Monday, October 9, 2023

કળિયુગ ના કપૂતો.


                    કળિયુગ ના કપૂતો.

તા. ૨૫.૯.૨૩

ઢાળ;-સાધુ વો નર હમ કો ભાવે...જેવો


સાખી-નાટક ચેટક નખરા કરે, કળિયુગ ના સંતાન 

      એને ધર્મ તણું નહીં ધ્યાન, દિલ ની વ્યથા આ "દીન" ની...

     માતા થી નહીં મેળ, ભાઈ ભાગીદાર લાગતો

     પણ સાળા સાથે સ્નેહ, દિલ ની વ્યથા આ "દીન" ની...   

     પિતા થી નહીં પ્રેમ, સાસરી સગપણ રાખતો

     બહેની વલખે કેમ. દિલ ની વ્યથા આ "દીન" ની....


કળિયુગ આજે,  કેવા કેવા ખેલ કરાવે...ટેક.

સપૂત સંતાનો નજરે ચડે નહીં, કપૂતો નો પાર ન આવે...

 

માત પિતા બન્ને કરીને મજૂરી, પુત્ર ને ખૂબ ભણાવે

સાહેબ બન્યા પછી આવે શરમ એને, અભણ ને કેમ ઓળખાવે...     


બાપ બનીને ફરે બેટાજી, મા ને મજૂરી કરાવે

ભાઈ બહેન ની ભાળ ન લે પણ, મિત્રો મોજ મનાવે....


બેની બીચારી કદી આંગણે ન આવે, સાળી સંગે બહુ ફાવે

સગા ભાઈ નો સાથ ગમે નહીં,      સાળો મન લલચાવે ...

   

બાવડું ઝાલે નહીં બૂઢા પિતાનું,  પર દુખ પીડ બતાવે

માત-પિતાને પૂરું ખાવા મળે નહીં,  મંદિર ભોગ ધરાવે......


આવે બુઢાપો ત્યારે બેટો હડસેલે, ખૂણામાં ખાટલો ઢળાવે

"કેદાર" કાનુડો કોઈનું કરજ ન રાખે, ન્યાય ના ત્રાજવે તોળાવે.... 


ભાવાર્થ :- સાખી-આજના સંતાનો ધર્મ માં જરાએ ધ્યાન આપતા નથી, સિનેમા ને નાચ નખરામાં બધું ભૂલી ગયા છે. માતા-પિતા પર પ્રેમ નથી, ભાઈ મિલકત નો ભાગીદાર લાગે છે, બહેન ભાઈ ના પ્રેમ ને વલખે છે, પણ સાસરી પક્ષે બધુંજ સારું છે. આ મારા દિલ ની વેદના છે. (બધા સંતાનો આવા નથી હોતા, પણ એને શોધવા પડે એવો જમાનો આવી ગયો છે.)  

 આજે કળિયુગ ચાલી રહ્યો છે ત્યારે એનો પ્રભાવ એટલો બધો વર્તાઈ રહ્યો છે કે આજના ઘણાં સંતાનો પોતાની ફરજ ચૂકી રહ્યા છે. માતા પિતાએ પોતાના થી બનતી બધી મહેનત કરીને બાળકોનો ઉછેર કર્યો હોય, એને ભણાવ્યા હોય અને મોટા હોદ્દો અપાવ્યો હોય, પણ જ્યારે એ સાહેબ બની જાય પછી આવા માતા-પિતા ની ઓળખ આપતા એને શરમ આવે છે, પોતાના મિત્ર વર્ગ માં આવા અભણ લોકો એને જાણે ઓછપ લાગે છે. પોતે જ્યારે મોટા હોદ્દા પર બેસી જાય પછી માતા-પિતાને ઘર કામ કરાવે, એક ખૂણામાં ગોંધી રાખે, અને મિત્રો સાથે મોજ મજા માણે, પોતાના ભાઈ બહેન સાથે મન દુખ રાખે, પણ સાળો કે સાળી સાથે અનહદ પ્રેમ હોય. દેખાવ ખાતર બીજાના દુખમાં દુખી થાય પણ ઘરમાં મા-બાપ ની સેવા કરવા સમય ન હોય, કોઈ મંદિર માં જાય તો પોતાનું માન વધારવા મોટા મોટા દાન કરતો હોય, આમ મહારાજ રીઝે નહીં. 

   પણ પછી જ્યારે પોતાને બુઢાપો આવે ત્યારે એના સંતાનો પણ એજ રસ્તો અપનાવે, કારણ કે જેવું એણે જોયું હોય એવું વર્તન કરે એમાં કોઈ નવાઈ નથી, જેવું વાવો એવું લણો ! આ તો ઈશ્વર નો ન્યાય છે, એમાં કોઈ ફરક આવતો નથી. માટે સમજી વિચારીને જીવન જીવવું જોઇએં.


રચયિતા:-

કેદારસિંહજી મે. જાડેજા

"દીન વાણી" ગ્રૂપ, ગાંધીધામ

૯૪૨૬૧૪૦૩૬૫

kedarsinhjim@gmail.com

kedarsinhjim.blogspot.com.   

ફોટો-ગુગલ ના સહયોગ થી


No comments:

Post a Comment