Wednesday, April 30, 2014

                     કોણ પરખે ?


કોઈ પરખી શકે પરમેશ્વર ને, એ તો માનવ ની તો મજાલ નથી
પણ ભાવ ધરી ને ભક્તિ કરે, તો દામોદર જી દુર નથી...

લંકેશ વિંધાણો વેદી હતો, દસ શીશ ચડાવ્યા શંકર ને
નિજ ભક્ત ને ભ્રાત ની લાત પરી, આમાં વૈદેહી ની વાત નથી...

હણવા હરણાકંસ રાક્ષસ ને, અવતાર ધર્યો સ્તંભ ફાડી ને
એ તો પાપ વધ્યંતું પૃથ્વી ઉપર, પ્રહલાદ પર બસ ઉપકાર નથી...

શબરી સુગ્રિવ ને કેવટ ની, આરધ અવધેશે ઉરમાં ધરી
પ્રભુ ચૌદ વરસ વનમાં વિચર્યા, આમાં કૈકેયી નું કૌભાંડ નથી...

આવે જ્યાં યાદ યશોદાની, નયનો ના નીર ના રોકી શકે
ગીતા નો ગાનારો ગોવિંદો,   મોહન માયા થી દૂર નથી..

સુરદાસ સુદામા નરસૈયો, તુજ નામ થકી ભવ પાર થયા
તેં ઝેર મીરા ના પી જાણ્યા, " કેદાર " શું તારો દાસ નથી ?...

સાર:- ઈશ્વરની લીલાને પામવી અતિ કઠિન છે, જે ભલ ભલા ભક્તો પણ પામી શકતા નથી તો સામાન્ય માનવીની તો કોઈ હેસિયતજ નથી, પણ કોઇ ભક્ત જો ભાવ સહિત ભક્તિ કરે તો તેને સમજવો જરાય અઘરો નથી.
૧-રાવણ, આજકાલ મારા મસ્તક પર "દેવાધિદેવ મહાદેવ" છવાયેલા રહેછે કારણ કે એ નામની ધારાવાહિક ખૂબ સારી રીતે ચાલી રહીછે, રાવણે એ હદે શિવની તપસ્યા કરી કે એક વખત તો તેણે શિવજીને પોતાના દશ મસ્તક એક પછી એક ભગવાન પર ચડાવી દીધાં અને તેથીજ તે દશાનન કહેવાયો અને શિવજીનો મહાન ભક્ત બની ગયો. પણ તેણે અભિમાનમાં આવીને ભગવાનના ભક્ત વિભીષણ કે જે પોતાનો નાનો ભાઈ હતો તેને લાત મારી દીધી, {જે અહિં મારો કહેવાનો મતલબ છે તે} તેથી રામે રાવણ શિવજીનો પરમ ભક્ત હોવા છતાં તેનો વધ કર્યો. બાકી સીતાજીને છોડાવવા માટે એકલા હનુમાનજી જ પૂરતા હતા.
૨-ભગવાન હિરણ્યકશ્યપને મારવા માટે નરસિંહ રૂપ ધારણ કરીને સ્તંભ માંથી પ્રગટ થયા, જ્યારે જ્યારે પૃથ્વી પર પાપ નો ભાર વઘી જાય ત્યારે ભગવાન કોઇ ને કોઇ રૂપે પાપનો નાસ કરવા પ્રગટ થતા હોય છે, આ બધા કારણો માટેજ ભગવાન નરસિંહ રૂપ ધરીને પધાર્યા ફક્ત પ્રહલાદપરજ ઉપકાર કર્યો એવું નથી.
૩-ભગવાન રામની રાજ્યાભિષેકની તૈયારી થવા લાગી ત્યારે શ્રી રામ કૈકેઇ માતા પાસે જઈને એક ગૂઢ ચર્ચા કરીને માતાને પોતા માટે વનવાસ અને ભરત માટે રાજગાદી પિતાજી પાસે માંગવા મનાવી લેછે,- લાંબી વાત ક્યારેક-ભગવાન રામ અનેક સંતો મહંતો અને ભક્તોના દુખ દૂર કરવા માટે ચૌદ વરસ મટે વનમાં પધારેલા, આમાં કૈકયીનું વચનજ ફક્ત કારણભૂત ન હતું.
૪-ભગવાન ગીતામાં અર્જુનને અનેક રીતે સમજાવેછે કે હે અર્જુન આ બધી મારી માયા છે, અહિં કોઇ તારા સગા નથી કોઇ વડીલ નથી બધાજ માયાના ખેલ છે માટે મોહ તજીને યુદ્ધ કર,પણ એજ ભગવાન કૃષ્ણને જ્યારે જ્યારે માતા યશોદા યાદ આવેછે ત્યારે ત્યારે આડી પડેછે, તો ત્યારે કઈ માયા પ્રભુને રડાવે છે?.
૫-હે મોહન આપે સુરદાસજી, સુદામાજી, મીરાં અને નરસી મહેતા જેવા કંઈક ભક્તોને પાર લગાડી દીધા, હું તો તેમના ચરણોની રજ પણ નથી, પણ તારું નામતો જપુંછુંને? તો તારે થોડી ઘણી તો દયા કરવીજ પડશે.

જય નારાયણ. 

Tuesday, April 29, 2014

                   લાલા ની લીલા


પ્રભુ ના કાર્ય છે એવા, સમજ માં ક્યાં એ આવે છે
કરે લીલા જે લટકાળો, માનવ ક્યાં પાર પામે છે..

પૂર્યાં પટ પાંચાળી કેરાં, ભીતરની ભક્તિ ભાળી ને
ચોરી ને ચિર ગોપી ના,  પ્રભુ પરદા હટાવે છે..૧

છે પામે એક અદકેરું,  બીજાને અન્ન ના ફાકા
મળે છે કર્મ સંજોગે,  ભ્રમિત ને ભૂલ ભાસે છે...૨

કીડી ને કણ નો દેનારો, માતંગ ને મણ દે મોઢા માં
કર્મહીણ ને પડે સાસા,   પૂરવ ના પાપ બોલે છે...૩

કરે સંહાર કે સર્જન,  કીધાં વિનાશ કે સેવન
નિયંતા એ જગત કેરો, જગત સમભાર રાખે છે..૪

છે આપ્યું એક નજરાણું,  માનવને મુક્ત થાવાનું
સમજદારી થી જો સમરે,   ચોરાસી પાર પામે છે...૫

દયા " કેદાર " પર રાખી, ભવો ભવ મનુજ તન દેજો
હરિ ના નામ લેવાની,   ગરજ બસ એક રાખે છે...૬

મિત્રો, કાલે આપે જે ભજન માણ્યું તેનું વિરોધાભાસી કે તેના જવાબ જેવું આજે આ ભજન માણો અને પ્રતિભાવ જરૂર આપજો.

સાર-ભગવાનની એવી માયા છે કે તે સમજવી અતિ કઠિન છે, એ જે લીલા કરેછે તે કોઈ પાર પામી શકતું નથી.

૧-કૃષ્ણ ભગવાને પાંડવોની સભામાં દોડી જઈને દ્રૌપદીના ચિર પૂર્યાં, કરણ કે દ્રૌપદીએ અંતરથી ભગવાનને પ્રાર્થના કરી કે નાથ હવે આવીજાવ નહીંતો મારી લાજ જશે, અને દ્વારકાધીશ દોડ્યા. જ્યારે ગોપીઓના ચિર હરણ કરીને લાલો બતાવેછે કે મારી ભક્તિ કરવી હોય તો કોઈ પરદો હોવો ન જોઈએ, ચિર તો પ્રતીક છે,બાકી વાતતો અંતરના પરદાની છે.

૨-આપણે જોઈએં છીએ કે એક સમ કક્ષ માનવીને જે મળેછે તે બીજાને અનેક ગણું હોયછે, ત્યારે આપણને ભગવાનનો ભેદ ભાવ દેખાયછે, પણ એતો બધું પૂર્વના કર્મોના પ્રતાપે મળતું હોયછે. આપણા માટે એ ભ્રમણા છે કે આમ કેમ?    

૩-ઈશ્વર હાથીને મણ અને કીડીને કણ આપેછે, પણ ઘણા અભાગી લોકો પેટભર ખોરાક પામી નથી શકતા, પણ આ પણ પૂર્વના કર્મોના હિસાબે મળેછે, ઈશ્વર કદી ભેદભાવ કરતો નથી.

૪-મહા ભારતના યુદ્ધમાં ભગવાન કૃષ્ણે પાર્થને ગીતાનું જ્ઞાન આપીને કૌરવો સાથે યુદ્ધ કરાવીને કૈંક માનવોનો સંહાર કરાવ્યો, તો બીજી બાજુ એક ટિટોડી ના બચ્ચાને હાથીના ગળાનો ઘંટ ઢાંકીને બચાવ્યા, ત્યારે જરૂર વિમાસણ થાય, પણ આ બધું ભગવાન જીવ માત્રનું નિયંત્રણ કરવા માટે અને જગતને સમ ભાર રાખવા માટે કરેછે. 

૫-જીવ અને જીવન તો પ્રભુએ બધાને આપ્યું છે, પણ માનવીને એક અદકેરી બક્ષિસ આપીછે, અને તે છે વાણી, જો માનવ આ વાણીનો સદ ઉપયોગ કરીને ભજન કરે તો ચોરાસી લાખ યોની માંથી મુક્ત થઈ શકેછે, પણ ગમાર જીવ ખોટા ખોટા ભાષણો ભરડીને આ મોકો ગુમાવી દેછે. 

૬-પણ હે નાથ મારાપર એક ઉપકાર આપે કરવોજ પડશે, મને મોક્ષની ખેવના નથી, પણ શર્ત એ કે મને ભવે ભવ માનવ જન્મ આપીને આપના ગુણ ગાન કરવાનો ભરપૂર મોકો આપજે. 

જય નારાયણ.
ફોટો ગુગલના સહયોગથી.

Monday, April 28, 2014

                   કાનાના કપટ 


કપટ કેવાં હરિ કરતો, બહાના દઈ ને લીલા ના
કરાવે કર્મ સૌ પોતે,   વળી  હિસાબ દેવા ના...

સભામાં જઈ ને પાંડુ ની, બચાવી લાજ અબળા ની
છુપાઈ ને લત્તાઓ માં,   છે ચોર્યા ચિર ગોપી ના...૧

અધિક આપે તું પાપી ને,   મહેલો માન મોટર ના
ભગત જન ભ્રમિત થઈ ભટકે, નથી કોઈ સ્થાન રહેવા ના...૨

મહા કાયોને પણ મળતાં,  ઉદર ભરવાને આહારો
નથી મળતાં કંઈક જન ને,  ભરીને પેટ ખાવા ના...૩

વીછણ ને વહાલ ઉપજાવ્યું,  ખપાવે ખુદ ને વંશજ પર
પ્રસૂતા શ્વાન ને ભાળ્યું,  ભરખતાં બાળ પોતાના...૪

રંજાડે રંક જનને કાં,   બતાવી બીક કર્મો ની
નથી હલતાં કોઈ પત્તાં,  જો તારી મરજી વિના ના..૫

દયા " કેદાર " પર રાખી, ના કરજો કૂડ મારામાં
ગુજારૂં હું જીવન મારું,   પ્રભુ તુજ ગાન કરવામાં...૬

                --સાખી--

ઘણાં કળિયુગ ના કાના, કરે છે કામ ચોરી ના
મોહનજી ચોરતાં માખણ, હવેના દાણ ચોરે છે..

ઘણા કળિયુગ ના કાના, કરે છે કામ રમણગર નું
રમાડ્યા રાસ છે કાને,   હવે નટીઓ નચાવે છે..

સાર:-ઈશ્વર ક્યારેક ક્યારેક એવા કામ કરેછે કે માનવ તેની લીલાને સમજી શકતો નથી, શાસ્ત્રો,પંડિતો અને સંતોના મંતવ્ય પ્રમાણે ઈશ્વરની ઇચ્છા વિના એક પાંદડું પણ હલી શકતું નથી, એજ શાસ્ત્રો,પંડિતો અને સંતોના મંતવ્ય પ્રમાણે કરેલા કર્મોના પરિણામ ભોગવવા પડેછે, હવે અહીં પ્રશ્ન એ થાયછે કે જો ઈશ્વરની ઇચ્છા વિના કશુજ બની શકતું ન હોય તો માનવ જે કંઈ કર્મ કરે તેતો ઈશ્વરની ઇચ્છા પ્રમાણેજ બનેછે, તો પાપ અને પુણ્ય ના પરિણામ માનવ કેમ ભોગવે?  

૧-પાંડવોની સભામાં જ્યારે દ્રૌપદી ની લાજ લુટાવા લાગી ત્યારે દ્વારિકાધીશ જરા પણ વાર લગાડ્યા વિના નવસો ને નવાણુ ચિર પૂરવા આવી ગયા અને અબળાની લાજ બચાવી. તો એજ દ્વારકાધીશ ગોપીઓ નહાતી હતી ત્યારે લત્તાઓની પાછળ સંતાઇને તેના ચિર હરણ કરી ગયા, કેવો વિરોધાભાસ?

