તારી માયા
૩૦.૧૦.૨૧
ઢાળ-બ્રહ્મ લીન નારાયણ બાપુએ ગાયેલ ભજન-"જીવન ના સુર ચાલે"..જેવો
આ માયા બધી છે તારી, પરખી શકું ના તુજને
અઘરું જગત છે તારું, સમજણ પડે ના મુજને..ટેક..
સુંદર બતાવી સપના, છીનવો નહીં છોગાળા
હું તો માનવ મગતરું નાનું, મસળો ના માવા મુજને...
મૃગજળ બતાવી માધવ, મને દોડાવો ના દયાળુ
હું તો તરસ્યો હરિ ના રસ નો, પિવડાવો નાથ મુજને...
તણખલે તરી જવાની, આશા છે મારા ઉરમાં
પકડીને બાહ્ય મારી, તારીદો તાત મુજને...
કેવો છે ન્યાય તારો, રાંકાને કાં રંજાડો
નિર્લજ્જ અને નઠારાં, નજરે પડે ના તુજને...
આ "કેદાર" પામર તારો, વેંઢારે શેં ભાર જગ નો
આપીને બોજ આવા, શીદ ને સતાવે મુજને...
ભાવાર્થ:- હે નાથ, આપની આ માયા માં મને કશી સમજ પડતી નથી, તારું બનાવેલું આ જગત એવું ગૂઢ છે કે મારી મતી એમાં કંઈ કામ કરતી નથી.
હે નાથ, તું મને એવા એવા સ્વપ્નો દેખાડે છે કે હું મારી જાત ને ખૂબ સુખી માનુ છું, પણ પછી આ બધા સુખો તમે એકજ ઝાટકે છીનવી લો છો. હે નાથ હું તો તારી માયામાં ભટકતું એક નાનું એવું મગતરું છું, આપ આમ મને દુખી કરીને શા માટે મસળી નાખો છો?
હે પ્રભુ, આપ મને ઝાંઝવા ના જળ બતાવીને દોડાવ્યા કરો છો, પણ મને તો આપના ભજન ની પ્યાસ છે, મને આમ ભટકાવી ન દો નાથ.
મને આ ભવ સાગર તરવા માટે એક તારા નામ નો સહારો છે અને માનુ છું કે કોઈ પણ પ્રકારે કરેલું તારું ગાન મને તારી દેશે, માટે આપ મને સહારો આપો અને આપના શરણમાં સ્થાન આપશો અવી આશા રાખુ છું.
હે નાથ, ક્યારેક એવું લાગે છે કે તારો ન્યાય કેવો છે? કોઈ સીધા સાદા માનવીને તું એવા દર્દો આપે છે કે તે સહી શકતો નથી, જ્યારે કોઈ પાપી દુરાચારી, જે તને યાદ પણ ન કરતો હોય એવા ને સુખમાં રાચતા જોતાં એવું લાગે છે કે શું તને આવા અધર્મીઓ દેખાતા નહીં હોય?
હે ઈશ્વર આ તારો કેદાર તો એક પામર જીવ છે, એના પર તું જે ભાર નાખી રહ્યો છે, તે હું કેમ કરીને સહન કરી શકીશ? માટે દયા કરો અને મને આપના ભજન કરવાની શક્તિ આપો.
No comments:
Post a Comment