Saturday, June 15, 2013

સારંગધર ની સાખી.


સારંગધર ની સાખી.

પ.પુ. મોરારી બાપુની કથામાંથી સાંભળેલી એક વાત કે જે આ બ્લોગના મિત્રો માંથી ઘણાએ ન પણ સાંભળી હોય તો તેમના માટે મારી યાદ શક્તિ મુજબ રજૂ કરુંછું.

એક સમયે આખા ભારતનો પ્રવાસ કરવા નીકળેલા કાશીના એક વિદ્વાન પંડિત રસ્તામાં આવતા રજવાડામાં પધારે અને તે રજવાડાના કોઈ પણ જ્ઞાની જન સાથે શાસ્ત્રાર્થ કરે, અને શરત એવી રાખે કે જો પોતે જીતે તો તેમને રાજ્ય તરફથી એક અમુક વજન ની સોનાની ગાય ભેટમાં આપવી, અને જો તેઓ હારી જાય તો તેમના પાસેની બધી સોનાની ગાયો સામેના પ્રતિસ્પર્ધી ને ભેટમાં આપીદે. એ જમાનામાં કોઇ પણ રાજ્ય પોતાની શાખ ખાતર આવી સ્પર્ધામાં ન ઉતરવાનુંતો વિચારી પણ ન શકતા, તેથી સ્પર્ધા તો જરૂર થતી.

આમ ફરતા ફરતા આ પંડિતજી જામનગર રાજ્યમાં પધાર્યા, મોટા ભાગે દરેક રાજ્યમાં દરેક ક્ષેત્રના જ્ઞાની લોકોને રાજ્ય તરફથી તેમની વિદ્વતાના બદલામાં યોગ્ય વર્ષાસન મળતું જેમાંથી તેમનું ગુજરાન ચાલતું, અને મોભો પણ જળવાતો.

આ પંડિતજીએ ભર સભામાં પોતાની શરત જાહેર કરી અને જણાવ્યું કે રાજન, આપના રાજ્યનો હું મહેમાન બન્યો છું તેથી પ્રથમ પ્રશ્ન આપના રાજ્ય તરફથી જેપણ મારી સામે શાસ્ત્રાર્થ કરવા પધારશે તેને પૂછવાનો હક્ક રહેશે, કોઇ પણ ક્ષેત્રનો અને કોઇ પણ વિષયનો અને દુનિયા ની કોઇ પણ ભાષાનો પ્રશ્ન પૂછી શકાશે, જેનો જવાબ હું આપીશ ત્યાર બાદ હું પ્રશ્ન પૂછીશ, આમ એક પછી એક પ્રશ્નોતરી થતી રહેશે, છેલ્લે જે જવાબ આપી નહીં શકે તે હાર્યો ગણાશે.

જામનગર રાજ્યના વિદ્વાનો વિચારવા લાગ્યા કે આ કેવો મહાન જ્ઞાની હશે જે કૂઇ પણ વિષય અને કૂઇ પણ ભાષા વિષે પૂછવા કહેછે, બધા ખૂબ મુંજાવા લાગતા જોઈને પંડિતજીએ કહ્યું કે આપ ચિંતા ન કરશો આપને પૂરે પૂરો સમય આપવામાં આવશે, જ્યાં સુધી આપ કોઇ મારી સામે શાસ્ત્રાર્થ કરવા તૈયારી નહીં થાવ ત્યાં સુધી રાજ્ય તરફથી મને યોગ્ય સન્માન સાથે રહેવાની અને મારા ભોજન વગેરે જરૂરતની સગવડ રાજ્યે કરવાની રહેશે.

એક દિવસ બે દિવસ ત્રણ દિવસ એમ સમય વીતવા લાગ્યો, રાજ તરફથી પંડિતો પર દબાણ વધવા લાગ્યું કે જેમ જેમ સમય પસાર થશે તેમ તેમ રાજ્યની આબરૂ ઘટતી જશે કે આવડા મોટા રાજ્યમાં એક પણ પંડિત જવાબ આપી શકે તેવો જ્ઞાની નથી.

