Saturday, July 3, 2010

જલારામ બાપા

જલારામ બાપા

વીરપુર વાસી હરિગુણ પ્યાસી,  ડંકો વગાડ્યો પૂરા દેશમાં
          દાતા તમે આવ્યા જલા ના વેશ માં....

માતા રાજબાઇ ખોળે જન્મ ધર્યોને,  પિતા પ્રધાન પરખાણા
વીરબાઇ સરીખી મળી અર્ધાગના. ભકિત તરબોળ દરશાણા
સાધુ સંતોની સેવા કરતાં,  અંતર ઉમંગ  આવેશ માં..

અંગે અંગરખું હાથમાં બેરખો,  ગાલે લાખું લાખેણું
ગળે રુદ્રાક્ષની માળા ઓપતી,  શોભા તારી શું વખાણું
હાથમાં લાકડી માથે પાધડી, ઓલીયો લાગે છે કેવો ખેસં માં.

પ્રભુ એ આવી લીધી પરીક્ષા,  વિરબાઇ માંગી લીધાં
લેશ ન માયા ઉરમાં આણી, હરખે વળાવી દીધાં
ઝોળીને ધોકો દઈ  છટકયા સીતા પતિ, ચાલ્યા સાધુના
પહેરવેશમાં 

રામની ભકિત ભાળી પ્રગટ્યા પવનસુત મૂર્તિ  રૂપ મંડાણા
હેતે ભગત ને આશિષ આપતાં, પ્રેમ ભાળીને પરખાણા
સદાએ સંતની સાથમાં રહેતા,  બેસે કોઇ ભકતના વેશમાં..

રામના નામની ધૂણી ધખાવી, ભુખ્યાને અન્નજળ આપતાં
દીન દુખિયાની કરતા ચાકરી, કષ્ટો ગરીબના કાપતાં
અવળાં ઉતપાત કોઇ અંતર ના આણતાં, બોલે ભલેને કોઇ દ્વેશ માં

દેશ વિદેશના ભકતોની ભીડ જામે,  સેવા કરવામાં સૌ શુરો
હેતે હરિજન  દર્શન કરતાં, પામે સંતોષ પુરે પુરો
એક અધેલો ચડેના ચડાવો,  કોઇપણ દાણ ના પ્રવેશ માં...


દીન "કેદાર" પર દયા દરશાવો, આશિષ અવિરત આપજો
સદા રહે મારે હ્ર્દયે રામજી, એવી  મતી મારી રાખજો
હરિગુણ ગાતાં ઉડે પંખેરૂ મારૂં, આવુ તારે દ્વારે શુદ્ધ વેશ માં
   

રચયિતા
કેદારસિંહજી મે. જાડેજા
ગાંધીધામ (કચ્છ)
મો. નં ૯૪૨૬૧૪૦૩૬૫
Email (P.P) : -  kedarsinhjim@gmail.com

No comments:

Post a Comment