Tuesday, January 1, 2013

દાન.

હમણાં સોમનાથ મહાદેવ ને કોઈ દાનવીરે સોના ના થાળા ની ભેટ ચડાવી, એવા મહાન દાની લોકો ની સેવા બિરદાવવા માટે મારી પાસે કોઈજ શબ્દો નથી, હજારો વર્ષો થી સોમનાથ દાદાને આવી ભેટો મળતી રહે છે, અને તેથીજ વિકૃત માનસ ધરાવતા લોકોએ અનેક વખત સોમનાથ પર ચડાઈ કરી ને તેને લૂંટવા નો પ્રયાસ કર્યો છે. અનેક નામી અ નામી દાતાઓ એ અનેક રીતે દાન કરીને પોતાનો ઈતીહાસ બનાવ્યો છે. મહા દાની કરણ, કે જેની પાસેથી કોઈ પણ યાચક ખાલી હાથે પાછો ન ફરતો. ઘણા દાનીઓ એ જ્યારે યાત્રાળુઓને રહેવાની સગવડ ન હોય તેવી અગોચર દુર્ગમ પહાડી અથવા એવી જગ્યા કે જ્યાં ખાલી હાથે જવું પણ અઘરું લાગતું હોય, ત્યાં સિમેન્ટ પથ્થરો અને લાકડા પહોંચાડી ને અદ્યતન ધર્મશાળાઓ બનાવી, તો કોઈ મહાનુભાવે અન્નક્ષેત્રો ચાલુ કરાવ્યા. કોઈ કોઈ સંપ્રદાય મહાલયો બનાવવામાં આગળ રહ્યા તો કોઈ વળી દેવાલયો બનાવવામાં અરબો ખરબો ના દાન લઈને એક થી એક ચડીયાતા મંદિરો બનાવવામાં લાગી ગયા. અવા તો અનેક દાતાઓ આપણા ભારત વર્ષમાં થઈ ગયા જેણે પોતાનું નામ સુવર્ણ અક્ષરે માનસ હ્રદય માં કોતરાવી દીધું. હાલના વિજ્ઞાનના સમય માં લોકો અંગોનું દાન કરી ને ચિકિત્સા પધ્ધતિ માં સહાય રૂપ બનવા લાગ્યા છે.
ક્યારેક મન એમ પણ વિચારવા મજબૂર બની જાય છે કે શિરડી વાળા સાંઈબાબા કે જેમણે આખી જીંદગી એક ધોતી અને ઝભ્ભો પહેરી ને કોઈ સામાન્ય ભેટ પણ ન સ્વીકારી ત્યારે આજે બાબા ને સોના ના સિંહાસન અને અન્ય મૂલ્યવંત આભુષણો ધરવામાં આવે છે, તે બાબાને ગમતા હશે કે ભક્તો સામે મજબૂર બની ને સ્વીકારવા પડતા હશે?
 
આપણા શાસ્ત્રમાં સૌથી જો કોઈ મહા દાન માનવામાં આવતું હોય તો તે છે અન્ન દાન, અને તે પણ જો કોઈ પણ જાતની સેવા સ્વીકાર્યા વિના કરવામાં આવતું હોય તો તે દરેક દાન થી અનેકો અનેક ગણું મહાન ગણાય. આજના યુગમાં જો ઊડીને આંખે વળગે એવું આ પ્રકારનું કોઈ સ્થાન ભારત વર્ષમાં મારા ધ્યાન માં હોય તો તે છે સૌરાષ્ટ્રમાં આવેલું વીરપુર નું જલારામ મંદિર, કે જ્યાં એક પણ પાઈ નું દાન કોઈ પણ રૂપમાં સ્વીકારવામાં આવતું નથી. છતાં કોઈ જાતનો પ્રચાર કરવામાં આવતો નથી.

મારા પોતાના મત પ્રમાણે મોટા મોટા મહાલયો કે મોટા મોટા મંદિરો માં જ્યારે દર્શનાર્થિ જાય છે ત્યારે શાંતિ કે ભક્તિ મેળવવા ના બદલે ભવ્યતા અને વૈભવમાં એવો તો લીન થઈ જાય છે કે તે ઘડી ભર ભગવાન ને પણ ભૂલી જાય છે, અને તેથી આવા મહા મંદિરો નો આશય (ભક્તિ) વિસરાય જાય છે. એના બદલે એટલી રકમ માંથી અમુક રકમ ની કોઈ હોસ્પિટલ બનાવી અને બાકી રકમ  કોઈ બેંકમાં જમા કરી ને તેના વ્યાજ માંથી ઘણી જગ્યાએ ચાલતી સેવાઓ અનેકો અનેક ગણી વધારે આશીર્વાદ રૂપ બને છે. અને એમાં સારવાર પામી ને નવ જીવન મેળવેલો માનવી કોઈ ભવ્ય મંદિરમાં જઈ ને મેળવેલી શાંતિ થી અનેકો અનેક ગણી પરમ શાંતિ જીવન ભર પામે છે.   