આખા રાજ્યમાં વાત ફેલાઈ ગઈ કે કોઇ મહા જ્ઞાની પંડિત આવ્યાછે તેનો કોઇ સામનો કરી શકતું નથી. સમય પસાર થતો ગયો તેમ તેમ બધે ચિંતા ફેલાવા લાગી કે આપણા રાજ્યની આબરૂ જઈ રહીછે.

જામનગરની બાજુમાં એક નાનું એવું ગામ, ત્યાં એક ગરીબ બ્રાહ્મણ નામે સારંગધર ખેતી કરે, ભગવાન માં અખૂટ વિશ્વાસ, તેને આ ખબર પડી તો ગામના આગેવાન પાસે જઈને વાત કરી કે આપણા રાજ્યના પંડિતો જવાબ આપવા સક્ષમ ન હોય તો હું એ પંડિતજી સાથે શાસ્ત્રાર્થ કરવા તૈયારછું, રાજ્યની આબરૂ મારા માટે પણ એટલીજ મહત્વની છે જેટલી આપણા પંડિતોની.

ગામના આગેવાને જામનગર જઈને રાજ સભામાં આ ગરીબ બ્રાહ્મણની વાત કરી, જામનગરના મહારાજાએ રાજ્યના પંડિતોને શું કરવું તે બાબત પૂછ્યું તો બધાએ વિચાર્યું કે કરવાદોને, આપણા પરથી ભાર ઉતરી જશે, હારી જશે તો કહેવા થશે કે આતો આપે આગ્રહ કર્યો બાકી આવા માણસ ને શાસ્ત્રાર્થ કરવા થોડો બેસાડાય? અને જો જીતી જશે તો કહેવા થશે કે જો આવો સામાન્ય બ્રાહ્મણ જીતી શકતો હોય તો અમેતો શુંનું શું કરી શકીએ.

રાજ્ય તરફથી અનુમતિ મળતાં શાસ્ત્રાર્થની તૈયારી થઈ, સામ સામે બે આસન ગોઠવાયા, પેલા પંડિતજીએ ઉભા થઈને સારંગધરને હાથ જોડીને પ્રણામ કર્યા, સારંગધર કહેવા લાગ્યા કે આપ જેવા જ્ઞાની મને હાથ જોડે તે યોગ્ય ન લાગે ત્યારે પેલા પંડિતજીએ નમ્ર ભાવે કહ્યું કે આપ મારી સામે શાસ્ત્રાર્થ કરવા બેઠાછો માટે સમકક્ષ છો પણ ઉમરમાં આપ મારાથી મોટા છો તેથી મારા વડીલ છો તેથી મારે વંદન કરવા જોઈએ, {કેવો મહાન વ્યક્તિ?} અને  પહેલો પ્રશ્ન પણ આપનેજ પૂછવાનો હક્ક છે.    

સારંગધરે સભા જનો અને જામનગરના મહારાજાને પ્રશ્ન પૂછવા માટેની અનુમતિ માંગી, સર્વે લોકો મનો મન હાર સ્વીકારવાની તૈયારી રાખીનેજ બેઠેલા, કારણ કે એક સામાન્ય ખેતી કરતો બ્રાહ્મણ આ પ્રખર જ્ઞાની પંડિતને જીતે એવું તો કોઈએ વિચારેલુંજ નહીં. 