૨-આપણે ઘણી વાર જોઇએં છીંએ કે જગ જાહેર અધમ કર્મો કરનાર, પાપી, નિમ્ન કક્ષાના માણસ પાસે બધી જાતની સુખ સાહ્યબી હશે, મહેલો જેવા મકાનમાં રહેતો હશે, મોટરો અને ચાકરોનો તોટો નહીં હોય, જ્યારે ઘણા ધર્મ પરાયણ, ભક્તિ ભાવ વાળા અને નિષ્ઠાવાન લોકો દુ:ખી હશે, રહેવા માટે યોગ્ય જગ્યા પણ નહીં હોય.

૩-ભગવાને દરેક જીવને દરેક વસ્તુ પૂરતી અને સમયસર મળે એવી વ્યવસ્થા કરી રાખી છે, ભલે હાથી હોય કે નાનું જંતુ.
પણ ઘણા અભાગી એવા પણ હોયછે કે જેને પૂરતો ખોરાક મળતો નથી.

૪-હે ઈશ્વર આપે કેવી રચના કરીછે? વીછણ સેંકડોની સંખ્યામાં બચ્ચાને જન્મ આપેછે, તેના નિર્વાહ માટે તે પોતાની જાતને સમર્પિત કરિદેછે, બચ્ચા પોતાની માતાના શરીરને ખોરાક બનાવીને પોતાનું શરીર બચાવેછે અને માતા પોતાના બચ્ચા માટે પ્રાણ આપી દેછે. જ્યારે એનાથી બિલકુલ વિપરીત શ્વાન-કૂતરી પોતાનાજ બચ્ચાને ખાઈને પોતાનું પેટ ભરેછે. 

૫-હે ભગવાન તું પામર જીવને તેના કર્મોની બીક બતાવીને શા માટે ડરાવેછે? કારણ કે તારી ઇચ્છા વિના તો એક પાંદડું પણ હાલી શકતું નથી, તો એ જીવને પાપ કે દોષ કેમ લાગી શકે?.

૬-પ્રભુ મારાપર દયા રાખજો, જાણે કે અજાણે આવું કોઇ પણ કુળ મારામાં આવવા ન દેજો, બસ એકજ અભ્યર્થના કે હું આપનું ભજન કરતો કરતો મારું જીવન પુર્ણ કરું.
જય નારાયણ. 

તા.ક.- મિત્રો આપને મારી આ રચના કેવી લાગી તે જરૂર લખજો અને એક બીજી વાત, આ ભજનના જવાબ જેવું  બીજું ભજન કાલે મુકીસ જે ખાસ વાંચજો. 

ફોટો ગુગલના સહયોગથી.

Sunday, April 27, 2014

                 મહાન દેશ


દેશ મહાન હમારા યારોં, દેશ મહાન હમારા...

આગ લગી હે બર્ફ કે અંદર, સુલગ રહા હે હિમાલા
પાક પડોશી નાપાક ઇરાદે,  કરતાં ખેલ નિરાલા
ખૂરચ રહા સર માતૃભૂમિ કા,  લેકે હાથ હમારા...ફિરભી...-૧

કૌન હે હિંદુ કૌન હે મુસ્લિમ, કૌન હે શીખ ઈસાઈ
જન્મ લિયાથા જબ માનવ ને, કૌન થી જાત દીખાઇ
આજ લગાહે લહુ બાંટને,   લેકે જૂઠ સહારા... ફીરભી...-૨

નાચા માનવ આજ તલક તો, હાથ થી રામ કે ડોરી
આજ રામ કો લગા નચાને, ખેલ અવધ મેં હોલી
અગન ઉઠીહે ઘટ ઘટ મેં અબ, બનતા કૌન ફૌવારા....ફીરભી...-૩

દશો દિશા મેં લૌ  લગીહે, નાચત લપટહે જાકી
ગરીબ ઘર કા જલા ના ચૂલા, એક જગહ હે બાકી
શકલ જગત ફિર શાંતિ આકે, લેતી જહાં સહારા...ફીરભી...-૪

કૌન હે નેતા કૌન પ્રનેતા,  કૌન બનાહે નાયક
સબ કુરસીકા ખેલ બનાહે, કૌન રહા હે લાયક 
અબ " કેદાર " કી એકહી આશા, કર ઉદ્ધાર કિરતારા...ફિરભી...-૫

સાર- ભારતના રખોપા કરી રહેલા અણનમ સંત્રી એવા હિમાલય પર આપણા જવાનો અવિરત ચાંપતી નજર રાખેછે, છતાં આપણા નાપાક પડોશી પોતાના દેશનું નામ "પાક" હોવા છતાં નાપાક કામ કરીને પોતાના દેશના નામ ને વગોવેછે. અને આપણાં અમુક દેશદ્રોહી લોકોને ભરમાવીને ભારત માતાના રૂપેરી મુકુટ ધારી સર સમાન હિમાલયને જંગલી ઉંદરની જેમ કોતરી રહ્યા છે.-૧

આજે માનવી નાત જાતના ઝગડામાં એક બીજાનો દુશ્મન બનતો જાય છે, પણ આ એક નિમ્ન કક્ષાના લોકોનું સમજી વિચારીને કરેલું ષડ્યંત્ર છે, જેથી આપણે અંદર અંદર ઝગડીને આપણાં ભાઈઓની સાથે દુશ્મની કરી લઈએ છીંએ. જ્યારે કોઈ બાળકનો જન્મ થાય અને તેને એક બાજુ રાખીને કોઇ પણ નિષ્ણાત પંડિત મૌલા કે વિજ્ઞાનિકને બતાવો તો તેની જાતી નક્કી કરી શકાશે? ના, કારણ કે કુદરતે તો તેને માનવ બનાવ્યો છે, સ્વાર્થી, કાળા કામ કરનારા માનવ જાતના દુશ્મનોએજ આ વાડા ઉભા કરીને ઝગડા ઉભા કાર્યાછે,  અને ભાઈ ભાઈને લડાવ્યા કરીને પોતાનો સ્વાર્થ સાધતા રહેછે.-૨

યુગો યુગોથી દરેક જીવ ઈશ્વરે બનાવેલા કાયદા નું ચુસ્ત પણે પાલન કરતો રહ્યોછે, રાવણ જેવો રાવણ રાક્ષસ હોવા છતાં પણ અમુક મર્યાદાથી આગળ વધતો ન હતો તે આપણે જાણીએ છીએ, પણ આજના અમુક લોકો રાક્ષસ શબ્દને પણ લાંછન અપાવે તેવા કાર્યો કરેછે. અયોધ્યા ના રામ મંદિર ને મુદ્દો બનાવીને કેટ કેટલા લોકો પોતાનો રોટલો શેકવા લાગ્યાછે, આજે ભાગ્યેજ કોઈ એવો સેવાભાવી માનવ દેખાયછે અને શાંતિનો પ્રયાસ કરેછે, છતાં આવા લોકોને પછાડવાનો અને બનેતો રામ ભક્તને રામ શરણ પહોંચાડવાનો કારસો આવા નિમ્ન કક્ષાના લોકો કરતા પાછા પડતા નથી,એથી પણ શરમ ની વાત તો એ છેકે આમાં ઘણીવાર કોઈ એવા લોકો સંડોવાયા હોય છે જેની કલ્પના કરવી મુશ્કેલ હોયછે.-૩

આજે આપણે જોઈએં છીએ કે કેવા કેવા અધમ કામ આજે અધમાઅ અધમ લોકો કરી રહ્યાછે, સંસદ પર હુમલો, અક્ષર ધામ પર બ્લાસ્ટ, કારગીલ યુદ્ધ, અરે આ લોકોએ તો બુદ્ધ ભગવાનને પણ છોડ્યા નથી, શું શું લખું? લાગેછે સમગ્ર ભારત માં આજે શાંત જગ્યા માટે સૂક્ષ્મ દર્શક યંત્ર દ્વારા શોધ કરવી પડે. હા, એક જગ્યા હજુ જરૂર બાકી છે, જ્યાં શાંતિ દેવી આરામથી પોતાનું અસ્તિત્વ ટકાવી શક્યાછે, અને તે જગ્યા છે ગરીબ લોકોના ઘરનો ચૂલો, કે જ્યાં અન્નના અભાવે આગ પેટાવવાની જરૂરત પડતી નથી.-૪ 

આજે આપણે જેને આપણો પવિત્ર મત આપીને દેશની ધુરા તેના હાથમાં સોંપીએ છીએ તેમાંનાજ લોકો અધમ કાર્ય કરીને આપણી મા ભારતીને અભડાવતા હોય તો બીજા પાસે શી અપેક્ષા રાખી શકાય? મોટા ભાગે રાજ નેતાઓ ફક્ત સત્તા મેળવીને પોતાનો સ્વાર્થ સાધવા માટેજ રાજ કારણમાં આવેછે અને સાચી રાજનીતિ નું કારજ કરીને પોતાના ઘર (ઘર તો આમના માટે નાનો શબ્દ કહેવાય) ગોદામો ભરેછે, અને જે થોડા ઘણા ઈમાનદાર લોકો છે તેમને કાંતો દબાવી દેવામાં આવેછે અથવાતો તેમને આંખ આડા કાન કરવા મજબૂર કરી દેવામાં આવેછે. 

હવેતો પ્રભુ એકજ અરજ છે કે આપજ કંઈક કરો બાકી અમારા ચપટીભર ઈમાનદાર લોકોથી આ આગ શાંત થાય એમ લાગતું નથી.-૫.

તા.ક. ભજનો અને ગરબા લખતાં લખતાં ક્યારેક મા ભોમની અવદશા જોઇને મૂળ રસ્તો ચાતરી જવાય છે, અને કેમ ન આવું થાય? મારી મા ભોમ માટે અનેક લોકો શહીદ થઈ ગયાછે, હું મારા અંતર ને તો બાળી શકુંને? માટે હે મારા પરમ મિત્રો / સ્નેહીઓ આ વખતે ખૂબજ સમજી વિચારીને યોગ્ય ઉમેદવારનેજ મત આપજો, કોઈ ક્ષણિક લાભ માટે પ્રલોભનમાં પડીને દેશની અવ દશા ન કરજો, પણ મત દાન જરૂર કરજો.
જય ભગવાન.
ફોટો, ગુગલના સહયોગથી. 

Saturday, April 26, 2014


                                વો ભારત


જહાં ડાલ ડાલ પર સોને કી, ચીડિયાં કરતી થી બસેરા
                               વો ભારત દેશ થા મેરા
જહાં સૂરજ સબસે પહેલે આકર, દેખે નયા બખેડા
                             અબ-વો ભારત રહા હે મેરા.....

જીસે ગાંધી સુભાષ ભગતસિંઘ ને, આઝાદી દીલવાઇ
પર એક ચિનગારી ઐસી ભડકી, ભીડ ગયે ભાઇ ભાઇ
ઔર ઐસા ચલા અંધેર કે અબતક, નિકલા ન સહી સવેરા...

કુછ નેતા આયે વોટ માંગને, મીઠી મીઠી બાત બનાઇ
જૈસે હી મીલગઇ કુરસી ઉનકો, નાની યાદ દિલાઇ-હમકો-
જહાં સચ્ચાઇ સે સેવા હોતી,    ભ્રષ્ટાચાર હે ફેલા...

અબ ઐસે જુઠે મહાનુભાવ કુછ, ડાલે દિલ્હી ડેરા
ઔર ઐસી પકાઇ ખીચડી મિલકર, સંકટ બઢ ગયા ગહરા
અબ જીસકી પદવી જીતની બડી હો, ઉતના ભરે હે થેલા...

કોઈ માનવ સમજ કે રબડી મલાઇ, ખાતા પશુ કા ચારા
કોઈ તેલ નિકાલા તૈલગી ઐસા, ફસ ગયા દેશ બેચારા
કોઈ અફસર અપની વરદી ઉતારી,  રાધા રૂપ બાનાયા...

કોઈ મહેતાજી ને કરકે દલાલી, નરસિંહ નામ લજાયા
કોઈ સુખીરામ ને દૂરભાષ કર, ભરકસ માલ કમાયા
કહિં કલંક દેતા તોપ કા ગોલા, કહિં શબ પેટી ને ઘેરા...

જાગો ભારત કે લોગો જાગો,  યે હે તુમ્હારી ગલતી
તુમ ના ચુનતે ઐસે ભક્ષક તો, ઉસકી એક ના ચલતી
અબ " કેદાર " લાલચ ધન કા છાંડી, ઢુઢલો સહી સહારા...

