Sunday, May 14, 2023

જીવાત્મા ને જાણો, પરમાત્મા પરખાઈ જશે

            જીવાત્મા ને જાણો, પરમાત્મા પરખાઈ જશે.


     મિત્રો ઈશ્વર ને મોટા મોટા સંતો-મહંતો કે ભક્તો પણ જાણી શક્યા નથી/સમજી શક્યા નથી, અરે સુદામા-વિદુર જેવા બક્તો કે જે ઈશ્વર ની સાથે રહેતાં હોવા છતાં ન સમજી શકે તો સામાન્ય માણસ ની શી વિસાત ? પણ આ સામાન્ય માનવ ઈશ્વરે બનાવેલી દરેક કૃતિઓમાં સર્વોચ્ચ છે, અને ઈશ્વર ને તે પ્રિય છે, અને તેનું પ્રમાણ છે રામાયણ ની આ ચોપાઈ. "सब मम प्रिय सब मम उपजाए, सबसे अधिक मनुज मोहे भाए"  તેથી માનવી ને ઇશ્વરે જે આપ્યું છે તે અન્ય કોઈ ને પણ આપ્યું નથી, તેથીજ કદાચ ઇશ્વરે વધારે માં વધારે અવતાર માનવ શરીરે લીધા છે. આપણાં શાસ્ત્ર કહે છે કે આપણાં શરીર માં બેઠેલા ઈશ્વર ને ઓળખી લો તો અન્ય કોઈ જગ્યાએ ઈશ્વર ને શોધવાની જરૂર નથી. પણ માનવ ને આટલું બધું આપ્યું તેમાં સાથે ડોઢ ડહાપણ પણ આપ્યું, અને તેથી માનવી પોતાની ક્ષમતા થી વધારે વિચારવા લાગ્યો અને અન્ય થી પોતાને વધારે સમજવા લાગ્યો ત્યાર થી બધા દુખો ની શરૂઆત થઈ. સુવર્ણ ની લંકા ના રાજા રાવણ પાસે શું ન હતું ? નવ નવ ગ્રહો તેના હુકમ પ્રમાણે ચાલતા, પણ "હું" આવ્યું અને હણાયો, જો પોતામાં રહેલા રામ ને જાણ્યા હોત તો રામ સાથે યુદ્ધ ન કર્યું હોત.(જો કે આ એક લીલા હતી.)

        અનેક સંતો અને ઋષિ મુનિઓ સંસાર છોડીને એકાંતમાં તપ કરવા જતા રહે છે, ત્યાં કોઈ મંદિર કે મૂર્તિ હોતી નથી, તો ત્યાં કોની પૂજા કરે છે! મારા ધારવા પ્રમાણે તેઓ પોતામાં રહેલા રામ ની આરાધના કરે છે અને ભવસાગર તરવા ની કુંજી શોધી લે છે. સામાન્ય માનવ કદાચ આવી તપસ્યા ન કરી શકે, પણ અન્ય જીવ માં રહેલા રામ ને ઓળખી લે તો બેડો પાર થઈ જાય.

      આજે માનવ માનવ થી લડે છે, દેશ બીજા દેશ થી લડે છે, તેથી લડાઇઓ થાય છે, અને આ લડાઇઓ જીતવા માટે બીજા થી શ્રેષ્ઠ હથિયારો રાખવા પડે છે, સેના-જાસૂસો રાખવા પડે છે, બીજા થી સવાયા હથિયાર-બૉમ્બ-બંદુક કે તોપો પણ રાખવી કે બનાવવી પડે છે, લશ્કરી વાહનો, ફાઇટર વિમાનો-સબમરીન કે લડાકુ જહાજો રાખવા પડે છે, અને નવા નવા હથિયારો બનાવવા માટે વૈજ્ઞાનિક રોકવા પડે છે, સંશોધન કાર્ય માટે અનેક ઉપકરણો વસાવવા અરબો ખરબો નો ખર્ચ કરવો પડે છે. જો ફક્ત માનવી માનવી માં ઈશ્વર ને જોતો કે શોધતો થઈ જાય તો સ્વર્ગ ની શોધ કરવા ની પણ જરૂર ન પડે, ધરતી પર જ સ્વર્ગ મળી જાય. લડાઈ માટે ખર્ચાતું અરબો ખરબો નું ધન અન્ય શુભ કાર્યો માં વાપરી શકાય, આવા કારખાના બંધ થાય તો રોજગારની ચિંતા ન કરતા, ઈશ્વર જન્મ આપે છે ત્યારથીજ પોષણ આપવાની જવાબદારી પોતાના શિર પર લે છે.