પંડિતજીના આગ્રહને વશ સારંગધર પ્રશ્ન પૂછતાં પહેલાં ઈશ્વર અને સર્વે જન મેદનીને પ્રણામ કરીને નમ્રતા સાથે પંડિતજીને કહ્યું, પંડિતજી હૂંતો એક ગરીબ સામાન્ય ખેતી કરતો અભણ માણસ છું એટલે મને શાસ્ત્રમાં વધારે ખબર નપડે, શું હું ખેતીને લગતો કોઈ પ્રશ્ન પૂછી શકું? પંડિતજીએ નમ્રતાથી અનુમતિ આપી એટલે સારંગધરે કહ્યું કે અમો ગામડામાં ભજન ગાઈએં ત્યારે ભજન પહેલાં સાખી બોલીએ તો મારે એક સાખી પુછવીછે, પૂછું ? બધા દરબારી અને ખુદ જામનગર મહારાજા પણ વિચારવા લાગ્યા કે આવા મહાન જ્ઞાની ને એક સાખી પૂછવાની ? આતો તુર્તજ જવાબ આપી દેશે, પણ હવે કંઈ થઈ શકે તેમ ન હતું. પંડિતજીની મંજૂરી મળતાં સારંગધરે પૂછ્યું. "આડી વાગે ઊભી વાગે, વાગે બાળી નાખી,   બાળી નાખી બોલે નહીં, આ સારંગધર ની સાખી" સભાસદો સાખી સાંભળી ને નવાઈ તો પામ્યા કે આ સાખી છેતો નવી પણ આવા પ્રખર પંડિતને  શું નવું લાગે? પણ એ પંડિત પણ વિચારમાં પડી ગયા, તેણે સારંગધરને ફરી એકવાર સાખી બોલવા વિનંતી કરી, સારંગધરે ફરીથી કહું,  "આડી વાગે ઊભી વાગે, વાગે બાળી નાખી,   બાળી નાખી બોલે નહીં, આ સારંગધર ની સાખી"  પણ પંડિતજીના પલ્લે કંઈ ન પડ્યું, સારંગધરે કહ્યું ભુદેવ આપણે કંઈ ઉતાવળ નથી, આપ આરામથી વિચારો, જ્યારે જવાબ મળે ત્યારે કહેજો. પંડિતજીએ ખૂબ ખૂબ વિચાર કર્યો પણ કંઈ સમઝમાં ન આવ્યું, ત્યારે સારંગધર સામે નત મસ્તકે ઉભા રહીને પોતાની હાર સ્વીકારી લીધી. આખા જામનગર રાજ્યમાં વાયુ વેગે આ વાત ફેલાઈ ગઈ, પંડિતજીએ પોતાના પાસે હતી તે સર્વે સોનાની ગાયો સારંગધરના હવાલે કરીને કહ્યું, "ભુદેવ, હું હાર્યો છું તેથી મને હવે આપને કંઈ પૂછવાનો અધિકાર નથી પણ જો આપ દયા કરીને આપના પ્રશ્નનો જવાબ જણાવો તો હું આભારી થઈશ" હવે આ જવાબ સાંભળવા તો આખી મેદની અને ખુદ જામનગર મહારાજા પણ ઉત્સુક હતા,  તેથી સારંગધર કહ્યું કે "ભુદેવ અમે ખેતી કરીએ, ખેતરમાં બોરડી નામે એક ઝાડ થાય અને તેના કાંટા ખૂબ થાય, આ કાંટા અમારે અમારા પાકમાં ફેલાય નહીં અને અમોને વાગે નહીં તેથી કાપવા પડે, પણ એ કાંટા વાઘના નખ જેવા વાંકા હોય અમે કાપવા જઈએ ત્યારે તે આડા પણ વાગે ઊભા પણ વાગે ગમે તેમ કરો પણ ક્યાંકને ક્યાંક તો વાગેજ, તેથી અમો તેને બાળી નાંખીએ, પછી તે કોઈ નુકસાન ન કરે.

સારંગધરનો જવાબ સાંભળીને આખી સભા અને પેલા જ્ઞાની પંડિતજી પણ સ્તબ્ધ થઈ ગયા. કવી શ્રી દુલા ભાયા કાગનું ભજન છેને? "અભણ કેટલું યાદ રાખે, ભણેલા ભૂલી જાય"
જય શ્રી રામ.

ફોટો સૌજન્ય : ગૂગલ ઈમેજીસ
કેદારસિંહજી મે. જાડેજા
ગાંધીધામ.   ૯૪૨૬૧ ૪૦૩૬૫

No comments:

Post a Comment