સાર:-એક જમાનો હતો કે જ્યારે મારી આ ભારત માતાને વિશ્વ એક ધનાઢ્ય, શિક્ષણ કે કોઈ પણ ક્ષેત્રે ઉચ્ચ કોટી ના મહાન દેશ તરીકે ઓળખતું, દેશ વિદેશ ના વિદ્યાર્થીઓ અહીં શિક્ષા ગ્રહણ કરવા આવતા, અનેક જાતના તેજાના, ફળ ફૂલ, અનાજ અને દ્રવ્યો અહીં ઉત્પન્ન થતાં, અનેક દેશો સાથે વ્યાપારીક સંબંધો હતાં, અરે ઈશ્વરને પણ અહીં અવતાર ધરવા ની ઇચ્છા થતી, અનેક રાજ્યોમાં બટાયેલો આ દેશ હોવા છતાં કોઈ માંઈ નો લાલ મારા ભારત પર ખરાબ નજર કરવાની ચેષ્ટા ન કરી શકતો. પારસી લોકો ને પોતાનાં વતન માં જ્યારે પોતાનું અસ્તિત્વ જોખમાતું લાગ્યું ત્યારે મારા ભારત ને એક નેક, વિશ્વાસ પાત્ર અને સુરક્ષિત માનીને વસવાટ કરવા માટે યોગ્ય ગણી ને અનુમતિ સાથે અહીં વસ્યા અને દુધમાં સાકર ની જેમ ભળી ગયા. પણ એક એવી નિમ્ન કોટી ની કોમ પણ આવી જેણે આપણા ભલા ભોળા લોકો ને ભરમાવી, ભટકાવીને આપણા દેશને કોરી ખાધો. 

પછી સમય આવ્યો આઝાદી માટે લડત નો, અનેક લોકોએ શહીદ થઈને, અનેક પ્રકારના બલિદાનો આપીને, જાન માલ ના ભોગે આપણને સ્વતંત્રતા અપાવી, પણ આ ગંદી કોમ યેન કેન પ્રકારે આપણા ભ્રષ્ટ, બેઈમાન અને જેના માટે આપણા શબ્દ કોશમાં કદાચ શબ્દ પણ ન મળે એટલાં અધમ લોકો માં પોતાનો વારસો છોડતા ગયા. આ વારસદારો, કે જેને સત્તા અને ધન ના ઢગલા સિવાય કોઈજ સંબંધ નથી,-કોઈ પણ ભોગે,- હાજી કોઈ ના પણ ભોગે સત્તા પર ટકી રહીને વ્યભિચાર,આતંક અને દુરાચાર આચરતા આ લોકો સામે મુઠ્ઠીભર યોગ્ય લોકો અસહાય બની ને રહી જાય છે, જે ના પાપે આજે આપણે અનેક પ્રકાર ના કષ્ટો ભોગવી રહ્યાં છીએ, ત્યારે અમારા જેવા લોકો થી આવા કાવ્યો ન રચાય તો જ નવાઈ કહેવાય.
પણ હજુ સમય છે, આપણા પાસે મત આપવા જેવો રામ બાણ ઇલાજ છે, માટે મારી સર્વે લોકોને એકજ વિનંતી છે કે કોઈ પણ લાલચ માં આવ્યા વિના જો યોગ્ય વ્યક્તિને મત આપીને નેતગીરી સોંપશો તો ભારત માતાનો સુવર્ણ યુગ લાવવો અશક્ય નથી, પણ જો કોઈ પણ પ્રકાર ના પ્રલોભન માં આવીને મત દાન કરશો તો તમો તો કદાચ કોઈ સુવિધા ભોગવશો, પણ બાકીના આપના દેશ બાંધવોના જીવન ભર દોષી રહેશો.

ચૂંટણી માટેના પડઘમ વાગવા લાગ્યા છે, ઈમાનદાર અને બેઈમાન લોકો  તૈયારી કરવા લાગ્યા છે, ત્યારે મારા બાંધવોને મારી નમ્ર વિનંતી છે કે આપ પણ યોગ્ય વ્યક્તિને મત આપવાની તૈયારી કરી લો જેથી આવતા વર્ષો સુખ મય પસાર થાય અને ફરીથી આપણા દેશમાં સમૃદ્ધિ પ્રસરે.   
જય ભારત.    
ફોટો- ગુગલ ના સહયોગ થી.

Thursday, April 24, 2014

                    માં


જેનો જગમાં જડે નહિ જોટો..
ઉપકાર કર્યો બહુ મોટો, કેવી મીઠડી માં તેં બનાવી....

નવ માસ તેં ભારને માણ્યો, સહિ પીડ અતિ જગ આણ્યો
પય પાન કાજ ઉર તાણ્યો....કેવી...

મને પાપા પગલી ભરાવી, પડિ આખડી મુજ ને બચાવી
જીવનની રાહ બતાવી....કેવી..

જ્યાં હું આવું રોતો રોતો, થોડો સાચો થોડો ખોટો
ત્યાં તો આવે દેતી દોટો..કેવી...

જ્યારે યૌવન મદ ભરી આવ્યું, ધિંગા મસ્તી તોફાન લાવ્યું
પ્યારી ટપલી મારી ટપાર્યો...કેવી...

ભલે માનવ બનું હું મોટો, ધન ધાન્ય રહે નહિ તોટો
તો એ માને મન ઘાણી ખોટો...કેવી..

પ્રભુ " કેદાર " કરુણા તારી, બસ એક જ અરજી મારી
ભવે ભવ હું બનું એનો બેટો...કેવી..

Wednesday, April 23, 2014

                       ગોવિંદ કે ગુન


ગોવિંદ કે ગુન ગાયે જા,માલા મોહન કી ફિરાયે જા
સંસાર સે મુખ મોડલે, ઔર હરિ શરન મેં લગાયેજા...

માનુષ તન તુજકો દિયા, તેરા સભી જિમ્મા લિયા
તુજે મોક્ષ કા મૌકા દિયા, તું પરમ પદ કો પાયે જા...

દિ હે તુજે શુભ જિંદગી, કરને પ્રભુ કિ બંદગી
પી લે હરિ રસ પ્યારસે, ઔરોં કો ભી તું પિલાયે જા...

હરદમ હરિ કા જાપ કર, માયાકો મનસે ત્યાગ કર
અપના સફલ અવતાર કર, જીવન મરન કો મિટાયે જા..

દીન કે તું દિનેશ હે, ઔર સુર કે તું સુરેશ હે
તો " કેદાર " કૈસે દૂર હે, અપને શરન મેં બિઠાયે જા

સાર-પુ.મોરારી બાપુ ની કથામાં પહેલાં એક ધુન સાંભળવા મળતી, જેના બોલ હતા.
ગોવિંદ કે ગુન ગાયે જા ઓર પંથ તેરા બઢાયે જા,
વો ખુદ હી મિલને આયેગા, તું બંદગી કો નિભાયે જા...

આ બે જ લાઇન સાંભળીને કંઈક ખૂટતું હોય તેમ લાગતું, થતું કે કેવા સરસ બોલ છે? આ રચના આગળ પણ હશે કે પછી આટલુંજ હશે? તેથી તેને પૂર્ણ સાંભળવાની ઇચ્છા થતી. પણ ક્યાંથી શોધવી? અંતે ઈશ્વર કૃપાથી એ અધૂરાસ પૂર્ણ કરવા પ્રભુએ પ્રેરણા કરી અને મારા થકી મારા વિચાર પ્રમાણે બની ગઈ આ રચના.

 કે હે માનવ તું સંસારના મોહ માંથી મન હટાવિલે અને પ્રભુ ભક્તિમાં લીન થઈ જા. ઈશ્વરે કેવી મોટી તારા પર મહેર કરીછે? તને માણસનો અવતાર આપીને તારા નિર્વાહની બધી જવાબદારી પોતા પર લઈ લીધીછે, અને તને મોક્ષ જેવું પરમ પદ મળે તેવા બધાજ દરવાજા તારા માટે ખુલ્લા રાખ્યા છે.

આપણાં શાસ્ત્રો મુજબ જીવ જ્યારે શિવ તત્વથી અલગ થયા પછી ૮૪, લાખ યોની માંથી ઈશ્વરે બનાવેલા નિયમોનું પાલન કરતાં કરતાં પસાર થઈ જાયતો તેને ફરીને શિવ તત્વમાં લીન થવાનો મોકો મળેછે, પણ જો કોઈ ભૂલ કરે તો તેના પરિણામ સ્વરૂપે અમુક જન્મો ફરીથી ભોગવવા પડેછે. દરેક જીવને મુખ, જીભ જેવા અંગો આપ્યાછે, પણ તને મનુષ્ય બનાવીને એક વધારે ઉપકાર એ કર્યો છે કે તને વાચા આપીછે, વિચારવા માટે જ્ઞાન સભર મન આપ્યુંછે, માટે હે જીવ તું ઈશ્વરનું ભજન કર અને બીજા લોકોને પણ તેમાં સામેલ કર અને પરમ પદને પામવા માટે પ્રયાસ કર.

 જ્યારે ઈશ્વરે તને આવો સરસ મોકો આપ્યોછે, તો બસ ઈશ્વર મય બનીજા, શ્વાસે શ્વાસે તેનું સમરણ કર, દરેક જીવનું લક્ષ તો ફરીને શિવ સાથે એકાકાર થવાનું હોયછે, પણ આ જગતની માયામાં વીટળાઇને પોતાનું લક્ષ ગુમાવીદેછે, પણ તું એ માયાને છોડીને ભજન કર અને તારું પદ પામીલે.

હે નાથ, આપતો ગરીબના બેલી છો, દેવો ના દેવછો, તો પ્રભુ હૂંતો આપનો વદા માંગણ, સદાય આપનો દાસ, આપનાથી અળગો કેમ રાખી શકો? બસ આપના શરણમાં લઈલો એજ અભ્યર્થના.

Sunday, April 20, 2014

                       રાજા રામ

રામ રામ રાજા રામ, ભાવે ભજન કરો સીતા રામ...

રામ નામનો મહિમા મોટો, સકળ જગત નો નાતો ખોટો
                                 અંતે આવે એક જ કામ...

ધન દોલત તારી કામ ન આવે,માયા ઠગારી મન લલચાવે
                                 અંત એળા વિસરાવે રામ...

રામ નામથી નાતો રાખો, હરપળ હરિ ના રસ ને ચાખો
                             અંત સમય મુખ આવે રામ...

અંત સમય જો હરિ મુખ આવે, યમદૂતો ના ભય ને ભુલાવે
                                  લક્ષ ચોરાશી છોડાવે રામ...

હરતાં ફરતાં ભૂધર ભજવાં, શ્વાસે શ્વાસે સમરણ કરવાં
                           રાખી હૃદય રઘુનાથ નું નામ...

દીન " કેદાર " ની એક જ અરજી, હૈયે હરદમ રાખો હરજી
                              શાને ન પાર ઉતારે રામ...

Saturday, April 19, 2014


                                        ભાવ ભજન


મહાન કથાકાર શ્રી મોરારી બાપુ પોતાની દરેક કથાને અલગ નામ આપે છે, એજ રીતે નારાયણ બાપુ પણ ઘણી જગ્યાએ અલગ અલગ નામ આપે છે જેમાંનું એક ભાવ ભરેલું નામ છે "ભાવ ભજન."  આ ભાવ ભજન નામ ફક્ત ભજન ગાવાથી સાર્થક નથી થતું, જો ભજનમાં ભાવ ભળે તો જ ભાવ ભજન કહેવાય, અને ભજન માં ભાવ હોય તો જ ભજન કહેવાય, નહિ તો રાગડા તાણ્યા કહેવાય.
હમણાં મારા એક મિત્ર કે જે ખૂબજ સારા ભજનિક છે, સારા તો ખરા સાથો સાથ ભાવિક અને પ્રેમી પણ ખરાજ, પ્રભુ મય ઓતપ્રોત બનીને ગાય, કોઈ ચાર્જ લેવાની વાત કરો તો કહે " અરે ભજન ના તે કદી ચાર્જ હોય ? એ તો ભાગ્ય હોય તો ગાવા મળે" હું તેમને આગ્રહ કરીને એક મંદિરમાં ભજન ગાવા લઈ ગયો. એક જાણીતા ગાયકથી શરૂઆત થઈ, એક બે ત્રણ ગાયકો આવ્યા, પછી તો એવા મહા ગાયકો આવવા લાગ્યા કે મારા પેલા મિત્રે મને ત્યાંથી રજા લેવા આગ્રહ કર્યો, અને મેં પણ કોઈ પણ આના કાની વિના ત્યાંથી નીકળી જવાનું વધારે યોગ્ય સમજ્યું, મને શરમ તો જરૂર આવી કે આવા ભાવિક ગાયક ને હું અયોગ્ય જગ્યા પર લઈ આવ્યો, પણ મને પણ આવી આશા ન હતી, અને ત્યાંના સંચાલકોએ પણ ખરેખર શરમ અનુભવવી પડી.
ભજન ના નામે ગાતા ફક્ત પોતનો શોખ પૂરો કરતા લોકોએ શ્રોતા જનો ની પસંદ પણ ધ્યાનમાં રાખીને તેમને ત્રાસ આપવો ન જોઈએં, આપણાં મનથી ક્યારેક આપણે સારું ગાતા હોઇએં પણ સાચો જવાબ ફક્ત અને ફક્ત શ્રોતાઓજ આપી શકે, માટે મારા વહાલા ગાયકો ને મારી નમ્ર વિનંતી છે કે અન્યનો વિચાર કરીને ભજન ને માણજો, કોઇ સારા ગાયક નો સમય ઝૂંટવીને પાપ ના ભાગીદાર ન બનજો, કારણ કે કોઇને પણ ભાવ ભજન થી અલિપ્ત રાખવા તે મહા પાપ છે, કેમકે........  


