આવે જ્યારે ઇર્ષા ઉરની માંય,
આવે ઉર ની માંય પછી એમાં સત્ય સુજે નહિં કાંઇ....
લક્ષ્મીજી બ્રહ્માણી સંગે સમજે રુદ્રાણી માત,
અમ સમાણી કોઇ પતિવ્રતા નહિં આ અવની માંય......
નારદજીએ આ ભ્રમણા ભાંગવા કર્યો એક ઉપાય,
અનસૂયા ની ઓળખ આપી મહા સતીઓ ની માંય...
ત્રણે દેવીઓ હઠે ભરાણી સ્વામી કરો ને કંઇક ઉપાય,
લો પરીક્ષા સૌ સંગે મળીને અવર ન સમજીએં કાંઇ...
બ્રહ્મા, વિષ્ણુ મહાદેવ મળીઓ ને આવ્યા સતી ને ત્યાંય,
આપો ભિક્ષા અંગ ઉઘાડે અવર ના કોઇ ઉપાય...
સતી સમજ્યા અંતર મનથી કર્યો તર્ક મન માંય,
આદરથી એક અંજલિ છાંટિ બાળ બનાવ્યા ત્યાંય...
ત્રણે દેવીઓ મનમાં મૂંઝાણા પુછે નારદજી ને વાત,
પ્રભુ તમારા ઝુલે પારણિએ અનસૂયા ને ત્યાંય....
કર જોડી કરગરે દેવીઓ આપો અમારા નાથ,
બાળ બન્યા મુજ બાળ થઇ આવે અવર ન માંગુ કાંય...
ત્રણે દેવો એક અંસ બની ને ધર્યું દત્તાત્રેય નામ,
"કેદાર" ગુણલા નિતનિત ગાતો લળી લળી લાગે પાય...
સાર:-
અત્રિ રૂષિ ના પત્નિ અનસૂયા માતાની પતિવ્રત ધર્મ ની પ્રતિસ્ઠા થી ઇર્ષા
પામી ને બ્રહ્માણી, લક્ષ્મીજી અને રુદ્રાણીએ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને
તેમની પરીક્ષા લેવા મજબૂર કર્યા. તેથી ત્રણેય દેવો બ્રહ્મચારીનું રૂપ
ધારણ કરીને અનસૂયા માતા પાસે પધાર્યા. તે સમયે અનસૂયાજી એકલાંજ હતાં,
ત્રણેય દેવોએ એવી આકરી શરત મૂકી કે નિર્વસ્ત્ર થઈને ભિક્ષા આપો તો જ
ભિક્ષા લઈશું નહીં તો પાછા જઈશું. જો અતિથિ ખાલી હાથે પાછો ફરે તો
સતિત્વ ધર્મ લાજે. આથી માતા અનસૂયાએ હાથમાં પાણીની અંજલિ ભરીને સંકલ્પ
કર્યો કે 'જો મારી સ્વામીભક્તિ અચળ હોય તો આ ત્રણેય ભિક્ષુકો આ જ ક્ષણે
બાળક સ્વરૂપને પામે'. પાણીની અંજલિનો સ્પર્શ થતાં જ જગતના સર્જક
પ્રજાપિતા બ્રહ્મા, પાલનહાર વિષ્ણુ અને સંહાર ના દેવ મહાદેવ નાના બાળક
બની ગયા. માતા અનસૂયાએ ત્રણેય બાળકોને પારણામાં પધરાવી દીધાં. બ્રહ્મલોક,
વૈકુંઠ અને કૈલાશ ત્રણેય લોક ઉપર ત્રણેય દેવીઓ ચિંતિત થઈ કે ત્રણેય દેવો
ક્યાં અદૃશ્ય થઈ ગયા. તે સમયે નારદજીએ કહ્યું કે સતીનાં પારખાં લેવા જતાં
ત્રણેય દેવો બાળક બનીને માતા અનસૂયાના પારણે ઝૂલી રહ્યાં છે. ત્રણેય
દેવીઓએ માતા અનસૂયાની માફી માંગી અને પોતાના પતિની માગણી કરી ત્યારે માતા
અનસૂયાએ તેમનો સત્કાર કરીને જણાવ્યું કે તમારા સ્વામી પારણાંમાં સૂતા છે.
ઓળખીને લઈ જાવ. ત્યારે ત્રણેય દેવીઓ મૂંઝાઈ ગઈ અને અનસૂયા માતાને વિનંતી
કરીને કહ્યું કે અમે અજ્ઞાની ઓળખી ના શક્યા. આપ જ અમારા સ્વામીને ઓળખાવો
ત્યારે માતા અનસૂયાએ ફરીથી પાણીની અંજલિ છાંટીને ત્રણેય દેવોને પુર્વવત્
સ્થિતિમાં લાવી દીધા. ત્રણેય દેવોએ વરદાન માટે કહ્યું ત્યારે અનસૂયા
માતાએ કહ્યું કે તમે ત્રણેય દેવો મારા પુત્ર સ્વરૂપે પધારો અને અમને ધન્ય
કરો. આથી ત્રણેય દેવોએ અત્રિ ઋષિ અને સતી અનસૂયા માતાને ત્યાં આદ્ય ગુરુ
દત્તાત્રેય સ્વરૂપે પ્રગટ થયા.
રચયિતા
કેદારસિંહજી મે જાડેજા
ગાંધીધામ કચ્છ
www.kedarsinhjim.blogspot.com
અછાંદસ અને ગઝલોના સમયમાં આ ભજન પરંપરા ભુલાઈ રહી/ગઈ છે ત્યારે આ રચનાઓ સંતોષ આપનારી છે.
ReplyDeleteધન્યવાદ સાથે...