જીવન માં ક્યારેક એવા પ્રસંગો આવી જાય છે કે આપણે અથાક પ્રયત્ન કરવા છતાં પ્રાપ્ત કરી શકતા નથી, પણ ક્યારેક ઈશ્વર મહેરબાની કરે તો આકસ્મિક રીતે મળી જાય છે. આવોજ એક અમૂલ્ય પ્રસંગ મારા જીવનમાં પણ અનાયાસ બની ગયેલો, આજે પણ જ્યારે જ્યારે એ વેળાની કોઈ વાત કે કોઈ એવી બાબત ની ચર્ચા નીકળે છે ત્યારે ત્યારે હું ધન્યતા અનુભવું છું.
આજે સાલ તો ચોક્કસ લખી નથી શકતો પણ લગભગ ૧૯૬૦ કે ૬૨ ની આસપાસ ની વાત છે, કરજણ જંકશન પાસે મિયાં માતર ગામના સ્વ. ઠાકોર સાહેબ શ્રી અજીતસિંહજી મારા મામા થાય, અને વડોદરા માં તેમના પ્રતાપ નગર માં "માતર હાઉસ" નામક બંગલા માં કોઈ ધાર્મિક પ્રસંગ હતો, ત્યારે મને પુ. મામા સાહેબે કહ્યું કે "ભાણુ, દાંડિયા બજાર માં ડોંગરેજી મહારાજ નામના ભુદેવ રહે છે તેને લેવા જવાનું છે, તું ત્યાં કોઈને પુછી ને તેમનું મકાન ગોતી લેજે."
ત્યારે આજના જેવી ભીડ ભાડ ન હતી, નામ પુછતાં જ ભુદેવનું મકાન મળી ગયું, મને યાદ છે ત્યાં સુધી પુર્વાભીમૂખ દ્વાર માં પ્રવેશતાંજ પ્રમાણ માં મોટો ઓરડો, સામે જાડી મોટી ગાદી પર ઢળિયું ટેબલ, પાછળ તકિયો અને એક ગાદલા પર સાદી ચાદર, જમણી બાજુએ કદાચ આગંતુકો માટે બેસવા પાથરણું, ઓરડા માં એકાદ બે ભીંત ચિત્રો, યાદ નથી પણ કદાચ માખણ ચોર લાલા નાજ હશે, એ સિવાય ખાસ કોઈ રાચ રચીલું ન હતું, ટેબલ પાછળ શાંત ચિત્તે બેઠેલા ભુદેવે મને આવકારી ને મારા આવવા નું પ્રયોજન પૂછ્યું. મેં સ્વ.ઠાકોર સાહેબ નું નામ આપતાં મને નમ્રતા થી કહ્યું, "ભાઈ, પાંચ દશ મીનીટ બેસો હું આ કાર્ય પુરૂં કરી લવ."
થોડાજ સમયમાં એ ભુદેવ સાદા ધોતિયા પર એક ઉપ વસ્ર પહેરી ને તૈયાર થઈ ગયા અને ગાડી માં મારી બાજુમાં બિરાજી ગયા.
પૂજા વિધી પૂર્ણ થતાં હું પાછો એ ભુદેવ ને દાંડિયા બજાર પહોંચાડવા ગયો, ત્યારે ભુદેવે નમ્રતાથી કહ્યું "ભાઈ ઉમરના પ્રમાણમાં ગાડી સારી ચલાવો છો." ત્યારે મને ખબર ન હતી કે મને આજે જેમના સારથી બનવાનો મોકો મળ્યો છે તે કોણ છે? બસ અનાયાસ બે હાથ જોડીને મેં એ નમ્ર ભુદેવ ને વંદન કર્યા.
આજે જ્યારે જ્યારે એ પ્રસંગ યાદ આવે છે ત્યારે હું મારી જાતને ધન્ય ગણું છું કે જેમની ભગવત કથા સાંભળવા અને જેના દર્શન માત્ર કરવા લોકો દૂર દૂર થી આવતા, કંઈક નામાંકિત-અનામી સંતો મહંતો જેમની સેવા સ્વીકારવા પધારતા, એ મહાન સંતને આજની પેઢીએ નજરો નજર જોયેલા હોય એવા બ્રહ્મલીન પ્રાત: વંદનીય શ્રી શ્રી-કેટલા પણ શ્રી લગાડો તો મારા મતે ઓછા પડે-ડોંગરેજી મહારાજ ના સારથી બનવાનો મોકો મને મળ્યો એ વિચારે હું મારી જાતને ધન્ય ગણું છું, મારા માતુશ્રી ની અનન્ય ભક્તિ ના પ્રતાપે જ એ શક્ય બનેલું, પણ ત્યારે મને ખબર ન હતી કે આ મારા જીવન ની ધન્ય ઘડી હું માણી રહ્યો છું.
જય શ્રી કૃષ્ણ.
No comments:
Post a Comment