ગાય ભજન જો ભાવથી હરિવર હર્ષિત હોય, ભાવ વિના તો જાણે ભાંભરે કાને ધરે ન કોય.

પ્રેમ ન ઊપજે જો પ્રાર્થતાં, ઈશ ન લાગે ધ્યાન, બસ વાણી વિલાસ છે, કોણ ધરે એ કાન.

ગમ વિનાનો ગાંગરે, ભીતર ભૂધર નઈ. આદર કંઈ ઊપજે નહીં, મોલ ટકો એ નઈ .

ઢાળ:- રાગ ભૈરવી જેવો

ભજન જો ભાવ સે હોતા, ભૂધર કો ભી મિલાતા હે
ન આતે હેં જો ખ્વાબો મેં, વો માધવ દૌડ આતા હે...

મીરાં કે મન બસ ગયા મોહન, નાચ દિખાયા નટવર કો
સમા ગઈ વો મુખ મંડલ મેં,        પ્રભુ પ્રેમે પચાતા હે...

ભિખારી જબ ભીખ કે ખાતિર, ધૂન મચાયે માધવ કિ
કરે કૃપા ના કણ કિ કૃપાલુ, કૌવે કો ખુદ ખિલાતા હે....

ગજ ને જીવન વ્યર્થ ગંવાયા, અંત સમય હરિ શરને આયા
પ્રેમ પિછાની પ્રિતમ ધાયા,   પલક મેં ચક્ર ચલાતા હે...

રાવન જાને રિપુ રઘુવીર કો,-પર-શરન લગાતા મન મર્કટ કો
અંત સમય પ્રભુ બાણ ચલાકે,     જીવન સે મોક્ષ દિલાતા હે...

ચેત ચેત નર રામ રટિ લે, પ્રભુ ભજન કિ પ્યાલી ભરલે
દીન " કેદાર " હરિ નામ સુમર લે, અભય પદ આપ દિલાતા હે...

સાર..ભજન-કીર્તન-ગરબા જો ભાવ સાથે ગવાય કે સંભળાય તોજ તેનું સાચું ફળ મળે, જે ક’દિ સ્વપ્ન માં પણ ન આવતો હોય એ ભગવાન ને પણ આવા ગાન સાંભળવા આવવું જ પડે.એવા તો અનેક દાખલા છે કે ભગવાન ભક્તોની પાછળ ઘેલા ઘેલા થઈને ફરતા હોય. 

મીરાંબાઈ એ સર્વે આડંબર ત્યાગ કરી ને નટવર સામે નાચ કર્યા, અને કહેવાય છે કે અંતે દ્વારકા માં ભગવાને તેને પોતાના મુખ માં સમાવી દીધાં અને મૃત્યુનો સામનો ન કરવો પડ્યો. 

ઘણા ભિખારી લોકો આખો દિવસ "હે રામ, હે રામ" નું રટણ કરે છે, પણ તેનો માંહ્યલો તો આવતા જતા લોકો ના હાથે થતા દાન પરજ હોય છે, રામનું નામ છે તેથી રોટલો તો મળે જ, પણ મુક્તિ ન મળે,

ગજેન્દ્ર નામના હાથી એ ક્યારેય પ્રાર્થના કરી હોય એવો કોઈ પ્રસંગ મારા ધારવા પ્રમાણે ક્યાંયે મેં નથી સાંભળ્યો, છતાં જ્યારે મગરમચ્છ સાથે યુદ્ધ થયું ત્યારે હાથીએ અંતરથી પ્રાર્થના કરી, અને તેને સુદર્શન ચક્ર વડે વાર કરીને છોડાવ્યો, કારણ તે આર્તનાદ હતો.  

જય અને વિજય ને એવો શ્રાપ મળ્યો હતો કે તે સાત જન્મ સુધી મનુષ્ય જન્મ ભોગવે પછી ભગવાન મળે. પણ જો વેર ભાવ થી ભગવાન ને ભજે તો ત્રણ જ જન્મમાં મોક્ષ મળે.  ભગવાન ના દ્વારપાળ કે જે સદા ભગવાનના દર્શન કરતા હોય તે સાત જન્મ કેમ દૂર રહી શકે? તેથી તેણે ભગવાન ને જલદી થી મેળવવા ત્રણ જન્મ વેર ભાવે ભજવા નું નક્કી કર્યું, ભગવાન ના ભક્તો માટે આ સહેલું નથી, જેના મન માં અહર્નિશ ભગવાન બિરાજતા હોય, સદા એ તેમનું રટણ ચાલતું હોય, તેના થી વેર કેમ થાય? પણ જય અને વિજયે તેમાં સફળતા મેળવી. પણ અંત સમયે તે મનોમન શ્રી રામ ને નમન કરે છે, અને શ્રીરામ તેને બાણ મારી ને પોતાનું ધામ આપે છે.

અહીં એક હમણાંજ સાંભળેલી વાત લખવા મજબૂર બન્યો છું, આપણા ગરવી ગુજરાતના લોક લાડીલાં અભિનેતા અરવિંદ ત્રિવેદી હાલમાં શ્રી રામ ની અનન્ય ભક્તિમાં વધારે પડતા એટલે લીન છે કે તેમણે રામાયણ સીરીયલ માં શ્રી રામ વિષે ઘણાં અપમાન જનક શબ્દો બોલ્યા છે, જોકે આતો તેમના પાત્રનો એક ભાગ હતો, છતાં તેમને આવા શબ્દો રામ વિષે બોલાયા તેનો પસ્તાવો થયો, તેથી એ પાપનું પ્રાયશ્ચિત કરવા માટે તેઓ ક્ષમા યાચના કરી રહ્યા છે. છેને આજના રાવણમાં પણ એજ ભક્તિ કે જે રામાયણના રાવણમાં હતી? અને આપણે ગુજરાતીઓએ પણ ગર્વ લેવા જેવું છેને?  

માટે હે માનવ-હું પણ- રામનું સ્મરણ કર એ તને પાર કરશેજ.. જય શ્રી રામ..

Friday, April 18, 2014

                           થાળ

                     --સાખીઓ--
મુજ દીન ના દ્વાર પર, અવસર આવ્યો આજ
પીરસું થાળી પ્રેમ ની, આરોગો મહારાજ

નથી મેવા નથી મિસરી, નથી પેંડા પકવાન
દીન ગરીબ નો થાળ છે, પ્રેમે જમો ભગવાન

આવો નેનટવર આવો ને મોહન
ગોવિંદ વર ગિરિધારી, પ્રભુ પીરસી છે મેં થાળી...

મેવા ન મળિયા મોદક ન મળિયા, પેંડા જલેબી કે ઘારી
શીરો મળ્યો નહિ શામળિયા મને, ઘી ની ભરી નથી જારી
વિધ વિધ વાનગી ક્યાંથી ધરાવું, સમજો છો વાત સારી...

રુખિ સુખિ રાબ બનાવી, થોડું ગોરસ ગિરિધારી
માખણ મિસરી ક્યાંથી લાવું તારાં,  ભોગ પડે મને ભારી
ગરીબ ગણીને ગોવિંદજી મને,   માફ કરો ને મોરારિ..

અશ્રુ કેરા જલ થી જીવન, તારાં ચરણ કમલ ને પખાળું
તુલસી કેરા પાન ધરાવું,    બીજો મુખવાસ શું મંગાવું
[તારાં બધા ભક્તો ભલે તને સુંવાળી સેજ માં પોઢાડતા હશે,
ચમ્મર ઢોળતા હશે, ચરણ ચાંપતા હશે,પણ હું..]
સૂવાને નહિ દંવ શામળિયા તને, રાત ભર વાતો કરૂં પ્યારી...      
[અને તારાં દર્શન કરતો રહીશ]

નથી નરસિંહ કે દામા કુંડે,   દામોદર ને જમાડું  
નથી સુદામો તાંદુલ વાળો, હું તો ગરીબી ગાઉં
દીન જાણી ને દીન " કેદાર " પર, મહેર કરજો મોરારી...


ફોટો-ગુગલ ના સહયોગથી


Thursday, April 17, 2014

                          ગોવિંદ ગાન


ગોવિંદ ગોવિંદ બોલ માનવ, ગોવિંદ ગોવિંદ બોલ
અવસર આ અણમોલ માનવ, ગોવિંદ ગોવિંદ બોલ...

ગોવિંદ ગોવિંદ ગાન કરીલે, જનમ જનમ નું ભાતું ભરી લે
                               એક અમૂલખ બોલ માનવ...

ગોવિંદ ગોવિંદ રટતાં રટતાં, મોહ માયાના વાદળ હટતાં
                              માયા છે મોટી પોલ માનવ...

ગોવિંદ નામે નાગર નાચે, વિપત વેળા જદુરાય ને જાચે
                           પાળ્યાં છે સઘડાં કોલ માનવ...

ગોવિંદ ગોવિંદ જાપ જપિ લે, શ્વાસે શ્વાસે સ્મરણ કરી લે
                             સ્વર્ગ મળે અણમોલ માનવ...

ગોવિંદ ગોવિંદ ગાન જે કરશે, ભાવ ધરી ભગવાન જે ભજશે
                               એજ માનવ ના મોલ માનવ...

દીન " કેદાર " પર કરુણા કરજો, જીવન ભર પ્રભુ હૃદયે રમજો
                                    બોલું તમારા બોલ માનવ...




તા.૧૫.૪.૧૪ ના રોજ નારાયણ બાપુ ના માંડવી આશ્રમ મુકામે ભજન નો કાર્યક્રમ રાખેલો, આમ તો હવે દર રોજ સાંજના આરતી પછી બાપુ ના ચાહકો મળીને ભજનો બોલે છે પણ દર પૂનમ ના દિવસે એક વ્યવસ્થિત કાર્યક્રમ રાખવામાં આવે છે, જેમાં બાપુ ના ચાહકો ઉપરાંત નામાંકિત ભજન ગાયકો લાભ આપે છે, જેમાં શ્રીમાન ખેતસીભાઈ તો હોયજ હોય, જો કે અમુક ચાહક ભજનિકો તો દર પૂનમે જો કોઈ અનિવાર્ય રોકાણ ન હોય તો માનદ સેવા આપે છે, ક્યારેક તો ચાહક ગાયકો ને સમય નો પણ અભાવ વેઠવો પડે છે. હા ક્યારેક શ્રોતાઓ ને પોતાના પસંદગી ના કલાકારો નો ઓછો લાભ પણ મળતો હોય છે, છતાં એકંદરે સારો એવો પ્રતિસાદ મળે છે.
આજ રીતે ઉત્તરો ઉત્તર આશ્રમ ની પ્રગતિ થતી રહે એજ અભ્યર્થના.
આ કાર્યક્રમના થોડા ફોટો ગ્રાફ અહિં રજૂ કરું છું



આ વખતે એક સંત મહાત્મા જામનગર તાલુકાના ધ્રાફા ગામના આશ્રમના મહંત પણ ચાર પાંચ દિવસ પહેલાં પધારેલા. જેમને આ પૂનમના કાર્યક્રમની ખબર પડતાં રોકાઈ ગયેલા અને હિતેશભાઇ ની સાથે માર્કેટ માં જઈને આ આશ્રમ માટે માતબર માત્રામાં અનાજ પણ ખરીદીને લાવેલા જે આપને અહિં ફોટો માં દ્રશ્યમાન થશે.

જય નારાયણ.

