્રિ ની વાત કરવી છે.
લગભગ ૧૯૮૫ થી ૯૦ ની આસ પાસ ની વાત છે, હું ગાંધીધામમાં ઓસલો સોસાયટીમાં આવેલા "જમના બિલ્ડિંગ" માં રહેતો હતો અને ઓસલો સોસાયટીમાં "નવદુર્ગા નવરાત્રિ મંડળ" માં ગરબા ગાતો. (માનદ સેવા આપતો.) મોટા ભાગે હું માય મંદિર દ્વારા પ્રકાશિત થતા ભાવ ભર્યા ગરબાઓ ગાતો જે ધર્મ પ્રેમી લોકો ને ખૂબ ગમતા, મંડળના પ્રમુખ શ્રી મોહન ધારસી ને પણ ખૂબ ગમતા અને મને ખૂબ પ્રોત્સાહન આપતા. ત્રણેક વર્ષ તો બધું બરાબર ચાલ્યું પણ પછી જેમ જેમ ગરબાઓમાં નાવીન્ય અને તાલ (rhythm) માં આધુનિકતા આવવા લગી તેમ સોસાયટીના યુવા વર્ગ તરફથી મને પણ મારી ગાયકીમાં આધુનિકતા લાવવા માટે આગ્રહ થવા લાગ્યો.
એ સમયે હજુ આજના જેવી ભેળસેળ ગરબામાં થતી ન હતી પણ ફિલ્મી ગીતો અને હાલાજી તારા હાથ વખાણું જેવા શૌર્ય ગીતો પ્રવેશ કરી ચૂક્યા હતા, પણ મને આવા ગીતો ગરબામાં ગાવા ગમતા નહીં, પણ યુવા વર્ગને નારાજ ન કરવા મેં હાલાજી ના ગીત જેવા ઢાળ માં " શું વખાણું" ના નામે એક જોડકું બનાવીને ગાવાનું શરુ કરી દીધું. યુવા વર્ગને શબ્દોની તો ખબર ન રહી પણ ઢાળના લીધે ચાલી ગયું, પણ શ્રી મોહન ભાઈને ઢાળ ની સાથે શબ્દો પણ ગમ્યા, આમ અનાયાસ મારી ભજન/ગરબા ની રચના ની શરૂઆત થઈ. ત્યાર બાદ તો ઈશ્વર કૃપાથી એક પછી એક રચના બનતી ગઈ અને નવદુર્ગા ચોકમાં રજૂ થતી ગઈ, અને તેથીજ મારી રચનાઓમાં નવદુર્ગા ચોક નો ઉલ્લેખ આપને જણાશે.
મારા મિત્ર શ્રી જયેન્દ્રભાઈ શુકલા ના પિતાશ્રી સ્વતંત્ર સેનાની શ્રી કાંતીભાઈ શુકલાના પ્રયાસો થી ૧૯૮૩ માં ગાંધીધામ માં પુ. મોરારી બાપુ ની પ્રથમ રામ કથા યોજવામાં આવી, જેમાં અમો સર્વે મિત્રો સવાર થી રાત્રિ સુધી સતત પુ. બાપુ ના અંતરંગ સાંનિધ્ય નો લહાવો મેળવી શક્યા. જેમ જેમ કથા આગળ વધતી ગઈ અને પુ. બાપુના મુખે થી પ્રસંગોની ગંગા વહેવા લાગી તેમ તેમ મારા હ્રદયમાંથી કવી જાગતો ગયો અને પ્રાસંગિક રચનાઓ બનતી ગઈ.
૧૯૯૧માં હું ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેવા આવ્યો, ત્યાં ઘણાં મિત્રો મારા ગરબાઓ માણી ચૂકેલા તેમણે મળીને પ્રમાણમાં ભવ્ય ગરબી મંડળ ની રચના કરી અને કવી શ્રી "દાદ" મારા અંગત સંબંધ ને માન આપીને કોઈ પણ પુરસ્કારના આગ્રહ વિના પધાર્યા અને અમારી ગરબી ગાંધીધામ અને કચ્છના અખબારોમાં પ્રખ્યાતિ પામી ગઈ. આ સમય દરમિયાન એકજ મંચ પરથી પોત પોતાની રચના રજૂ કરવાનો લહાવો તો મળ્યો પણ મને શ્રી "દાદ"નું મહામૂલું માર્ગદર્શન મળ્યું અને મારી રચનામાં ઊંડાણ આવતું ગયું. આ હતી મારી "કવીતાની પગદંડી".
મારી પ્રથમ રચના અહીં રજુ કરી છે,
શું વખાણું ?
રાવણ સરીખો રાજિયો હો, જાણે પાપ ની ખાણું
કે રામજી ના રાજ ને વખાણું, કે સીતાજી ના સત ને વખાણું...
રૂસીઓ કેરી રાવ સૂણી ને, શેષ કેરો સંગાથ કરી ને
ભરત શત્રુઘ્ન ભ્રાતા કરી ને, દશરથ ઘેર પધારે...
વિશ્વામિત્ર નો યજ્ઞ સુધારી, અસુર નારી તાડકા મારી
શિલા હતી તે અહલ્યા તારી, જનકપુરી માં પધારે...
વ્યથા જનક ની ઉર માં ધરી ને, શિવ ધનુષ નો ભંગ કરી ને
જનક દુલારી કર ગ્રહી ને, સીતા રામ કહાવે...
કૂબડી વચને કૈકેઇ લોભાણી, માંગ્યા વચન દયા ઉર ન આણી
પિતાજી કેરી આગ્યા પાળી, વન વગડા માં પધારે...
પંચવટી વન પાવન કીધાં, સુર્પણખા ના મદ હરિ લીધાં
સીતા રૂપ માયા ના કીધાં, માયા હરણ કરાવે...
શબરી કેરો પ્રેમ પિછાણી, એઠાં ફળ ની મીઠપ માણી
સ્નેહ થકી સમર્પિત જાણી, નવધા ભક્તિ ભણાવે...
બજરંગ જેવા બળિયા મલિયા, વિભીષણ સરીખાં ભક્તો ભળિયા
સુગ્રિવ અંગદ યુદ્ધે ચડિયા, રાવણ કુળ સંહારે...
અયોધ્યા કેરી ગાદી માંડી, ધોબી વચને વૈદેહી છાંડી
માયા ઉપર મીટ ન માંડી, " કેદાર " ગુણલા ગાવે...
કેદારસિંહજી એમ. જાડેજા
ગાંધીધામ. કચ્છ.(ગુજરાત )
મેઈલ:-kedarsinhjim@gmail.com
મો. નં. ૯૪૨૬૧૪૦૩૬૫
No comments:
Post a Comment