Sunday, May 14, 2023

શિવ વંદના

       
                                            શિવ વંદના

ભજું ભોળા શંભુ છે અરજી આ મારી,  સદાકાળ શિવજી કરું ભક્તિ તમારી...

મળ્યું છે અમૂલખ આ જીવન શિવ મારું, રહે શ્વાસો શ્વાસો માં સમરણ તમારું
આપો મતી એવી કરુણા કરી દાતા,   ન વળગે કદી કોઈ માયા નઠારી....  

ના બંધન હો જગના, ના ધન ની બહુ આશા, ના પર ની પળોજણ, તુજ રટણા અભિલાષા
છે પ્રાર્થના પ્રભુ કૈલાસ વાસી,   ગણી દાસ તારો સ્વીકારો વિષ ધારી.... 

ભર્યા છે ભંડારો ભભૂત ના ઓ ભોળા, ચડ્યા તારા શીરે કોઈ કરમી બહુ થોડા 
આ પાપી અભાગી તન આવે તુજ શરણે,     દયા દાખવીને લપેટી તું લેજે....

ન જાણું હું મંત્રો ન કર્મો કે પૂજા, ન લાગે મન તુજમાં ન અંતર માં ઊર્જા 
છે "કેદાર" કેરી એક વીનતી વિશ્વેશ્વર, કરું જન્મે જન્મે હું ભક્તિ તમારી..  
૭.૮.૧૯

ભાવાર્થ:- હે ભોળા નાથ, આપ તો તુરંત પ્રસન્ન થાવ એવા ભોળા છો, મારી એકજ પ્રાર્થના છે કે હું સદા આપની ભક્તિ કરતો અરહું.
હે નાથ આપની કૃપા થી મને આ અમૂલખ માનવ જીવન મળ્યું છે, હવે મને એવી સમજણ આપો કે મને કોઈ માયા ન વળગે.
   કોઈ જગના બંધન મને ન વળગે, ધન પણ એટલુંજ આપજે કે હું મારો નિર્વાહ કરી શકું, બસ તારો દાસ બની ને તારા ગુણ ગાન ગાતો રહું એજ એક મારી પ્રાર્થના છે.
   આપ નો તો વાસ સ્મશાનમાં છે, અનેક લોકો ને ત્યાં ચિત્તા પર દાહ દેવામાં આવે છે, એ ભસ્મ ના ત્યાં ભંડાર ભર્યા છે, પણ એમાં થી જે ભાગ્યશાળી હતા તેનીજ ભભૂત આપના અંગે કે જટા સુધી પહોંચી શકી છે, પણ મારો આ દેહ જ્યારે આપના શ્મશાન માં ભસ્મીભૂત થાય ત્યારે દયા દાખવી ને એ ભસ્મ તારા અંગે અંગ માં લપેટી લેજે.
   હું કોઇ મંત્રો નથી જાણતો, મારું મન તારામાં તલ્લીન નથી થતું, કે અંતરમાં ભક્તિ નો કોઈ શ્રોત પણ નથી, છતાં મારી અરજ છે કે મને તારા નામ નો અવિરત જાપ  હું જન્મો જન્મ કરતો રહું એવા આશીર્વાદ આપજે.

   જય ભોળેનાથ.

No comments:

Post a Comment