Tuesday, April 15, 2014

સુંદરકાંડ ગુજરાતી



                               સુંદરકાંડ ગુજરાતી

શ્રીગણેશાય નમ:

સુંદરકાંડ ગુજરાતી

બે બોલ:-
આજ કાલ સુંદરકાંડ ના પઠન નો મહિમા ખૂબ વધ્યો છે, રામ કે ઈશ્વર ના કોઈ પણ રૂપ માં ગુણ ગાન કોઈ પણ પ્રકારે ગવાય તે તો અહોભાગ્ય કહેવાય, પણ એક ભાવુક અને સત્સંગી વ્યક્તિ જે અમારા ભજન મંડળના સભ્ય છે તેમણે મને રામાયણ ની એક ચોપાઈ નો અર્થ પૂછ્યો, [હું રામાયણનો જ્ઞાતા નથી, પણ અમારા મંડળના લોકો મને થોડો સમજદાર સમજવાની ભૂલ કરતા હોઈને મને પૂછ્યા કરતા હોયછે] પણ મને પૂર્ણ રૂપે સમજવામાં અને સમજાવવામાં મથામણ કરવી પડી, ત્યારે મને વિચાર આવ્યો કે મારા જેવાતો ઘણા બધા લોકો હશે જેમને સત્સંગી હોવા છતાં અમુક ચોપાઈ ના અર્થ ની પુરી સમજ ન પણ હોય, તો રામાયણ, સુંદર કાંડ કે એવા બીજા મહા કાવ્યો પુર્ણ રૂપે કેમ સમજી શકે? રામાયણ, મહા ભારત કે ગીતા જેવા મહા કાવ્યો ની પવિત્રતા વિષે કંઈ પણ લખવાની જરૂર ન હોય, પણ હિંદી, ગુજરાતી કે સંસ્કૃત ન જાણનારો કોઈ વિદેશી એનો અર્થ સમજી શકે ? અને સમજાય નહીં તો ભાવ ક્યાંથી જાગે? અને ભાવ ન જાગે તો ફળ શું? ફક્ત પોપટિયા જ્ઞાન થી પૂરો ફાયદો ન મળે.વાલિયો લુટારો રામ ને બદલે મરા મરા બોલતો હતો, તો પણ પાર થઈ ગયો એવો મારા મિત્રે તર્ક કર્યો, પણ તેને એ તો ખબર હતીને? કે હું કોના નામ જપુંછું. એ ભાવ હતો, ઘણી જગ્યાએ મોટા મોટા યજ્ઞો થતા હોયછે તેમાં ગોરબાપા ના "સ્વાહા" સિવાયના ઘણા શ્લોકો ની ખબર ઘણાને પડતી હોતી નથી, જેથી પૂર્ણ રૂપે ફળ મળતું નથી, જેમ અર્ધ અંગ્રેજી જાણનારો વાત તો સમજીલેછે, પણ તેના મર્મનો આનંદ માણી શકતો નથી, તેથી મેં વિચાર્યું કે સુંદરકાંડનું એક એવું ભાષાંતર કરું કે જે સહજ હોય, ગુજરાતીઓ માટે સરળ ગુજરાતીમાં હોય, અને બને ત્યાં સુધી વધારે માં વધારે ચોપાઈઓ વગેરે નો મારી બુદ્ધિ પ્રમાણે અનુવાદ કરવાનો પ્રયત્ન કરવા છતાં સંપૂર્ણ સુંદરકાંડ નું તાત્પર્ય જળવાઈ રહે અને સાથે સાથે સમય પણ ઓછો લાગે, જેથી વધારે માં વધારે લોકો ભાગ દોડ વાળી જિંદગી માં પણ એનો વધારે માં વધારે લાભ લઈ શકે. હા, કોઈ કોઈ જગ્યાએ પ્રાસ મેળવવા માટે થોડી શબ્દોની હેરાફેરી કરીછે, અને ક્યાંક ક્યાંક પુનરુક્તિ દોષ પણ હશેજ, તે બદલ ક્ષમા માંગુ છું. પણ હું કોઈ મહા કવિ કે વિદ્વાન નથી,જોડણી માં કાચો અને ભાષા માં પારંગત ન હોવાથી અત્યંત ભૂલો થતી હશે,  પણ જ્યારે "રામ ચરિત માનસ" જેવા મહા ગ્રંથ ના રચયિતા સંત શિરોમણિ તુલસીદાસજી મહારાજ-કે જેને ખુદ હનુમાનજી સામે બેસીને લખાવતા હોય- છતાં તેઓ કહેતા હોય કે "કવિ હું ન મેં ના ચતુર કહાવું, મતી અનુરૂપ હરિ ગુણ ગાઉં" તો મારી શું વિસાત? મારી તો દરેક ભૂલો માફ કરવી જ પડે, પણ જેમ હું નથી સમજી શકતો તેમ બીજા પણ ઘણા લોકો હશે જે આવા મહા ગ્રન્થોના મર્મો પૂરે પૂરા સમજી સકતા નહીં હોય, એ વિચારે મારાથી બનતી કોશિશે બને તેટલા સરળ શબ્દોમાં સુંદરકાંડ નું ભાષાંતર મારી બુદ્ધિ પ્રમાણે કરવાની મહેનત કરી છે.
આ પ્રયત્નમાં મારા કોઈ કૌશલ કે વિદ્વતાના દેખાડાનો પ્રયાસ નથી, પણ એક સામાન્ય માણસ સુધી આ મહાન ગ્રન્થ ની સમજ પહોંચે એજ હેતુ છે. ઈશ્વરે મને ગાવાની અને થોડી સંગીત ની પણ સમજ આપી છે, પણ તે ફક્ત ગાઈ શકાય અને પ્રાસ મેળ બેસાડી શકાય તેટલીજ છે, તેથી આ કાર્યમાં તેનો મેં મારાથી બનતો બધો ઉપયોગ કર્યો છે, છતાં મારી કોઈ ભૂલ હોય તો તે ફક્ત મારી જ ભૂલ સમજી ને મને માફ કરવા ની આશા રાખું છું.


આ મહાન રચના નો અનુવાદ કરવાનો મેં વિચાર કર્યો, પરંતુ આ કાર્ય યોગ્ય છે કે, નહીં તે માટે કોઈ જ્ઞાની જન કે કોઈ સંત વ્યક્તિ ની અનુમતિ લેવી એવી મને ઇચ્છા હોઈ ને મેં એક ડૉક્ટર ની પદવી પામેલા સંત જેવા મહા પુરુષ ની મંજૂરી માંગી, (તેમની નામ લખવાની અનુમતિ મેં લીધી નથી તેથી અહિં નામ લખતો નથી,અને હવે હું એ મહા માનવ નો સમય બગાડવા માંગતો નથી.) તે વ્યસ્ત વ્યક્તિ એ  મારા માટે સમય ફાળવી ને મને અનુમતિ તો આપી, સાથો સાથ આ રચના નો પ્રચાર-પ્રસાર થાય એમ કરવા પણ અનુરોધ કર્યો છે, હું કોઈ પણ શબ્દોમાં એ મહા પુરુષ નો આભાર માનું તે પૂરતું નહીં હોય.


કિષ્કિંધા કાંડ-
સાગર કિનારે પહોંચીને સર્વે વાનરો વાતો કરતા હતા કે સીતા માતાની ખબર મેળવવા હવે શું કરવું? જટાયુ કેવો ભાગ્યશાળી કે જેણે રામ માટે દેહ નો ત્યાગ કર્યો, ત્યાં ગુફામાં રહેતો સંપાતી નામનો ગીધ પોતાના ભાઇ જટાયુ નું નામ સાંભળી ને બહાર આવ્યો અને વિગત જાણી કહેવા લાગ્યો કે હવે તો હું ઘરડો થયો પણ મને સામે પાર ત્રિકૂટ નામના પર્વત પર લંકા નગરી છે ત્યાં અશોક વાટિકામાં સીતા માતા બિરાજે છે તે દેખાય છે. બધા યોદ્ધાઓ પોત પોતાના બળા-બળ ની વાત કરવા લાગ્યા, ત્યારે જામવંત હનુમાનજી ને શ્રાપ વશ ભૂલેલા તેમના બળ ને યાદ કરેછે, કે હે મહાવીર તમે બળવાન છો, અને તમારોતો અવતારજ રામનું કાર્ય કરવા માટે થયોછે. આવું સાંભળી ને હનુમાનજીએ પહાડ જેવો વિશાળ દેહ ધારણ કર્યો અને સિંહ જેવી ગર્જના કરી.............હવે આગળ..

                            ભાવાનુવાદ:- સુંદર કાંડ-ગુજરાતી


જામવંત ના વચનો વિચારી, હનુમંત બહુ આનંદિત ભારી,        આવું પરત હરિ કાજ કરીને, ખાઈ વન ફળ રહો ધીર ધરીને
કરું શોધ જ્યારે સીતા માતા, મળે મુજ મનને ત્યારે સાતા.              એમ કહી નમાવી શીશ સૌને, ચાલ્યા બજરંગ હરિ હ્રુદયે ભરીને
સિંધુ કિનારે એક પહાડ બહુ સુંદર, ચડ્યા હનુમાન ઓળંગવા સમુંદર,      વારમ વાર રઘુનાથ સંભારી, થયા તૈયાર અતુલિત બલ ધારી
જ્યાં ગિરિ પર હનુમાન પગ ધારે, ગયો પાતાળ પરવત તે ભારે,         જેમ અમોઘ રઘુપતિ ના બાણો, એજ સમાન હનુમંત ગતિ જાણો
જાણી હરિ દાસ મેનાક મનાવે, કરો વિશ્રામ હનુમાન રિઝાવે,             રામ કાજ વિણ નહિ સુખ મુજને, કરું પ્રણામ ભાવ જોઇ તુજને
દેખી દેવો પરીક્ષા કરવા, સુરસા આવી ઉદર હનુ ભરવા,                    કરે કપિ વિનંતી બે હાથ જોડીને, આવું પરત પ્રભુ કામ કરીને
સમાચાર શુભ પ્રભુને બતાવું, તદ્ પશ્ચાત્ પરત હું આવું,                      તે સમયે ભલે ઉદર મને ભરજો, સત્ય કહું શંકા નહિ કરજો
તો પણ સુરસા વાત ન માને, કહે હનુમાન તો ગ્રહી લો જાતે,              ખોલે જોજન મુખ સર્પિણી માતા, મહાવીર બમણા બની જાતા
સોળ જોજન બની સર્પિણી માતા, હનુમાન બત્રીસ બની જાતા,               જેમ જેમ સુરસા મુખ પ્રસારે, તેમ બજરંગી બમણું વિસ્તારે
સો જોજન મુખ સુરસા કીધું, અતિ લઘુ રૂપ  હનુમાને લીધું,                કરી પ્રવેશ મુખ સન્મુખ આવે, માંગે વિદાય કપિ શીશ નમાવે      
જે કામ દેવોએ મને દીધું, તે કારણ મેં પરીક્ષણ કીધું.                      દેખી બલ બુદ્ધિ આનંદ વ્યાપે, હરખ સમેત શુભ આશિષ આપે,         

દોહો-ધન્ય ધન્ય હનુમાન જી, બળ બુદ્ધિ જ્ઞાન નિધાન
      આશિષ દઈ સુરસા ગઈ,   હરખે ચાલ્યા હનુમાન...
    
                               મંગલ ભવન અમંગલ હારી, દ્રવહુ સુ દસરથ અજિર બિહારી.
                               તાકે જુગ પદ કમલ મનાવું,      જાસુ કૃપા નિર્મલ મતી પાવું.
 
મધ્ય સાગર એક રાક્ષસી રહેતી, નભચર છાંય પકડી મુખ લેતી,      એજ પ્રકાર હનુમંત સંગ કરતાં, મારી મુષ્ટિકા વિલંબ ન ધરતાં
સાગર પાર કરી કપિ પેખ્યું, સુંદર કંચન કોટ બહુ દેખ્યું,              વન ઉપવન બહુ બાગ ફૂલ વાડી, વાવ કૂવા સરોવર છે અગાડી.
ઉમા ન કોઈ કપિ કેરી બડાઈ, એ સઘળી પ્રભુની પ્રભુતાઈ.                  ચડી પર્વત લંકા ત્યાં દેખી, કનક કોટ સિંધુ શોભા અનોખી.
ઘર ચોગાન વળી મહેલો મજાના, ભવન મનોહર સુંદર ત્યાંના,                 નર નાગ સુર ગંધર્વ બાળા, મોહે મુનિ મન રૂપ રસાળા
અસ્ત્ર શસ્ત્ર સંગ સૈન્ય સૌ સુરા, અશ્વ કુંજર બલવાન બહુ પૂરા,                      દે પહેરા બહુ અસુર અનેરાં, કનક કોટ રક્ષિત ઘણેરાં
અતિ લઘુ રૂપ હનુમાન વિચારે, કરું પ્રવેશ અંધકાર હો જ્યારે,                 નામ લંકિની નિશાચર નારી, લંકા નગર ની પ્રહરી ભારી.
દેખી હનુમાન વાત ઉચ્ચારી, ચોર સમાજ ભોજન પ્રિય ભારી,             મુષ્ટિકા એક હનુમંત દે મારી, મુખ રુધિર ભર મનમાં વિચારી.
વર બ્રહ્મા મને યાદ હવે આવે, કોઈ વ્યાકુળ કપિ જે દિ' કરાવે,               હે કપિરાજ હવે મર્મ હું જાણું, આવ્યું નિશાચર અંત નું ટાણું.
રામ ભક્ત ના દર્શન પામી, હે હનુમાન નમામી નમામી,                   અતિ લઘુ રૂપ લઈ હનુમંતા, નગર ગયા ધરી મન ભગવંતા.
મંદિર મંદિર શોધે સીય માતા, જોયા ત્યાં યોદ્ધા મદમાતા,                  મહેલ દશાનન ભિન્ન દેખાતો, વૈભવ સઘળો વરણી ન જાતો.
ભવન એક અતિ અલગ દરસાતો, હરિ મંદિર સુંદર વરતાતો,                રામ નામ અંકિત ત્યાં શોભે, દેખી હનુમંત મન અતિ લોભે.
લંકા નગર નિશાચર વસતા, સજ્જન ત્યાં વસવાટ શેં કરતાં,                   એજ સમય વિભીષણ જાગ્યા, રામ રામ સમરવા લાગ્યા.
પહોંચ્યા પવનસુત વિપ્ર રૂપ ધારી, દેખી વિભીષણ અચરજ ભારી,         શું તમે હરિના દાસ છો કોઈ, મુજ હ્રદય અતિ પ્રીતિ કેમ હોઈ.
કે પછી આપ જ રામ અનુરાગી, આવ્યા મને કરવા બડભાગી,                   કહી કથા કપિ સૌ સાચે, બની પુલકિત વિભીષણ નાચે.
હે હનુમંત કહું વિપદા અમારી, રહે મુખમાં જેમ જીભ બિચારી,                  તામસ દેહ કરી શકું ન સેવા, સાથી મળે પદ પંકજ મેવા.
તવ દર્શન થી આસ એક જાગી, હરિ દર્શન કરી થવું બડભાગી,       કહી કથની પછી જાનકી માતા, ગયા વાટિકા કપિ હરિ ગુણ ગાતા.
દેખી દુર્બળ દીન જનક દુલારી, પવનસુત મન દુ:ખ અતિ ભારી,         એજ સમય લંકેશ ત્યાં આવ્યો, સંગે નારી સજી ધજેલી લાવ્યો.
સામ દામ દંડ ભેદ બતાવ્યા, જનક સુતાને બહુ સમજાવ્યા,                સાંભળ હે દશમુખ અભિમાની, જાણે ન બળ રઘુનાથ ભુજાની.
સૂર્ય સમાન રઘુ પતિ મુખ કાંતિ, આગિયા સમ તું રાખે શું ભ્રાંતિ,              હે સીતા સમજ મુજ વાણી, રાવણ બોલ્યો ખડગ કર તાણી.
મંદોદરી દશાનન સમજાવે, નીતિ રીતિ થી શાંત કરાવે,                માસ દિવસ મહેતલ દઈ રાવણ, ગયા મહેલ કરી રૂપ કૃર ધારણ.

