Wednesday, August 1, 2012

અવસર

અવસર
ઢાળ:- કાફી જેવો


-સાખીઓ-
રાખ ભરોંસો રામ પર, કરશે તારાં કામ. હેતે ભજી લો રામ ને, એક જ છે સુખ ધામ

પલ પલ ભજી લે રામ ને, છોડ જગત ની માયા. સઘળા કાર્ય સુધારશે, કંચન કરશે કાયા

રામ રામ બસ રામ જપ, રામ જપ બસ રામ. શીદ ને સડે સંસાર માં, મિથ્યા જગત નું કામ..


અવસર આ અણમોલ મલ્યો છે, ભજી લે ને ભગવાન ને
જાણ નથી ક્યારે જમડા આવે, સેવી લે સુંદર શ્યામ ને...

માતા તણા ઉદર નહિ ભગવાન ને ભજતો હતો. કીધો ભરોંસો ભૂધરે, અવતાર તુજ આપ્યો હતો
પરવશ જાણી માને પ્રેમ આપ્યો, સમજી લે જે તારી સાન ને...

ભૂખ્યો ન રાખે ભૂધરો, સોંપીદો સઘળું શ્યામ ને. રાખો ભરોંસો રામ પર,
કરવાદો સૌ કિરતાર ને
જેણે બનાવ્યો એજ જિવાડે, ગાવ એના ગુણ ગાન ને...

આપેલ સઘળું ઈશ નું, માનવ થકી મળશે નહી. મોકો ન ભૂલજે માનવી, જીવન આ જડશે નહી
મહેર પામો માધવ કેરી, રટીલો રાધે શ્યામ ને...

પલ પલ રટણ કર રામનું, માળા મોહન ના નામ ની. ભજી લે ભાવથી ભૂધર, કળા એક જ આ કામ ની
દીન "કેદાર" પર દયા દરશાવો, ભાળું અંતે ભગવાન ને...

સાર-સંતો મહંતો એમ કહે છે કે માનવ દેહ દેવતાઓને પણ મળવો કઠિન છે, આપણા
શાસ્ત્રો પણ કહે છે કે જ્યારે જ્યારે ભગવાને અવતાર ધારણ કર્યો છે, ત્યારે
ત્યારે મોટા ભાગે મનુષ્યનો દેહજ ધર્યો છે. આવો અણમોલ માનવ દેહ આપણને
મળ્યો છે, અને એ ખબર નથી કે તે કેટલા સમય માટે મળ્યો છે, જો આપણને આપણા
જીવન ની અવધી ખબર હોય તો આપણે એ પ્રમાણે આયોજન કરી શકીએ, પણ એકતો ખબર છેજ
કે ક્યારેક ને ક્યારેક તો યમના તેડા આવવાનાં છે. માટે ઉપર વાળા એ આપેલ આ
અમૂલખ માનવ જીવનનો ઉપયોગ કરીને હરિનાં એવા ગુણગાન કરી લઈએ કે ભગવાને
આપણને ફરી ફરીને માનવ દેહ આપવોજ પડે, બાકીતો અન્ય પામર કીડા મકોડા પણ
જીવન તો જીવેજ છે.
જ્યારે જીવ માતાના ઉદરમાં પ્રવેશ કરે, ત્યારે સંતો મહંતો ના કહેવા મુજબ
તેને બધી સમજ હોય છે. અને તેથી તે ભગવાન ને અરજ કરે છે કે મને આ કેદ થી
જલદી છોડાવો, હું આપનાં ભજન કરીને મારું જીવન સાર્થક કરીશ. પણ આપણને
બનાવનારો બરાબર જાણે છે, જન્મની સાથેજ આપણી વાણી છીનવી લે છે, તે જ્યારે
આગલાં જન્મની સ્મૃતિ જતી રહે પછી મળે છે. તેથી આગળના કોઈ સંબંધ કે હિસાબ
કિતાબ માં ફસાયા વિના પ્રભુ ભજન કરીએ. પણ આ ત્રુટી ને ટાળવા હરિએ માને
એવી દૃષ્ટિ આપિછે કે બાળક ના એક એક ઇશારાને મા સમજી જઈને બાળક નું જતન
કરે છે.
આપણે કોઈ જાનવર ને પાળીએ તો તેનું દરેક પ્રકારે પાલન પોષણ કરીએ છીએ. તો
જગતનો પાલનહાર આપણને કેમ ભુખ્યો રાખે? બસ એના પર ભરોંસો રાખીને એના ગુણ
ગાન કરતા રહીએ.
આપણે આપણી કોઈ પણ જરૂરત માટે બીજા કોઈ પર નિર્ભર ન રહેતાં બધું ઊપર
વાળાને સોંપીને હર પળ હર ક્ષણ ભજન કરતું રહેવું, અને એવું જીવન જીવવું કે
આ જીવન સફળ બની જાય, બાકી કોઈ પણ કારસો કામ આવતો નથી. પણ આ સંસારની માયા
એવી લાગે છે કે આ બધું કરવું સહેલું નથી રહેતું, એના માટે પણ આપણે બધું
ઊપર વાળાને સોંપી દેવું, જય શ્રી રામ.

રચયિતા:
કેદારસિંહજી મે. જડેજા
ગાંધીધામ. ૯૪૨૬૧ ૪૦૩૬૫
kedarsinhjim@gmail.com
kedarsinhjim.blogspot.com

No comments:

Post a Comment