કીર્તન શિવ નો જાપ
૩૧.૭.૨૨
જપતાં શિવ શંકર નો જાપ હૃદય માં, ભક્તિ જાગે છે
ભક્તિ જાગે છે અમો ને પ્યારો લાગે છે...
માયા પ્રભુ ની મન લલચાવે, ભ્રમ માં મન ભટકાતું
રાત દિવસ જીવ ચડે ચકરાવે, સત્ય નથી સમજાતું
શિવ નામ ઠરાવે ઠામ, અમો ને પ્યારો લાગે છે...
ભભૂત લગાવી ત્રિપુંડ તાણી, ડમરુ નાદ ગજાવે
કંઠ માં જગ ના ઝેર ધર્યા છે, ભુજંગ અંગ સજાવે
જટામાં ગંગાજી શણગાર, અમો ને પ્યારો લાગે છે...
જ્યોતિર્લિંગ નો મહિમા મોટો, વેદ પુરાણ વંચાતો
નારદ શારદ નમનું કરે છે, ભક્ત શિવ રંગમાં રંગાતો
સ્વયંભૂ તેજ પુંજ પ્રકાશ, અમો ને પ્યારો લાગે છે...
"કેદાર" ભોળા બાળ તમારો, એકજ અરજી મારી
ગણેશ કાર્તિક માત શિવા સંગ, મનમાં મૂર્તિ તમારી
અહર્નિશ કરજો મનમાં વાસ, અમો ને પ્યારો લાગે છે...
ભાવાર્થ:-હે ભોળા નાથ, મને તારો જાપ કરવામાં આનંદ આવે છે, કારણ કે મને તારું નામ બહુ પ્યારું લાગે છે.
ભગવાન વિષ્ણુની માયા આખા જગતના જીવ ને ભ્રમિત કરે છે, ભક્તિ માર્ગ થી ભટકાવે છે અને મન જ્યાં ત્યાં ભમે છે, પણ તારું નામ મન ને ઠરવા નું સાચું ઠેકાણું બતાવે છે.
આપે ભભૂતી લગાવી છે, ડમરુ નો નાદ કરો છો, કંઠમાં હળાહળ ઝેર ભર્યું છે, વળી અંગ પર સર્પો નો શણગાર કર્યો છે, આપની જટામાં પવિત્ર ગંગાજી બિરાજમાન છે, આ આપનું રૂપ નિરંતર મારા મનને આનંદ આપે છે.
હે ભોલે નાથ, આપે જ્યોતિર્લિંગ માં સ્વયં આપનું તેજ મૂક્યું છે, જેની વેદો અને પુરાણોમાં આરાધના થાય છે, સંતો મહંતો સપ્તર્ષિ પણ એની પૂજા કરે છે, એવા આ તેજ પુંજ થી મારું મન ભક્તિ મય બની જાય છે.
હે ભોળા નાથ હું તો આપનો બાળક છું, મારી બસ એકજ અરજ છે કે માતા પાર્વતીજી, પ્રથમ પૂજ્ય ગણેશજી અને કાર્તિક સ્વામી સાથે સદા મારા મન મંદિરમાં બિરાજમાન રહો.
No comments:
Post a Comment