રાગ ચોપાઈ જેવો - રાવણ ગયો તાકીદ કરીને, આપો ત્રાસ રહે સીતા ડરીને,
                      વિધ વિધ રૂપે એને મનાવો, કરે સમર્પણ એમ સમજાવો...

                                મંગલ ભવન અમંગલ હારી, દ્રવહુ સુ દસરથ અજિર બિહારી.
                     તાકે જુગ પદ કમલ મનાવું,      જાસુ કૃપા નિર્મલ મતી પાવું.

ત્રિજટા એક નિશાચર દાસી, રામ ચરણ કમલ પ્રિય પ્યાસી,                    કહે સપને એક વાનર ભાળ્યો, મારી સૈન્ય લંકા ગઢ બાળ્યો.
નગ્ન શરીર દસ મુંડન સાથે, ભુજા વિણ ગર્દભની માથે,                            વિભીષણને  લંકાપતિ દીઠો, રામ પ્રતાપ ભાસે બહુ મીઠો.
સુણી સપનું ડરીને નિશાચરી, માંગે ક્ષમા સીતા પદ ફરી ફરી,               વિધ વિધ વચન ત્રિજટા સમજાવે, સીતા તોય શાંતિ નહીં પાવે.
સમય શુભ જાણી મુદ્રિકા ફેંકી, અચરજ અનહદ જાનકી દેખી,                    શું કોઈ માયા વશ છે દેખાણી, કે કરી કપટ છલ કોઈ આણી.
એજ સમય કપિ કથા શુભ ગાવે, રામચંદ્રના ગુણ સંભળાવે,                  કહે સીતા સુણી કથની રઘુરાયા, પ્રગટો ભ્રાતા તમે કેમ છુપાયા.
નત મસ્તક કપિ સન્મુખ આવે, કરુણાનિધિ કહી ભ્રમ ને ભગાવે,               જાણી રામ દૂત હરખ અતિ ભારે, બૂડતી નાવ સાગર જેમ તારે.
કહો ભાઇ વાતો સૌ વિગતે, કેમ પ્રકાર રઘુવીર દિન વીતે,                               કેમ રહે લક્ષ્મણજી ભ્રાતા, તરસી રહી નીરખવા તાતા.
કહું માતા શ્રી રામ દુ:ખ ભારી, હરિ હ્રદય સદા મૂર્તિ તમારી,                 કહ્યો સંદેશ સાંભળો ધીર ધારી, વિપરીત વાત ન મનમાં વિચારી.
"હે સીતા કહું કથની આ મારી, રહે સદા મન પાંસ તમારી,                               તપે ચંદ્ર વાદળ અકળાવે, વર્ષા તાતા તેલ વરસાવે.
સાંતી દેનાર સૌ દુ:ખ વરતાવે, વાયુ વિરહ માં આગ લગાવે,                          કહી શકું વ્યથા જઈ હું કોને, સમજી શકે જે મુજ દર્દો ને".
કહે કપિ ધીરજ ધરો તમે માતા, સમરણ કરો સેવક સુખ દાતા,                  રામ બાણ હવે વિલંબ ન કરશે, કીટક સમાન નિશાચર મરશે.
હે કપિ એક સંદેહ મન આવે, તમ સમ સૈન્ય શું લંકેશ હરાવે,                    સુણી હનુમાન વિશાળ રૂપ કીધું, દઈ સંતોષ સહજ કરી લીધું.
જો પ્રતાપ રઘુનાથ નો હો તો, સર્પ ગળી શકે ગરુડ સમેતો,                      જાણી પ્રતીતિ મન આનંદ સંગે, દે વરદાન શુભ માત ઉમંગે.
અજર અમર ગુણ સાગર બનશો, સદા હરિ ચરણ કૃપા સુખ ધરશો,            વચન સુણી કપિ અતિ હરખાતા, કૃત કૃત્ય થયો આજ હું માતા.
વિનય સમેત અનુમતિ કપિ માંગી, દેખી મધુર ફળ ભૂખ બહુ લાગી,                અતિ બળવાન કરે રખવાળી, દંડશે તમને પ્રવેશતાં ભાળી.
જો હરિ કૃપા સેવક પર હો તો, મહા બળવાન રિપુ થી ના ડરતો,                 ભાળી ભરોંસો સંમતિ આપી, ખાધાં મધુર ફળ ડાળીઓ કાપી.
મૂળ સહિત ઘણાં તરુવર તોડ્યાં, કરી ઘમસાણ વન રક્ષક રોળ્યાં,               બની ભયભીત નિશાચર ભાગ્યા, જઈ લંકેશ કરગરવા લાગ્યા.
નાથ વાનર એક અદ્ભુત આવ્યો, કરી ઉત્પાત મહા ત્રાસ ફેલાવ્યો,               એક એક કરી યોદ્ધા ઘણેરાં, થયા પરાસ્ત બાહુ બળિયા અનેરાં.
રાવણ સુત અક્ષય ને મારી, ભય ફેલાવ્યો સૈન્ય માં ભારી,                            તો લંકેશ મેઘનાદ બોલાવે, કહે કરી બંધક સન્મુખ લાવે.
ઇન્દ્રજીત કરે વિધ વિધ માયા, કેમે કરી હનુમંત ના ફસાયા,                             કોઈ કારી નહીં ફાવે જ્યારે, સુત લંકેશ બ્રહ્માસ્ત્ર ચલાવે.
પરખી અમોઘ પવનસુત જ્યારે, રાખે માન બ્રહ્માસ્ત્રનું ત્યારે,                        કરી વંદન હનુમંત પટકાયા, નાગપાશ વશ બનીને બંધાયા.
નામ રામ ભવ બંધન કાપે, રામ દૂત બંધન કોણ આપે,                            સમાચાર વ્યાપ્યા લંકા માં, દોડ્યા નિરખવા કપિ બંધન માં.

રાગ ચોપાઈ જેવો- ભાળી વૈભવ લંકા પતી કેરો,  લાગ્યો અચંબો હનુમંત અનેરો
                     દશ દિક્પાલ જોડી કર દેખી,     એ પ્રભુતા નહિ જાય ઉવેખી...

                     મંગલ ભવન અમંગલ હારી, દ્રવહુ સુ દસરથ અજિર બિહારી.
                     તાકે જુગ પદ કમલ મનાવું,      જાસુ કૃપા નિર્મલ મતી પાવું.

જોઇ નીડરતા હનુમંત કેરી, થઈ ચકિત દશ શીશ કચેરી,                                 હે વાનર તું આવ્યો ક્યાંથી, કોનો દાસ તું કોનો સાથી.
કોના ભરોંસે બાગ ઉજાડ્યો, કે મુજ પ્રતાપ કોઈ ખબર ન પાડ્યો,                   કયા કારણે  નિશાચર મારે, કે પછી મોત નો ડર નહીં તારે.
હે રાવણ બ્રહ્માંડ રચનારા, પાલન પોષણ નષ્ટ કરનારા,                           ખર દૂષણ વાલી હણ નારા, શિવ ધનુષ્ય નો ભંગ કર નારા.
જે પ્રતાપ તમે જગ જીતી આવ્યા, અબળા નાર છલથી હરિ લાવ્યા,               તેજ રામનો દૂત હું નાનો, આપું શિખામણ વાત મારી માનો.
ક્ષુધા વશ મધુર ફળ ખાધાં, માર્યા નિશાચર કરતાં જે બાધા,                           હે રાવણ મહા બલવંતા, ભજી લો રામ કૃપાળુ ભગવંતા.
તજી અભિમાન પરત કરો માતા, નિશ્ચિંત માફ કરી દેશે તાતા,                        રામ વિના ની કોઈ પ્રભુતાઈ, ટકે નહિ ઘટે પાઇ દર પાઇ.
ઝરણા નીર ન હોય મુખ અંદર, જતાં વર્ષા સુકે સરિતા સદંતર,                   કોઈ જન હોય જો રામ વિમુખી, કરે સહાય ના કોઈ ઈશ દેખી.
કોઈ ઉપદેશ રાવણ નહીં લીધો, કપિ વધ કરવા હુકમ કરી દીધો,               મંત્રી ગણ સાથે વિભીષણ આવ્યા, નત મસ્તક લંકેશ સમજાવ્યા.
મારવો દૂત કોઈ નીતિ ન ગણાઈ, આપો સજા અવર કોઈ ભાઇ,               કહે રાવણ તેને પૂંછ બહુ પ્યારી, લાય લગાડી દંડ દો અતિ ભારી.
પૂંછ વિનાનો વાનર ત્યાં જાશે, આપ વીતી સૌ કથની ગાશે.                        બાંધો વસ્ત્ર તેલ મહીં નાખી, આગ લગાવો બાળો પૂંછ આખી.
જાણું પ્રતાપ જો રામ અહિં આવે, કપિ જેને બહુ શ્રેષ્ઠ બતાવે,                   સુણી વચન કપિ મનમાં વિચારે, નક્કી સરસ્વતી સહાય કરે ભારે.
કૌતુક હનુમંત પૂંછ વધારી, તેલ બચ્યું નહીં નગરી સારી,                        ઢોલ પખાજ સંગ નગર ઘુમાવી, આગ લગાવી સભા ખંડ લાવી.
લઈ લઘુ રૂપ કપિ બંધન કાપી, થયા વિરાટ ગગન ભર વ્યાપી,                      હરિ કૃપા અતિ પવન ફૂંકાયા, સહજ કૂદે કપિ અંજની જાયા.
પૂંછ બજરંગ ની આગ વરસાવે, નગર જનો માં ભય ફેલાવે,                       કોઈ પૂંજી કોઈ બાળ બચાવે, કોઈ ભયભીત નિજ જાત છુપાવે.
મંદોદરી ભારી ભય પામી, બેઉ કર જોડી મનાવે સ્વામી,                                વિભીષણ સમજાવે રાવણ ને, કોઈ વચન ના ધરતો કાને.
કુંભકર્ણ નારી ભય વ્યાપે, રામ શપથ દુહાઈ આપે,                                        કૃપા કરી મુજ નાથ બચાવો, હે મહાવીર દયા દરશાવો.
સુણી તરખાટ હનુમાન મચાવે. લંકાપતિ મેઘનાદ પઠાવે,                              અસ્ત્ર શસ્ત્ર સજી સન્મુખ આવે, મારી પૂંછ હનુમાન ભગાવે.
લંકાપતિ વરસાદ બોલાવે, ચાહે મેહ કરી કપિ ને વહાવે,                            પ્રભુ કૃપા કોઈ કારી નહીં ફાવી, રામ રોષ અતિ આગ ફેલાવી.
તો લંકેશ ખુદ કાળ બોલાવે, લઈ પકડી કપિ મુખ પધરાવે,                                   શિવ સમેત ઇંદ્ર કર જોડી, કહે નાથ દો કાળને છોડી.
કરી મુક્ત કપિ કૂદવા લાગ્યા, દેખી નગરજન ભય વશ ભાગ્યા,                        એક મહેલ વિભીષણનો છાંડી, સઘળે લંકા સળગવા માંડી.
કૂદ્યા હનુમાન સાગરની અંદર, ઠારી જ્વલન હવે શાંતિ નિરંતર,                  ધરી લઘુ રૂપ જનક સુતા સામે, પહોંચ્યા પવન સુત શીશ નામે.
આપો માત કોઈ ઓળખ એવી, હતી આપી જેમ રઘુપતિ જેવી,                         આપી ચુડામણી સંદેશની સાથે, હરજો નાથ સંકટ જે માથે.
માસ દિવસ વિલંબ થઈ જાશે, તો પછી પ્રભુજી મિલન નહીં થાશે,                 આપ દેખી કપિ મુજ મન અંદર, હતી શીતલતા ધીરજ સદંતર.
હવે કહો છો વાત જવા ની, દિવસ ને રાત હવે એક થવાની,                 કપિ પ્રણામ દઈ સાતા શીશ નામી, લીધી વિદાય જવા જ્યાં સ્વામી.
જાતાં બજરંગ ગર્જના કીધી, નિશાચર નારી ભયભીત કરી દીધી,                 પલક વાર માં લાંઘી સાગર, કપિ પહોંચ્યા જ્યાં હતાં સૌ વાનર.