મને એક પ્રસંગ આ સમયે યાદ આવે છે.
ભૂકંપ વખતે ચોરી ચપાટીના બનાવો જ્યારે ખુબજ વધી ગયેલા ત્યારે પોલીસ ખુબજ સખત થઈ ગયેલી, એ વખતે અમારી સોસાયટી માં ચપ્પુ છરી સજાવનાર એક યુવાન આવ્યો અને મારે ત્યાં તેને લાયક કોઈ કામ હોય તો આપવા કહ્યું. મારે ત્યાંથી ત્રણ છરીઓ સજાવવા મળી, જ્યારે મેં મજૂરી પૂછી તો કહેવા લાગ્યો કે સાહેબ, અમદાવાદ માં અમોને ચોરી કરતાં હોવાનો શક કરી ને લોકો તેમજ પોલીસ હેરાન કરે છે, તેથી કંટાળીને વગર ટીકીટે અહિં કંઈક કામ મળશે એ આશાએ આવ્યો છું પણ સ્ટેશન પર ઉતરતા ની સાથે જ અમોને હેરાન કરવામાં આવી રહ્યા છે, તેથી કાલ બપોરથી કંઈ ખાધું નથી, જો થોડું ખાવાનું આપશો તો ઘણો ઉપકાર થશે.
મેં તેને બેસાડીને ભર પેટ જમાડ્યો, ઉપરથી મજૂરીના પૈસા પણ આપ્યા, પણ મેં તેના ચહેરા પર જે સંતોષ ના ભાવ જોયા તે આજે પણ હું ભૂલી શક્યો નથી.
સત્ય સાંઈ બાબા માટે અનેકો અનેક સાચી ખોટી વાતો થતી, પણ તેમણે જે વિદ્યાલયો અને ચિકિત્સાલય બનાવી, અને તેમાં પણ ગરીબો ને મફત ઇલાજ અને વિદ્યા દાન આપવામાં આવે છે તેનું જે મહત્વ મને સમજાય છે તે ભગવાન ને ૫૬ ભોગ ધરવાથી અનેક ગણું વધારે લાગે છે. ભગવાન તો ભાવના નો ભુખ્યો છે, માનવ ને ભુખ્યો રાખી ને ભગવાન ને ભોગ લગાવો તો હું નથી માનતો કે ભગવાન એ ભોગ જમે. અરે મને તો લાગે છે કે આવા ભોગથી તે પ્રસન્ન થવાના બદલે ક્રોધાયમાન થતો હશે અને કહેતો હશે કે હે નાદાન, તું શું સમજે છે? મારું એક પણ સર્જન ભૂખ્યું હોય ત્યારે હું ભોગ આરોગું?   

આજના ઘણા લેભાગુ બાબાઓ મોટા મોટા વચનો આપીને દાન ના રૂપ માં કહેવાતા ભક્તો (હાજી કહેવાતા ભક્તો, સાચો ભક્ત કદી આવા ઢોંગી બાબાઓ ના શરણે ન જાય, હરિ ને છોડીને હરામી પાસે માંગે નહીં) ને લૂંટે છે, તેમની પાંસેથી કંઈ પણ મળવાની અપેક્ષા રાખવી નિરર્થક છે, કારણ કે જે ખુદ માંગીને કે ઠગી ને ખાય છે તે તમને શું આપશે?

મિત્રો મારી બુદ્ધિ પ્રમાણે મને જે લાગે છે તે લખું છું, માટે મારા મત સાથે સહમત થવાની જરૂર નથી, પણ કોઈ પણ કર્મ કે દાન સમજી વિચારી ને કરાય અને યોગ્ય રીતે કરાય તો જ તેનું શુભ ફળ મળે છે, નહીં તો તેમાં નુકસાન થવાની સો એ સો ટકા સંભાવના છે. એવા ઘણાએ દાખલા આપણા શાસ્ત્રોમાં મોજૂદ છે કે કોઇએ ગેર માર્ગે દોરાઈ ને કે યોગ્ય પાત્રની જાણકારી વિના દાન કરીને પુણ્ય ને બદલે પાપ કમાયું હોય.

આશા કરૂં ઇશ્વર સૌને સદ બુધ્ધિ આપે, (મને પણ.)
જય નારાયણ.

કેદારસિંહજી એમ જાડેજા
ગાંધીધમ.
kedarsinhjim@gmail.com
૯૪૨૬૧૪૦૩૬૫

No comments:

Post a Comment