       ઈશ્વરે જે આપ્યું છે તેનાથી સંતોષ ન થવાનું કારણ એ છે કે આપણને પુરી માહિતી નથી અથવા ઝીણી નજરે જોવાનો સમય નથી કે જાણી શકવાની બુદ્ધિ નથી, કોરોનાએ પ્રાણવાયુ ની કિંમત સમજાવી, કેટલા લોકો પ્રાણવાયુ ના અભાવે મૃત્યુ પામ્યા, પ્રાણવાયુ જીવન આપે છે અને કાર્બન ડાયોક્સાઇડ મૃત્યુ સુધી પણ પહોંચાડી શકે છે, આ પ્રાણવાયુ ક્યાં થી આવે છે ! વૃક્ષો રાત્રિના સમયે આ પ્રાણ ઘાતક કાર્બન ગ્રહણ કરી લે છે અને દિવસે પ્રાણવાયુ બહાર કાઢે છે, પણ આપણે વૃક્ષો રહેવા દીધા નથી, મને યાદ છે, મારા ગામ માં બાવળ ની કાંટ હતી, જેની માલિકી અમારી હતી, જેમાં ગાય ભેંસ જેવું પ્રાણી ઘૂસી જાય તો શોધવું મુશ્કેલ પડે, સમય સમય પર આ કાંટ કાપવામાં આવતી અને નવા બાવળો રોપવામાં આવતા, આજે આ કાંટ ની માલિકી સરકાર ની છે પણ કાંટ નથી. પ્રગતિ ના નામે આપણે વૃક્ષો કાપ્યા પણ વાવ્યા નહીં, પ્રાણવાયુ ક્યાં થી મળે? યંત્રો દ્વારા એકઠો કરવો પડે છે. 

        વરસાદ આવે એટલે નદીઓ-તળાવો ભરાય, જમીનમાં પાણી ઊતરે, ખેતી થાય, પોષણ મળે, પણ જંગલો માં વાવણી કોણ કરે છે? જંગલી પશુ-પક્ષીઓ ફળ-ફૂલ ખાય, એના ફેંકી દીધેલા કે વિષ્ઠા માં થી બીજ ધરતી પર પડે અને પાંગરે, પણ આ જંગલી જીવ મરે ત્યારે તેનો અંતિમ સંસ્કાર કોણ કરે? ઈશ્વરે મડદા ખાનારા જીવ રચ્યા છે જે આ સફાઈ કરે છે. માંસાહારી પશુઓ વસ્તિ નિયંત્રિત રાખે છે, આ પ્રાણીઓ ને ભોજન માટે રાત્રિના શિકાર કરવો પડે છે, તેમની પાસે લાઈટો ની સુવિધા નથી પણ તે અંધારાંમાં આપણા થી અનેક ગણું જોઇ શકે છે તેથી તે આસાની થી ભોજન પ્રાપ્ત કરી શકે છે. હજારો કીલો મીટર ની સફર કરીને આવતા કુંજ જેવા અનેક પક્ષીઓ ભારત જેવા દેશોમાં આવે છે અને સમય જતાં પાછાં પોતાના વતન માં પહોંચી જાય છે, આ પક્ષીઓ પાસે કોઈ માર્ગ દર્શક યંત્રો હોતા નથી, છતાં પોતાનો માર્ગ કેવી રીતે શોધે છે ? વરસાદ પૂરો થાય પછી સંગ્રહ થયેલું પાણી સૂર્ય પ્રકાશ થી સોસાવા લાગે, પછી પાણી માટે વર્ષા ઋતુ ની રાહ જોવી? ના ઈશ્વરે પર્વતો નું નિર્માણ ફક્ત યાત્રા સ્થળ કે પર્વતારોહણ માટે નથી કર્યું, ત્યાં એકઠો થયેલો બરફ ગરમી પડતાં પીગળવા લાગે અને મોટી મોટી નદીઓમાં એનું પાણી વહેતું થાય જે થી બારે માસ પાણી મળતું રહે છે, આજ કાલ આપણે મિનરલ વોટર નો ઉપયોગ કરીએ છીંએ, પણ જાનવરો વરસાદ કે નદી-નાળા નું એકઠું થયેલું પાણી પી ને જીવે છે, આ પાણી માં જાનવરો નહાતા હોય, મળ ત્યાગ કરતા હોય, ક્યારેક તો તેમાં મરેલા જીવો લાંબા સમય સુધી પડ્યા હોય, છતાં આ પાણી જાનવરો પિએ છે અને આખું જીવન ગુજારે છે, હાથી કે ઊંટ જેવા જીવો દિવસો ના દિવસો પાણી વિના ચલાવી શકે છે, કારણ કે તેને એવા વાતાવરણ માં રહેવાનું હોય છે કે જ્યાં સહેલાઈ થી પાણી ન મળે, તેથી ઈશ્વરે આ બધી સુવિધા બનાવી છે, પણ આપણે ? જવાદો, હું પણ માણસ છું અને મારામાં પણ "હું" છે, ડોઢ ડહાપણ છે, લખવું સહેલું છે, અમલ કરવો અઘરો છે. આવા તો અનેકો અનેક ચમત્કાર છે, જે ઈશ્વરે વિના મૂલ્યે આપણને આપ્યા છે, બસ પારખુ નજર હોવી જોઈએં, લખવા બેસીએ તો દિવસો ના દિવસો વીતી જાય પણ ઈશ્વરના ઉપકારો ની ગણના ન થઈ શકે, માટે હરી ભજો અને ભજન કરો.

જય માતાજી, જય નારાયણ.

કેદારસિંહજી મે. જાડેજા

ગાંધીધામ, કચ્છ.

૯૪૨૬૧૪૦૩૬૫.


 

No comments:

Post a Comment