રાગ ચોપાઈ જેવો-દેખી પવનસુત હરખ સેનામાં, કરે ના વિલંબ કપિ પ્રભુની સેવામાં
                    દેખી પ્રસન્ન મુખ કલ્પના કરતા, વિણ હરિ કાજ તે પરત ન ફરતા
                  
                    મંગલ ભવન અમંગલ હારી, દ્રવહુ સુ દસરથ અજિર બિહારી.
                    તાકે જુગ પદ કમલ મનાવું,      જાસુ કૃપા નિર્મલ મતી પાવું.

કરી મિલાપ સેના હરખાણી, જળ વિણ મછલીને મળે જેમ પાણી,                    કેમ પ્રકાર કપિ સાહસ કીધાં, કેમ કરી ને માતા ખોળી લીધાં.
કહે હનુમાન લંકા પુર વાતો, એજ પ્રકાર હરિ પંથ કપાતો,                     હરખ સમેત પહોંચ્યા મધુવનમાં, ખાધા મધુર ફળ અતિ આનંદમાં.
કરી રાવ સુગ્રીવ રખવાળે, અંગદ સૈન્ય સૌ બાગ ઉજાડે,                          સુણી સુગ્રીવ અતિશય હરખાતા, થયું હરિ કામ તોજ ફળ ખાતા.
પહોંચ્યા ત્યાંજ સૌ સેના સમાજા, આપ પ્રતાપ કહે સૌ સાજા,                                 નાથ કાર્ય કર્યું હનુમાને, હોય હરિ કૃપા પછી ડર શાને.
પ્રેમ સહિત હનુમંત સંગ કપિવર, પહોંચ્યાં જ્યાં ભ્રાતા સંગ હરિવર,                   સ્નેહ સમેત ભેટ્યાં પ્રભુ સૌને, કુશલ મંગલ પૂછે હર કોઈ ને.
જામવંત વદે શુભ વાણી, જે પર આપની દયા દરશાણી,                             હોય સદા શુભ કુશલ સદંતર, જે પર હોય તવ કૃપા નિરંતર.
નાથ કાજ હનુમાન ની કરણી, સહસ્ત્ર મુખ જાયે નહીં વર્ણી,                             જે પ્રકાર હનુમંત કર્મ કીધાં, આપ પ્રતાપ ધન્ય કરી દીધાં.
હરખ ભેર પ્રભુ મળે હનુમાના, કહો તાત સીયા કેમ સમાના,                            રહે કેમ ત્યાં જનક દુલારી, હસે ભોગવવી પડતી લાચારી.
નાથ કવચ એક નામ આપનું, સદા સ્મરણ બસ પ્રભુ પાદનું,                            ચૂડામણિ દઈ કહે સંદેશો, જઈ કરુણા નિધિ રામ ને કહેશો.
શું અપરાધ નાથ મને ત્યાગી, હું મન કર્મ વચન અનુરાગી,                              એક કસૂર અચૂક રઘુરાયા, રામ વિયોગ તજી નહીં કાયા.
કહે હનુમાન વિપત્તિ પ્રભુ ત્યારે, રામ નામ ભજન નહીં જ્યારે,              હે રઘુપતિ હવે વિલંબ ન કરજો, મારી ખલ દલ મુજ માત દુ:ખ હરજો.
નયન નીર પ્રભુ વાત વિચારી, અનહદ પીડ જનક દુલારી,                                   મન કર્મ વચન જેના મારા ચરણે, કેમ વિચારૂં દુ:ખ તેને શમણે.
હે કપિ આપ સમાન ઉપકારી, નહીં કોઈ નજરે આવે મારી,                                      કેમ કરી ૠણ ઉતારૂં તમારું, ધરે નહીં ધરપત વ્યગ્ર મન મારું.
સાંભળી શબ્દ પ્રેમાળ પ્રભુ ના, હરખ ન માય મન હનુમંત કાં,                 કરી દંડવત પ્રભુ ચરણ ગ્રહી લીધાં, અનાયાસ હરિ કર શીશ દીધાં.
કહો હનુમંત ઝાળી કેમ લંકા, કેમ પ્રકાર છળ્યા નર બંકા,                  નાથ પ્રતાપ બસ આપ જ કારણ, બન્યું સંભવિત સૌ ટળ્યું મુજ ભારણ.
રઘુવીર ત્યાં સુગ્રીવ બોલાવે, સૈન્ય સકળ ને સજ્જ કરાવે,                              કરીએ પ્રયાણ વિલંબ ન કરતાં, કરે કટક જયકાર હરખતાં.
એજ પ્રકાર કીધી તૈયારી, શુકન થયાં શુભ સૌને ભારી,                                    શુભ શુકન સીતા ને થાતાં, અપશુકન રાવણ ને દેખાતાં.
રાઘવ સૈન્ય અનંત બળ ભારી, અનેક પ્રકાર આયુધ કર ધારી,                        નાનાપ્રકાર ગમન કરે સેના, કોઈ ધરતી આકાશ મન તેના.
કંપે ધરા સમુદ્ર તળ થથરે, ધ્રૂજે પહાડ દિગ્ગજ સૌ બહુ ડરે,                            હરખે નાગ ગંધર્વ મુનિ કિન્નર, સુર સમેત મટે દુ:ખ નિરંતર.
શેષ નાગ શીશ ભાર બહુ ભારી, બને મૂર્છિત તે વારમ વારી,                           કચ્છપ પીઠ પટકે બહુ માથા, લખે જેમ રઘુવીર શૂર ગાથા.

રાગ ચોપાઈ જેવો- જે દિન થી કપિ લંકા જલાવી,  નગર જનોને નીંદર ન આવી
                     એક વાનર જો લંકા બાળે,    સકળ સેના થી બચીએં કોઈ કાળે   

                                મંગલ ભવન અમંગલ હારી, દ્રવહુ સુ દસરથ અજિર બિહારી.
                     તાકે જુગ પદ કમલ મનાવું,       જાસુ કૃપા નિર્મલ મતી પાવું.

મંદોદરી દશ શીશ મનાવે, નગર જનો નો ઉચાટ બતાવે,                           આદર સહિત સોંપો પર નારી, હૃદય ધરો આ વિનંતી મારી.
હે સ્વામી જે રામ સંગ લડશે, તેને સહાય શિવ બ્રહ્મા ન કરશે,                     રઘુપતિ બાણ સાપ દળ ભાસે, સૈન્ય રાક્ષસનું કેમ ટકી જાશે..
સુણી શબ્દ બોલ્યો અભિમાની, મંદોદરી કહું વાત મજાની,                    સહજ સ્વભાવ નારી ડર મન માં, રહે રક્ષિત ભલે મોટા મહેલ માં..
નામ માત્રથી મહારથી ડરતાં, સુર અસુર સૌ આદર કરતાં,                            એ લંકેશ ઘર તું પટરાણી, ઊપજે હાસ્ય વાત તુજ જાણી..
જો કપિ સૈન્ય લંકા ગઢ આવે, નિશાચર ને મરકટ બહુ ભાવે,                    મંદોદરી અતિ મનમાં એ વિચારે, વિપરીત આજ વિધાતા મારે..
જઈ લંકેશ સિંહાસન બિરાજે, દરબારી સંગ ચર્ચા કાજે,                            એજ સમય ખબરી એક આવ્યો, સમાચાર ગંભીર લઈ લાવ્યો..
સાગર પાર કરી સેના આવી,  સંગે અસ્ત્ર શસ્ત્ર બહુ લાવી,                               કરે મસલત મંત્રી ગણ સાથે, સંકટ પડે નહિ લંકા માથે..
કરે પ્રશંસા મન ડર ભારી, કરતાં ખુશામત બહુ દરબારી,                               જીત્યા દેવ નિશાચર આપે, નર વાનર હવે કષ્ટ શું આપે..
સચિવ ગુરુ ભય વશ જૂઠ બોલે, રાજ ધરમ પતન પથ ખોલે,                      એજ પ્રકાર લંકેશ ભટકતો, સત્ય શિખામણ વિણ ના અટકતો..
એ અવસર વિભીષણ ત્યાં આવી, બેઠાં આસન શીશ નમાવી,                           હે ભ્રાતા કહું વાત વિચારી, શાખ ટકાવો છોડી પર નારી..
કામ ક્રોધ મદ લોભ તજી ને, રહો સદા રઘુનાથ ભજી ને,                               તાત રામ નહીં કેવળ રાજા, સ્વામી સકળ જગત સમાજા..
પરમ બ્રહ્મ પૂરણ છે નીરોગી, સદા સર્વદા અનંત એ યોગી,                  દીન દયાળુ કૃપાળુ છે કરુણાકર, મનુષ્ય દેહ ધરી તારે ભવ સાગર..
મુનિ પુલસ્તિ આપ્યો સંદેશો, વિભીષણ જઈ લંકેશ ને કહેશો,                      યોગ્ય સમય જાણી કહું ભ્રાતા, રાગ દ્વેષ તજી નમો જગ તાતા..
માલ્યવંત એક સચિવ સુજાણા, સુણી વચન બહુ અતિ હરખા                તાત વિભીષણ બોલ્યા શુભ વાણી, માનો વાત મને સત્ય સમજાણી..
અતિ રાવણ ક્રોધ કરી બોલે, મુજ દુશ્મન  મોટા કરી તોલે,                             કરો દૂર સભાખંડ માંથી, માલ્યવંત નિજ ગૃહ ગયા ત્યાંથી..
કર જોડી કહે વિભીષણ વાણી, સુમતિ કુમતિ સૌ ઉર સમાણી,                  જ્યાં સુમતિ ત્યાં સંપતી સઘળે, જ્યાં કુમતિ સૌ વિપત્તિ માં સબડે..
આપ હૃદય કુમતિ છે સમાણી, સમજી શકે નહીં એ શુભ વાણી                         કાલ રાત્રિ છે નિશાચર માથે, તેથી પ્રીતિ પર નારી સાથે..
તાત ચરણ પડી ને છે કહેવું, અહિત ન હોય આપનું રજ જેવું,                         વેદ પુરાણ કહી સમજાવે, રાવણ મન કંઈ સમજ ન આવે..
કહે રાવણ અતિ અકળાઈ, કરે કેવી વાત કેવો તું ભાઇ,                     કોણ ન જીત્યા મેં આ જગત માં, અતિશય બળ છે મુજ આ ભુજા માં..
મુજ પ્રતાપ જીવન તું વિતાવે, તોય શત્રુ ને શ્રેષ્ઠ બતાવે,                         રાવણ મદ માં રહી અતિ ભારી, જઈ વિભીષણ લાત દે મારી..

રાગ ચોપાઈ જેવો-પડી લાત પણ સંત ન કોપે,           સત્ય બોલે મર્યાદા ન લોપે
                    કહે વિભીષણ સમજ મુજ તાતા,  રામ ભજન માં ભલાઈ છે ભ્રાતા..
                    એમ કહી મંત્રી ગણ સાથે,      ગગન મારગ ગયા આળ ન માથે,                  
                    જતાં વિભીષણ લંકા પડી ઝાંખી, ગયું તેજ બળ હીન પ્રજા આખી..
                            
                              મંગલ ભવન અમંગલ હારી, દ્રવહુ સુ દસરથ અજિર બિહારી.
                    તાકે જુગ પદ કમલ મનાવું,      જાસુ કૃપા નિર્મલ મતી પાવું.


