કુદરત નો કાયદો
રાગ-કાગ બાપુનું ભજન જગમાં એકજ જનમ્યો રે જેણે રામ ને રૂણી રાખ્યા.....
કુદરત નો કાયદો એવો રે, એ તો હારે જે મદ ને રાખે,, હોય ભલેને ભૂપ ચમરધર, પળમાં પટકી નાખે... કુદરત નો...
જપ તપ તીરથ સેવ્યાં શંભુ ને, કર કૈલાસ જે રાખે, દશ દશ મસ્તક શિવને ચડાવ્યાં તોએ, રાવણ રોળાયો રાખે..કુદરત નો...
વાલી જેવા વાનર મોટા, લંકેશ કાંખ માં રાખે , કંસ ચારૂણ ગયા અભિમાને, વેદ પુરાણ ની શાખે...કુદરત નો...
ડુંગર ઉપર દેવો બિરાજે પણ, નજરું નીચી રાખે, માળ બે માળ જ્યાં માનવ ચડે ત્યાં, અવર થી ઊંચો ભાખે..કુદરત નો...
મોટા મોટા માર્યા ગયા, અભીમાની રોળાયા ખાખે, ચાર દિવસનું ચાંદરડું આ, મનખો મદ બહુ રાખે..કુદરત નો...
દીન "કેદાર" પ્રભુ કરુણા કરજો, દ્વેષ ન દિલમાં દાખે, નિર્મળ દેહે નિર્વાણ હું પામું, કોઈ વિઘન નહીં નાંખે..કુદરત નો...
No comments:
Post a Comment