Thursday, October 18, 2018

હૃદય મારું ખંખોળી જો


                                  હૃદય મારું ખંખોળી જો

             
સાખીઓ-  કંઠમાં કૃષ્ણ ભક્તિ હો, અધર પર નામ અંબાનું,  
                                હૃદય માં રામ ની માળા, સદાએ સ્મરણ શંકરનું
            વિચારો માં સદા વિઠ્ઠલ, લોચનિયા લાલ ને નિરખે, 
                               ખયાલે ખલક નો ભરતા, ભજન ગાતાં હૈયું હરખે   

સકળ સંસાર રચનારા,    ભૂધર મુજ ભાળ તો લઈ જો
અંતર ઊંડાણમાં જઈને,       હૃદય મારું ખંખોળી જો.....

માનવનો જન્મ આપીને,     છે આપ્યું રંગ મંચ મુજને
કરું શુભ કાર્ય હું મારું, પ્રભૂતું        પાત્ર બતાવી જો..

કરું કોઇ કર્મ કાળા તો,      ટપારો ટાપલી મારી

બનીને રાહબર મારા,   ભરોસો તું કરી તો જો...
રહે તુજ ગાન ખુમારી,      પ્રભુ તું, આવીને પરખી જો...

કદીક કરુણા કરી કેશવ,         કહે જો માંગવા મુજને, 
અહર્નિશ આપના દર્શન,     અનુભવ તો કરીને જો...

અગર અવકાશ કાઢીને,     તું સમણામાં તો આવી જો,  
કરું બંધ દ્વાર નયનો ના,     કરી છળ ત્યાંથી છટકી જો..... 

કરી "કેદાર" પર કરુણા,       વસે જો મન મંદિર મારે,
ભુલાવું વાસ વૈકુંઠનો,            ભરોસો એ કરીતો જો....

ભાવાર્થ- હે ઈશ્વર, તેં આ સકળ સંસારની રચના કરી છે, એમાંનો એક હું પણ છું, ક્યારેક સમય કાઢીને મારા પર ધ્યાન તો દે! ક્યારેક મારા મન ની વાત પણ જાણી લે, 
        હે ઈશ્વર, મારી પાંસે કોઈ ધન ના ભંડાર નથી, કે કોઈ અન્ય મોટી સંપતી પણ નથી,  મને તો બસ અહર્નિશ તારા ભજન ગાવાની ખુમારી છે. કદાચ તને મારા પર પ્રેમ આવે અને તું જો મને માંગવાનું કહે, ને વચન આપે, તો હું તો બસ તારા દર્શનનો અભિલાષી છું, એક વાર મારી માંગણીનો અનુભવ તો કરી જો ! બસ મને તારા દર્શન થતા રહે, ભલે તે બંધ આંખે થતા હોય, અને જો એવું વચન ન આપી શકે તો એકવાર મારા સપનામાંતો આવી જા! અને પછી જો કે મારી આંખોમાં તને એવો કેદ કરી રાખું કે ત્યાંથી તું છટકીજ ના શકે. 
       હે ઈશ્વર, જો તું દયા કરે અને કદાચ મારા હૃદયમાં આવીને વસે તો હું તને ખાત્રી આપું છું કે તારા એવા લાલન પાલન કરું કે તને ફરી વૈકુંઠ જવાનું યાદજ ન આવે. 
જય દ્વારિકેશ.