વિભીષણ મન ઉમંગ અનેરો, લેવું હરિ શરણ આનંદ ઘણેરો,                         જે પદ કમલ અહલ્યા ઉદ્ધારી, દંડક વન થયું પાવન કારી..
જે ચરણો સીતા મન ધરતાં, કપટી મારીચ પાછળ દડતાં,                             જે સર સરોજ શિવ ઉર જેવાં, કરી દર્શન મહા સુખ લેવા..
ચરણ પાદુકા ભરત શિર ધારે, એજ ચરણ ને વંદવા મારે,                          એમ વિચારી પાર સિંધુ આવે, દેખી રીંછ વાનર શંકા લાવે..
સુગ્રીવ જઈ કહે રઘુરાયી, આવ્યા મળવા દશાનન ભાઈ,                       નિશાચર લોક કપટ અતિ જાણે, ધરી છળ રૂપ સંકટ કોઈ આણે..
ભેદ સમજવા જાસૂસ પણ આવે, કરીએ બંદી મુજ મન એ ભાવે,                 સખા નીતિ તમે સત્ય વિચારી, પણ સુગ્રીવ મારી ગતિ ન્યારી..
શરણે આવેલ ને જો ન સ્વીકારે, તે નર નીચ બહુ મન મારે,                         શરણાગત સ્વાગત પ્રણ મારું, ભય ભીતિ દુ:ખ દર્દ નિવારું..
નિર્મલ મન મુજ અંતર આવે, છલ કપટ મુજને નહીં ભાવે,                    સુણી પ્રભુ વચન હનુમાન હરખાયા, દયાવંત દયાનિધિ દરશાયા..
હોય નિશાચર જે સંસારે, ક્ષણ અંદર તેને લક્ષ્મણ મારે,                             પણ જો કોઈ શરણાગત આવે, આપું શરણ રક્ષણ મુજ પાવે..
પ્રભુ વચન લઈ શિર ધરીને, ગયા હનુમાન જય કાર કરી ને,                         અંગદ સમેત સ્વાગત કીધાં, સાદર પ્રભુ સમીપ કરી દીધાં..
લક્ષ્મણ સંગે દીઠાં હરિવર ને, કરે વંદન વિભીષણ સૌ ને,                        કમલ નયન પ્રભુ શ્યામ શરીરે, હ્રદય વિશાળ આજાનભુજ ધારે..
મુખ મંડલ અલૌકિક સોહે, કામદેવ પણ મુગ્ધ બની મોહે,                                સિંહ સમાન કાંધ પ્રભુ દેખી, નયન નીર વિભીષણ પેખી..
હે પ્રભુ રામ હું રાવણ ભ્રાતા, નિશાચર વંશ અવગુણ બહુ તાતા,                     યશ અપાર સુણી તવ ચરણે, કાપો કષ્ટ આવ્યો પ્રભુ શરણે..
વાત સુણી વિભીષણ કેરી, હરખે લીધો ભુજા માં ઘેરી,                                    કહી લંકેશ બેસાડ્યા સંગે, પૂછે કુશળ પરિવાર સૌ અંગે..
તમે રહો શઠ રાક્ષસ સાથે, કેમ બચાવો નિયમ જે માથે                                    હું જાણું નીતિ ધર્મ તમારો, લેતા નથી અન્યાય સહારો..
નાથ આજ હું બન્યો બડભાગી, રામ ચરણ દરશ રટ લાગી,                જ્યાં લગી જીવ હરિ શરણ ન જાતો, સપને પણ એ સુખી નહિ થાતો..
જ્યાં લગી હરિ નાં ભજન ન ભાવે, લોભ મોહ અભિમાન મદ આવે,      જ્યાં લગી પ્રભુ પ્રકાશ નહીં મનમાં, ત્યાં લગી ઘોર અંધકાર જીવન માં..
જે પ્રભુ રૂપ મુનિ સ્વપ્ને નહિ આવે, અહો ભાગ્ય મને હ્રદયે લગાવે,                પદ પંકજ બ્રહ્મા શિવ સેવ્યા, ધન્ય ધન્ય એ યુગલ પદ દેખ્યા..
કહે રઘુનાથ સાંભળ સખા કહું તે, છળ કપટ મદ મોહ તજી ને,                       મમ સ્વભાવ જાણે શિવ શિવા, હોય દ્રોહી સ્વીકારૂં જન એવા..
માત પિતા બંધુ સુત દારા, તન ધન મિત્ર સમગ્ર પરિવારા,                             સૌનો મોહ એક તાંતણે બાંધી, મુજ ચરણે લાવી દે બાંધી..
હર્ષ શોક ઇચ્છા નહીં દિલ માં, સમભાવી જેને ભય નહીં મનમાં,                   લોભી ધન જેમ વસે મુજ મનમાં, તે કારણ ધરું દેહ અવનિ માં..
જે સગુણ હો પર હિત કારી, નીતિ નિયમ અતિશય જેને  પ્યારી,                      હે લંકેશ આ ગુણ છે તમારા, તેથી છો મને અતિશય પ્યારા..
સ્પર્શી પ્રભુ પદ વારમ વારી, કહે વિભીષણ હરિ કૃપા તમારી,                         હે સચરાચર અંતર્યામી, શિવ મન ભાવન ભક્તિ દો સ્વામી...
અસ્તુ કહી સિંધુ જલ ને મંગાવે, રાજ તિલક વિભીષણ ને કરાવે,                         મમ દર્શન જે કોઈ કરતા, વણ માંગ્યે અચૂક ફળ મળતાં..

રાગ ચોપાઈ જેવો-          સંપતી મળી જેને શિવ ને ભજી ને,   દસ મસ્તક બલિદાન કરી ને,        
                              તે સઘળી આપી વિભીષણ ને, જાણી પ્રિય ભક્ત પોતાનો ગણી ને..
                                         
                                             મંગલ ભવન અમંગલ હારી, દ્રવહુ સુ દસરથ અજિર બિહારી.
                              તાકે જુગ પદ કમલ મનાવું,       જાસુ કૃપા નિર્મલ મતી પાવું.


સમજી સ્વભાવ કૃપાળુ પ્રભુ કેરો, વ્યાપ્યો કપિ ગણ આનંદ અનેરો,               એ સમય પુષ્પ વૃષ્ટિ થઈ ભારે, પ્રભુ પૂછે વિભીષણ ને ત્યારે..
હે લંકેશ ઉપાય બતાવો, કેમે સમંદર પાર કરાવો,                                 અનેક પ્રકાર જલચર વસે તેમાં, નીર અગાધ રહ્યું બહુ જેમાં..
હે રઘુનાથ તવ અમોઘ બાણે, શોષે કોટિ સમુદ્ર એજ ટાણે,                           પણ પ્રભુ નીતિ શાસ્ત્ર પ્રમાણે, પ્રથમ સિંધુ વીનવો અટાણે..
સખા બતાવ્યો તમે યોગ્ય ઉપાયી, કરે દેવ જો હવે સહાયી,                         કહે લક્ષ્મણ એક બાણ હણી ને, કરો વાર પ્રભુ ક્રોધ કરી ને..
વિભીષણ જ્યારે લંકા ત્યાગે, રાવણ દૂત તેની પાછળ લાગે,                     છદ્મ રૂપ ધરી સૈન્યમાં પ્રવેશ્યા, હરિ ના ગુણ અલૌકિક દેખ્યા..
જાણી શત્રુ દૂત બંદી બનાવ્યા, લઈ સુગ્રીવ ની સન્મુખ લાવ્યા,                  કહે કપિરાજ અસ્થિ ભંગ કરીને, પરત પઠાવો જઈ રાવણ ને..
પણ લક્ષ્મણ દયા દિલ માં લાવી, કહે રાવણ ને સંદેશ કહાવી,                        જો માતા પરત નહીં આપે, નિશ્ચય કાળ ઊભોછે સમીપે..
કરી વંદન રઘુપતિ ગુણ ગાતા, દૂત રાવણ ને કહે હરિ ગાથા,                   બોલ્યા રાવણ કરો બધી વાતો, વિભીષણ ત્યાં કેવો ગભરાતો..
કહો દુશ્મન સૈન્ય કેવું બળ ધારી, લડવા ચાહે જે સંગ મારી,                            કેવા તપસ્વિ કહો વાતો પૂરી, કે મુજ ડર થી રાખે દૂરી..
કહે દૂત અભય દ્યો અમને, સત્ય વાત બતાવીએ તમને,                        અનુજ આપના આદર પામ્યા, રાજ તિલક કરી રામે નવાજ્યા..
છૂપું રૂપ નહીં છૂપ્યું અમારું, કેદ કરી દુ:ખ દીધું બહુ સારું,                    નાક કાન જ્યારે કાપવા લાગ્યા, શપથ રામની દઈ બચી આવ્યા..
રામ સૈન્ય ની કરણી શું કહેવી, કોટિ કોટિ મુખ વર્ણવે ન તેવી,                        જે કપિ કર્યો ક્ષય અક્ષયનો, તે વાનર નાનો છે સૈન્ય નો ..
નીલ નલ અંગદ ગદ બલ ભારી, દ્વિવિદ મયંદ કેહરિ ગતિ ન્યારી,                    જાંબવંત સુગ્રીવ સમાણા, ગણે ત્રણ લોકને તૃણ સમાના..
પદ્મ અઢાર સૈન્ય બહુ મોટું, સાંભળી વાત ન હોય એ ખોટું,                        એક ન યોદ્ધો એવો ભાળ્યો, જે કોઈ આપથી જાય જે ખાળ્યો..
એકજ બાણ સાગર દે સુકાવી, કરે પાર લઈ પહાડ ઉઠાવી,                           જો રઘુનાથ અનુમતિ આપે, દળ કટક સૌ ક્રોધ વશ કાંપે..
રામ તેજ બુદ્ધિ બળ એવા, કવિ કોવિદ કહી શકે નહીં તેવા,               નીત અનુરૂપ વિભીષણ શીખ લઈ ને, માંગે માર્ગ સાગર તટ જઈ ને..
સુણી સૌ વાત રાવણ હંસી બોલ્યો, રિપુ બળ હીન ભેદ તમે ખોલ્યો,           ભીરુ વિભીષણ ની સલાહ જે માને, તે જશ વિજય કેમ કરી પામે..
રાવણ વચન અહંકાર બહુ ભારી, ક્રોધિત દૂત કહે સમય વિચારી,                 રામ અનુજ સંદેશ છે આપ્યો, માર્ગ જીવન નો સત્ય બતાવ્યો..
જે કોઈ રામ વિમુખ થઈ રહેશે, બ્રહ્મા વિષ્ણુ કે શિવ ન સંઘરશે,                    તજી મદ મોહ કુળ બચાવો, વિભીષણ જેમ હરિ શરણે આવો..
કહે રાવણ ભય રાખી મન અંદર, નાનો તપસી કરે છે આડંબર,                 રહે ધરા મન ગગન વિચરતાં, એજ પ્રમાણ તપસી દિલ કરતાં..
કહે શુક માનો વાત અમારી, છોડી રોષ કરો યોગ્ય વિચારી,                                 તજી દ્વેષ વૈદેહી વળાવો, કુળ સમસ્ત લંકેશ બચાવો..
સુણી વાત લાત દે મારી, કરી વંદન શુક લંકા પરિહારી,                       જઈ શરણ શ્રી રામ ની લીધી, કરુણા ધામે તેને નિજ ગતિ દીધી..
પ્રથમ પ્રભુ સાગર તટ આવી, પાર ઉતરવા રહ્યા મનાવી,                    વીત્યા દિવસ ત્રણ દાદ ન દેતાં, ઊઠ્યા પ્રભુ અતિ ક્રોધ કરી લેતાં..
શઠ સંગ વિનય કુટિલ સંગ પ્રીતિ, નહીં સમજે એ છે પ્રતીતિ,                         એમ કહી પ્રભુ ચાપ ચડાવે, એ મત લક્ષ્મણ ને બહુ ભાવે..
પ્રભુ ક્રોધ જલચર અકળાયા, દેખી સમુદ્ર પણ અતિ ગભરાયા,                      વિપ્ર રૂપ ધરી સિંધુ શીશ નામી, કહે પ્રભુજી નમામી નમામી..
અગન આકાશ પવન જલ પૂથ્વી, જડ સ્વભાવ પ્રભુ સત્ય સમજવી,                    એ માયા આપે ઊપજાવી, આપો આજ્ઞા શીશ ધરી લેવી..
આપ ઉપકાર મને શિક્ષા આપી, મુજ મર્યાદા યાદ અપાવી,                              ઢોલ ગમાર શૂદ્ર પશુ નારી, એ સૌ દંડ તણા અધિકારી..
નાથ નલ નીલ કપિ બે ભ્રાતા, સ્પર્શ માત્ર પથ્થર તરી જાતા,                        એ પ્રકાર રચો સેતુ એવો, ગાય ત્રણ લોક જેની કીર્તિ તેવો..
આપ ચાપ ઊતર દિશ મારો, દુષ્ટ પાપી નિશાચર મારો,                              જોઇ કૃપાલ સાગર મન પીડા, કરી સંધાન મારે રણધીરા..
ભાળી રામ પુરુષાતન સિંધુ, ગયો નિજ ધામ વંદન હરિ કીધું,                      તુલસીદાસ ચરિત્ર આ ગાયું, મતિ અનુસાર સરળ સમજાવ્યું..
જે કોઈ રામ કથા આ કહેશે, કલી કાલ સૌ પાપ ને હરશે,                            પ્રેમ સહિત શ્રવણ જે કરશે, ભક્તિ સમેત ભવ સાગર તરશે..

રાગ ચોપાઈ જેવો- દીન " કેદાર " અનુવાદ કર્યો છે,   નત મસ્તક હરિ ચરણે ધર્યો છે,                
                                  પ્રેમ સહિત આ પાઠ સૌ કરજો,       ભવો ભવનું તમો ભાતું ભરજો
                   લખ ચોરાસી હરિ પાર ઉતારે,      પહોંચે જીવ જ્યારે પ્રભુ ના દ્વારે.            
                                 જાણી નિજ ભક્ત રઘુનાથ સ્વીકારે,           નહીં જનમ  વારમ વારે..                                         
                                        
                  
                      મંગલ ભવન અમંગલ હારી, દ્રવહુ સુ દસરથ અજિર બિહારી.
                      તાકે જુગ પદ કમલ મનાવું,      જાસુ કૃપા નિર્મલ મતી પાવું.


ઇતિ શ્રી રામચરિતમાનસે સકલકલિકલુષવિધ્વંસને
પંચમ: સોપાન: સમાપ્ત;